પ્લીઝ ટેક અ બ્રેક

12 November, 2021 11:34 AM IST  |  Mumbai | Harsh Desai

ઇન્સ્ટાગ્રામ ઘેલી નવી જનરેશનને નવું ફીચર ચોક્કસ સમયે બ્રેક લેવાનું યાદ દેવડાવશે

પ્લીઝ ટેક અ બ્રેક

એક સમય હતો જ્યારે ખૂબ કામમાંથી બ્રેક લેવા લોકો સોશ્યલ મીડિયા તરફ નજર માંડતા, હવે સતત સોશ્યલ મીડિયા પર એટલા ઍક્ટિવ રહે છે કે હવે ઍપ્સ દ્વારા રિમાઇન્ડર આપવા પડે છે કે બસ બૉસ બહુ થયું, હવે એક બ્રેક લઈ લો. : ઇન્સ્ટાગ્રામ ઘેલી નવી જનરેશનને નવું ફીચર ચોક્કસ સમયે બ્રેક લેવાનું યાદ દેવડાવશે

હર્ષ દેસાઈ
harsh.desai@mid-day.com
ઇન્સ્ટાગ્રામ હાલમાં પોતાના મૉરલ પોલીસિંગ પર કામ કરી રહ્યું છે. સોશ્યલ મીડિયા ટાઇમે-ટાઇમે ક્રિટિસાઇઝ થતું રહે છે. સોશ્યલ મીડિયાના જેટલા ફાયદા છે એટલા જ ગેરફાયદા પણ છે. આજે લાઇફ સોશ્યલ મીડિયા પર દેખાડા પૂરતી બની ગઈ છે. ડિનર કરવા ગયા હોય કે પછી ટ્રાવેલ માટે ગયા હોય તો સોશ્યલ મીડિયા યુઝર્સ ફક્ત સારા ફોટો ક્લિક કરવામાં ઇન્ટરેસ્ટ રાખે છે. ઑન્ટ્રપ્રનર અને બિઝનેસમૅન એલન મસ્કે કહ્યું હતું કે ‘સોશ્યલ મીડિયાનો સૌથી મોટો ઇશ્યુ એ છે કે લોકો તેમની જે લાઇફ છે એના કરતાં સારી લાઇફ તેઓ લોકોને દેખાડવાનો પ્રયત્ન કરે છે. લોકો જ્યારે ખૂબ જ ખુશ હોય ત્યારે પોસ્ટ કરે છે અને તેઓ સારા દેખાય એ રીતે ફોટોને મૉડિફાઇ કરે છે. કેટલાક લોકો ફોટોને મૉડિફાઇ ન કરતા હોય તો પણ તેઓ બેસ્ટ લાઇટિંગ અને બેસ્ટ ઍન્ગલવાળા ફોટો પસંદ કરે છે.’
દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલન ઇન્સ્ટાગ્રામની ટીકા તો કરી હતી, પરંતુ પોતાનું અકાઉન્ટ પણ ડિલીટ કરી દીધું હતું અને સાથે ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘ઇન્સ્ટાગ્રામની પ્યાસ ખૂબ જ વધુ છે અને એમ છતાં વધુપડતા પાણીથી મૃત્યુ થઈ શકે છે.’
ફોટો શૅરિંગ વેબસાઇટ ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટા (પહેલાંનું નામ ફેસબુક) સતત ટીકાઓનો સામનો કરી રહી છે. હાલમાં જ એક સર્વેમાં આવ્યું હતું કે ટીનેજર ઇન્સ્ટાગ્રામનો ખૂબ જ વધુ ઉપયોગ કરે છે. તેમને ખબર છે કે તેમને ઇન્સ્ટાગ્રામનું ઍડિક્શન છે, પરંતુ તેઓ એનાથી દૂર નથી થઈ શકતા. તમામ બાબતોને ધ્યાનમાં રાખીને મેટા દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. મેટાની દરેક સહ-કંપની હવે મૉરલ પૉલિસી બનાવી રહી છે. એમાં ઇન્સ્ટાગ્રામનો ‘ટેક અ બ્રેક’નો પણ સમાવેશ થાય છે.
શું છે આ ફીચર? | આ ફીચરમાં યુઝર્સને ખાસ કરીને ટીનેજરને વધુપડતો ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતાં અટકાવવામાં આવશે. મેન્ટલ હેલ્થ પર અસર પડતી હોવાથી ઇન્સ્ટાગ્રામે આ ફીચર પર કામ કરવાનું શરૂ કર્યું છે. જોકે આ ફીચરમાં જે-તે યુઝર્સ દ્વારા જાતે જોડાવું પડશે. એક વાર જોડાયા બાદ યુઝર્સ દ્વારા ચોક્કસ ટાઇમ નક્કી કરવાનો રહેશે. આ ટાઇમ નક્કી થઈ ગયા બાદ ઇન્સ્ટાગ્રામ યુઝર્સને બ્રેક લેવા માટે સજેસ્ટ કરશે. જો યુઝર્સ આ ફીચરમાં જૉઇન ન થાય તો ઇન્સ્ટાગ્રામ દ્વારા તેમને એ કરવા માટે રિમાઇન્ડ પણ કરાવવામાં આવશે. આથી ઍડિક્શન પર યુઝર્સ પોતે સેલ્ફ-કન્ટ્રોલ રાખી શકે. આ સેલ્ફ-કન્ટ્રોલ માટે ઇન્સ્ટાગ્રામ દ્વારા કેટલાંક સજેશન પણ આપવામાં આવશે. નક્કી કરેલી સમયમર્યાદા પૂરી થઈ ગયા બાદ ઇન્સ્ટાગ્રામ તમને થોડા સમય માટે ઊંડા શ્વાસ લેવાનું, તમારા દિમાગમાં શું વિચાર ચાલી રહ્યા છે એ લખવાનું, તમારાં ફેવરિટ સૉન્ગ સાંભળવાનું અથવા તો તમારું આજના કામ માટે જે લિસ્ટ હશે એ પૂરું કરવા માટે સજેસ્ટ કરશે.
કન્ટેન્ટ પર પણ રાખશે નજર | ખાસ કરીને ટીનેજર માટે આ ફીચર પર કામ ચાલી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર એવી ઘણી કન્ટેન્ટ હોય છે જે દરેક માટે યોગ્ય નથી હોતી. હાલના સમયમાં ટીનેજર આવી ઘણી કન્ટેન્ટ જોઈ શકે છે. આથી ઇન્સ્ટાગ્રામ એવા ફીચર પર કામ કરી રહ્યું છે જેના દ્વારા તેઓ જે-તે યુઝર્સને એ કન્ટેન્ટ વધુ ન જોવા માટે જણાવશે અને તેમને અન્ય કન્ટેન્ટ તરફ દોરવા માટે મદદ કરશે. જોકે આ ફીચર્સ પર હજી કામ ચાલી રહ્યું છે અને એ આ વર્ષના અંત સુધીમાં આવી જશે. બની શકે છે બીટા વર્ઝન એટલે કે યુઝર્સ દ્વારા ટેસ્ટિંગ માટે એને આગામી અપડેટમાં પણ આપી દેવામાં આવે.

 ઇન્સ્ટાગ્રામની પ્યાસ ખૂબ જ વધુ છે અને એમ છતાં વધુપડતા પાણીથી મૃત્યુ થઈ શકે છે.

tech news technology news columnists harsh desai