ઍપલ ક્યારે લૉન્ચ કરશે આ ફીચર્સ?

16 October, 2021 03:04 PM IST  |  Mumbai | Harsh Desai

આઇઓએસ 15માં શૅરપ્લે, ડિજિટલ લેગસી, ડિજિટલ લાઇસન્સ, યુનિવર્સલ કન્ટ્રોલ અને ઍરપૉડ્સ માટે ફાઇન્ડ માય નેટવર્કનો સમાવેશ નથી કરવામાં આવ્યો; જેની કાગડોળે રાહ જોવાઈ રહી છે

પ્રતીકાત્મક તસવીર

ઍપલ દ્વારા આઇઓએસ અને આઇપૅડઓએસ 15 રિલીઝ કરવામાં આવી છે. જોકે આ ઑપરેટિંગ સિસ્ટમમાં ઘણાં ફીચર્સ નથી આપવામાં આવ્યાં જેનો તેમણે બીટા વર્ઝનમાં સમાવેશ કર્યો હતો. ઍપલ દ્વારા કેટલાંક ફીચર્સને આઇઓએસ 15ના આગામી અપડેટમાં સમાવેશ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. એમાંનાં કેટલાંક ફીચર્સ આ વર્ષના અંત સુધીમાં આવી શકે છે. એવાં જ કેટલાંક ફીચર્સ વિશે માહિતી જોઈએ :

શૅરપ્લે

ઍપલના ફેસટાઇમ ફીચરમાં શૅરપ્લેનો સમાવેશ મોટા ભાગના બીટા વર્ઝનમાં કરવામાં આવ્યો હતો. જોકે લૉન્ચ વખતે એને કાઢી નાખવામાં આવ્યું હતું. શૅરપ્લેની મદદથી વિડિયો કૉલ કરવાની સાથે ઘણુંબધું કરી શકાય છે. આ ફીચરની મદદથી યુઝર્સ એકસાથે ટીવી અથવા તો ફિલ્મ જોઈ શકે છે. મ્યુઝિક સાંભળી શકે છે અને પોતાના મોબાઇલની સ્ક્રીન પણ શૅર કરી શકે છે. ઍપલે ગઈ કાલે જ 15.0.2 વર્ઝન રિલીઝ કર્યું હતું. જોકે 15.1માં શૅરપ્લેનો સમાવેશ કરવામાં આવે એવી શક્યતા છે.

ડિજિટલ લેગસી

ઍપલ દ્વારા એક ડિજિટલ લેગસી ફીચરની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ફીચરની મદદથી યુઝર્સના ડેટા તેની ફૅમિલી અથવા તો ફ્રેન્ડ ઍક્સેસ કરી શકે છે. કોઈ યુઝરનું મૃત્યુ થયું હોય તો ઍપલની એક પણ ડિવાઇસને ઍક્સેસ કરવું ખૂબ જ મુશ્કેલ છે. આ માટે ઍપલને જરૂરી ડેટા મોકલવા પડે છે અને એ તેમને સાચા લાગ્યા તો જ તેઓ એ આઇડીને ઍક્સેસ કરવાની પરવાનગી ફૅમિલી અથવા ફ્રેન્ડ્સને આપે છે. જોકે ડિજિટલ લેગસી દ્વારા યુઝર્સ પોતાની રીતે જ એક વ્યક્તિનો કૉન્ટૅક્ટ પસંદ કરી શકે છે. એક રીતે જોવા જઈએ તો આ વસિયતનામા જેવું છે. જોકે આ ફીચર ક્યારે આપે એ હજી નક્કી નથી.

ડિજિટલ લાઇસન્સ

ઇન્ડિયામાં હાલમાં ડિજી લૉકર નામની સરકારે ઍપ્લિકેશન બનાવી છે જેમાં દરેક જરૂરી ડૉક્યુમેન્ટનો સમાવેશ કરી શકાય છે. આ જ રીતે ઍપલ પણ હવે એના વૉલેટમાં લાઇસન્સનો સમાવેશ કરવા જઈ રહી છે. આથી યુઝર્સે તેના ડ્રાઇવિંગ લાઇસન્સને સાથે રાખવાની જરૂર નહીં પડે. આ ફીચરનો સ્વીકાર હાલમાં અમેરિકાના કેટલાક સ્ટેટ દ્વારા કરવામાં આવ્યો છે, પરંતુ દુનિયાના અન્ય દેશ દ્વારા એનો સ્વીકાર કરવામાં આવે કે નહીં એ જોવું રહ્યું.

યુનિવર્સલ કન્ટ્રોલ

આ ફીચરની મદદથી એક જ ઇનપુટ ડિવાઇસની મદદથી ઘણાં ગૅજેટ્સને ઍક્સેસ કરી શકાશે. ઉદાહરણ તરીકે એક જ કીબોર્ડ અને માઉસની મદદથી આઇપૅડ અને મેક (કમ્પ્યુટર, લૅપટૉપ) બન્નેનો ઉપયોગ કરી શકાશે. આ ફીચર્સ લૅપટૉપ અને આઇપૅડ માટે છે. એનો સમાવેશ આઇફોનમાં કરવામાં નહીં આવે. જોકે આ ફીચર પણ ક્યારે આપવામાં આવે એની જાહેરાત કરવામાં નથી આવી.

ઍરપૉડ્સઃફાઇન્ડ માય નેટવર્ક

ઍપલની કોઈ પણ ડિવાઇસ ખોવાઈ ગઈ હોય અથવા તો ચોરાઈ ગઈ હોય અથવા તો ગમે ત્યાં મુકાઈ ગઈ હોય તો એને ફાઇન્ડ માય નેટવર્ક દ્વારા લોકેટ કરી શકાય છે. આઇઓએસ 15માં એવું ફીચર આપવામાં આવ્યું છે કે ગૅજેટ્સને બંધ કરી દેવામાં આવશે તો પણ લોકેશન શોધી શકાશે. જોકે આ ફીચર અત્યારે ઍરપૉડ્સમાં કાર્યરત નથી. ઍરપૉડ્સમાં પણ એ ઍરપૉડ્સ પ્રો અને ઍરપૉડ્સ મેક્સમાં જ કાર્યરત રહેશે. આ ફીચરને પણ ડિસેમ્બર સુધીમાં એટલે કે 15.1માં સમાવેશ કરવામાં આવે એવું લાગી રહ્યું છે.

columnists harsh desai