19 October, 2025 01:05 PM IST | Surat | Shailesh Nayak
સુરતના રોડ પર ચાલક વિના પૂરપાટ વેગે દોડતી ગરુડ બાઇકે કૌતુક સરજ્યું
ઑટોપાઇલટ મોડમાં ચાલતી ટેસ્લાની કાર હજી માંડ ભારતમાં આવી છે ત્યાં સુરતના ત્રણ યુવાનોએ સેલ્ફ-ડ્રાઇવ બાઇક બનાવી દીધી છે. આ અનોખા માસ્ટરપીસનું સર્જન કર્યું છે સુરતના શિવમ મૌર્ય, ગુરપ્રીત અરોરા અને ગણેશ પાટીલે અને નામ આપ્યું છે ગરુડ. ચાલો જાણીએ આ ત્રિપુટીએ કઈ રીતે બનાવી રોડ પર આપમેળે ચાલતી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી સંચાલિત બાઇક
આજના યંગસ્ટર્સ ધારે તો કેવાં ઇનોવેટિવ કામ કરી શકે છે એ સુરતના ત્રણ યુવા મિત્રોએ કરી બતાવ્યું છે. આજના અત્યાધુનિક યુગમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો દોર શરૂ થયો છે ત્યારે ટેક્નિકલ ભેજું ધરાવતા સુરતના ત્રણ યંગસ્ટર્સ શિવમ મૌર્ય, ગુરપ્રીત અરોરા અને ગણેશ પાટીલે ભંગારમાંથી AI પાવર્ડ સેલ્ફ-ડ્રાઇવિંગ બાઇક બનાવી છે. આજના આ યુવાનોએ આધુનિકતા સાથે આધ્યાત્મિકતાનો સંગમ કરીને ભગવાન શ્રી વિષ્ણુજીના વાહન ગરુડ પરથી તેમની અત્યાધુનિક બાઇકને ‘ગરુડ’નું નામ આપ્યું છે. બાઇકને ફ્યુચરિસ્ટિક બનાવવા માટે છેલ્લા એક વર્ષથી તેઓ કામ કરતા હતા અને દોઢ મહિના પહેલાં બાઇક બનાવીને એને સુરતના રોડ પર ચલાવીને સૌને અચંબિત કરી દીધા છે.
આ ત્રણ યુવાનો કંઈક ને કંઈક નવું શોધીને એ બનાવી સોશ્યલ મીડિયામાં અપલોડ કરે છે ત્યારે આધુનિક બાઇક કેવી રીતે બનાવી અને એ કેવી રીતે ચાલે છે એ વિશે વાત કરતાં આ આધુનિક બાઇક બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર સુરતના શિવમ મૌર્ય ‘મિડ-ડે’ને કહે છે, ‘હું મેકૅનિકલ ડિગ્રીમાં અભ્યાસ કરું છું. મારી સાથે મારો મિત્ર ગુરપ્રીત અરોરા પણ અભ્યાસ કરતો હતો. એ ઉપરાંત ગણેશ પાટીલ પણ અમારો મિત્ર. અમે ત્રણેય મિત્રો કંઈક ને કંઈક નવી વસ્તુ બનાવવા તત્પર રહેતા હોઈએ છીએ. અમે ગ્રુપમાં સાથે મળીને કામ કરીએ છીએ અને જે કોઈ વસ્તુ બનાવીએ એને સોશ્યલ મીડિયામાં યુટ્યુબ પર અપલોડ કરીએ છીએ. અમે પહેલાં રોબો, ઝૂંપડીવાળી કાર સહિતની વસ્તુઓ બનાવી હતી. આ વખતે અમે ફુલ્લી ફ્યુચરિસ્ટિક ડ્રાઇવરલેસ AI પાવર્ડ મોટરસાઇકલ બનાવવાનું વિચારીને એ પ્રોજેક્ટ હાથ પર લીધો હતો. એ માટે છેલ્લા એક વર્ષથી રિસર્ચ કરતા હતા અને દોઢેક મહિના પહેલાં બાઇક કમ્પલીટ કરીને સુરતના રોડ પર ટેસ્ટ કરી હતી. આ બાઇક ત્રણ મોડ પર ચાલે છે. મૅન્યુઅલ મોડ એટલે કે ડ્રાઇવર દ્વારા એને ચલાવી શકાય છે. એ ઉપરાંત AI ઑટોપાઇલટ મોડ દ્વારા એટલે કે ડ્રાઇવર વિના પણ ચલાવી શકાય છે અને મોબાઇલ કન્ટ્રોલ મોડ દ્વારા પણ આ બાઇક ચાલી શકે છે. બાઇકમાં આધુનિક ઇક્વિપમેન્ટનો ઉપયોગ કર્યો છે જેના કારણે બાઇકને જે રૂટ પર ચલાવવી હોય એ રૂટનું મૅપિંગ કરીને કમાન્ડ આપીએ એટલે બાઇક એની જાતે ચાલે છે અને ડેસ્ટિનેશન પર પહોંચે છે. બાઇકની આગળ-પાછળ સેન્સર લગાવ્યાં છે, જેના કારણે રોડ પર બાઇક ચાલતી હોય અને કોઈ અવરોધ આવે એટલે કે અન્ય કોઈ વાહન આવી જાય કે કોઈ જાનવર આવી જાય તો એ અવરોધ ૧૨ ફુટની રેન્જમાં આવે તો સેન્સરની મદદથી બાઇક ઑટોમૅટિકલી એની સ્પીડ સ્લો કરી દે છે. જો એ અવરોધ દૂર ન થાય અને ત્રણ ફુટના અંતરે આવી જાય તો બાઇક ઑટોમૅટિકલી ઊભી રહી જાય છે અને જ્યાં સુધી એની સામેથી અવરોધ હટે નહી ત્યાં સુધી બાઇક આગળ વધતી નથી. અવરોધ દૂર થયા બાદ બાઇક એના નિયત ડેસ્ટિનેશન સુધી જાય છે. બાઇકની આગળ-પાછળ કૅમેરા લગાવ્યા છે એટલે બાઇક ક્યાં છે, કેવી સ્થિતિમાં છે એ તમે કોઈ પણ ખૂણેથી જાણી શકો છો. આ બાઇકને મૅન્યુઅલી પણ ચલાવી શકાય છે. આ બાઇક ઇકો મોડ અને સ્પોર્ટ્સ મોડ પર ચાલે છે.’
AI પાવર્ડ બાઇક હોય એટલે એ લેટેસ્ટમાં લેટેસ્ટ ટેક્નૉલૉજી સાથે સજ્જ હોય એમ આ બાઇકમાં પણ અનેક આધુનિક ફીચર્સ છે એ વિશે વાત કરતાં શિવમ મૌર્ય કહે છે, ‘આ બાઇકમાં વાયરલેસ ચાર્જિંગ છે એટલે જો તમે આ બાઇક ચલાવતા હો અને તમારે મોબાઇલ ચાર્જ કરવો હોય તો કરી શકો છો. આ ઉપરાંત એમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS), નેવિગેશન, બ્લુટૂથ કૉલિંગ, કૅમેરા, સેન્સર્સ સહિત એક સ્માર્ટ ગાડીમાં જે ફીચર્સ હોય એવી સ્માર્ટ બાઇક બનાવી છે. આ બાઇકમાં ટચસ્ક્રીન ડિસ્પ્લે છે જેના દ્વારા તમે બાઇકને ઑપરેટ કરી શકો છો. આ બાઇકમાં અમે જાતે બનાવેલી લિથિયમ–આયન બૅટરીનો ઉપયોગ કર્યો છે. આ બૅટરી સિંગલ ચાર્જમાં ૨૨૦ કિલોમીટર સુધી ચાલે છે. માત્ર બે કલાકમાં જ બૅટરી ચાર્જ થઈ જાય છે.’
ત્રણ મિત્રોએ આધુનિક બાઇક બનાવવા માટે ભંગારનો ઉપયોગ કર્યો એની પાછળનું કારણ જણાવતાં શિવમ મૌર્ય કહે છે, ‘અમે જે વસ્તુઓ બનાવીએ છીએ એના પાર્ટ્સ ભંગારમાં શોધીએ છીએ. એની પાછળનું કારણ એ છે કે એનાથી ખર્ચ ઓછો થાય છે અને અમારે એ પણ બતાવવું છે કે ભંગારમાંથી તમે સારી વસ્તુઓ શોધીને ઓછા ખર્ચે કંઈક નવીન વસ્તુ બનાવી શકો છો. અમે ભંગારમાંથી બાઇક માટેનાં ટાયર સહિતના પાર્ટ્સ ખરીદી લાવીને બાઇક બનાવી છે. જોકે એ બનાવવા પાછળ અમને ૧ લાખ ૮૦ હજારનો ખર્ચ થયો છે.’
તમે કોઈ નવું સંશોધન કરો તો મોટા ભાગે લોકો એની પેટન્ટ કે રજિસ્ટ્રેશન કરાવતા હોય છે પરંતુ આ યુવાનોએ તેમની અત્યાધુનિક બાઇક માટે કોઈ પેટન્ટ કે રજિસ્ટ્રેશન કરાવ્યું નથી એની પાછળનો હેતુ જણાવતાં શિવમ મૌર્ય કહે છે કે, ‘આવો કોઈ પ્રોજેક્ટ અમે કરતા હોઈએ છીએ ત્યારે અમારો ઇન્ટેન્શન કમર્શિયલ પર્પઝ માટેનો નથી હોતો, કેમ કે અમારું ફોકસ રિસર્ચ અને ડેવલપમેન્ટ પર હોય છે. અમે કંઈક ઇનોવેટિવ બનાવવા ટ્રાય કરીએ છીએ. ભંગારમાંથી વસ્તુઓ લાવીને, ડિઝાઇન કરીને કોઈ વસ્તુ બનાવીને એને સોશ્યલ મીડિયામાં અપલોડ કરીએ છીએ જેથી અન્ય લોકો પણ એ જોઈને શીખે અને નવી વસ્તુ બનાવવા ટ્રાય કરે એ હેતુ છે. એટલે અમે આ બાઇકની કોઈ પેટન્ટ કે રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. અમારે એ બતાવવું છે કે ભારતીયો પણ ઇનોવેટિવ વસ્તુ બનાવી શકે છે. તમે પણ ભંગારમાંથી વસ્તુઓ લાવીને ઇનોવેટિવ વસ્તુ બનાવી શકો છો એ મેસેજ ઇન્ડિયન યુથને આપવા આ બાઇક બનાવી છે. આ બાઇક માટે મિત્ર ગુરપ્રીત અરોરા સાથે થ્રી-ડી ડીઝાઇન કરી અને ગણેશ પાટીલે વિડિયો એડિટિંગ કર્યું. અમે ત્રણ મિત્રોએ ટીમ વર્કથી કામ કરીને આ બાઇક બનાવી છે. અત્યાર સુધીમાં અમે રોબો, ઇલેક્ટ્રિક વ્હીકલ, ખેતી સહિતના આશરે ૧૦૦ જેટલા વિડિયો અપલોડ કર્યા છે.’