અનેક સમસ્યાઓનું સમાધાન લઈને આવી રહી છે વૉટ્સઍપ

04 November, 2022 03:40 PM IST  |  Mumbai | Harsh Desai

યુઝર્સને જે-જે નાના-નાના પ્રૉબ્લેમ હતા એ તમામ દૂર કરી દેવામાં આવ્યા છે અને યુઝર્સ માટે ઍપ્લિકેશન વધુ સરળ અને યુઝફુલ બનાવવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર

વૉટ્સઍપમાં હવેથી પોતાને જ મેસેજ કરી શકાશે, કોઈકે કૅપ્શન સાથે મોકલેલા ફોટો કૅપ્શન સાથે જ ફૉર્વર્ડ કરી શકાશે અને કેટલાક ફોટો બ્લર કરી શકાય એવું ફીચર પણ ઉમેરવામાં આવ્યું છે

વૉટ્સઍપમાં હાલમાં જ ઑનલાઇન હાઇડ કરવાનું ફીચર આપી દેવામાં આવ્યું છે જેથી યુઝર અન્ય કોઈને પણ દેખાય નહીં એ રીતે ઑનલાઇન રહીને પોતાની સિલેક્ટેડ વ્યક્તિ સાથે વાતચીત કરી શકે છે. જોકે આ સાથે અન્ય પણ ઘણાં ફીચર્સ વૉટ્સઍપમાં આવી રહ્યાં છે. યુઝર્સને જે-જે મુશ્કેલીઓ પડી રહી હતી એના પર વૉટ્સઍપ ખૂબ જ નજીકથી ધ્યાન આપી રહી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આ તમામ સમસ્યાઓનું સમાધાન આવનારી અપટેડમાં આવી રહ્યું છે. આ સાથે જ વૉટ્સઍપ યુઝર્સની પ્રાઇવસીને પણ ધ્યાનમાં રાખી રહ્યું છે અને એથી જ ડેસ્કટૉપ વર્ઝનમાંથી પણ એક ફીચરને કાઢી રહી છે.

ફોટો વિથ કૅપ્શન

વૉટ્સઍપમાં જે-તે યુઝરે ફોટો અથવા તો કોઈ પણ મીડિયા સેન્ડ કરવાની સાથે જ નીચે કૅપ્શન લખીને સેન્ડ કરી હોય તો અન્ય વ્યક્તિને એ કૅપ્શન સેન્ડ નહોતી કરી શકાતી. ઉદાહરણ તરીકે એક યુઝરે બીજા યુઝરને ફોટોની સાથે એની નીચે એની ડીટેલ્સને કૅપ્શનમાં લખીને સેન્ડ કરી હોય તો આ બીજો યુઝર ત્રીજા યુઝરને એ કૅપ્શન સેન્ડ નહોતો કરી શકતો હતો. આથી તેણે એ કૅપ્શનને જાતે લખવી પડતી હતી. જોકે હવે આ નવા ફીચરમાં એ પ્રૉબ્લેમ પણ સૉલ્વ થઈ રહ્યો છે. આથી દરેક મીડિયાને સેન્ડ કરવાની સાથે જ એ કૅપ્શન પણ સેન્ડ થઈ શકશે એથી યુઝર્સ ફરી એને લખવાની ઝંઝટમાંથી મુક્ત થઈ શકશે. આ ફીચર હાલમાં ઍન્ડ્રૉઇડના બીટા વર્ઝનમાં છે, પરંતુ એને જલદી જ સ્ટેબલ વર્ઝનમાં અને દરેક પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવામાં આવશે.

ફોટો બ્લર

વૉટ્સઍપમાં અત્યાર સુધી એડિટર ટૂલમાં ફોટો અથવા તો વિડિયોને એડિટ કરવાના ટૂલમાં એને ટ્રિમ કરવું અથવા તો ફોટોને ક્રૉપ કરવો અથવા તો કૅપ્શન અથવા તો ઇમોજી રાખવા જેવા ફીચરનો સમાવેશ થતો હતો. જોકે હવે આ એડિટર ટૂલમાં બ્લર ઑપ્શન આપવામાં આવી રહ્યું છે. આ બ્લર ઑપ્શનની મદદથી યુઝર્સ ફોટોમાં જે-તે ડીટેલ્સને બ્લર કરી શકશે. ઉદાહરણ તરીકે કોઈ યુઝર અન્ય યુઝર્સને કારનો ફોટો શૅર કરે અને એની નંબર-પ્લેટ હાઇડ કરવી હશે તો એ માટે આ બ્લર ટૂલનો ઉપયોગ કરી શકાશે. આ માટે વૉટ્સઍપ સાઇઝ ટૂલ પણ આપી રહ્યું છે. આથી યુઝર્સને કેટલી સાઇઝનું ટૂલ જોઈએ અને કેટલી વસ્તુ બ્લર કરવી છે એ માટેની સરળતા રહે.

પોતાને જ કરો મેસેજ

ઘણી વાર યુઝર કોઈ મહત્ત્વનો મેસેજ કે ડેટાને સાચવી રાખવા માટે નિકટની કોઈ વ્યક્તિને મેસેજ કરી દેતા હતા અથવા તો પોતાના જ અન્ય નંબર પર મેસેજ કરી દેતા હોય છે જેથી 
જે-તે ઇન્ફર્મેશન સાચવી શકાય. જોકે હવે આ સમસ્યાનું સમાધાન પણ વૉટ્સઍપ દ્વારા લાવી દેવામાં આવ્યું છે. વૉટ્સઍપ હાલમાં પોતાને જ મેસેજ કરવા માટેના ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર અન્ય કોઈને નહીં, પરંતુ પોતાને જ વૉટ્સઍપ કરી શકશે. આથી તેની તમામ માહિતીને તે એકદમ સિક્યૉર રાખી શકે અને અન્ય કોઈ વ્યક્તિને જણાવવાની જરૂર નહીં પડે. સાથે જ એને જ્યાં સુધી તેણે સાચવી રાખવી હોય ત્યાં સુધી તે તેના ચૅટબૉક્સમાં સાચવી રાખશે.

ગ્રુપ ચૅટમાં પણ પ્રોફાઇલ ફોટો

વૉટ્સઍપ દ્વારા હાલમાં અન્ય એક ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે અને એ છે ગ્રુપ ચૅટમાં પણ પ્રોફાઇલ ફોટો. વૉટ્સઍપમાં યુઝર જ્યારે ગ્રુપમાં ચૅટ કરી રહ્યો હોય ત્યારે ફક્ત નામ દેખાતાં હોય છે. આ દરેકનાં નામ જુદા-જુદા કલરમાં દેખાતાં હોય છે. જોકે હવે વૉટ્સઍપ જે-તે યુઝરનો પ્રોફાઇલ ફોટો જ દેખાય એના પર કામ કરી રહ્યું છે. આ ફીચરની મદદથી નામ વાંચવામાં ભૂલ થઈ હોય અને અન્ય વ્યક્તિને જવાબ આપી દેવાય જેવી ભૂલ પણ નહીં થાય. જોકે આ ફીચરમાં એક લિમિટેશન છે કે જે-તે યુઝર દ્વારા પ્રોફાઇલ ફોટો ન રાખવામાં આવ્યો હોય અથવા તો પ્રાઇવસી સેટિંગ સ્ટ્રૉન્ગ હશે તો એ ફોટો ગ્રુપમાં નહીં જોઈ શકાય.

ડેસ્કટૉપમાં ઑટો-ડાઉનલોડ

ડેસ્કટૉપ પર હાલમાં જે-તે મીડિયાને યુઝર દ્વારા જાતે ડાઉનલોડ કરવું પડતું હતું. જોકે હવે વૉટ્સઍપ દ્વારા એમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. વૉટ્સઍપ દ્વારા વિન્ડોઝ અને મેકેઓએસના બીટા વર્ઝનમાં મીડિયાને ઑટો-ડાઉનલોડ કરવા માટેના કન્ટ્રોલ આપી દીધા છે. આથી યુઝર્સના ડેટા ઑટો-ડાઉનલોડ થાય કે નહીં એ માટે યુઝર્સ ડેસ્કટૉપ પર પણ કન્ટ્રોલ કરી શકે છે. આ ફીચર બહુ જલદી રિલીઝ કરવામાં આવશે, પરંતુ હાલમાં એ બીટા વર્ઝનમાં જ ઉપલબ્ધ છે.

વ્યુ-વન્સ ફીચરને ટાટા-બાયબાય

વૉટ્સઍપમાં વ્યુ વન્સ ફીચર કાઢવામાં આવ્યું હતું જેમાં યુઝર તેના પ્રાઇવેટ ફોટો સેન્ડ તો કરી શકે, પરંતુ સામેની વ્યક્તિ એને સેવ ન કરી શકે. જોકે યુઝર એનો સ્ક્રીનશૉટ લઈ રહ્યા 
હતા અને એને પણ વૉટ્સઍપ દ્વારા હવે બ્લૉક કરી દેવામાં આવ્યું છે. જોકે ડેસ્કટૉપ પર કંપની આ ફીચરને બ્લૉક કરવા સક્ષમ નથી રહી. ડેસ્કટૉપ પર પ્રિન્ટ સ્ક્રીન કરવાથી એ સેવ 
થઈ જતું હોવાથી વૉટ્સઍપ દ્વારા આ ફીચરને ડેસ્કટૉપ વર્ઝનમાંથી કાઢી નાખવાનો નિર્ણય લેવાયો છે. આથી યુઝર્સ હવે ડેસ્કટૉપ વૉટ્સઍપમાં વ્યુ વન્સ ફીચરને જોઈ પણ નહીં શકે અને સેન્ડ પણ નહીં કરી શકે.

columnists harsh desai technology news tech news whatsapp