મળો મારા સારથિને

04 September, 2026 05:48 PM IST  |  Mumbai | Rashmin Shah

કુરુક્ષેત્રમાં અર્જુનના સારથિ બની શ્રીકૃષ્ણે તેને વિષાદ અને મૂંઝવણમાંથી બહાર કાઢી વિજયનો માર્ગ બતાવ્યો. આપણા જીવનમાં પણ કોઈ ને કોઈ સારથિ સાચી દિશા બતાવે છે. જાણીએ સેલિબ્રિટીઝના જીવનના એવા સારથિઓ વિશે જેમણે તેમને આગળ વધવા પ્રેર્યા.

કુરુક્ષેત્રમાં અર્જુનના સારથિ બની શ્રીકૃષ્ણ

મારા સારથિ મારા પપ્પા : જાનકી બોડીવાલા, ઍક્ટ્રેસ 

હા, મારા સારથિ મારા પપ્પા છે. મારા પપ્પા ભરત બોડીવાલા પ્રોફેશનલી ઍડ્વોકેટ છે, પણ મને લાગે છે કે ઍક્ટિંગની સ્કિલ કદાચ મને તેમનામાંથી મળી છે. મને ક્યાંય પણ કોઈ મૂંઝવણ લાગે કે પછી લાગે કે હું આમાંથી રસ્તો નથી શોધી શકતી તો હું પપ્પા સાથે વાત કરું અને મને ફટાક કરીને રસ્તો મળી જાય. એવું પણ ન થયું હોય કે તેમણે મને ગાઇડ કરી હોય. અમે તેમને એમ જ વાત કરતા હોઈએ, હું જ એકલી બોલતી જતી હોઉં અને પછી હું જ કહું કે પપ્પા, મારે આમ જ કરવું જોઈએ અને તે પણ હસતાં-હસતાં મને કહે કે જવાબ તારી પાસે હતો જ તો શું કામ ટેન્શન કરતી હતી?
કેટલીક વ્યક્તિનો ઑરા જ એવો હોય કે તમને તેની પાસેથી ગાઇડન્સ લેવાનું મન થઈ આવે. પપ્પાનું પણ એવું જ છે. હું નાની હતી ત્યારે મને ઘણી વાર થતું કે પપ્પા કેવા બેસ્ટ ગાઇડ હશે કે લોકો તેમની ઍડ્વાઇઝ લેવા આવે છે, તેમની સલાહ મુજબ ચાલે છે. અફકોર્સ, અત્યારે પણ મને મનમાં આવું જ થાય છે, પણ હવે મને સમજાય છે કે પપ્પાનો પ્રોફેશન જ ગાઇડ કરવાનો છે એટલે લોકો તેમની પાસે આવે છે.
યુઝ્અલી, અમારી વચ્ચે ફિલ્મ કે સ્ક્રિપ્ટની એવી કોઈ વાત થાય નહીં. એ તો હું મારી જાતે જ નિર્ણય લઉં. જોકે લાઇફ છે, કેટલીયે બીજી મૂંઝવણ આવતી હોય એટલે સલાહ લેવા કોઈને સારથિ બનાવવાની જરૂર તો પડે જ પડે. પપ્પાને હું એટલા માટે પણ સારથિ કહીશ કે તેમણે અમારા કોઈની લાઇફને પોતાની ઇચ્છા મુજબ ડ્રાઇવ નથી કરી. અમને જે કરવું હોય એ કરવાની આઝાદી તેમણે આપી છે અને અમારી લાઇફને તેમણે એ દિશામાં આગળ લઈ જવાનું કામ કર્યું છે.
સામાન્ય રીતે બધાને એવું હોય કે પોતાનાં સંતાનો પોતાના પ્રોફેશનમાં આવે. હું છેક કૉલેજમાં પહોંચી ત્યાં સુધી મને એવું જ હતું કે હું પણ પપ્પાની જેમ લૉયર બનીશ અને પછી અનાયાસ જ હું ઍક્ટિંગ-ફીલ્ડમાં આવી ગઈ. પપ્પાએ મને ક્યારેય લૉયર બનવા ફોર્સ પણ નથી કર્યો અને મને ક્યારેય ઍક્ટિંગ ફીલ્ડમાં જતાં રોકી પણ નથી. ઊલટું તેમણે મને એ દિશામાં આગળ લઈ જવા માટે સાચા અર્થમાં સારથિ બનવાનું કામ કર્યું.

મારા સારથિ મારાં નાની : વિરાજ ઘેલાણી, ઇન્ફ્લ્યુઅન્સર અને ઍક્ટર

મારો પહેલો જવાબ થોડો સ્પિરિચ્યુઅલ છે. મારા સારથિ કૃષ્ણ પોતે. હા, હું કૃષ્ણનો બહુ મોટો ભક્ત છું. મેં ભગવદ્ગીતા વાંચી નથી, પણ છૂટક-છૂટક મેં એની ઘણી ફિલોસૉફી વાંચી છે અને એમાંથી મારી સૌથી ગમતી જો કોઈ ફિલોસોફી હોય તો એ અર્જુનના સવાલના જવાબમાં કૃષ્ણનો જવાબ છે. અર્જુન કહે છે કે હું બાણ કેમ ઉપાડું, સામે બધા મારા લોકો છે? કૃષ્ણ જવાબ આપે છે : જો એ તારા છે તો સામે કેમ છે?
રિયલ લાઇફમાં મારા સારથિ બનવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ મારાં નાની છે. હું નાનપણથી નાની સાથે રહ્યો છું. મારાં નાનીનું નામ ભાનુ ઠક્કર. મારાં નાની ગયા વર્ષે ગુજરી ગયાં, પણ પહેલાંની વાત કહું તો હું જ્યારે પણ મૂંઝવણમાં હોઉં કે ટેન્શનમાં હોઉં ત્યારે નાની પાસે જઈને તેને પૂછું અને નાની મને જે સલાહ આપે એ સલાહને હું ફૉલો કરું. તમે માનશો નહીં, હું જરા પણ દુખી નથી થયો. નાનીની એકેએક વાત તેમના અનુભવમાંથી આવી છે અને એ અનુભવ મને બહુ કામ લાગ્યો. 
મને નાનપણથી નાનીએ જ સંસ્કાર આપ્યા છે. મારાં મમ્મી પાંચ જ વર્ષનાં હતાં ત્યારે મારા નાના ગુજરી ગયા અને મારાં નાનીએ તમામ સ્ટ્રગલો કરીને મમ્મીને મોટાં કર્યાં અને પછી નાની પાસે હું મોટો થયો. આજે જ્યારે નાનીની ગેરહયાતી છે એવા સમયે મને જો કોઈ ગાઇડન્સની જરૂર પડે તો હું નાની સાથેની વાતો યાદ કરું, નાનીએ આવી સિચુએશનમાં શું કર્યું હોત અને કેમ કર્યું હોત એ યાદ કરું અને પછી એ મુજબ હું રસ્તો લઈને આગળ વધુ. નાની પાસેથી મને બહુબધું ગાઇડન્સ મળ્યું છે. અરે, ઘણી વાર એવું થયું છે કે નાનીને જે સબ્જેક્ટની ખબર ન હોય એવા સબ્જેક્ટમાં પણ નાની મારાં સારથિ બન્યાં હોય અને મને ગાઇડન્સ આપ્યું હોય, જેનો મને બહુ લાભ થયો હોય.
જે વ્યક્તિ એકદમ નાની ઉંમરે એકલી પડી ગઈ હોય અને એ પછી પણ તેણે પ્રાઉડ સાથે પોતાની લાઇફ જીવી હોય એ વ્યક્તિથી વધારે સારું સારથિ કોણ બની શકે? મને ખુશી એ વાતની છે કે નાની બધું જોઈને ગયાં. મેં નાની સાથે બહુ વિડિયો પણ બનાવ્યા છે. નાની પોતે સેલિબ્રિટી બની ગયાં હતાં. લોકો તેમની પાસે ફોટો પડાવતા, તેમને મળવા આવતા. ઘર, ગાડી બધું તેમણે જોયું અને નાનીએ પણ બધું એન્જૉય કર્યું અને આજે પણ તે મારી સક્સેસને જુએ જ છે. અરે, તમે માનશો, હું નાનીને મારી રીલ્સની પણ સ્ક્રિપ્ટ સંભળાવું અને ફિલ્મની સ્ક્રિપ્ટ પણ સંભળાવું. નાની નક્કી કરે કે મારે એ કામ કરવું કે ન કરવું.
હું અહીં વર્તમાનમાં જ રહીને કહીશ કે નાની આજે પણ મારાં સારથિ છે.

મારા સારથિ મારો અંતરાત્મા : પદ્‍મશ્રી ગુણવંત શાહ (વિખ્યાત સાહિત્યકાર) 

મારો અંતરાત્મા. હા, મને મારો અંતરાત્મા સંભળાય છે ને મારા ઇનર વૉઇસે જ મારા સારથિ બનવાનું કામ કર્યું છે. દાખલો આપીને કહું તો મેં જ્યારે નિર્ણય કર્યો કે હું નોકરી નહીં કરું ત્યારે નોબડી ગાઇડેડ મી. ઇટ વૉઝ ફ્રૉમ વિધિન. નોકરી છોડવી અને એ પછી કોઈ નોકરી ન કરવી એ નિર્ણય લેવામાં જોખમ પુષ્કળ હતું. એટલું જોખમ કે વાત ન પૂછો. મેં નિર્ણય જાહેર કર્યો ત્યાં તો બધા માટે જાણે બૉમ્બ ફૂટી ગયો. બધા સમજાવવા આવ્યા કે હજી છોકરાઓ ઠેકાણે નથી પડ્યા, આમ થયું કે તેમ થયું તો શું કરશો? આવી હાલતમાં તેમને પછી છોકરી માટે સારા છોકરા નહીં મળે. બધી જ એટલે બધી જ ધમકીઓ આપી. ધમકી એટલે સામાજિક ધમકી, ભવિષ્ય ડામાડોળ થઈ જશે એવી ધમકી. જોકે મેં કહ્યું કે હું મક્કમ છું અને મારે મારી ઇચ્છા પ્રમાણે જ કરવાનું છે અને પછી એવું જ થયું. એ ઘટના પછીના તરત જ એવા બીજા નિર્ણયની વાત કરું.
મેં બીજો નિર્ણય કર્યો કે જે પુરસ્કાર મળે મને એ પુરસ્કાર પણ મારે નહીં સ્વીકારવો અને બધા પુરસ્કારો મેં દાનમાં આપ્યા. પુરસ્કારની એ રકમ અત્યારે કોઈને કહું તો તેને હું ખરેખર ચક્રમ લાગું. એ રકમ બહુ મોટી થવા જાય છે, પણ આ બધું મેં મારા અંતરાત્માનો જે અવાજ છે એ સાંભળીને જ કર્યું.
નમ્રતા સાથે કહીશ કે મારો અંતરાત્મા બહુ પાવરફુલ છે. એ મને એક વાર સંભળાય પછી હું એને વળગું છું ત્યારે આપોઆપ બધી અનુકૂળતા થયા જ કરે છે. આ અંતરાત્મા એ જ મારો સારથિ. મને એવું કંઈ સાંભરતું નથી કે હું બીજા કોઈ પાસે ગયો હોઉં અને મેં સલાહ લીધી હોય, માગી હોય. મારા માટે મારા અંતરાત્માથી આગળ બીજું કશું નથી. હું આખું જીવન આમ જ જીવ્યો છું. એમાં પછી જે પણ અડચણો કે મુશ્કેલીઓ કોઈ દેખાડે તો પણ આઇ ડીડન્ટ કૅર ફૉર ઇટ. બાકી કૃષ્ણ અને તેમના વિચારો મારા જીવનમાં કેટલા પ્રબળ રહ્યા છે એ તો કોઈને પણ મારાં પુસ્તકો કે લખાણોમાંથી ખબર પડી જ જાય. કૃષ્ણ જ શું કામ; રામ, જીઝસ, મહાવીર, બુદ્ધ બધાની જે ફિલોસૉફિકલ વાત છે એમાં મને શ્રદ્ધા છે, રિચ્યુઅલિસ્ટિકમાં નહીં.

મારા સારથિ મારા ઠાકોરજી : જે. ડી. મજીઠિયા, ઍક્ટર-પ્રોડ્યુસર-ડિરેક્ટર

હું જરા પણ મૉડેસ્ટ નથી થતો, પણ મારા સારથિ જો કોઈ હોય તો એ મારા ઠાકોરજી; પછી તમે તેમને જે પણ નામે બોલાવો. કૃષ્ણ કહો, કાનુડો કહો, લાલો કહો -  પણ મારા સારથિ ખરેખર એ જ રહ્યા છે. ટ્રસ્ટ મી અને એવું નહીં કે હું જઈને તેમને કહું કે મારી આ તકલીફ, મારી આ મૂંઝવણ તમે સૉલ્વ કરી આપો. ના, હું એવું કંઈ ન કહું. બસ, તેમની સામે ઊભો રહું અને મનોમન તેમને કહું કે મારા પ્રૉબ્લેમ મારે જ સૉલ્વ કરવાના છે; હું એમાં જે રસ્તે ચાલુ, જે કરું એમાં મને ઠાકોરજી સદ્બુદ્ધિ આપજો અને સાચા માર્ગે રાખજો અને એટલી કૃપા કરજો કે હું મારા જીવનના આ બધા નિર્ણય રાઇટ રીતે લઈ શકું. આજની તારીખે મારા સારથિ એટલે મારા ઠાકોરજી.
મને એમ પણ થતું કે હું આ બધું મારા મિત્રોને કહું કે તેમની પાસેથી રસ્તો માગું અને મને એવું કરવાની જરૂર પણ નથી પડી. હા, કોઈ એવું હોય જે સ્કિલ્ડ-ઓરિએન્ટેડ હોય તો અફકોર્સ આપણે એ ફીલ્ડના રાઇટ સ્કિલ્ડ પર્સનને મળીએ, તેની સલાહ લઈએ. મેડિકલ ઇમર્જન્સીમાં જે તે તજ્જ્ઞ ડૉક્ટરને મળીએ કે પછી ઇન્ક્મ ટૅક્સ રિલેટેડ હોય તો આપણે બેસ્ટ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટને મળીએ, પણ તેમને હું સારથિ નથી કહેતો; હું તેમને સલાહકાર ગણી શકું. બાકી જીવનને સાચી દિશામાં લઈ જવાનું અને હું જે છું એનાથી બધી રીતે વધારે સારું જીવન આપવાનું કામ કરે એ સારથિ અને મારા સારથિ ઠાકોરજી.
હું દર્શન માટે નાથદ્વારાથી લઈને મથુરા, ગોકુળ બધે જ જતો હોઉં છું, પણ હું જેની વાત કરું છું એ મારા ઘરના મંદિરની વાત કરું છું. મારા ઘરે જે મંદિર છે એમાં સેવામાં ઊભો રહું. મારી સેવા અડધાથી પોણો કલાકની હોય. એ દરમ્યાન રસ્તો મને મળી જ જાય. ઘણી વાર તો એવું થાય કે હું ઑફિસમાં હોઉં અને મારે અગત્યનો નિર્ણય લેવાનો આવે તો હું તરત મનથી જ ઠાકોરજીને કહું કે હું આમ કરવાનો છું; બસ, મને સદ્બુદ્ધિ આપજો અને હું એમાં પાર પડું એ જોજો. જો તમે સાચા મનથી તેમની સામે ઊભા રહો તો તે રસ્તો આપે જ આપે અને તમને આગળ દોરી જ જાય.
બીજાને જે લાગે એ પણ હું આમ લિટલ ઇન્ટ્રોવર્ટ છું. ફૅમિલી મૅટર હોય કે બીજા કોઈ ઇશ્યુઝ હોય તો મારું બીજા સાથે ઓછું ડિસ્કશન થાય. મને એમ થાય કે બધા પોતપોતાની તકલીફો વચ્ચે છે એમાં હું ક્યાં જઈને મારા પ્રૉબ્લેમ્સ અને બીજું બધું શૅર કરું. આ જ એક વિચારે મને ઠાકોરજીની વધારે નજીક લઈ જવાનું કામ કર્યું હશે એવું હું માનું છું. બાકી અમારે ત્યાં તો પેઢીઓથી પુષ્ટાવેલા ઠાકોરજી છે તેમની સેવા થાય છે. અમારા માટે તો તે જ હાજરાહજૂર સારથિ છે.

 

janki bodiwala lifestyle news life and style relationships sex and relationships