કેમ રાતોરાત આટલું ફેમસ થઈ ગયું ક્લબહાઉસ?

20 August, 2021 05:13 PM IST  |  Mumbai | Harsh Desai

લૉન્ચ થયાના જસ્ટ થોડા જ મહિનાઓમાં દસ લાખ યુઝર્સને આકર્ષનારી આ ઍપ યંગસ્ટર્સ માટે બહુ મોટું પ્લૅટફૉર્મ બની ગઈ છે. જોકે ટૅલન્ટ હન્ટ અને નૉલેજ શૅરની સાથે કમ્યુનિટી વચ્ચે નફરત ફેલાવવા માટે પણ આ ઍપનો ઉપયોગ થઈ રહ્યો છે

કેમ રાતોરાત આટલું ફેમસ થઈ ગયું ક્લબહાઉસ?

કોરોનાવાઇરસને કારણે ક્લબમાં જવાનું બંધ થઈ ગયું છે એટલે લોકો તેમની મનગમતી વ્યક્તિ અથવા તો ટૉપિક પર વાત નથી કરી શકતા. જોકે પૅન્ડેમિકમાં જ એક નવી ઍપ્લિકેશન લૉન્ચ કરવામાં આવી જેણે જગત આખું ઘમરોળી નાખ્યું. આ ઍપનું નામ છે ક્લબહાઉસ. આ ઍપ્લિકેશન દ્વારા તમે નવા-નવા લોકોને મળી શકો છો અને મનગમતા ટૉપિક પર વાતચીત પણ કરી શકો છે. છેલ્લા થોડા સમયથી બિટકૉઇન અને ક્રિપ્ટોકરન્સી ખૂબ જ ચર્ચામાં છે. આ વિષય પર જ ટેસ્લા કંપનીના ફાઉન્ડર ઇલૉન મસ્કે ક્લબહાઉસ પર એ વિશે ચર્ચા કરી હતી. ત્યાર બાદ આ ઍપ્લિકેશન સોશ્યલ મીડિયામાં વાયરાની જેમ ફૂંકાઈ હતી.
શું છે ક્લબહાઉસ? | ક્લબહાઉસ એક સોશ્યલ ઑડિયો ઍપ્લિકેશન છે. ક્લબમાં જનારા પ્રેમીઓ હાઉસમાં બેસીને એની મજા માણી શકે એ હેતુથી ક્લબહાઉસની શરૂઆત કરવામાં આવી છે. આ ઍપ્લિકેશનની મદદથી દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠેલી વ્યક્તિ સાથે તેને ફોન કર્યા વગર અથવા તો તમારી પર્સનલ ડિટેલ શૅર કર્યા વગર વાતો કરી શકો છો. આ ઍપ્લિકેશન લૉન્ચ થઈ ત્યારે એમાં માત્ર બાય ઇન્વિટેશન જ જૉઇન થઈ શકાતું હતું. એમ છતાં બે જ વીકના ગાળામાં એના યુઝર્સ મિલ્યનનો આંકડો આંબી ગયો. જેને કારણે કંપનીએ બાય ઇન્વાઇટને બદલે ઓપન ફૉર ઑલ કરી નાખ્યું હતું. આ બદલાવને કારણે ગણતરીના મહિનાઓમાં દસ મિ‌લ્યનથી વધુ યુઝર્સ આ ઍપ વાપરતા થઈ ગયા છે.
કેવી રીતે કરશો ઉપયોગ? | આ ઍપ્લિકેશનને ઍન્ડ્રૉઇડ યુઝર પ્લેસ્ટોર અને ઍપલ યુઝર ઍપ સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી શકે છે. ઍન્ડ્રૉઇડ ઓપન સોર્સ હોવાથી આવી ઘણી ડુપ્લિકેટ ઍપ્લિકેશન જોવા મળશે. આથી joinclubhouse.com પર જઈને ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે QRCode સ્કૅન કરી એને સીધી ત્યાંથી ડાઉનલોડ કરી શકાય છે. આ ઍપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ મોબાઇલ નંબર દ્વારા તમે રજિસ્ટર કરી શકો છો. ત્યાર બાદ નામ સેવ કરીને સીધો તમારા ફેવરિટ ટૉપિકને સર્ચ કરીને કોઈ પણ ગ્રુપમાં જોડાઈ શકો છો. આ માટે તમારે કોઈ ઇન્વિટેશનની જરૂર નથી તેમ જ યુઝર્સે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામની જેમ રિક્વેસ્ટ ઍક્સેપ્ટ કરે એની પણ રાહ જોવાની જરૂર નથી. હા, કોઈ ક્લોઝ ગ્રુપ એટલે કે કોઈ વ્યક્તિએ પોતાની બનાવેલી રૂમમાં પ્રાઇવસી રાખી હોય તો વાત અલગ છે. જોકે આવી રૂમ ઘણી ઓછી હોય છે અને એની પણ રાહ ન જોવી હોય તો એ જ ટૉપિકની અન્ય રૂમમાં પણ જૉઇન કરી શકાય છે.
ફાયદાઓ | નવા-નવા આઇડિયા અથવા તો નૉલેજને શૅર કરવા માટે આ ઍપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય છે. આ ઍપ્લિકેશન પર તમે વિડિયોકૉલ નહીં કરી શકો, પરંતુ ઑડિયો પર જ વાત કરી શકો છો. ક્રિપ્ટોકરન્સી, ટ્રેડિંગ, ફિલ્મ સ્ક્રિપ્ટરાઇટિંગ, પ્રોડક્શન, લાઇવ મ્યુઝિક, ઇંગ્લિશ સ્પીકિંગ, લોકલ ભાષા શીખવી, ફોટોગ્રાફી, ટ્રાવેલ અને બુક્સ જેવા વિવિધ ટૉપિક માટે આ ઍપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય છે. તમે કદાચ વિચાર્યું પણ નહીં હોય એટલા ટૉપિક અને એટલા ક્ષેત્રોના ટૉપિક અને ચેટ રૂમ તમને મળી રહેશે. લાઇક માઇન્ડેડ લોકોની ચેટરૂમને કારણે તમને અહીં તમારી પ્રતિભા નિખારવાનો મોકો પણ મળશે અને એ ક્ષેત્રનું ગાઇડન્સ પણ. જોકે જે ચીજના ફાયદા હોય એનો મિસયુઝ પણ થવાનો જ. એટલે સાવ જ આંખ બંધ કરીને કોઈ પણ ચેટ રૂમમાં ઘૂસી જવું ઠીક નથી. 
ગેરફાયદા | આ ઍપ્લિકેશનના ગેરફાયદા એ છે કે એના પર સેક્સ, પૉર્ન અને ડ્રગ્સથી લઈને ખોટા રસ્તે લઈ જનારા દરેક ટૉપિક વિશે ચર્ચા કરવામાં આવે છે. ઘણી રૂમ એવી છે જેમાં જે-તે કમ્યુનિટી વિશે ઘસાતી અને ખરાબ વાતો કરવામાં આવે છે. ધર્મને લઈને નફરત ફેલાવવા માટે પણ અહીં ઘણાં ગ્રુપ છે. આવા રૂમમાં ઘૂસીને નકારાત્મક આ ઍપ્લિકેશનનો ગેરફાયદો એ છે કે ઍપ દ્વારા કોઈ પણ ટૉપિક પર મૉનિટર નથી કરી શકાતું.
ચૅટ અને ફૉલો | અન્ય સોશ્યલ મીડિયાની જેમ અહીં પણ પર્સનલ મેસેજ અને અન્ય વ્યક્તિને ફૉલો કરવાનો ઑપ્શન છે. ક્લબહાઉસનો ઉપયોગ દુનિયાભરની વિવિધ સેલિબ્રિટીઝની સાથે બૉલીવુડની કરણ જોહર અને મનોજ બાજપાઈ જેવી ઘણી સેલિબ્રિટીઝ કરી રહી છે.

ટૅલન્ટ હન્ટ

આ ઍપ્લિકેશનનો ઉપયોગ ટૅલન્ટ હન્ટ માટે પણ કરવામાં આવે છે. ઘણી સેલિબ્રિટીઝ અથવા તો કંપનીઓ જે-તે રૂમમાં જઈને ટૉપિક આપે છે અને ત્યાર બાદ એ ટૉપિક પર થતી વાતોને સાંભળે છે અને એમાંથી કોઈ પસંદ આવી તો તેને જૉબની ઑફર પણ કરે છે. આ ઍપ્લિકેશન હવે નોકરીડૉટકૉમ અને લિન્ક્ડઇનની પણ જગ્યા લઈ રહી છે.

10 Million
ઍપ લૉન્ચ થઈ એના ગણતરીના મહિનાઓમાં જ એના આટલા યુઝર્સ થઈ ચૂક્યા છે.

technology news tech news harsh desai columnists