તો આ કારણે વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની બત્તી ૬ કલાક ગુલ રહી

05 October, 2021 12:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફેસબુક ઉપરાંત, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ઓક્યુલસ પણ લગભગ છ કલાક માટે સંપૂર્ણપણે અટકી ગયા હતા.

પ્રતિકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક

ગત રાત્રે લગભગ ૯ વાગ્યા આસપાસ વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના સર્વર અચાનક ડાઉન થઈ જતા દુનિયાભરના કરોડો વપરાશકર્તાઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. “ત્રણ વખત ફોન બંધ કર્યો, ચાર વખત ફ્લાઇટ મોડ પે નાખી ચાલુ કર્યો, બાદમાં જાણવા મળ્યું કે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ બંધ છે.” આ મેસેજ ગઈકાલ રાતથી જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ફેસબુક ઉપરાંત, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ઓક્યુલસ પણ લગભગ છ કલાક માટે સંપૂર્ણપણે અટકી ગયા હતા. મોડી રાત્રે ફેસબુકે કહ્યું કે કેટલીક સેવાઓનો વપરાશકર્તાઓ ઉપયોગ કરી શકે છે. કંપનીએ માફી તો માગી હતી, પરંતુ સમસ્યા કેમ સર્જાઈ તેનું કારણ જણાવ્યું ન હતું. ચાલો સમજીએ કે અત્યાર સુધી જે ચિત્ર સામે આવ્યું છે તે શું રજૂ કરી રહ્યું છે.

અહેવાલો સૂચવે છે કે આ સર્વર ડાઉન દરમિયાન ફેસબુકની આંતરિક એપ્લિકેશનોએ પણ કામ કરવાનું બંધ કરી દીધું છે. કંપનીની પોતાની ઇમેઇલ સિસ્ટમ પણ અટકી પડી હતી. બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો છે કે કંપનીના કેલિફોર્નિયા કેમ્પસમાં કર્મચારીઓ ઓફિસો અને કોન્ફરન્સ રૂમ સુધી પહોંચવામાં પણ અસમર્થ હતા, કારણ કે ત્યાં જવા માટે સુરક્ષા બેજ (એક પ્રકારનું સિક્યોરિટી કાર્ડ અથવા એક્સેસ કાર્ડ) જરૂરી છે.

ફેસબુકે તકનીકી ખામી તો સ્વીકારી, પરંતુ તેનું કારણ અને કેટલા યુઝર્સને અસર થઈ તે સ્પષ્ટ કર્યું નથી. જોકે, રોઇટર્સે ફેસબુકના ઘણા કર્મચારીઓને ટાંકીને કહ્યું કે તેઓ માને છે કે આંતરીક રાઉટિંગમાં ભૂલને કારણે આઉટેજ થયું છે. ઘણા સુરક્ષા નિષ્ણાતોના મતે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થવું એ એક આંતરિક ભૂલ હતી.

ફેસબુકના વેબપેજ પર, ડોમેન નેમ સિસ્ટમ (DNS) એરર દર્શાવતું હતું. વાયર્ડના એક અહેવાલ મુજબ, જો DNS રેકોર્ડ સાથે ચેડા કરવામાં આવે તો વેબસાઇટ સાથે કનેક્ટ કરવું અશક્ય બની શકે છે. ક્લાઉડફેયર સીટીઓ જ્હોન ગ્રેહામ-કમિંગે વાયર્ડને જણાવ્યું હતું કે ફેસબુકે કૉંફિગ્રેશનમાં ગરબડ કરી હોવાનું જણાય છે. તેમણે કહ્યું કે “ફેસબુકે તેના રાઉટર્સ સાથે કંઈક કર્યું હોય તેવું લાગે છે, જેનાથી ફેસબુક નેટવર્ક ઈન્ટરનેટ સાથે જોડાય છે.”

ઉલ્લેખનીય છે કે મંગળવારે વહેલી સવારે વોટ્સએપે ટ્વિટર પર માહિતી આપી હતી કે તેમની તમામ સેવાઓ ફરી ૧૦૦ ટકા ક્ષમતા સાથે પૂર્વવત થઈ ગઈ છે.

tech news technology news whatsapp instagram facebook international news