આ ટચૂકડું ડિવાઇસ તમારી કીમતી ચીજોને સેફ રાખશે

26 April, 2021 12:18 PM IST  |  Mumbai | Harsh Desai

હજી ગયા અઠવાડિયે જ ઍપલે એની સૌથી સસ્તી પ્રોડક્ટ લૉન્ચ કરી એ છે ઍરટૅગ. આ નાની ચીજ છે પણ ભુલક્કડ લોકો માટે કારની ચાવી, પૈસાની બૅગ, લૅપટૉપ બૅગ જેવી કીમતી ચીજ ખોવાઈ ગઈ હોય તો એને શોધવામાં ઍક્યુરેટ સર્વિસ આપશે

આ ટચૂકડું ડિવાઇસ તમારી કીમતી ચીજોને સેફ રાખશે

હજી ગયા અઠવાડિયે જ ઍપલ દ્વારા લૉન્ચ કરવામાં આવેલું ઍરટૅગ દેખાવમાં તો એક નાનકડા ટૅગ જેવું છે, પરંતુ ખૂબ જ પાવરફુલ છે. આ ટૅગની મદદથી ચાવી, હૅન્ડબૅગ, બૅકપૅક વગેરે જેવી વસ્તુને શોધી શકાય છે. આ ઍરટૅગ આઇફોનની સાથે ઍન્ડ્રૉઇડ ફોનની મદદથી પણ ચાલે છે. ગ્લોબલ ફાઇન્ડ માય નેટવર્કનો ઉપયોગ કરીને તમારી ખોવાયેલી વસ્તુને આ ટૅગની મદદથી શોધી શકાય છે. 
શું છે ઍરટૅગ?
ઍપલનું ઍરટૅગ એક ટ્રેકિંગ ડિવાઇસ છે. જીપીએસ જે રીતે કામ કરે છે એ જ રીતે આ ઍરટૅગ પણ કામ કરે છે, પરંતુ આ ઍરટૅગમાં સાઉન્ડ સિસ્ટમ પણ છે જેથી અવાજ દ્વારા એ ક્યાં છે એ પણ શોધી શકાય છે. વારંવાર કારની ચાવી આમતેમ મૂકી દેતા અથવા તો લૅપટૉપની બૅગ અથવા તો કીમતી ચીજવસ્તુ હોય એવી બૅગમાં આ ટૅગને મૂકી એને સુરક્ષિત કરી શકાય છે જેથી એ જ્યારે ખોવાઈ જાય અથવા તો ચોરાઈ જાય ત્યારે એને શોધી શકાય છે. આ એક નાનકડા ટૅગ જેવું છે જેનું કવર રિમૂવેબલ હોવાથી એની બૅટરી પણ બદલી શકાય છે. એમાં બિલ્ટ-ઇન સ્પીકર હોવાથી બૅટરી સારી હોવી જરૂરી છે. આ IP67 રેટેડ વૉટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટ ટૅગ છે. આ ઍરટૅગમાં ઍપલની U1 ચિપ છે, જેમાં અલ્ટ્રા વાઇડબૅન્ડ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નૉલૉજીની મદદથી ટૅગ કઈ જગ્યા પર એ ખબર પડશે અને જ્યારે તમે મોબાઇલ લઈને એ ટૅગની રેન્જમાં આવશો ત્યારે તમને ચોક્કસ અંતર અને ડિરેક્શન જણાવવામાં આવશે.
સેટ-અપ કેવી રીતે કરશો?
આઇફોન યુઝર જે રીતે ઍરપૉડ્સને નજીક લાવવાથી કનેક્ટ કરી શકે છે એ જ રીતે ઍરટૅગને પણ કનેક્ટ કરી શકશે. એક વાર કનેક્ટ થઈ ગયા બાદ યુઝર એને ફાઇન્ડ માય ઍપ્લિકેશનમાં પણ જોઈ શકશે. આ ઍપ્લિકેશન તમારા અકાઉન્ટ સાથે જોડાયેલી તમામ ડિવાઇસને દેખાડે છે એમાં આ ઍરટૅગનો પણ સમાવેશ થાય છે. આ ઍપમાંથી લોકેશન અને મૅપ પણ જોઈ શકાશે.
ઍરટૅગને કેવી રીતે શોધશો?
આઇફોન શોધવા માટે જે રીતે ફાઇન્ડ માય ઍપ્લિકેશનમાં જઈને એને શોધી શકાય છે એ જ રીતે ઍરટૅગને પણ શોધી શકાય છે. જો ઍરટૅગ બ્લુટૂથની રેન્જમાં હશે તો એની મદદથી સાઉન્ડ પણ વગાડી શકાશે. આ સાઉન્ડ બ્લુટૂથની રેન્જમાં આવે ત્યારે જ વાગે એ રાખવાનું કારણ જે-તે વ્યક્તિ અલર્ટ ન થઈ જાય અને ઍરટૅગને નિષ્ક્રિય ન કરી નાખે એ માટે રાખવામાં આવ્યું છે. આ ઍરટૅગની એક વિશિષ્ટતા એ છે કે એને એક વાર લોસ્ટ મોડમાં મૂકી દીધું તો એ એની રેન્જમાં આવનાર કોઈ પણ ફાઇન્ડ માય ઍપ્લિકેશનનો ઉપયોગ કરનાર બ્લુટૂથનો સંપર્ક કરી શકે છે. એની મદદથી જે-તે વ્યક્તિને ઍરટૅગ મળ્યું હોય તો તે એના માલિકની ડીટેલ્સ જોઈને તેમનો સંપર્ક કરી શકે છે. જોકે આ માટે ડીટેલ્સ પહેલેથી આપવી જરૂરી છે.

લોકેશન ડેટા પ્રાઇવસીનું શું?

ઍપલના જણાવ્યા અનુસાર આ ઍરટૅગમાં ફિઝિકલ સ્ટોરેજ નથી એથી એમાં ડેટા સ્ટોર નહીં થાય. ઍરટૅગ અને ફાઇન્ડ માટે નેટવર્ક વચ્ચે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિસપ્શનનો ઉપયોગ થતો હોવાથી ડેટાને કોઈ જોઈ શકે એમ નથી. આથી આ લોકેશનને માલિક સિવાય અન્ય કોઈ વ્યક્તિ નહીં જોઈ શકે. ઍપલ પણ નહીં.

કિંમત, ડિલિવરી અને ઍક્સેસરીઝ

 એક ઍરટૅગની કિંમત ૩૧૯૦ રૂપિયા છે અને જો ચારનું પૅક સાથે ખરીદો તો ૧૦,૯૦૦ રૂપિયા થાય.  
 ૨૩ એપ્રિલથી ઍડ્વાન્સ ઑર્ડર બુકિંગ શરૂ થઈ ગયું છે અને ૩૦ એપ્રિલ બાદ ડિલિવરી શરૂ થશે. 
 આ ઍરટૅગ પર તમે તમારા પર્સનલ ટેક્સ્ટ અથવા તો ૩૧ ઇમોજીમાંથી તમારી પસંદગીનું ઇમોજીવાળું ઍરટૅગ પસંદ કરી શકો છો. આ માટે ઍપલની વેબસાઇટ પર જઈને ત્યાં પસંદ કરવું. 
 આ ઍરટૅગની સાથે ઍપલે કેટલીક ઍક્સેસરીઝ પણ લૉન્ચ કરી છે, જેમાં પૉલિયુરિથીન લૂપ, લેધર લૂપ અને લેધર કી રિંગનો સમાવેશ થાય છે. જોકે આ માટે એક્સ્ટ્રા પૈસા ચૂકવવા પડશે.

harsh desai columnists tech news technology news