નવાં રંગરૂપ અને ફીચર સાથે આવી રહ્યું છે વૉટ્સઍપ

10 September, 2021 06:20 PM IST  |  Mumbai | Harsh Desai

નવી યુઝર ઇન્ટરફેસની સાથે રેકૉર્ડ કરેલા મેસેજને પહેલાં સાંભળી શકાશે અને રીઍક્શન પણ આપી શકાશે : લાસ્ટ સીનની પ્રાઇવસીમાં નવા એડિશનની સાથે ફોટો એડિટિંગ ટૂલ પણ મળશે

નવાં રંગરૂપ અને ફીચર સાથે આવી રહ્યું છે વૉટ્સઍપ

પરિવર્તન સંસારનો નિયમ છે, પરંતુ ટેક્નૉલૉજીમાં બદલાવ લાવવામાં ન આવે તો એને આઉટડેટેડ કહેવાય છે. ટેક્નૉલૉજીની દુનિયામાં આઉટડેટેડ એટલે સીધું માર્કેટની બહાર. આઉટ. ખતમ. આથી કોઈ પણ કંપની હોય કે ઍપ્લિકેશન, તેઓ સતત અપડેટ કરતા રહે છે. વૉટ્સઍપ હાલમાં જ કેટલાંક નવાં ફીચર્સ લાવી રહ્યું છે. આ સાથે જ વૉટ્સઍપના યુઝરઇન્ટરફેસમાં પણ બદલાવ કરવામાં આવી રહ્યો છે.
નવી ડિઝાઇન
વૉટ્સઍપના યુઝરઇન્ટરફેસમાં ઘણો બદલાવ કરવામાં આવી રહ્યો છે. વૉટ્સઍપમાં જે બબલ ચૅટ આવે છે એટલે કે યુઝર્સ જે મેસેજ મોકલે 
અથવા તો રિસીવ કરે છે એની ફરતે જે બબલ હોય છે એમાં બદલાવ કરવામાં આવી રહ્યો છે. આ બબલ હવે વધુ મોટી અને નવા ગ્રીન કલરમાં જોવા મળશે. આ બબલને ડાર્ક અને લાઇટ બન્ને મોડમાં હશે. કૉન્ટૅક્ટ કાર્ડની બાજુમાં હવે ઇન્ફો બટન આપવામાં આવશે તેમ જ પ્રોફાઇલ ફોટો હવે પહેલાંની જેમ સ્ક્વેરમાં નથી રહ્યો. વૉટ્સઍપના ડિસ્પ્લે ફોટોની જેમ કૉન્ટૅક્ટ કાર્ડમાં પણ હવે રાઉન્ડમાં ફોટો જોવા મળશે.
ઑડિયો મેસેજ ચેક થશે
વૉટ્સઍપમાં અત્યારે જે ઑડિયો મેસેજ કરવામાં આવી રહ્યો છે એ રેકૉર્ડ કરીને સીધો મોકલવામાં અથવા તો ડિલીટ કરવામાં આવે છે. જોકે હવે યુઝર્સ નવા ઇન્ટરફેસ મુજબ આ રેકૉર્ડ કરેલા મેસેજને સેન્ડ કરવા પહેલાં ચેક કરી શકશે. કોઈ વ્યક્તિને પોતાનો અવાજ પસંદ ન આવ્યો તો તે મેસેજને સેન્ડ કરવા પહેલાં બદલી શકે છે.
મેસેજ રીઍક્શન
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની જેમ હવે વૉટ્સઍપમાં પણ રીઍક્શન બટન આવી રહ્યું છે. ફેસબુર મેસેન્જર અથવા તો ઇન્સ્ટાગ્રામ પર ચૅટ કરતી વખતે જે-તે મેસેજ પસંદ પડે એના પર જરૂર મુજબનું રીઍક્શન આપી શકાય છે. આ ફીચર્સનો યંગસ્ટર દ્વારા ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. આ રીઍક્શન આપવા માટે મેસેજ પર ટૅપ કરીને હોલ્ડ કરવાનું રહેશે અને ત્યાર બાદ જે રીઍક્શન આપવું હોય એ પસંદ કરવાનું રહેશે. આ રીઍક્શન પર્સનલ ચૅટમાં અથવા તો ગ્રુપમાં દરેક વ્યક્તિ જોઈ શકશે.
ફોટો એડિટિંગ ટૂલ
વૉટ્સઍપમાં હવે વિડિયો એડિટિંગ ટૂલની સાથે ફોટો એડિટિંગ ટૂલ પણ આવી રહ્યું છે. આ ટૂલને ડ્રોઇવિંગ ટૂલ નામ આપવામાં આવ્યું છે. યુઝર્સ કોઈને પણ ફોટો સેન્ડ કરે એ પહેલાં એને એડિટ કરી શકશે. યુઝર્સ પહેલાં પણ ફોટોને એડિટ કરી શકતા હતા પરંતુ હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની જેમ ફોટો પર સ્ટ‌િકરનો પણ સમાવેશ કરી શકાશે.
પેમેન્ટ શૉર્ટકટ
વૉટ્સઍપ હવે એના પેમેન્ટ ફીચર માટે એક શૉર્ટકટ આપી રહ્યું છે. વૉટ્સઍપમાં હાલમાં પેમેન્ટ ફીચર ઉપલબ્ધ છે જ, પરંતુ હવે એ ફીચરને વધુ સરળતાભર્યું બનાવવામાં આવી રહ્યું છે. આ શૉર્ટકટને હવે કૅમેરા અને અટૅચમેન્ટ બટનની વચ્ચે આપવામાં આવી રહ્યો છે. આ બટન પર ક્લિક કરતાં જ સીધું જ જે-તે યુઝરને પૈસા ટ્રાન્સફર કરી શકાશે.

લાસ્ટ સીન ફીચરમાં નવો ઉમેરો
વૉટ્સઍપ પ્રાઇવસી પૉલિસીમાં પણ બદલાવ લાવી રહ્યું છે. અત્યાર સુધી લાસ્ટ સીન ફીચરમાં માય કૉન્ટૅક્ટ, એવરીવન અને નોબડીનો સમાવેશ થતો આવ્યો છે. એટલે કે તમે છેલ્લે વૉટ્સઍપનો ઉપયોગ ક્યારે કર્યો એ દરેક વ્યક્તિને, તમારા દરેક કૉન્ટૅક્ટ નંબરને અથવા તો કોઈને પણ નહીં એવા ઑપ્શન હતા. હવે સ્ટેટસ અને સ્ટોરી ફીચરની જેમ લાસ્ટ સીનમાં પણ ‘માય કૉન્ટૅક્ટ એક્સેપ્ટ...’નો ઉમેરો થઈ રહ્યો છે. આ ફીચરથી યુઝર્સ હવે જે-તે વ્યક્તિથી તેણે છેલ્લે વૉટ્સઍપનો ઉપયોગ ક્યારે કર્યો હતો એ સંતાડી શકશે.

tech news technology news harsh desai columnists