એક્સક્લુ​ઝિવ ફીચર્સ માટે ચૂકવવા પડશે પૈસા

24 June, 2022 03:04 PM IST  |  Mumbai | Harsh Desai

સ્નૅપચૅટ, વૉટ્સઍપ અને ટેલિગ્રામ હવે એમનું પેઇડ વર્ઝન લાવી રહ્યાં છે : ફ્રી યુઝર્સ કરતાં વધુ અને પહેલાં કરતાં મળશે નવાં ફીચર્સ

એક્સક્લુ​ઝિવ ફીચર્સ માટે ચૂકવવા પડશે પૈસા

જીઓએ એક દિવસમાં એક જીબી ઇન્ટરનેટ ડેટા આપવાનો પ્લાન શરૂ કર્યો ત્યારથી ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ વધુ થઈ રહ્યો છે. એક મહિનામાં એક જીબી ડેટાનો ઉપયોગ કરનારા લોકો હવે એક દિવસમાં એક જીબી અથવા તો અઢી જીબી સુધી ડેટાનો ઉપયોગ કરે છે. આ ડેટાના ઉપયોગની સાથે ઇન્સ્ટન્ટ મેસેજિસની ઍપ્સનો ઉપયોગ પણ વધ્યો છે. આ ઉપયોગ એટલો વધ્યો છે કે એના પર હવે કંપનીઓનાં ગ્રુપ હોય છે અને એના પર બધું કામ થતું હોય છે. ઇન્ડિપેન્ડન્ટ યુઝર્સ પણ તેમના બિઝનેસ માટે આ ઍપ્સનો ઉપયોગ કરે છે. આ ઍપ્સ અત્યાર સુધી ફ્રીમાં હતી, પરંતુ હવે એમાં પણ સબસ્ક્રિપ્શન આવી રહ્યું છે. જોકે આ સબસ્ક્રિપ્શન એક્સક્લુઝિવ ફીચર્સનો ઉપયોગ કરનારા માટે જ હશે, નહીં કે બેસિક ફીચર્સનો ઉપયોગ કરનારા માટે. સ્નૅપચૅટ, વૉટ્સઍપ અને ટેલિગ્રામ તેમની ઍપ્સમાં હવે પેઇડ વર્ઝન લાવી રહ્યાં છે.
સ્નૅપચૅટ
સ્નૅપચૅટ ટીનેજર્સમાં ખૂબ જ ફેમસ છે. આ ફોટોશૅરિંગ ઍપ્લિકેશન એની પ્રાઇવસી અને સિક્યૉરિટી માટે જાણીતી છે. એક વાર મેસેજ જોઈ લીધા બાદ સ્નૅપચૅટ પર મેસેજ ઑટોમૅટિક ડિલીટ થઈ જાય છે. એને ૨૪ કલાક સુધી રાખવો હોય તો પણ એની સુવિધા છે. જોકે આ ઍપ્લિકેશનમાં પણ હવે સબસ્ક્રિપ્શન આવી રહ્યું છે. એક મહિના માટે યુઝરે ૪.૫૯ યુરો એટલે કે અંદાજે ૩૫૦ રૂપિયા ચૂકવવાના રહેશે. જોકે ઇન્ડિયામાં એની​ કિંમત કેટલી રાખવામાં આવશે એ હજી સુધી નક્કી નથી. આ ઍપને સ્નૅપચૅટ પ્લસ નામ આપવામાં આવ્યું છે. આ ઍપ્લિકેશનની અંદર યુઝર્સને ઘણાં ફીચર્સ આપવામાં આવશે. ઉદાહરણ તરીકે કોઈ પણ નવાં ફીચર્સ આવશે તો આ યુઝર્સને એનો સૌથી પહેલાં લાભ મળશે. કેટલાંક સ્પેશ્યલ રીઍક્શન અને અવતારનો પણ તે ઉપયોગ કરી શકશે. પ્રોફાઇલમાં ડિસ્પેલ બેજનો સમાવેશ કરવામાં આવશે. કેટલા અને કયા ફ્રેન્ડ્સ દ્વારા તમારી સ્ટોરીને કેટલી વાર જોવામાં આવી છે એ પણ જાણી શકાશે. આ સાથે જ તમારો ફ્રેન્ડ છેલ્લા ૨૪ કલાકમાં ક્યાં-ક્યાં ફરી આવ્યો એ પણ જાણી શકાશે. જોકે લોકેશન માટે એ ફ્રેન્ડે પહેલેથી લોકેશન શૅર કરેલું હોવું જરૂરી છે. આ સાથે જ નવાં કેટલાંક અન્ય ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવશે.
વૉટ્સઍપ
વૉટ્સઍપ પણ પેઇડ સબસ્ક્રિપ્શન પર કામ કરી રહ્યું છે. જોકે આ ફક્ત બિઝનેસ અકાઉન્ટ માટે છે. મેટા કંપની દ્વારા હાલમાં વૉટ્સઍપનાં કેટલાંક એક્સક્લુઝિવ ફીચર્સ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ ફીચર્સનો ઉપયોગ કરવો હશે તો એના પૈસા ચૂકવવા પડશે અને જો એ ન કરવો હોય તો ફ્રી વર્ઝનનો ઉપયોગ કરી શકાશે. વૉટ્સઍપ હાલમાં મલ્ટિ-યુઝર માટે અન્ય પ્લૅટફૉર્મનો ઉપયોગ કરી રહ્યું છે. આ મલ્ટિ-યુઝરમાં બિઝનેસમાં એક કરતાં વધુ પાર્ટનર હોય તો તેઓ પણ એક જ વૉટ્સઍપનો ઉપયોગ કરી શકશે. એટલે કે એક જ ચૅટમાં એક કરતાં વધુ યુઝર્સ ભાગ લઈ શકશે. આ સાથે અત્યાર સુધી ચાર ડિવાઇસને લિન્ક કરી શકાય એમ છે. જોકે પેઇડ વર્ઝનમાં દસ ડિવાઇસનો ઉપયોગ કરી શકાશે.  આ સાથે જ તેઓ અન્ય ફીચર્સ પર પણ કામ કરી રહ્યા છે જેનાથી તેઓ વધુમાં વધુ બિઝનેસ કરનારા લોકોને પેઇડ વર્ઝનનો ઉપયોગ કરવા માટે આકર્ષી શકે. આ માટે શું પ્રાઇસ રાખવામાં આવશે એ હજી સુધી નક્કી નથી, પરંતુ એ નજીવી કિંમત હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. છ મહિના અથવા તો એક વર્ષ માટેનું પેમેન્ટ સાથે કરવામાં આવે તો એ વધુ સસ્તું પણ પડી શકે છે.
ટેલિગ્રામ
ટેલિગ્રામ એક એવી ઍપ્લિકેશન છે જેમાં અન્ય ઇન્સ્ટન્ટ મેસેજિંગ ઍપ્સ કરતાં વધુ ફીચર્સ છે તેમ જ ફાઇલ સૅન્ડ કરવાની લિમિટ પણ વધુ છે. જોકે ટેલિગ્રામનો ઉપયોગ કરનારા લોકો હજી પણ આ તમામ લિમિટને દૂર કરવા માટે કહી રહ્યા છે. જો ટેલિગ્રામ એ કરે તો તેમના માટે ટ્રાફિક હૅન્ડલ કરવાનું મુશ્કેલ થઈ જાય છે, કારણ કે એ માટે કૉસ્ટ વધી જાય છે. આથી ટેલિગ્રામ પેઇડ વર્ઝન લઈને આવી રહ્યું છે. આ વર્ઝન દ્વારા ઍપ્લિકેશનમાં ગ્રુપમાં ઍડ કરવાની લિમિટ અને ફાઇલ સૅન્ડ કરવાની લિમિટ વગેરેને કાઢી નાખવામાં આવશે. એટલે કે યુઝર્સ જોઈએ એટલી મોટી ફાઇલ સૅન્ડ કરી શકશે અને ગ્રુપમાં પણ વધુ ને વધુ લોકોને ઍડ કરી શકશે. આ ઍપ્લિકેશનને ઍક્સેસ કરવાની સ્પીડમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ પેઇડ યુઝર્સ માટે સ્પેશ્યલ રીઍક્શન, ઇમોજી અને સ્ટિકરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં જે પણ નવાં ફીચર્સ આવશે એ તમામ સૌથી પહેલાં આ પેઇડ યુઝર્સને મળશે. ટેલિગ્રામ દ્વારા આ પેઇડ વર્ઝનની કેટલી કિંમત હશે એ જાહેર કરવામાં નથી આવી, પરંતુ એ પણ વૉટ્સઍપ સાથેની કૉમ્પિટિશનને ધ્યાનમાં રાખીને જ રાખવામાં આવશે.

technology news tech news harsh desai columnists