રમકડાંનો ભાવ આકાશે આંબ્યો છે ત્યારે જાણી લો, કયા પ્રકારનાં રમકડાં બાળકના વિકાસમાં ખૂબ જ મહત્ત્વનાં છે?

14 August, 2026 05:09 PM IST  |  Mumbai | Jigisha Jain

બાળકોના વિકાસ માટે મોંઘાં નહીં પરંતુ સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ અને શારીરિક હલનચલન વધારતાં રમકડાં પસંદ કરવા જરૂરી છે. નિષ્ણાતો બેટરીવાળા અને વધુ ઉત્તેજના આપતાં રમકડાં ટાળવાની સલાહ આપે છે.

કયા પ્રકારનાં રમકડાં બાળકના વિકાસમાં ખૂબ જ મહત્ત્વનાં છે?

રમકડાં આપણા દેશમાં સદીઓથી બાળઉછેરનો મહત્ત્વનો ભાગ રહ્યાં છે, પરંતુ મોંઘાંદાટ રમકડાં તમે ખરીદીને ઘરે લાવો અને એ ઘરના એક ખૂણામાં પડ્યાં રહે એ પહેલાં એ સમજો કે ખરેખર બાળકને કેવાં અને કેટલાં રમકડાં અપાવવાં જોઈએ અને કેવાં રમકડાં બિલકુલ ન ખરીદવાં જોઈએ. સાથે એ પણ સમજીએ કે રમકડાં બાળક માટે કઈ રીતે ઉપયોગી સાબિત થાય છે

હડપ્પા અને મોહેંજોદડોનું ખોદકામ ચાલતું હતું ત્યારે પક્ષી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડાં, લખોટીઓ તેમ જ માથું હલાવતાં પ્રાણીઓ અને ઝાડ પર ચડતા વાનર જેવાં ટેરાકોટા અને ધાતુનાં અનોખાં રમકડાં મળી આવ્યાં હતાં જે દર્શાવે છે કે આપણા દેશમાં રમકડાં બાળઉછેરનો ભાગ હંમેશાં રહ્યાં છે. બાળક જન્મે એટલે તેને ભેટમાં રમકડાં આપવાનો રિવાજ આપણે ત્યાં વર્ષોથી છે. જોકે આજકાલ રમકડાંનું મનોવિજ્ઞાન મમ્મી-પપ્પાને મુશ્કેલીમાં મૂકી રહ્યું છે. રમકડાંની દુકાને જાય એટલે બાળક અતિ ઉત્સાહિત થઈ જતું હોય છે. ત્યાંથી જાણે કે તેને આખી દુકાન જ ઘરે લઈ જવી હોય છે. મમ્મી-પપ્પા તેના પ્રેમમાં લેવા હોય એના કરતાં વધુ જ રમકડાં ખરીદી લેશે. ઘરે આવે એટલે તેમને લાગે છે કે બાળક હવે રમકડાંથી રમશે, પરંતુ એવું થતું નથી. બાળક એકાદ વખત કે વધુમાં વધુ બે-ત્રણ દિવસ એ નવાં રમકડાંથી રમે અને પછી રમકડાં ઘરના એક ખૂણે પડ્યાં રહે છે. બાળક એની સામે પણ નથી જોતું. આજકાલનાં રમકડાં અતિ મોંઘાં છે. એટલો ખર્ચો કરીને પણ જો બાળક રમકડાંથી રમવાનું હોય જ નહીં તો એ રમકડાં ખરીદવાનો ફાયદો શું છે? રમકડાંથી ખરેખર બાળકને કોઈ ફાયદો થાય છે ખરો અને જો થતો હોય તો કેવાં રમકડાંમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ એ આજે સમજીએ.

રમકડાનું મહત્ત્વ શું?

રમકડાં બાળઉછેરમાં મહત્ત્વનાં છે. આપણને બધાને આપણા નાનપણનું એકાદ રમકડું, પછી એ કોઈ ઢીંગલી હોય કે કોઈ ગાડી, સ્મૃતિમાં અંકિત થઈ ગયેલું રમકડું ગણાય છે. ઘણા પરિવારોમાં બાળકોનાં રમકડાં સાચવી રાખવાનો રિવાજ પણ હોય છે જે સુંદર યાદગીરી બની જતી હોય છે. જોકે બાળકના વિકાસમાં રમકડાં કઈ રીતે ઉપયોગી થઈ શકે છે એ વાત સમજાવતાં સાઇકોલૉજિસ્ટ શ્વેતા ગાંધી કહે છે, ‘રમકડાં ફક્ત બાળકોનું મનોરંજન નથી કરતાં, એ બાળકના નિર્માણમાં પણ પોતાનો ફાળો આપે છે. એ અટેન્શન સ્પાન એટલે કે એકાગ્રતા વધુ સમય સુધી જાળવી રાખવા પર કામ કરે છે. એ બાળકની સર્જનાત્મકતા વધારે છે, તેની લાગણીઓ પર નિયંત્રણ લાવવામાં મદદરૂપ છે. બાળકની પ્રૉબ્લેમ સૉલ્વિંગ એટલે કે સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને વિકાસશીલ મગજના માળખા પર પણ કામ કરે છે. આ ઉપરાંત ઇમોશનલ ક્વૉશન્ટ (EQ) વધારવા માટે, સહાનુભૂતિ સબળ બનાવવા માટે અને સામાજિક કૌશલ્યો અપનાવવા માટે મદદરૂપ છે.

કેવાં રમકડાં પસંદ કરવાં?

સૌથી ઉત્તમ રમકડાં એ છે જે બાળક પાસે કામ કરાવે છે અને સૌથી ખરાબ રમકડાં એ છે જે બાળકનું કામ પોતે કરે છે એમ સમજાવતાં શ્વેતા ગાંધી કહે છે, ‘બાળક માટે એવાં રમકડાં પસંદ કરો જે પોતે એક રમકડું હોય અને એનાથી રમવાની સેંકડો શક્યતાઓ હોય. જેમ કે લાકડાના બ્લૉક્સ કે પ્લૅન્ક્સ, મૅગ્નેટિક ટાઇલ્સ, રિંગ્સ, લેગો, પેગ ડૉલ્સ એટલે કે અલગ-અલગ સાઇઝની લાકડાથી બનેલી ઢીંગલી આકારનાં રમકડાં, છૂટક પાર્ટ્‌સ ધરાવતી કોઈ પણ રમતો, લાકડાનો રેઇનબો વગેરે. આ સિવાય મહત્ત્વનું એ છે કે બાળકની ઉંમર વધે તો પણ તે એ જ રમકડાંને અલગ રીતે પણ રમી શકે એવું રમકડું હોવું જોઈએ. એવાં રમકડાં ખરીદો જે અલગ-અલગ ઉંમરે અલગ રીતે રમી શકાય. જેમ કે લાકડાના બ્લૉક્સ બે વર્ષની ઉંમરે એક પર એક ગોઠવીને રમી શકાય, ૪ વર્ષની ઉંમરે એમાંથી ઘર બનાવી શકાય, ૬ વર્ષની ઉંમરે એમાંથી ખુરસી કે ટેબલ બનાવી શકાય અને ૮ વર્ષની ઉંમરે બાળક પોતાની ક્રીએટિવિટી વાપરીને એમાંથી આખું નગર ઊભું કરી શકે છે. ’

કન્સેપ્ટ મહત્ત્વનો

તમે જ્યારે રમકડાં ખરીદવા જાઓ ત્યારે મૉન્ટેસરી-આધારિત રમકડાં પસંદ કરો એટલે કે જે રમકડાં એક સમયે એક જ કન્સેપ્ટ શીખવે એમ સમજાવતાં શ્વેતા ગાંધી કહે છે, ‘આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપે એવાં રમકડાં પસંદ કરો. જેમ કે શેપ સૉર્ટર એટલે કે આકારો પ્રમાણે ગોઠવવાનું બૉક્સ, ઑબ્જેક્ટ પર્મનન્સ બૉક્સ એટલે કે વસ્તુ ગાયબ થઈને પાછી આવતી હોય એ દર્શાવતું બૉક્સ, સિલિન્ડર બ્લૉક્સ, નૉબ પઝલ એટલે કે એક માળખાની અંદર ચિત્રને ગોઠવવાની પઝલ જેનાથી બાળકને શેપની સમજ આવે. આ ઉપરાંત આજકાલ દૈનિક જીવનની પ્રવૃત્તિઓની ટ્રે જેને પ્રૅક્ટિકલ લાઇફ ટ્રે કહે છે એવી ઘણા જુદા-જુદા પ્રકારમાં આવે છે. કલ્પનાશક્તિની જરૂર પડે એવાં રમકડાં પસંદ કરો. જેમ કે રમકડાં તરીકે આવતાં પ્રાણીઓ, પક્ષીઓ કે ફળોનો સેટ; ઢીંગલીનું ઘર, રસોડાનો સેટ; ડૉક્ટર કિટ; કઠપૂતળીનું થિયેટર; ટ્રેનના ટ્રૅક; ખેતરનો સેટ વગેરે.’

શારીરિક શ્રમ પડે એ જરૂરી

બેઠાં-બેઠાં રમવું એના કરતાં થોડું દોડવું અને ભાગવું પડે તો એ પ્રકારનાં રમકડાં પણ એટલાં જ જરૂરી છે એ સમજાવતાં શ્વેતા ગાંધી કહે છે, ‘આ ઉપરાંત શારીરિક હલનચલનને પ્રોત્સાહન આપતાં રમકડાં પસંદ કરો. મગજનો વિકાસ હલનચલન દ્વારા થાય છે. જેમ કે બૅલૅન્સ બોર્ડ, ક્લાઇમ્બિંગ ટ્રાયન્ગલ એટલે કે જેના પર ચડી શકાય એવો ત્રિકોણ, સ્ટેપિંગ સ્ટોન્સ એટલે કે પગ મૂકવાના પથ્થર જેને તમે તેમના રૂમમાં સેટ કરી શકો છો. આ સિવાય દોરડાકૂદ, જાત-જાતના દડા, એક પગે ચાલતું સ્કૂટર, સાઇકલ તો મજાની વસ્તુઓ છે જ. ફાઇન મોટર સ્કિલ વિકસાવતાં રમકડાં મહત્ત્વનાં ઘણી શકાય. જેમ કે દોરીમાં પરોવવાના મણકા કે કાર્ડ્‌સ, માટી કે રેતીમાં રમવું અને ઉંમર પ્રમાણે એમાં આકારો બનાવવા અને પછી બાળક મોટું થાય ત્યારે કાતરથી કાપવાનું શીખવવું.’

પ્લાસ્ટિક નહીં

લાકડાનાં રમકડાંને પ્રાધાન્ય આપો. લાકડું બાળકને કુદરત સાથે જોડે છે. એ હૂંફાળું, કુદરતી, વજનદાર, સ્પર્શ અને સંવેદનાથી સમૃદ્ધ છે. બાળકને આ ઉંમરે પ્લાસ્ટિકનો અનુભવ આપવા કરતાં લાકડું બેસ્ટ ચૉઇસ છે, કારણ કે પ્લાસ્ટિકનાં રમકડાં પોતાના ભડકીલા રંગો અને મટીરિયલને કારણે બાળકોને ઓવર-સ્ટિમ્યુલેટ એટલે કે અતિ-ઉત્તેજિત કરે છે. લાકડું એની જગ્યાએ બાળકને ખુશી આપે છે, પણ એ શાંતિથી રમવા માટે બાળકને પ્રોત્સાહન આપે છે એટલે એ બેસ્ટ છે.

કેવાં રમકડાં ન આપવાં જોઈએ?

બૅટરીથી ચાલતાં રમકડાં ટાળો. ખાસ કરીને એવાં રમકડાં જે બોલે છે, સતત ગીતો ગાય છે, નાચે છે, લાઇટો ઝબકાવે છે, જાતે જ ચાલે છે. જો રમકડું બાળક પાસેથી કોઈ પ્રયત્ન કરાવ્યા વિના તેનું મનોરંજન કરે છે તો એ બાળકની સક્રિય ભાગીદારી ઘટાડે છે. બધું જ કરી આપતાં રમકડાં બાળકને આપવાની જરૂર જ નથી. જેમ કે બોલતો-ચાલતો રોબો કે વાર્તાઓ કહેતો રોબો કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) જેની સાથે અટૅચ હોય એવાં રમકડાં. આવાં રમકડાંને કારણે બાળકો સક્રિય સર્જક બનવાને બદલે નિષ્ક્રિય પ્રેક્ષક બની જાય છે એમ સમજાવતાં શ્વેતા ગાંધી કહે છે, ‘લાઇટો અને મ્યુઝિકવાળાં રમકડાં બાળકને અતિ-ઉત્તેજિત કરી શકે છે, તેનો અટેન્શન સ્પાન ઓછો કરે છે, શાંત પ્રવૃત્તિઓને કંટાળાજનક બનાવી શકે છે અને કેટલાંક બાળકોમાં સેન્સરી ઓવરલોડ વધારી શકે છે. કેટલાંક ઇલેક્ટ્રૉનિક કે બૅટરીથી ચાલતાં રમકડાં સ્વભાવિક રીતે ખરાબ હોતાં નથી. ઉદાહરણ તરીકે મોટાં બાળકો માટે પ્રોગ્રામેબલ રોબો, ડિજિટલ માઇક્રોસ્કોપ અથવા ઇલેક્ટ્રૉનિક સાયન્સ કિટ્સ જો સમજી-વિચારીને અને મર્યાદિત પ્રમાણમાં વાપરવામાં આવે તો એ શિક્ષણમાં મદદરૂપ થઈ શકે છે. ચિંતા એવાં રમકડાં સામે છે જે પ્રાથમિક રીતે માત્ર નિષ્ક્રિય મનોરંજન આપે છે અને બાળકની વિચારવાની, કલ્પના કરવાની કે સમસ્યા ઉકેલવાની ક્ષમતાનું સ્થાન લઈ લે છે. આ સિવાય હિંસક રમકડાં ટાળો. જેમ કે સાચી લાગતી બંદૂકો, તોપ કે કોઈ પણ પ્રકારના હથિયારોના સેટ.’

રમકડાં સિવાયની બીજી વસ્તુઓ

રમવા માટે છૂટક વસ્તુઓ સૌથી વધુ બાળકોને આકર્ષે છે. રિસર્ચ દર્શાવે છે કે છૂટક વસ્તુઓ સર્જનાત્મકતામાં નાટ્યાત્મક વધારો કરે છે. છૂટક વસ્તુઓ જેમ કે પાઇનકોન્સ, જુદા-જુદા આકારના અને જુદી-જુદી સપાટી ધરાવતા પથરા, શંખ, છીપલાં, કોડી, કાપડના ટુકડા, લાકડીઓ. એક વાર બાળક સમજણું થાય એ પછી જુદા-જુદા પ્રકારનાં બટનો પણ આપી શકાય. બાળકો આમાંથી પોતાની રમતો જાતે શોધી લે છે. બાળકોને વાસ્તવિક જીવનની રોજબરોજની વસ્તુઓથી રમવું વધુ ગમે છે. જેમ કે નાની સાવરણી, વાસણો, છોડને પાણી પાવાની ઝારી, બાળકો માટે સુરક્ષિત છરી, વેલણ, બગીચાનાં ઓજારો, સફાઈનું કાપડ. જો તેઓ આ વસ્તુઓથી રમતાં હોય તો ૧૦૦ ટકા રમવા દેવાં જોઈએ, કારણ કે આ વસ્તુઓ જવાબદારી અને આત્મવિશ્વાસ કેળવે છે.

રમકડાં કરતાં વધુ જરૂરી છે અનુભવ

બાળકોનો યોગ્ય વિકાસ થાય, તેમનો આત્મવિશ્વાસ વધે અને ખુશી મળે એ માટે મોંઘાં રમકડાં ખરીદવા કરતાં તેમનામાં સાચું રોકાણ કરવું વધુ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે અનુભવ એ કોઈ પણ મોંઘાં રમકડાં કરતાં વધુ શીખવે છે. 
 રોકાણ રમકડાં કરતાં બુક્સમાં કરો; કારણ કે રમકડું થોડાક દિવસમાં એનો ચાર્મ ગુમાવી દે છે, પણ એક પુસ્તક તેમના વિચારોને આકાર આપે છે. જે ઘરમાં બાળકોને વાંચવાની આદત પડી છે એ બાળકોનો માનસિક વિકાસ ખૂબ સારો હોય છે.
 બાળકને ફરવા લઈ જાઓ. ઘરમાં બેસી રમકડાંથી રમવા કરતાં ઝૂ, પાર્ક, ચોપાટી, મ્યુઝિયમ, નેચર વૉકથી તેમને વધુ સારું એક્સપોઝર મળશે. દરરોજ સાંજે બે કલાક પાર્કમાં લઈ જશો અને ત્યાં રમીને તેને જે મજા આવશે એ રમકડાંમાં નહીં આવે. 
 બાળકને સ્કિલ-બેઝ્ડ લર્નિંગ માટે મૂકો. એટલે કે સંગીત શીખવો, ડ્રૉઇંગ ક્લાસમાં મૂકો. પબ્લિક સ્પીકિંગ, કોડિંગ કે ડાન્સિંગ કરાવો. સ્કિલ્સ બાળકોનો આત્મવિશ્વાસ વધારે છે. 
 પરિવાર સાથેનું બૉન્ડિંગ સ્ટ્રૉન્ગ કરતી બોર્ડ-ગેમ્સ સસ્તી છે અને ખૂબ ઉપયોગી પણ. પરિવાર સાથે મળીને મેમરી ગેમ્સ, ડૉમિનોઝ, પઝલ્સ કે પછી પત્તાંની રમતો તેની સાથે રમો. સમજવાનું એ છે કે બાળકોને કોણે તેમની સાથે રમત રમી એ યાદ રહેવાનું છે, એ રમકડાંની કિંમત નહીં.
 તેને મોંઘાં રમકડાં નહીં લઈ દો તો ચાલશે, પણ તેની સાથે વાતો નહીં કરો તો નહીં ચાલે. એટલે બાળક સાથે સંવાદ સાધો, કારણ કે બાળકો સાથે વાતો કરવી એ તેમના માનસિક વિકાસ માટે અત્યંત જરૂરી છે. મોંઘાં રમકડાં આપવાને બદલે બાળકો સાથે સમય વિતાવવો અને તેમને વ્યાવહારિક માર્ગદર્શન આપવું એ જ તેમના ભવિષ્ય માટે શ્રેષ્ઠ રોકાણ છે.

ધ્યાનમાં રાખો

રમકડાં બદલતાં રહો. એક સમયે ફક્ત ૧૦–૧૫ રમકડાં જ બાળકની પહોંચમાં રાખો. રમકડાંની સંખ્યા કરતાં ગુણવત્તાને પ્રાધાન્ય આપો. પચાસ મધ્યમ કક્ષાનાં રમકડાં કરતાં પાંચ ઉત્કૃષ્ટ રમકડાં ખૂબ સારાં છે. જે બાળક પાસે ઓછાં રમકડાં હોય છે તે મોટા ભાગે લાંબો સમય ધ્યાન કેન્દ્રિત કરે છે, વધુ કલ્પના કરે છે અને પોતાની વસ્તુઓની કદર કરે છે. સંશોધન સૂચવે છે કે એકસાથે ખૂબબધાં રમકડાં ઉપલબ્ધ હોવાથી બાળકની સતત એકાગ્રતા અને રમતનું ઊંડાણ ઘટી જાય છે. ઓછું ખરેખર વધુ ઉપયોગી નીવડે છે.

lifestyle news life and style parenting tips relationships sex and relationships Jigisha Jain