19 October, 2026 05:09 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
હમણાં એક બહેન મળ્યાં. તેમનાં મૅરેજને ૮ વર્ષ થઈ ગયાં. બે બાળકોની તે મમ્મી છે. તેમણે પોતાનું મન હળવું કરતાં સવાલ કર્યો કે ડિલિવરી પછી મારું વજન ઘણું વધ્યું છે, પેટ પર સ્ટ્રેચ-માર્ક્સ છે અને વાળ પણ ખૂબ પાતળા થઈ ગયા છે. મને મારા શરીર પ્રત્યે એટલો અણગમો થઈ ગયો છે કે બેડરૂમમાં હસબન્ડ સામે કપડાં ઉતારવામાં ઇન્ફિરિયરિટી કૉમ્પ્લેક્સ ફીલ કરું છું, જેને લીધે હું હંમેશાં અંધારું રાખવાનો આગ્રહ રાખું અને હસબન્ડ નજીક આવે ત્યારે પણ મારા મનમાં એ જ બધા વિચારો આવે જે મારી દેખાવની ખામીઓ છે. એને લીધે બને છે એવું કે અમારા રિલેશનમાં કોલ્ડનેસ આવી ગઈ છે.
આ જે મૂંઝવણ છે એ માત્ર આ બહેનની જ નથી, આ સ્ત્રીઓ અને પુરુષો બન્નેની મૂંઝવણ છે. વજન વધવું, ટાલ પડવી, સ્કિન ઢીલી પડવી કે શરીર બેડોળ થવાને કારણે મનમાં જાગતી એક બહુ મોટી મૂંઝવણ છે. સોશ્યલ મીડિયા, ફિલ્મો અને જાહેરાતોની માયાવી દુનિયાએ પર્ફેક્ટ બૉડીની એવી કાલ્પનિક અને અવાસ્તવિક વ્યાખ્યાઓ ઠોકી બેસાડી છે કે સામાન્ય માણસ પોતાના સાચા અને કુદરતી શરીરને જ ધિક્કારવા લાગે છે.
સાઇકોલૉજી અને સેક્સોલૉજીની દૃષ્ટિએ સેક્સ એ માત્ર એક્સરસાઇઝ નથી પણ મનની મુક્તિ છે. તમે જ્યારે બેડરૂમમાં પોતાના બૉડીને લઈને સેલ્ફ-કૉન્શ્યસ રહો છો ત્યારે તમારું મન આનંદ અને ઉત્તેજના માણવાને બદલે ડિફેન્સ મોડમાં આવી જાય છે, જે સંબંધો માટે ખરાબ છે.
સેક્સ્યુઅલ ક્લાઇમૅક્સ માટે મનનું સંપૂર્ણ રિલૅક્સ હોવું જરૂરી છે. મારો પાર્ટનર પેટની ચરબી કે ખરતા વાળ જોઈને શું વિચારતો હશે? એવો ડર મનમાં ઘૂમરાતો હોય ત્યારે રિલેશનશિપ ઑટોમાઇઝેશન પર આવી જાય. એમાં ઇમોશન્સ રહેતાં નથી. બેડોળ શરીરને છુપાવવા તમે અંધારું કરો કે સ્પર્શથી દૂર ભાગો ત્યારે પાર્ટનરને ખોટો સંકેત જઈ શકે કે કદાચ તમને તેનામાં ઇન્ટરેસ્ટ નથી અથવા તમે તેને રિજેક્ટ કરી રહ્યા છો.
આ જે ઇન્ફિરિયરિટી છે એમાંથી બહાર આવવું જરૂરી છે. પ્રકૃતિએ સર્જેલા શરીર સાથે લડવા કરતાં એનો સ્વીકાર કરવો એ જ સૌથી મોટો સંયમ અને શાંતિ છે. સાથોસાથ યાદ રાખો કે તમારો જીવનસાથી તમને તમારા વ્યક્તિત્વ અને પ્રેમ માટે ચાહે છે, કોઈ મૉડલની જેમ કૅમેરાના ઍન્ગલથી તમારું મૂલ્યાંકન કરતો નથી. મોટા ભાગના કિસ્સામાં જેને તમે મોટી ખામી માનતા હો, સાથી માટે એ સાવ સામાન્ય બાબત હોય છે. સંકોચ તોડો. ધીમે-ધીમે પણ એ તમારે તોડવો પડશે. આ ઉપરાંત પાર્ટનરને તમારી ઇનસિક્યૉરિટી વિશે વાત કરો. આ ઉપરાંત સારા દેખાવા માટે શું કરવું જોઈએ એના માટે પ્રયાસ પણ કરો. આમ ને આમ મનમાં મૂંઝાયા કરવાથી તમે જાતે જ તમારા પગ પર કુહાડી મારી બેસશો.