મૉન્સૂનમાં ફરવા જવાના હો તો આટલાં ગૅજેટ્સ સાથે રાખજો

15 July, 2022 12:55 PM IST  |  Mumbai | Harsh Desai

આ બધાં જ સાધનો કદાચ રોજિંદા જીવનમાં આપણે બહુ વાપરતા નથી, પરંતુ વરસાદમાં એનાથી તમારી ઑર્ડિનરી ટ્રિપ એક્સ્ટ્રા-ઑર્ડિનરી અને યાદગાર બની જશે એની ગૅરન્ટી

મૉન્સૂનમાં ફરવા જવાના હો તો આટલાં ગૅજેટ્સ સાથે રાખજો

ટ્રાવેલિંગની એક અલગ જ મજા છે અને એમાં પણ ચોમાસામાં ટ્રાવેલિંગની વાત જ અલગ છે. ઘણા એવા લોકો પણ હશે જેમને ચોમાસામાં ઘરની બહાર જવું પસંદ નહીં હોય, પરંતુ ચોમાસાને એન્જૉય કરનારા લોકો પણ ઓછા નથી. વરસાદ ગાંડો થઈને પડી રહ્યો છે ત્યારે વીક-એન્ડ પર નાની-મોટી ટ્રિપ પર જનારા પણ ઘણા લોકો છે. આ લોકો માટે પાંચ ગૅજેટ્સ એવાં છે જે તેમની ટ્રિપને યાદગાર બનાવી શકે છે. ટ્રિપ પર જતી વખતે સૌથી પહેલાં કનેક્ટિવિટી, એન્ટરટેઇનમેન્ટ, હેલ્થ ટ્રેકિંગ અને મેમરીઝને કૅપ્ચર કરવાની વાતને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. તો આજે એવાં જ કેટલાંક ગૅજેટ્સ વિશે ચર્ચા કરીએ.
ઍપલ ઍરપૉડ્સ પ્રો | ટ્રાવેલિંગ ફૅમિલી સાથે અથવા ફ્રેન્ડ્સ સાથે અથવા તો સોલો કરવામાં આવે છે. આ સોલો ટ્રાવેલિંગ દરમ્યાન સૌથી અગત્યના છે હેડફોન. ચોમાસામાં વાયરવાળા હેડફોન અથવા તો ઓવર-ધ-હેડ હેડફોન તકલીફ આપી શકે છે. આથી ઍપલ ઍરપૉડ્સ પ્રો આ માટે બેસ્ટ છે. વરસાદ પડતો હોય તો પણ નાનાં હોવાથી કાનમાં એ સરળતાથી ફિટ થઈ જાય છે. તેમ જ એ વૉટર રેઝિસ્ટન્ટ છે એથી જરાતરા પાણી લાગ્યું હોય તો પણ વાંધો નહીં આવે. જોકે આ હેડફોનનું સૌથી અગત્યનું ફીચર નૉઇસ કૅન્સલિંગ અને સ્પેશલ ઑડિયો છે. આથી ટ્રાવેલ દરમ્યાન પણ નકામા અવાજથી દૂર રહેવા અને મગજને શાંતિ આપવા માટે આ ઍરપૉડ્સ પ્રો ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. જો ઍપલની પ્રોડક્ટ્સ મોંઘી લાગતી હોય તો નોઇસ કૅન્સલિંગ અને વૉટર રેઝિસ્ટન્ટ હોય એવા કોઈ પણ ઍરપૉડ્સ અથવા તો બડ્સને ખરીદી શકાય છે.
સ્માર્ટવૉચ | સ્માર્ટફોન આજે દરેક પાસે હોય છે, પરંતુ મૉન્સૂન ટ્રિપ દરમ્યાન સ્માર્ટવૉચ સાથે રાખવી વધુ હિતાવહ છે. સ્માર્ટવૉચ હેલ્થ ટ્રેકિંગ માટે ખૂબ જ ઉપયોગી છે. હાર્ટ રેટ, ઑક્સિજન લેવલ અને ઇમર્જન્સી કૉલ અને ટેક્સ્ટની સાથે સ્માર્ટવૉચ કનેક્ટિવિટી માટે પણ ખૂબ જ ઉપયોગી છે. ચોમાસામાં વારંવાર કૉલ કરવાનો અથવા તો રિસીવ કરવાનો ખૂબ જ કંટાળો આવે છે. આથી સ્માર્ટવૉચ હાથમાં હોય તો સરળતાથી વાત અથવા તો કૉલ કરી શકાય છે.  આ સાથે જ મોબાઇલની બૅટરી પૂરી થઈ ગઈ હોય તો પણ આ સ્માર્ટવૉચની મદદથી કૉલ કરી શકાય છે. આ માટે સૅમસંગ ગૅલેક્સી વૉચ અથવા તો ઍપલ આઇવૉચ બજેટ અનુસાર પસંદ કરી શકાય છે. માર્કેટમાં સસ્તી વૉચ પણ ઉપલબ્ધ છે પરંતુ જરૂરિયાત અનુસાર એની ખરીદી કરી શકાય છે, કારણ કે ઍપલ વૉચ વૉટરપ્રૂફ છે અને એને સ્વિમિંગ દરમ્યાન પણ પહેરી શકાય છે.
મિની ડ્રોન | ટ્રિપ દરમ્યાન સૌથી જરૂરી છે લોકેશનની અને લોકેશનને કૅપ્ચર કરવા માટે જરૂરી છે કૅમેરા. આજે સ્માર્ટફોનના કૅમેરા પણ ખૂબ જ સારા બની ગયા છે. જોકે ઑર્ડિનરી લોકેશનને પણ એક્સ્ટ્રા-ઑર્ડિનરી બનાવવાનું કામ ડ્રોન કરી શકે છે. ઇન્ડિયામાં મિની ડ્રોન માટે લાઇસન્સ લેવાની જરૂર નથી. ૨૫૦ ગ્રામથી ઓછું વજન ધરાવતા ડ્રોન માટે કોઈ લાઇસન્સની જરૂર નથી. જોકે એને રિસ્ટ્રિક્ટેડ એરિયામાં નહીં ઉડાવી શકાય. આ મિની ડ્રોન માટે DJI mini બેસ્ટ ઑપ્શન છે. આ ડ્રોન ચાર હજાર મીટર ઊંચેથી એરિયલ શૉટ લઈ શકે છે જે લોકેશનને વધુ જોરદાર બનાવી દે છે. કોસ્ટલ એરિયા અથવા તો પર્વતાળ વિસ્તારમાં પણ એ સારી રીતે કામ કરી શકે છે. જોકે ડ્રોન પણ બજેટ અનુસાર ખરીદી શકાય છે.
સારેગામા કારવાં | સારેગામા કારવાં ફક્ત પેરન્ટ્સ અથવા તો વુદ્ધો માટે જ નહીં, પરંતુ યુવાનો માટે પણ એટલું જ ઉપયોગી છે. સારેગામા કારવાંમાં પહેલેથી જ લેજન્ડ સિંગર્સનાં ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગૅજેટ્સમાં હજારો ગીતો પ્રી-લોડેડ છે જેથી એને વગાડવા માટે કોઈ કનેક્ટિવિટીની જરૂર નથી પડતી. આ સાથે જ એમાં યુએસબી અને વાઇ-ફાઇ જેવી પણ સુવિધા છે. તેમ જ ઍપ્લિકેશન દ્વારા એનો રિમોટલી પણ ઉપયોગ કરી શકાય છે. નવા ગોલ્ડ વર્ઝનમાં હર્મન કાર્ડન સ્પીકર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે જોરદાર સાઉન્ડ આઉટપુટ આપે છે. આથી વેકેશનને ઓલ્ડ ઇઝ ગોલ્ડ સૉન્ગ દ્વારા વધુ યાદગાર બનાવી શકાય છે.
પોર્ટેબલ પ્રોજેક્ટર્સ | મોટા ભાગની હોટેલમાં ટીવી હોય છે, પરંતુ એમાં પસંદીદા શો કે ફિલ્મ આવતા હોય એવું ભાગ્યે જ બને છે. આ સાથે ફાઇવસ્ટાર હોટેલ અથવા તો રિસૉર્ટમાં કૉન્ફરન્સ માટે પ્રોજેક્ટર હોય છે, પરંતુ એનો ઉપયોગ પર્સનલ યુઝ માટે નથી કરી શકાતો. કેટલાક ડાઇનર્સ મૅચ હોય ત્યારે પ્રોજેક્ટર્સનો ઉપયોગ કરતા હોય છે. જોકે હવે પોર્ટેબલ પ્રોજેક્ટર્સ માર્કેટમાં ઉપલબ્ધ છે જેને કૅરી કરવા સરળ છે. આ પ્રોજેક્ટર્સમાં XGIMI સૌથી આગળ છે. આ કંપનીના મોગો સિરીઝ 40000થી લઈને ઑરા સિરીઝ 3.50 લાખ સુધીની વિવિધ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. જોકે આ પ્રોજેક્ટર્સની ખાસિયત એ છે કે એ પોર્ટેબલ છે. એટલે કે લાઇટ ન હોય તો પણ એ ચાલી શકે છે. બે કલાક સુધીનું બૅટરી બૅકઅપ આપી શકે છે. ઍન્ડ્રૉઇડ ઓએસ પર કામ કરતું હોવાથી ગૂગલ પ્લે સ્ટોર પર વિડિયો અને ગેમ્સ જેવી વિવિધ ઍપ્લિકેશનનો પણ ઉપયોગ કરી શકાય છે. પ્રાઇમ વિડિયો, નેટફ્લિક્સ જેવી વિવિધ ઍપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય છે. આ સાથે જ હર્મન કાર્ડનનાં સ્પીકર્સ આવે છે જે ડૉલ્બી ઇફેક્ટ આપે છે. આથી મિની વેકેશન દરમ્યાન ફ્રેન્ડ્સ સાથે દોસ્તી–યારીવાળી ફિલ્મ જોઈને અથવા તો પ્રેમી સાથે એક રોમૅન્ટિક ડેટ બનાવી શકાય છે. માર્કેટમાં પોર્ટેબલ પ્રોજેક્ટર ઘણાં ઉપલબ્ધ છે, પરંતુ હર્મન કાર્ડનનાં સ્પીકર્સ અને દરેક ઍપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય એવા ઍન્ડ્રૉઇડ પ્લૅટફૉર્મ પર કામ કરતાં સારાં પ્રોજેક્ટર્સ લિમિટેડ છે.

technology news tech news harsh desai columnists