12 October, 2025 12:08 PM IST | Mumbai | Rashmin Shah
અરવિંદ શ્રીનિવાસ
ગૂગલ અને OpenAIને પણ પરસેવો પાડી દેનારી PerplexityAIનો કો-ફાઉન્ડર અરવિંદ શ્રીનિવાસ માત્ર ૩૧ વર્ષની ઉંમરે ૨૧,૧૯૦ કરોડની નેટવર્થ પર પહોંચી ગયો. ૨૦૨૫ના હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટમાં યંગેસ્ટ અબજોપતિઓમાં સ્થાન મેળવનારા અને ઍમૅઝૉનના જેફ બેઝોસ પણ જેની કંપનીમાં ઇન્વેસ્ટર બન્યા છે એવા હોનહાર યુવાનને એક વાર મળવા જેવું છે
‘જો બેટા, આ IIT છે... તારે અહીં ભણવા માટે આવવાનું છે.’
વાત ૨૦૦૬ની છે.
સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં જૉબ કરતાં રાધા દેસિકમણી બસમાં ઑફિસ જવા માટે નીકળ્યાં છે અને તેમની બાજુમાં દીકરો અરવિંદ બેઠો છે. અરવિંદની ઉંમર હાર્ડ્લી બાર વર્ષની છે અને તે હજી સેવન્થ સ્ટાન્ડર્ડમાં ભણે છે. મમ્મી રોજ સવારે ઑફિસ જતી વખતે તેને સ્કૂલ ઉતારતી જાય છે અને એ માટે મા-દીકરો બન્ને ચેન્નઈની સિટી બસનો સહારો લે છે. સામાન્ય મધ્યમવર્ગીય પરિવાર છે. બહુ મોટાં સપનાંઓ નથી કે નથી બહુ મોટી આશાઓ અને એ પછી પણ મમ્મીના મોઢે એક ડાયલૉગ રોજેરોજ સાંભળીને દીકરાના સુષુપ્ત મનમાં એ વાતનું વાવેતર થઈ જાય છે કે તેણે ચેન્નઈની IITમાં ભણવા જવાનું છે.
મનમાં ઘર કરી ગયેલી એ વાત કયા સ્તર પર વટવૃક્ષ બને છે એ આજના સમયમાં જોઈએ. બાર વર્ષનું એ બચ્ચુ અરવિંદ શ્રીનિવાસ અત્યારે ૩૧ વર્ષનો છે અને તેની નેટવર્થ ૨૧,૧૯૦ કરોડની છે! હુરુન ઇન્ડિયાએ જાહેર કરેલા ભારતના સૌથી શ્રીમંત યંગસ્ટરમાં અરવિંદ સૌથી ટોચ પર છે. યંગેસ્ટ અબજોપતિઓની યાદીમાં સૌથી વધુ નેટવર્થ ધરાવતા અરવિંદની આ સિદ્ધિમાં શિરમોર સમાન જો કોઈ વાત હોય તો એ કે અરવિંદ શ્રીનિવાસ સેલ્ફ-મેડ બિલ્યનેર છે. અરવિંદને વારસામાં દિમાગ સિવાય કશું નથી મળ્યું. આગળ કહ્યું એમ અરવિંદનાં મમ્મી રાધા દેસિકમણી સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં જૉબ કરતાં તો પપ્પા ડી. શ્રીનિવાસ તામિલનાડુ ગવર્નમેન્ટમાં જૉબ કરતા. અરવિંદ શ્રીનિવાસે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘મેં ક્યારેય પૈસા માટે કશું નથી કર્યું. મેં જે પણ કર્યું એ મારા મનમાં આવ્યું અને કર્યું. પૈસા પાછળ તમે ભાગો તો એ ક્યારેય તમને મળે નહીં એવું મેં સાંભળ્યું છે અને એટલે કદાચ મારાથી એ થઈ નથી શકતું.’
અરવિંદ શ્રીનિવાસે તૈયાર કરેલું એક પ્લૅટફૉર્મ અત્યારે ગૂગલ સહિત દુનિયાભરના જાયન્ટને પરસેવો છોડાવે છે. એક સમયે રિલાયન્સ સાથે જોડાયેલા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ જયરાજ શાહ પણ એ પ્લૅટફૉર્મ વાપરે છે તો કરણ જોહર પણ એ જ પ્લૅટફૉર્મ વાપરે છે. પ્રોફેશનલ્સમાં ફેવરિટ એવા આ પ્લૅટફૉર્મનું નામ છે PerplexityAI. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત આ પ્લૅટફૉર્મની સૌથી મોટી ખાસિયત છે કે છેલ્લા એક વર્ષમાં એણે ગૂગલને ૧૭ ટકા રિપ્લેસ કરી દીધું છે તો ChatGPTને ૯ ટકા રિપ્લેસ કરી દીધું છે. ટેક્નૉલૉજી ઇન્ડસ્ટ્રીના બિગશૉટ્સનું માનવું છે કે જો આ પ્લૅટફૉર્મ આમ જ આગળ વધતું રહ્યું તો બહુ ઝડપથી એ આ બન્ને પ્લૅટફૉર્મનો સ્ટ્રૉન્ગ ઑપ્શન બની જશે.
અરવિંદ શ્રીનિવાસ ક્યારે રડ્યો હતો?
ત્યારે જ્યારે તેને IIT મદ્રાસમાં કમ્પ્યુટર સાયન્સના કોર્સમાં જવામાં ૦.૦૧ માર્ક ઓછો પડ્યો અને અરિવંદે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ઍડ્મિશન લેવું પડ્યું. અરવિંદ શ્રીનિવાસે આપેલા એક ઇન્ટરવ્યુમાં તેણે આ કિસ્સો કહ્યો છે. પહેલા સેમેસ્ટરમાં બ્રાન્ચ ચેન્જનો તેને ચાન્સ મળ્યો પણ પોતે ૦.૦૧ માર્ક્સ માટે રહી ગયો અને તેણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કન્ટિન્યુ કરવું પડ્યું ત્યારે તે રડી પડ્યો હતો. અલબત્ત, એ આંસુ તેણે બીજા જ કલાકે ભુલાવી દીધા હતા અને પોતાના જે ફ્રેન્ડ્સ કમ્પ્યુટર સાયન્સમાં જૉઇન થયા હતા એ ફ્રેન્ડ્સ સાથે બેસીને તેણે પોતાના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઉપરાંત કમ્પ્યુટર સાયન્સ પણ ભણવાનું શરૂ કરી દીધું. અરવિંદ કહે છે, ‘ડિગ્રીની જરૂર તેને હોય જેને જૉબ કરવી હોય, મારે તો શીખવું હતું જેના માટે માત્ર ધગશ જોઈએ.’
PerplexityAIના ફાઉન્ડર અને દેશના સૌથી યુવાન અબજોપતિ અરવિંદ શ્રીનિવાસને નજીકથી મળવા જેવું છે.
કોણ છે આ અરવિંદ?
૧૯૯૪ની ૭ જૂને જન્મેલા અરવિંદ શ્રીનિવાસ ટેક્નોક્રેટ છે. તેનું નાનપણ ચેન્નઈમાં જ વીત્યું. ડી. શ્રીનિવાસ અને રાધા દેસિકમણીના એકના એક સંતાન એવા અરવિંદે IIT મદ્રાસમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડ્યુઅલ ડિગ્રી લીધી અને એ પછી અમેરિકાની યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયા, બર્ક્લીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં PhD કર્યું. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે અરવિંદ શ્રીનિવાસ પોતાની ફૅમિલીનો પહેલો એન્જિનિયર છે. અરવિંદ પહેલાં આખા ખાનદાનમાં કોઈ એન્જિનિયર બન્યું નહોતું. અરવિંદ કહે છે, ‘મને ક્યારેય માર્ક્સ લાવવા માટે પ્રેશર કરવામાં નહોતું આવતું પણ હા, મારા પર એક વાતનું દબાણ રહેતું કે હું કંઈક ને કંઈક શીખું. મારા ઘરમાં કલ્ચર હતું કે દર સન્ડેના મારે મારા પેરન્ટ્સ સામે હું નવું જે શીખ્યો હોઉં એ મૂકવાનું. સ્કૂલમાં મને શીખવવામાં આવે એ નહીં પણ હું મારી રીતે જે શીખ્યો હોઉં એ વાત મારે પ્રેઝન્ટ કરવાની. આ કલ્ચરે મને નવું કંઈ કરવા માટે ટ્રેઇન કર્યો.’
પોતાના PhD દરમ્યાન અરવિંદને ગૂગલથી લઈને ડીપમાઇન્ડ અને OpenAI જેવી અનેક ટોચની કંપનીમાં ઇન્ટર્નશિપ અને પછી રિસર્ચ કરવા મળ્યું. અરવિંદ શ્રીનિવાસે એક ઇન્ટરવ્યુમાં કહેલી વાત આજની જેન-ઝીએ ગાંઠે બાંધવા જેવી છે. અરવિંદે કહ્યું હતું, ‘લોકો પૈસા પાછળ ભાગે છે પણ હું નામ પાછળ દોડ્યો હતો. એવું તે શું છે ગૂગલમાં કે દુનિયા આખી ગૂગલ સાથે જોડાયેલી છે, એવું તે શું છે OpenAIમાં કે દુનિયા આખી એની સાથે કામ કરે છે? આ અને આવા પ્રશ્નો મને થતા અને મેં એના જવાબ માટે ત્યાં જઈને ઇન્ટર્નશિપ કરવાની તૈયારી દેખાડી. ઇન્ટર્નશિપમાં પણ મને મોટું પૅકેજ ઑફર થતું હતું પણ એ લેવાને બદલે હું આ જાણીતી કંપનીઓની વર્ક-પૅટર્ન જોવા ગયો જેણે મને ખૂબ શીખવ્યું. મારા એ અનુભવના આધારે કહું છું, તમારું કામ થાય એ નહીં પણ તમે બેસ્ટ રીતે કામ કરતાં શીખો એને સફળતા ગણવી.’
PerplexityAIના કો-ફાઉન્ડર અને અત્યારના CEO એવા અરવિંદ શ્રીનિવાસની તમે જર્ની જુઓ તો સ્પષ્ટપણે દેખાઈ આવે કે તેણે પણ આ જ વાતનું ધ્યાન રાખ્યું છે. ગૂગલ અને OpenAI સાથેના પોતાના અનુભવોના આધારે તેને બે વાત સમજાય. એક કે માત્ર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી કંઈ થવાનું નથી, પોતે જવાબ કઈ રીતે આપે છે એ પણ એના યુઝરને ખબર હોવી જોઈશે તો ગૂગલના પોતાના અનુભવના આધારે અરવિંદને સમજાયું કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના આ યુગમાં લોકો હવે સર્ચ એન્જિનની લિન્ક્સમાં રસ નથી ધરાવતા. યુઝરને સીધો, સાચો અને વિશ્વસનીય જવાબ જોઈએ છે. આ વિચાર પછી અરવિંદે નક્કી કર્યુ કે પોતે એવું કંઈ બનાવશે જે આ બન્નેનો સચોટ નિચોડ હોય અને અરવિંદે પોતાના ફ્રેન્ડ્સ ડેનિસ યારાત્સ, ઍન્ડી કૉન્વિન્સ્કી અને જૉની હો સાથે મળીને PerplexityAI ડિઝાઇન કર્યું.
અરવિંદના એક્સલન્સનાં ત્રણ કારણો
Discipline over talent — પ્રતિભા મહત્ત્વની છે, પણ શિસ્તબદ્ધતા એનાથી ચડિયાતી છે.
Patience pays — સમય જ મોટી સફળતા લાવશે, ધીરજ રાખો.
Don’t compare, create — સરખામણી કરવાને બદલે સર્જન કરો.
ગોલ્ડન વર્ડ્સ
શું છે આ PerplexityAI?
૨૦૨૨માં PerplexityAI દુનિયા સામે મુકાયું પણ એને મૂકતાં પહેલાં અરવિંદે છ મૉડલ તૈયાર કર્યાં અને એ છ મૉડલ પર દુનિયાભરના પાંચ-પાંચ હજાર લોકો પાસે રિસર્ચ કરાવ્યું. રિસર્ચમાં જે જવાબ આવતા રહ્યા એના આધારે આખું મૉડલ ચેન્જ થતું ગયું અને ફાઇનલી ૨૦૨૨માં PerplexityAI લોકો સમક્ષ લૉન્ચ કરવામાં આવ્યું. એ સમયે અરવિંદની ઉંમર માત્ર ૨૮ વર્ષની હતી. અરવિંદ સામે આખી જિંદગી પડી હતી. યુનિવર્સિટીમાંથી PhD કરીને બહાર આવેલા આ છોકરડા પાસે મસમોટી અને તોતિંગ સૅલેરીની જાયન્ટ કંપનીઓની ઑફર પણ હતી. તમને જાણીને નવાઈ લાગશે પણ મેટા અને ઍપલ જેવી કંપનીઓ પણ અરવિંદને લેવા માટે તત્પર હતી તો ગૂગલના કર્તાહર્તા સુંદર પિચાઈ અને અરવિંદ વચ્ચે તો જબરદસ્ત સમાનતા હતી. બન્ને IIT મદ્રાસના જ સ્ટુડન્ટ હતા. કહે છે કે પિચાઈએ તો પર્સનલી મળીને પણ અરવિંદને ગૂગલ જૉઇન કરવાની ઑફર કરી હતી. અમેરિકા જેવો દેશ, ડૉલરમાં આવક અને નોકરિયાત માબાપે એકઠા કરેલા ચણામમરા જેવા રૂપિયા.
કોઈ પણ સામાન્ય છોકરાને એક જ વિચાર આવે કે સરસ જૉબ લઈ અમેરિકામાં સેટલ થઈ જઈએ પણ એવા જૂજ વીરલા હોય જે ટિપિકલ ઇન્ડિયન મેન્ટાલિટી સાથે આગળ વધવાને બદલે અમેરિકન માનસિકતા સાથે પોતાનાં વર્ષો દાવ પર લગાડે. અરવિંદ કહે છે, ‘એક વાત સિમ્પલ હતી. જો હું અત્યારે ટ્રાય નહીં કરું તો ટિપિકલ સૅલરીડ મેન્ટાલિટીમાં આવી જઈશ અને મારે એમાં આવવું નહોતું. હું ફેલ થઉં તો મારી પાસે જૉબના ઑપ્શન હતા એટલે મેં પહેલાં મારું ડેવલપ કરવાની ટ્રાય કરી અને અમે PerplexityAI પર અમારી નજર સ્થિર કરી.’
PerplexityAI ડેવલપ કર્યા પછી અરવિંદ આણિ મંડળીએ એને પૉપ્યુલર કરવા પર પહેલાં ફોકસ કર્યું જેમાં મોબાઇલ નેટર્વક સાથે PerplexityAIનું પ્રીમિયમ વર્ઝન અમુક સમયમર્યાદા સુધી ફ્રી આપવાની સાથે ફાઇવસ્ટાર હોટેલ અને ઍરપોર્ટ, મેટ્રો અને બુલેટ ટ્રેન સ્ટેશન પર કિઓસ્કમાં પ્રીમિયમ વર્ઝન ફ્રી આપવા સુધીના રસ્તાઓ વાપર્યા. પોતે બનાવેલી પ્રોડક્ટ યુઝર-ફ્રેન્ડ્લી છે એની ખાતરી હતી પણ એ ખાતરીને હકીકતમાં બદલવા માટે આ કામ કરવું જરૂરી હતું અને એ જ અરવિંદ શ્રીનિવાસે કર્યું. અરવિંદ કહે છે, ‘અત્યારે PerplexityAIના ૨૨ મિલ્યન યુઝર્સ છે અને આ આંકડો દિવસે-દિવસે વધતો જાય છે. પેઇડ-પ્લૅટફૉર્મમાં હંમેશાં રિપીટ રેશિયો મહત્ત્વનો છે. PerplexityAI રિપીટ યુઝર્સ લાવે છે, જે દેખાડે છે કે અમે અમારા કામમાં સફળતા મેળવી શકીએ છીએ.’
PerplexityAIનો હેતુ ક્યાંય લિન્ક્સ આપવાનો નથી. એ તમને જવાબ આપે છે અને પોતે જવાબ ક્યાંથી શોધ્યો છે એનો જવાબ પણ આપે છે તો સાથોસાથ અપાયેલા જવાબોમાંથી જન્મી શકે એવા પ્રશ્નોની યાદી પણ તૈયાર કરી આપે છે, જે યાદીમાં જવાબ તૈયાર હોય છે. અરવિંદ શ્રીનિવાસના આ પ્લૅટફૉર્મને સાઉથના યંગસ્ટર્સ તો ‘ChatGPT for search’ તરીકે પણ ઓળખવા માંડ્યા છે.
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે શું થઈ શકે એની ચર્ચા માટે અરવિંદ શ્રીનિવાસ ગયા વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યો હતો.
PerplexityAIની બીજી મોટામાં મોટી જો કોઈ ખાસિયત હોય તો એ કે પ્લૅટફૉર્મની સફળતા પછી આપણા આ દેશી છોકરાના પ્લૅટફૉર્મમાં ઍમૅઝૉનના સ્થાપક એવા જેફ બેઝોસ સહિત દુનિયાના ધૂરંધરોને પણ રસ પડ્યો અને તે PerplexityAIમાં ઇન્વેસ્ટર પણ બન્યા તો મેટા અને ઍપલે પોતાનાં આર્ટિફિશ્યલ પ્લૅટફૉર્મ લૉન્ચ કરતાં પહેલાં અરવિંદ પાસે PerplexityAIની માગ પણ કરી પણ PerplexityAIને અરવિંદ ક્યાંય આગળ લઈ જવા માગતો હોવાથી તેણે ઍમૅઝૉનના ફાઉન્ડર જેફને ઇન્વેસ્ટર તરીકે સ્વીકાર્યા પણ ઍપલ અને મેટાને આવજો- બાય બાય કરી દીધું. અરવિંદ કહે છે, ‘આપણે ત્યાં અનેક એવી કંપનીઓ છે જે આ રીતે આપી દીધા પછી એના ફાઉન્ડર નવું કશું આપી ન શક્યા હોય. હું નથી ઇચ્છતો કે PerplexityAIમાંથી હું આટલો જલદી બહાર આવું. મારે એમાં હજી ઘણું નવું કરવું છે.’
PerplexityAIમાં ફન્ડ માટે અરવિંદ અમેરિકા સ્ટૉક એક્સચેન્જમાં પબ્લિક ઇશ્યુ લાવવા માગે છે પણ તેની ઇચ્છા છે કે તે પહેલાં તેનો યુઝર વર્ગ બે બિલ્યનને ક્રૉસ કરે. અરવિંદની PerplexityAI કંપનીનું હેડ ક્વૉર્ટર સૅન ફ્રાન્સિસકોમાં છે. આખી કંપનીના કર્મચારીઓની સંખ્યા જાણશો તો તમારું મોઢું ફાટી જશે
૮પ.
હા, રોકડા ૮પ લોકો છે જે PerplexityAIમાં ફુલટાઇમ જૉબ કરે છે. અલબત્ત, આ જે કર્મચારીઓ છે તે એક-એકથી ચડિયાતા છે. અરવિંદ કહે છે, ‘સ્ટાર્ટઅપમાં સૌથી અગત્યનું જો કંઈ હોય તો એ છે ટીમ-સિલેક્શન. તમારી ટીમની એકેક વ્યક્તિ ત્રણથી ચાર કામમાં એક્સપર્ટ હોય તો એ સ્ટાર્ટઅપ ફેલ જવાના ચાન્સિસ ઘટી જાય છે.’
PerplexityAI આંખ સામે છે અને અરવિંદ શ્રીનિવાસે મેળવેલી ૨૧,૧૯૦ કરોડની નેટવર્થ પણ.
સુંદર પિચાઈ છે આઇડલ
હા, પોતે જે ઇન્સ્ટિટ્યૂટમાં ભણ્યા એ જ સંસ્થામાં ભણનારા સુંદર પિચાઈ અરવિંદ શ્રીનિવાસના આદર્શ છે. અરવિંદ માટે પહેલાં તે હીરો હતા પણ રોલ-મૉડલ બન્યા એક ઘટનાથી, જે ઘટના તેણે પોતે સુંદર પિચાઈના એક ઇન્ટરવ્યુમાં સાંભળી હતી.
સુંદર પિચાઈએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે એગ્ઝ ખાય છે. સુંદર પિચાઈને આ વાત કરતાં સાંભળીને અરવિંદે અમેરિકાથી ફોન કરીને મમ્મીને પૂછ્યું કે પિચાઈ એગ્ઝ ખાય છે તો હું પણ ખાઈ શકું! અરવિંદ શ્રીનિવાસનું ફૅમિલી ચુસ્ત વેજિટેરિયન છે. અરવિંદના સવાલ પછી તેની મમ્મીએ કહ્યું કે પિચાઈ ગૂગલના સીઇઓ બન્યા, તું પણ એવી મોટી જગ્યા પર પહોંચે ત્યારે ખાજે. અરવિંદ કહે છે, મારા માટે એ શબ્દો મંઝિલ બન્યા અને સુંદર પિચાઈ રોલ-મૉડલ.