16 September, 2025 04:00 PM IST | Mumbai | Jigisha Jain
આઇફોન ખરીદવાના છો એ પણ EMI પર?
હાલમાં બહાર પડેલા આંકડાઓ મુજબ ૭૦ ટકા ભારતીયો EMI પર આઇફોન ખરીદી રહ્યા છે જેમાંથી મોટા ભાગના ૨૨-૩૫ વર્ષના છે. આ એ ઉંમર છે જેમાં વ્યક્તિએ કમાવાનું શરૂ જ કર્યું હોય છે. એ સમયે લોકોને ઇમ્પ્રેસ કરવા માટે કે પિઅર પ્રેશરમાં આવીને લાખ-દોઢ લાખના ફોનને ખરીદવા માટે EMI જેવા ઑપ્શન પસંદ કરતા યુવાનોની માનસિકતા સમજવાની કોશિશ કરીએ અને જાણીએ કે તેમને રિયલ વેલ્થનો અર્થ કઈ રીતે સમજાવી શકીએ
આજકાલ સ્કૂલમાં ભણતા ઘણા સ્ટુડન્ટ્સ પાસે આઇફોન અને આઇપૅડ છે, કારણ કે તેમનાં માતા-પિતા એ ખરીદી શકે એમ છે અને તેમને એ ૧૦-૧૬ વર્ષનાં બચ્ચાંઓને આઇફોન દેવામાં કશું ખોટું લાગતું નથી. માતા-પિતા દર વર્ષે નવો આઇફોન ખરીદતાં હોય તો જૂનાનું શું કરવું એમ વિચારીને એ પોતાનાં બાળકોને આઇફોન આપી દે છે.
હાલમાં એક આંકડો બહાર પડ્યો, જે સૂચવે છે કે ૭૦ ટકા ભારતીયો EMI એટલે કે ઇક્વેટેડ મન્થ્લી ઇન્સ્ટૉલમેન્ટ એટલે કે માસિક હપ્તા પર આઇફોન ખરીદી રહ્યા છે. એમાંથી મોટા ભાગના ૨૨-૩૫ વર્ષના છે. આ એ ઉંમર છે જેમાં કમાવાનું શરૂ જ થયું હોય છે. ઘણુંબધું અચીવ કરવાનું બાકી હોય છે. મિનિમમ પૈસા સાથે એક નોકરી કે નાનો બિઝનેસ શરૂ કર્યો હોય એ અવસ્થામાં હાથમાં એકથી દોઢ લાખના ફોન ખરીદવા જેટલા તો પૈસા એકઝાટકે નીકળે નહીં. એટલે લોકો EMI તરફ વળીને પોતાના શોખ કે કહેવાતી જરૂરિયાત પૂરી કરી રહ્યા છે. આ પરિસ્થિતિ કન્ઝ્યુમરના બિહેવિયરને સૂચવે છે એટલે કોઈ પણ બિઝનેસમૅન માટે ગ્રાહકનું બિહેવિયર સમજવા માટે એ રસપ્રદ હોઈ શકે છે. આર્થિક મહાસત્તા બનવા જઈ રહેલા આપણા દેશ માટે, આવનારી નવી પેઢી જે આ દેશને ટોચ પર પહોંચાડે એવી આપણે ઇચ્છા ધરાવીએ છીએ તેમનું શોષણ કોઈ એક લક્ઝરી બ્રૅન્ડ કરી જાય એ કેટલા અંશે યોગ્ય છે? આ પેઢી એટલી સ્માર્ટ હોવી જોઈએ કે એકમાંથી અનેક કેવી રીતે બને એ આ પેઢીને આવડવું જોઈએ, નહીં કે જેટલા છે એટલા બધા પૈસા કોઈ ખોટી દિશામાં વપરાઈ જાય અને છેલ્લે આપણે હતા ત્યાંના ત્યાં. સામાજિક પરિસ્થિતિમાં એનું વિશ્લેષણ કરીએ તો લાગે કે કશેક આપણે નવી પેઢીના ઘડતર વિશે ચિંતન કરવાની જરૂર છે. તેમને રિયલ વેલ્થ શું છે એ સમજાવવું પડે.
કન્ઝયુમરિઝમ
૨૦-૩૫ વર્ષના યુવાનોના આ વર્તન પાછળ આમ તો ઘણાં દેખીતાં કારણો સમજી શકાય, પરંતુ અમુક માનસિકતા સંબંધિત કારણો વિશે વાત કરતાં જાણીતાં ફાઇનૅન્શિયલ એજ્યુકેટર પ્રિયંકા આચાર્ય કહે છે, ‘એક સમય હતો જ્યારે લોકો ફક્ત સોનું કે જમીન કે ઘર જેવી મોટી જગ્યાએ ઇન્વેસ્ટ કરતા. એમાં લોન લેવી પડતી અને દર મહિને પગારમાંથી એક રકમ કપાતી. માતા-પિતાનું આખું જીવન લોન ભરવામાં જાય છે એવું આજની યુવા પેઢીએ જોયું છે. એટલે લોન ભરતા રહેવું કે દર મહિને EMI દેતા રહેવું તેમના માટે નૉર્મલ છે. એના પછી કન્ઝયુમરિઝમને કારણે ટીવી, ફ્રિજ, વૉશિંગ મશીન, ફોન જેવી વસ્તુઓ પણ EMI પર મળવા લાગી અને લોકો લાઇફસ્ટાઇલ સારી કરવા માટે એ EMI ભરીને વસ્તુઓ લાવવા માંડ્યા. અહીં મૂળભૂત તફાવત એ છે કે પહેલાંના લોકો જેનો EMI ભરતા એ જમીન કે ઘર કે સોનું એવું ઇન્વેસ્ટમેન્ટ હતું જેની વૅલ્યુ સમય સાથે વધતી. એટલે જ્યારે EMI પૂરા થાય ત્યારે એની વૅલ્યુ જેટલા ઇન્વેસ્ટ કર્યા હોય એના કરતાં ઘણી વધારે થઈ જતી, પરંતુ આઇફોન કે લાઇફસ્ટાઇલ રિલેટેડ વસ્તુઓની વૅલ્યુ દિવસે-દિવસે ઘટતી જાય છે. ઘણી વાર એવું પણ બને છે કે હજી તમારા EMI પૂરા ન થયા હોય અને માર્કેટમાં એનાથી બેટર વર્ઝનની ટેક્નૉલૉજી આવી ગઈ હોય. જૂની ટેક્નૉલૉજીની વૅલ્યુ પડતી જાય છે. લાખ-દોઢ લાખ રૂપિયા એક ગૅજેટ પાછળ ખર્ચો ત્યારે આટલી વસ્તુ સમજાઈ જવી જોઈએ.’
માતા-પિતાનો રોલ
૨૦-૩૫ વર્ષના યુવાનો પોતાની ચાદર કરતાં ખૂબ વધુ પગ ફેલાવી રહ્યા છે ત્યારે એ સમજવું રહ્યું કે આ ઉંમરમાં માતા-પિતા આ યુવાનો પર તેમનો કોઈ નિર્ણય લાદી ન શકે, તેઓ તેમની મરજી પ્રમાણે જીવે અને એ યોગ્ય પણ છે; પરંતુ આવું ન થાય એ માટે સાચા-ખોટાની સમજ નાનપણમાં આપવી જોઈએ એમ સમજાવતાં કૉન્શિયસ પેરન્ટિંગ કોચ દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘દરેક બાળકને ડીલેડ ગ્રેટિફિકેશન પ્રૅક્ટિસ કરાવવું જરૂરી છે. બાળકને કંઈ જોઈતું હોય અને તરત મળી જાય એ યોગ્ય નથી. વળી કંઈ પણ જોઈતું હોય તો કેમ જોઈએ છે, એના વગર ચાલી શકે કે નહીં એવા પ્રશ્નો વડે તેને જરૂર અને માગ વચ્ચેનો ફરક સમજાવવો જરૂરી છે. શૂઝ બાળકની જરૂરત છે, બ્રૅન્ડેડ શૂઝ માગ ગણાય. અહીં એવું નથી કે બાળકને બ્રૅન્ડેડ શૂઝ અપાવવાની જરૂર જ નથી. જો તમારી પાસે પૈસા હોય તો અપાવી શકાય પણ બાળકને એ સમજ હોવી જોઈએ કે આ તેની જરૂર નથી. એટલે જે દિવસે એ બ્રૅન્ડનાં શૂઝ ન ખરીદીને નૉર્મલ ખરીદવામાં આવે ત્યારે તેને તકલીફ ન થાય.’
આઇફોન લો, પણ EMI પર નહીં
પહેલાંનો સમય જુદો હતો એટલે લોકો લાઇફસ્ટાઇલ પર ખર્ચ નહોતા કરતા. આજની પેઢી માને છે YOLO - એટલે કે યુ ઓન્લી લિવ અન્સ એટલે કે તમે એક જ જિંદગી જીવવાના છો તો પૂરી રીતે જીવી લો. અને એ વાત સાચી છે એમ સમજાવતાં પ્રિયંકા આચાર્ય કહે છે, ‘જીવી લેવું અને ખર્ચી લેવું એમાં કોઈ રોક ન હોઈ શકે. પરંતુ ખર્ચી લેતાં પહેલાં જે જરૂરી છે એ છે કમાઈ લેવું. તમારી પાસે હાથમાં લાખ-દોઢ લાખ રૂપિયો હોય જેની તમને તાત્કાલિક જરૂર ન હોય તો તમે આઇફોન તો શું, તમને જે ગમે એ તમે લઈ શકો છો, પણ જો નથી તો EMI પર એ ન લો. એટલા પૈસા ભેગા કરો, ઇન્વેસ્ટ કરીને કમાઓ, એકસાથે એકઠા થાય પછી ફોન ખરીદો. ઘણા એવું કહે છે કે EMIમાં એ જ તો પૈસા છે જે ભેગા કરી રહ્યા છીએ, પણ એવું નથી. મોટા ભાગે જોવા મળ્યું છે કે એકસાથે જ્યારે લાખ-બે લાખ રૂપિયા માંડ-માંડ ભેગા થયા હોય પછી વ્યક્તિને એ આઇફોન પાછળ વેડફી નાખતાં જીવ ચાલતો હોતો નથી. જેમ કે ૨૦-૩૫ વર્ષની ઉંમરવાળા લોકોને તમે કહો કે દર મહિને એક નિશ્ચિત રકમ તમે ઇન્વેસ્ટ કરો, એમાંથી જે રિટર્ન મળે એ પૈસા ભેગા કરીને પછી આઇફોન ખરીદો. થાય છે એવું કે ઇન્વેસ્ટમેન્ટમાં વધતી રકમ જોઈને મોટા ભાગના લોકોની ઇચ્છા જ નથી થતી કે એ તોડીને તેઓ આઇફોન ખરીદે. આમ એક સમજ તેમનામાં ડેવલપ કરી શકાય.’