હવે તમે પણ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી શકશો તમને મનગમતી લિન્ક

02 July, 2021 01:24 PM IST  |  Mumbai | Harsh Desai

લિન્ક શૅરનું ફીચર આવવાનું હોવાથી ‘લિન્ક ઇન બાયો’થી છુટકારો મળશે ઇન્સ્ટાગ્રામ યુઝર્સને : હવે વૉટ્સઍપમાં પણ તમે મોકલેલો ફોટો કે વિડિયો સામેવાળી વ્યક્તિ એક જ વાર જોઈ શકે એવું પ્લે વન્સ ફીચર શરૂ થવા જઈ રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ મીડિયા દિવસે-દિવસે યુઝર્સને વધુ ફંક્શન ઍક્સેસ કરવા મળે અને સેફ્ટી અને સિક્યૉરિટી પણ મળી રહે એ દિશામાં આગળ વધતું રહે છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઍપ આ ત્રણ ઍપ્લિકેશનનો દુનિયામાં સૌથી પૉપ્યુલર ઍપ્લિકેશન્સમાં સમાવેશ થાય છે. ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઍપની પેરન્ટ કંપની ફેસબુક છે. જોકે આ ત્રણ ઍપ્લિકેશનનાં ફંક્શન્સ અલગ-અલગ છે. જોકે હવે વૉટ્સઍપનું ફંક્શન ઇન્સ્ટાગ્રામમાં અને ઇન્સ્ટાગ્રામનું ફીચર વૉટ્સઍપમાં પણ આવી રહ્યું છે. આ બે ફીચર વિશે જોઈએ.

લિન્ક ઇન બાયોથી છુટકારો

વૉટ્સઍપમાં જે રીતે સરળતાથી કોઈ પણ લિન્ક શૅર કરી શકાતી હતી એ ઇન્સ્ટાગ્રામ પર કરવું શક્ય નથી. યુટ્યુબનો કોઈ વિડિયો હોય કે પછી કોઈ સારો આર્ટિકલ હોય એને જે-તે યુઝર્સ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવો ખૂબ જ મુશ્કેલ છે. વેરિફાય અકાઉન્ટ દ્વારા અથવા તો પ્રોફેશનલ અકાઉન્ટ દ્વારા આ લિન્કને શૅર કરી

શકાય છે, પરંતુ સામાન્ય યુઝર્સ માટે આ લિન્કનું ફીચર ઉપલબ્ધ નથી. આથી જે-તે યુઝર્સ ઘણી વાર લિન્કને તેમની પ્રોફાઇલના બાયોમાં મૂકે છે અને ત્યાર બાદ પોસ્ટ કરે છે. જોકે ઇન્સ્ટાગ્રામ હાલમાં લિન્ક શૅર કરવાના ફીચર પર ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ટેસ્ટમાં યુઝર્સ મોટા ભાગે કેવા પ્રકારની લિન્ક શૅર કરે છે અને એમાં પણ લોકોને ગેરમાર્ગે દોરનારી લિન્ક શૅર કરે છે કે કેમ એ તમામનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ ટેસ્ટિંગમાં સફળ થયા બાદ લિન્ક ફીચરને જનરલ પબ્લિક માટે રોલ-આઉટ કરવામાં આવશે. જોકે આ ફીચર સ્ટોરી પૂરતું લિમિટેડ રહેશે.

ઇન્સ્ટાગ્રામનું વ્યુ વન્સ ફીચર હવે વૉટ્સઍપમાં

ઇન્સ્ટાગ્રામમાં યુઝર્સ અન્ય યુઝર્સને ફોટો અથવા વિડિયો મોકલે ત્યારે એક વાર જોવો અથવા તો બે વાર જોવો અથવા તો ચૅટમાં હંમેશ માટે રહે એ રીતે ફોટો ક્લિક કરીને શૅર કરી શકે છે. જોકે વૉટ્સઍપમાં એવું નથી. વૉટ્સઍપમાં એક વાર ફોટો અથવા તો વિડિયો મોકલો એટલે એ સામેના યુઝર્સમાં હંમેશ માટે રહે છે. જો યુઝર્સ દ્વારા એ મેસેજ ડિલીટ કરી દેવામાં આવે અને સામેના યુઝર્સમાં મીડિયા સેવ ઑન હોય તો એ ફોટો અથવા વિડિયો તેની ગૅલરીમાં સેવ થઈ જશે. જોકે હવે સેફ્ટી અને સિક્યૉરિટીને મહત્ત્વ આપતા આ ફીચરને વૉટ્સઍપમાં પણ આપવામાં આવી રહ્યું છે. કોઈ વ્યક્તિએ પહેલી વાર કોઈને ફોટો મોકલ્યો હોય અને તે એનો દુરુપયોગ ન કરે એ માટે આ ફીચર ખૂબ જ સારું સાબિત થઈ શકે છે. આ સાથે જ ઑટોમૅટિક ફોટો અથવા તો વિડિયો ડિલીટ થઈ જતાં સ્ટોરેજ પણ ઓછી રોકશે અને પર્ફોર્મન્સ પણ સારું આપશે. ઍન્ડ્રૉઇડના બીટા વર્ઝનમાં આ ફીચર આપવામાં આવ્યું છે. જો સામેના યુઝર્સ દ્વારા આ ફીચર બંધ કરવામાં આવ્યું હશે, પરંતુ મોકલનારમાં એ ફીચર ચાલુ હશે તો પણ એનો લાભ યુઝર લઈ શકશે. સ્નૅપચૅટ અને ઇન્સ્ટાગ્રામમાં આ ફીચર પહેલેથી છે, જે વૉટ્સઍપમાં આવી રહ્યું છે. વૉટ્સઍપમાં રીડ રિસીપ્ટ ઑફ રાખનાર વ્યક્તિ પણ જ્યારે આ ફોટો જોશે ત્યારે મોકલનારને તેણે ફોટો જોઈ લીધો હોવાનું નોટિફિકેશન મળશે. જોકે આ ફીચરનો માઇનસ પૉઇન્ટ એ છે કે કોઈ વ્યક્તિએ સ્ક્રીનશૉટ અથવા તો સ્ક્રીન રેકૉર્ડિંગ ચાલુ કર્યું હોય તો એનું નોટિફિકેશન ફોટો અથવા તો વિડિયો મોકલનાર વ્યક્તિને મળશે નહીં.

technology news harsh desai