13 January, 2026 10:16 AM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
હમણાં કાઉન્સેલિંગ માટે એક બહેન મળવા આવ્યાં. આવીને તેમણે વિગતે વાત શરૂ કરી, પણ મારે તેમને વચ્ચે જ અટકાવવાં પડ્યાં કે હકીકતમાં કાઉન્સેલિંગ માટે તમારે નહીં પરંતુ તમારા હસબન્ડે આવવાનું હોય, તમે કેમ આવ્યાં છો? તેમણે જવાબ આપતાં કહ્યું કે તેમને પોતાના વર્તનમાં જરા પણ અજુગતું લાગતું નથી એટલે મારે તમારી પાસે આવવું પડ્યું છે.
ઘટના એવી હતી કે ઇન્ટિમેટ રિલેશનશિપ દરમ્યાન છેલ્લા થોડા સમયથી તેમના હસબન્ડ વાયલન્ટ બનતા હતા. શરૂઆતમાં તો વેરિએશનના ભાગરૂપે વાઇફને પેઇન વચ્ચે પણ આનંદ આવતો રહ્યો, પણ પછી હિંસાત્મક વ્યવહાર વધવાનો શરૂ થયો. અફકોર્સ એ હિંસામાં ક્યાંય ગુસ્સો નહોતો, પણ હિંસા એ તો હિંસા જ કહેવાય અને એમાં ઈજા થાય એ પણ હકીકત છે. અગાઉ પતિને રોકવાનો પ્રયાસ નહોતો થયો એટલે હસબન્ડમાં હિંસાત્મક વર્તન વધવા માંડ્યું હતું અને પતિ હવે એ સ્તર પર હતો કે વાઇફને બચકાં ભરવાથી માંડીને વાળ ખેંચવા સુધીના સ્તર પર પહોંચી ગયો હતો. સામાન્ય સંજોગોમાં કોઈ પણ એક્સ્ટ્રીમ ઇન્ટિમેટ રિલેશનશિપમાં આવું બની શકે, પણ એમાં જ્યારે પેઇનફુલ સાઉન્ડ પાર્ટનરને સંભળાય કે બીજી જ ક્ષણે તે નૉર્મલ વર્તન પર આવી જતો હોય છે. અહીં એવું નહોતું બનતું અને એ જ સમસ્યા હતી.
તે બહેન જેવું અનેકના કિસ્સામાં બનતું હોય છે, પણ આવી વાત કરવી કોને એવી મૂંઝવણ વચ્ચે તે ચૂપ રહે છે. આનંદના સ્તર સુધી આ વર્તન સહ્ય ગણી શકાય, પણ એનાથી માત્રા વધે તો પાર્ટનરે જ તેના પાર્ટનરને આ બાબતમાં ટોકવો પડે અને જો તે ન માને કે તેનાથી ફીલિંગ્સમાં કન્ટ્રોલ ન થાય તો તેને રોકવો પણ પડે. સામાન્ય રીતે ઇન્ટિમેટ રિલેશન દરમ્યાન હિંસાત્મક વલણ આવી જવા પાછળનાં મુખ્ય કારણો પૈકીનું એક કારણ છે પર્ફોર્મન્સ પ્રેશર અથવા તો ફ્રસ્ટ્રેશન. જરૂરી નથી કે જે ફ્રસ્ટ્રેશન છે એ માત્ર ને માત્ર ફૅમિલી સ્તરનું જ હોય. પ્રોફેશનલ ફીલ્ડમાં આવતા ફ્રસ્ટ્રેશન વચ્ચે પુરુષને સતત એવું લાગવાનું શરૂ થાય છે કે તે બહારની દુનિયામાં પોતાનું વર્ચસ ગુમાવી રહ્યો છે. એ વર્ચસ પ્રસ્થાપિત કરવા અને પોતાનો ગુમાવેલો કૉન્ફિડન્સ ફરી મેળવવા માટે તે આ પ્રકારનું વર્તન કરી બેસે છે. આ પ્રકારનું વર્તન જો વાજબી ધોરણ પર હોય તો સાઇકોલૉજિકલી એ સારી સાઇન છે કે પાર્ટનર પોતાનો કૉન્ફિડન્સ પાછો મેળવી રહ્યો છે, પણ કહ્યું એમ જો એમાં વિવેકભાન ન રહે તો એ જોખમી બની શકે છે.
ઇન્ટિમેટ રિલેશનશિપમાં પતિ હંમેશાં વર્ચસની શોધમાં હોય છે, જ્યારે પત્ની હંમેશાં સ્વીકૃતિની શોધમાં હોય છે. શોધની આ માત્રામાં જો ક્યાંય પણ બાંધછોડ થઈ જાય તો એ વ્યક્તિગત સંબંધોમાં અને ઇમોશનમાં જોખમ ઊભું કરી શકે છે.