ભગવાનના નામે તમારો કચરો અમને આપો

08 June, 2025 01:49 PM IST  |  Stockholm | Rashmin Shah

આવું કહે છે દુનિયાનો સૌથી સુખી દેશ સ્વીડન. સ્વીડન પાસે હવે કચરો બચ્યો નથી એટલે એણે પાડોશી દેશોમાંથી ઇમ્પોર્ટ કરવાનું શરૂ કર્યું છે. આવું એણે શું કામ કરવું પડે છે એ જાણશો તો તમને ચોક્કસપણે ૯.૬૦ કરોડની વસ્તી ધરાવતા આ દેશ માટે માન થશે

સ્વીડને કચરામાંથી માત્ર ઊર્જા જ નહીં, અમુક રીસાઇક્લિંગ પ્રોડક્ટ્સ બનાવવાનું પણ શરૂ કર્યું છે.

તમારા ઘરની ડોરબેલ વાગે અને તમે દરવાજો ખોલો કે તરત આવેલી વ્યક્તિ તમને રિક્વેસ્ટ સાથે કહે કે પ્લીઝ, તમારા ઘરનો કચરો મને આપશો?

તો તમે શું માનો?

પહેલી વાત, જો તમે ભારતમાં કે પછી એશિયાના કોઈ પણ દેશમાં રહેતા હો તો રાજીના રેડ થઈ જાઓ કે વાહ, આ સરસ સુવિધા શરૂ થઈ. જો તમે અમેરિકામાં રહેતા હો તો તમને તાજુબ ન થાય; પણ અફકોર્સ, તમે તમારો કચરો આપ્યા પછી થૅન્ક યુ તો ચોક્કસ કહો અને જો સ્વીડનમાં રહેતા હો તો તમારું રીઍક્શન બદલાઈ જાય અને તમે સ્વીડિશમાં કહી દો કે સૉરી ભાઈ, અમારા ઘરમાં કચરો નથી.

હા, આ સ્વીડનની વાસ્તવિકતા છે અને આ વાસ્તવિકતા હવે એ સ્તર પર હકીકત બની ગઈ છે કે આજે સ્વીડન પાસે નામમાત્ર કચરો રહ્યો નથી અને એને આ વાત એને પજવે છે! યસ, તમે બરાબર વાંચ્યું. કચરા વિનાનો દેશ એ વાતથી પીડાય છે કે એની પાસે કચરો નથી અને એટલે જ સ્વીડન યુરોપના બીજા દેશોમાંથી કચરો ઇમ્પોર્ટ કરે છે. દુનિયાના મહત્તમ દેશો માટે કચરાનો નિકાલ કેવી રીતે કરવો એ જ્યારે પ્રાણપ્રશ્ન બની ગયો છે ત્યારે જગતઆખામાં એકમાત્ર સ્વીડન એવો દેશ છે જે કચરો ક્યાંથી લાવવો એના ટેન્શનમાં છે અને એનાં ઘણાં કારણો પૈકીનાં બે કારણો બહુ મહત્ત્વનાં છે. જોકે એ કારણો વિશે ચર્ચા કરતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે કચરામુક્ત બનવા માટે સ્વીડને શું-શું કર્યું અને એનાથી સ્વીડનને કેવા-કેવા લાભો થયા.

૧૯૪૭નું વર્ષ

ભારત જ્યારે આઝાદીના જશનને મનાવતું હતું ત્યારે યુરોપિયન દેશ સ્વીડન એને ત્યાં ઉત્પન્ન થતા કચરાનો નિકાલ કરવા માટે શું કરવું એ વિશે સજ્જતા સાથે તર્કબદ્ધ રસ્તાઓ વિચારતું હતું. એ જ રસ્તાના ભાગરૂપે સ્વીડને નક્કી કર્યું કે સ્વીડનના સ્ટૉકહોમ શહેરનો વહીવટ કરતી મ્યુનિસિપલ કૉર્પોરેશનની સાથે જ એક એવી પૉલિકિટલ પાવર ધરાવતી કંપનીનું નિર્માણ કરવું જેનું એક જ કામ હોય કે દેશમાં ઉત્પન્ન થતા કચરાનો નાશ કરવો અને એ પણ એવી રીતે કે એ કચરો પ્રકૃતિના બીજા કોઈ ક્ષેત્રમાં નડતર ન બને.

એક આડ વાત. નૅશનલ જ્યોગ્રાફીએ તૈયાર કરેલી ડૉક્યુમેન્ટરીમાં કરવામાં આવેલા દાવા મુજબ દર વર્ષે દુનિયામાં ૯૦૩ કરોડ ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન કે રીસાઇકલ થાય છે. આ જે વજન કહ્યું છે એને દેશી ભાષામાં સમજવું હોય તો કહી શકાય કે ૯૦૩ કરોડ ટન એટલે અલમસ્ત એવા અંદાજે ૧૧૦ હાથીઓ, જેમાંથી પ૧ હાથી જેટલું પ્લાસ્ટિક દર વર્ષે દરિયા કે પૃથ્વીની જમીનમાં ધરબાઈ જાય છે અને એ પ્લાસ્ટિક પ્રકૃતિને બહુ મોટું નુકસાન કરે છે. આ આંકડાઓ ૨૦૧પના છે, પણ આપણે વાત કરતા હતા ૧૯૪૭ની. સ્વીડનને એ સમયે ખબર પડી ગઈ હતી કે જો કચરા પર ધ્યાન આપ્યું નહીં તો એક દિવસ એવો આવીને ઊભો રહેશે કે કચરા વચ્ચે માણસે જીવવું પડશે.

વેસ્ટ મૅનેજમેન્ટ માટે સ્વીડને નક્કી કર્યું કે એવી વ્યવસ્થા ઊભી કરવી જેની સામે કાયદેસરનાં પગલાં લઈ શકાય અને એ વ્યવસ્થાનું સંચાલન કરવા માટે અવાફલ વેરિજે નામની મૅનેજમેન્ટ કંપની બનાવી. આ જે કંપની છે એના વિશે જો તમે ઇન્ટરનેટ પર શોધખોળ કરવા માગતા હો તો એનો સ્પેલિંગ નોંધી લેજો, કારણ કે સ્પૅનિશ ઉચ્ચારણ ધરાવતી આ કંપનીનો સ્પેલિંગ અટપટો છે. જો તમે Avfall Sverige લખશો તો જ તમને અવાફલ વેરિજે વિશે વધારે જાણવા મળશે.

૧૯૪૭માં બનેલી આ કંપનીનું બંધારણ રિલાયન્સ કે તાતા જેવું નથી. ટેક્નિકલી એ એક ગવર્નમેન્ટ ઑર્ગેનાઇઝેશન છે, પરંતુ એમાં બોર્ડ પણ બન્યું છે અને એમાં ડિરેક્ટર્સ પણ છે. અવાફલ વેરિજે જે કામ કરે છે એ કોઈ પણ કૉર્પોરેટ કંપનીને શરમાવે એ સ્તરનું પર્ફેક્ટ છે. અવાફલ વેરિજેના મૅનેજિંગ ડિરેક્ટર ટોની ક્લર્કે થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘જો પૃથ્વી આપણી હોય તો કચરો આપણી જવાબદારી છે. એ માટે સૌથી પહેલાં સરકારમાં બેઠેલા પદાધિકારીઓએ અને એ પછી અધિકારીઓએ વિચારવું પડે. તેમણે લોકોને સમજાવવા પડે, એજ્યુકેટ કરવા પડે કે તમારું ઘર એ જ નહીં; તમારું શહેર, તમારો દેશ પણ તમારું ઘર છે એટલે એનું જતન કરો.’

અવાફલ વેરિજે આજે સ્વીડનના એજ્યુકેશનમાં પણ કચરારહિત દુનિયા વિશે ત્યાંના સ્ટુડન્ટ્સને ભણાવે છે. આપણે હજી ગંદકી ન કરવી જોઈએ એવી વાતો કરીએ છીએ ત્યારે સ્વીડિશ સ્ટુડન્ટ્સ ગંદકીમાંથી શું-શું નવું થઈ શકે અને એનાથી દેશને કેવા-કેવા લાભો થઈ શકે એના પ્રોજેક્ટ આપતા થઈ ગયા છે!

ઘર ચાલે છે કચરામાંથી

અગાઉ આપવામાં આવેલા એક પ્રોજેક્ટનો અવાફલ વેરિજેએ અમલ કર્યો અને પરિણામ એવું અદ્ભુત આવ્યું કે કચરામાંથી સ્વીડને ઊર્જાનું ઉત્પાદન શરૂ કરી દીધું. આજે સ્વીડનનાં ૩૨ ટકા ઘરને ઇલેક્ટ્રિસિટી મળે છે તો ૪૯ ટકા ઘરમાં ગરમી પહોંચે છે એટલે કે હોમ-હીટર ચાલે છે. એક્ઝૅક્ટ આંકડા સાથે કહીએ તો ૨,૬૦,૦૦૦ ઘરમાં ઇલેક્ટ્રિસિટી અને દેશનાં ૯,પ૦,૦૦૦ ઘરનાં હીટર કચરાને કારણે ઉત્પન્ન થતી વિદ્યુતથી ચાલે છે. જરા વિચારો, આપણે કચરો પેદા કરીએ છીએ અને સ્વીડન કચરામાંથી ઊર્જા પેદા કરે છે.

અહીંનો દરેક નાગરિક કચરાનું રીસાઇક્લિંગ થાય એ માટે કાર્યરત છે. 

કચરામાંથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવાનું કાર્ય પ્રમાણમાં સસ્તું પણ છે, પૉલ્યુશન-ફ્રી પણ છે અને સાથોસાથ દેશને ગંદકીમાંથી મુક્તિ આપનારું પણ છે. આ ઉપરાંતનું અગત્યનું એક કામ. એને કારણે રોજગાર પણ સ્વીડનમાં ઊભો થયો છે. સ્વીડન એક એવો દેશ છે જ્યાં સોલર-એનર્જી પર ફોકસ રાખી શકાતું નથી, કારણ કે વર્ષમાં ઑલમોસ્ટ ૩૦૦ દિવસ સનલાઇટ ઓછી હોય છે. વિન્ડ-એનર્જીનું પ્રમાણ હવે વધ્યું છે, પણ એ એનર્જીનો મોટા ભાગે કમર્શિયલ ઉપયોગ થાય છે જેને લીધે ટ્રેસ-એનર્જી એટલે કે કચરાની ઊર્જા પર સ્વીડન નિર્ભર થવા માંડ્યું છે.

આર્ટિકલની શરૂઆતમાં કહ્યું એમ ફૉરેનથી કચરો ઇમ્પોર્ટ કરવા માટેનાં ઘણાં કારણો પૈકીનું એક કારણ આ. જો કચરો મળતો બંધ થઈ જાય તો ઊર્જાનું ઉત્પાદન બંધ થઈ જાય અને જો એવું બને તો સ્વીડને પાડોશી દેશોમાંથી ઇલેક્ટ્રિસિટી આયાત કરવી પડે, કારણ કે સ્વીડન પાસે કચરામાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાની ટેક્નૉલૉજી બહોળી માત્રામાં છે, જ્યારે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવાના અન્ય પ્રકારના પ્લાન્ટ કે સોર્સ માત્ર બાવીસ ટકા જ છે. હવે જો કચરો ન મળે તો દેશમાં અંધારપટ છવાઈ જાય. એવું બને નહીં એટલા માટે સ્વીડન આજુબાજુના દેશો પાસે કચરા માટે હાથ ફેલાવે છે અને એ દેશો હોંશે-હોંશે પોતાનો કચરો સ્વીડનના ડસ્ટબિનમાં નાખે છે.

બિઝનેસ જર્નલિસ્ટને જલસો પડી જાય એવી વાતો પણ કરી લઈએ. અમેરિકાના વૉશિંગ્ટન પોસ્ટમાં આવેલા રિપોર્ટ મુજબ ૨૦૨૦ સુધીમાં સ્વીડને આશરે ૧પ૨ મિલ્યન ટન કચરો ઉત્પન્ન કર્યો, જેમાં ૭૬ ટકા માઇનિંગમાંથી અને એક ટકાથી પણ ઓછો કચરો હૅઝર્ડબેઝ ટ્રેસ એટલે કે કોઈ રીતે રીસાઇકલ ન કરી શકાય એવો જોખમી કચરો હતો, પ્રક્રિયા ન કરી શકાય એવો જોખમી કચરો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે લોકો પણ કચરો ન કરવા માટે એ સ્તર પર ટ્રેઇન થઈ ગયા છે કે સ્વીડનમાં ૦.૭ ટકા એવો કચરો ઘર અને ફૅક્ટરીમાંથી બહાર આવે છે જે રીસાઇકલ માટે કે પછી ઊર્જાના ઉત્પાદન માટે વાપરી શકાય છે!

ફરી આવીએ બિઝનેસની વાત પર. સ્વીડને કચરામાંથી માત્ર ઊર્જા જ નહીં, અમુક રીસાઇક્લિંગ પ્રોડક્ટ્સ બનાવવાનું પણ શરૂ કર્યું અને એને લીધે કચરાની ડિમાન્ડ વધી. એણે છેલ્લે ૨૦૨૦માં કચરામાંથી જ ૧.૭ બિલ્યન યુરોની કમાણી કરી હતી. ૨૦૧૦થી અત્યારે સ્વીડન પાડોશી એવા બ્રિટન અને નૉર્વેથી કચરો આયાત કરે છે તો ગયા વર્ષે સ્વીડને ફ્રાન્સ અને સ્વિટ્ઝરલૅન્ડ જેવા નાના દેશો પાસેથી પણ કચરો મગાવવાનું શરૂ કર્યું. તમને નવાઈ લાગશે પણ એ કચરા માટે સ્વીડન એ લોકોને ચાર્જ ચૂકવે છે અને એ પછી પણ સ્વીડન કચરામાંથી ૭પ ટકાથી પણ વધારે પ્રૉફિટ મેળવે છે.

હવે બીજા કારણની વાત

સ્વીડનને જો કચરો ન મળે તો એવી પરિસ્થિતી ઊભી થાય એમ છે કે દેશમાં આવેલા રીસાઇકલ યુનિટના અડધોઅડધ પ્લાન્ટ બંધ કરવા પડે અને જો એવું બને તો દેશની ૮ ટકા વસ્તીએ બેકારી જોવાનો સમય આવે જે સ્વાભાવિક રીતે દેશ ઇચ્છતો નથી. એટલે જ સ્વીડન આડોશીપાડોશીનો કચરો ઉપાડીને છેક પોતાના દેશ સુધી લાવવા તૈયાર થયું છે.

સ્વીડનની કુલ વસ્તી અંદાજે ૯ કરોડ ૬૦ લાખની છે. આ વસ્તીમાંથી મોટા ભાગના લોકોનો નિર્વાહ ઇન્ડસ્ટ્રિયલ જૉબ, ફાઇનૅન્સ અને મેડિકલ ફીલ્ડ પર ચાલે છે. આ ત્રણ પછી આવે છે રીસાઇકલ યુનિટ. એક સમયે સ્વીડનમાં રીસાઇકલ યુનિટ ઊભું કરનારાને ૪૦ ટકા જેવી સબસિડી મળતી હતી, જે છેલ્લાં પંદરેક વર્ષથી બંધ થઈ ગઈ છે. આ જ દેખાડે છે કે ત્યાં કચરો હવે અમૂલ્ય બનતો જાય છે. જો દેશમાં કચરો આવતો બંધ થઈ જાય તો સામાજિક વ્યવસ્થાને પણ ડૅમેજ થાય અને આર્થિક વ્યવસ્થા પણ ખોરંભે ચડે અને એવું એક પણ ક્ષેત્રમાં ન બને એ માટે સ્વીડને કચરા પ્રત્યે ગંભીરતા દાખવીને એ ઇમ્પોર્ટ કરવાનું શરૂ કર્યું છે.

સામાન્ય વિચાર આવે કે બીજા દેશો શું કામ આ પ્રકારના રીસાઇકલ યુનિટ બનાવવા વિશે નહીં વિચારતા હોય? જવાબ બહુ સરળ છે - ટેક્નૉલૉજી અને કચરાની બાબતમાં ગંભીરતા. અવાફલ વેરિજેના મૅનેજિંગ ડિરેક્ટર ટોની ક્લર્ક કહે છે, ‘કચરામાં પણ ક્વૉલિટી હોવી જોઈએ. જો એ ક્વૉલિટી ન હોય તો કચરાને રીસા​ઇકલ કરવાનું કે પછી એમાંથી ઊર્જા જનરેટ કરવાનું કામ સરળ નથી. ક્વૉલિટી કચરા માટે પણ નાગરિકોમાં જાગૃતિ જરૂરી છે.’

કચરામાં ક્વૉલિટી?

હા, પહેલી નજરે વાત હાસ્યાસ્પદ લાગે, પણ છે બહુ ગંભીર. શાકભાજી સાથે ઘરે આવતાં ઝભલાંથી ઊર્જા ન જન્મે, એનાથી પ્રદૂષણ જ ફેલાય અને દેશની ધરાને નુક્સાન જ પહોંચે. તમામ પ્રકારનો કચરો છૂટો પાડેલો હોય એ બહુ જ જરૂરી છે અને એ જ રીસાઇક્લિંગનું પહેલું પગલું.

સ્વીડન વિશે થોડું

૯ કરોડ ૬૦ લાખ લોકોની વસ્તી ધરાવતા સ્વીડનનું પાટનગર સ્ટૉકહોમ છે જે ૧૪ ટાપુઓથી બન્યું છે. એકલા સ્ટૉકહોમ શહેરમાં પચાસ બ્રિજ છે. સ્વીડનના પાડોશી દેશોમાં નૉર્વે અને ફિનલૅન્ડ છે; જ્યારે દરિયાઈ સરહદે એ જર્મની, પોલૅન્ડ, ડેન્માર્ક અને રશિયા સાથે જોડાયેલું છે. સ્વીડન પાસે જમીન પુષ્કળ છે પણ વસ્તી ઓછી છે. એને કારણે એક કિલોમીટરના સરેરાશ વિસ્તારમાં માત્ર ૨૧ લોકો જ રહે છે!

ટેક્નિકલી સ્વીડન યુરોપિયન યુનિયન સાથે છે, પણ ત્યાં યુરો ચાલતા નથી! કોઈ અનઑફિશ્યલી લઈ લે તો વાંધો નથી, પણ બાકી સ્વીડન જાઓ તો તમારે સ્વીડિશ ક્રોના નામનું ચલણ સાથે રાખવું પડે છે. હૅપીનેસ રૅન્કિંગમાં લાંબા સમયથી ટૉપ પર રહેનારા સ્વીડનમાં જવાનું બને તો દુનિયાનું પહેલું ઓપન-ઍર મ્યુઝિયમ સ્કેનસેન, જેમ્સ બૉન્ડ મ્યુઝિયમ, ૧૭મી સદીની વૉરશિપમાં બનેલું વાસા મ્યુઝિયમ, સ્વીડનના શાહી પરિવારનો પૅલેસ એવો સ્ટૉકહોમ પૅલેસ ખાસ જોવા જોઈએ.

સ્વીડન જવાનું મન થાય તો શેન્ગેન વીઝા લેવા પડશે જે ૯૦ દિવસ માટે માન્ય છે. આ શેન્ગેન વિઝામાં તમે સ્વીડન ઉપરાંત યુરોપના અન્ય દેશોમાં પણ ફરી શકશો.

sweden environment technology news tech news information technology act internatioanl news world news columnists gujarati mid-day life and style Rashmin Shah