27 September, 2025 02:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ મીડિયા જાયન્ટ મેટા કંપનીએ એની મેસેજિંગ ઍપ્લિકેશન વૉટ્સઍપમાં એક નવા ફીચરની જાહેરાત કરી છે. વૉટ્સઍપમાં યુઝર્સ હવે મેસેજની આપ-લે દરમ્યાન રિયલ ટાઇમ ટ્રાન્સલેશન કરી શકે એવું ફીચર કંપનીએ ઍડ કર્યું છે. વૉટ્સઍપનું આ નવું ફીચર ઍન્ડ્રૉઇડ મોબાઇલમાં ૬ અને આઇ-ફોનમાં ૧૯ ભાષાઓ સાથે ઉપલબ્ધ હશે. સમય સાથે ભાષાઓની સંખ્યા પણ વધારવામાં આવશે. કંપનીએ એવી પણ જાહેરાત કરી હતી કે ટ્રાન્સલેશન યુઝરના મોબાઇલની અંદર જ થશે એટલે ગોપનીયતાનો કોઈ ભંગ નહીં થાય. આ ફીચર પર્સનલ, ગ્રુપ અને ચૅનલ અપડેટ્સમાં કામ કરશે એટલું જ નહીં, એ પછી આવનારા મેસેજ પણ ડિફૉલ્ટરૂપે ઑટોમૅટિક ટ્રાન્સલેટ થયા કરે એ માટે પણ વિકલ્પ મળશે.
આ રીતે ઉપયોગમાં લઈ શકાશે નવું ફીચર
રિયલ ટાઇમ ટ્રાન્સલેટ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝરે સ્માર્ટફોનમાં ગૂગલ ટ્રાન્સલેટની ઍપ્લિકેશન ડાઉનલોડ કરીને રાખવી પડશે. વૉટ્સઍપમાં ચૅટિંગ દરમ્યાન જે ટેક્સ્ટનું ટ્રાન્સલેશન કરવું હોય એ ટેક્સ્ટ પર લૉન્ગ પ્રેસ કરીને ‘ટ્રાન્સલેટ’નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે એટલે વૉટ્સઍપના ચાલુ ચૅટબૉક્સની અંદર જ ટ્રાન્સલેટ થયેલી ટેક્સ્ટ દેખાડવામાં આવશે.