સિન્ડ્રેલા સિન્ડ્રૉમમાં સપડાયેલાં પત્ની છો?

22 April, 2025 12:03 PM IST  |  Mumbai | Heena Patel

સિન્ડ્રેલા સિન્ડ્રોમ એક એવી સાઇકોલૉજિકલ કન્ડિશન છે જેમાં મહિલા સ્વતંત્ર રહેવાથી ડરે છે. તે પુરુષ પર નિર્ભર રહેવાનું પસંદ કરે છે. તેને એમ લાગે કે તેને કોઈ પુરુષની જરૂર છે જે તેનું ધ્યાન રાખે, તેની જરૂરિયાતો પૂરી કરે.

પ્રતીકાત્મક તસવીર

સિન્ડ્રેલા સિન્ડ્રોમ એક એવી સાઇકોલૉજિકલ કન્ડિશન છે જેમાં મહિલા સ્વતંત્ર રહેવાથી ડરે છે. તે પુરુષ પર નિર્ભર રહેવાનું પસંદ કરે છે. તેને એમ લાગે કે તેને કોઈ પુરુષની જરૂર છે જે તેનું ધ્યાન રાખે, તેની જરૂરિયાતો પૂરી કરે. તેમને પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ નથી હોતો. આ સિન્ડ્રોમને પરીકથાની સિન્ડ્રેલાનું નામ એટલે જ આપવામાં આવ્યું છે, કારણ કે તે પણ એવું વિચારે છે કે તેનો રાજકુમાર આવશે અને તેને બચાવીને લઈ જશે. મહિલાઓમાં જોવા મળતા સિન્ડ્રેલા સિન્ડ્રોમ પાછળ અનેક સામાજિક અપેક્ષાઓ, બાળપણમાં થયેલો ઉછેર અને એકલા પડી જવાની ભાવના હોય છે. સિન્ડ્રેલા સિન્ડ્રોમ હોય એ મહિલાઓમાં કેવાં લક્ષણો જોવા મળે, એની પાછળ કયાં વિવિધ કારણો જવાબદાર છે અને એમાંથી બહાર કઈ રીતે નીકળી શકાય એ વિશે મેન્ટલ હેલ્થ પ્રોફેશનમાં બાવીસ વર્ષનો અનુભવ ધરાવનાર સાઇકોથેરપિસ્ટ દીપલ મહેતા વિસ્તારપૂર્વક જણાવે છે. તેમના જ શબ્દોમાં વાંચીએ...

તમે તો એનો ભોગ નથીને?
સિન્ડ્રેલા સિન્ડ્રોમ હોય એ મહિલાઓ સ્વતંત્ર રીતે નિર્ણય લેવામાં કે જવાબદારી ઉપાડવાથી ગભરાય છે. તેઓ ભાવનાત્મક રીતે કે આર્થિક રીતે જીવનસાથી પર નિર્ભર રહેતી હોય છે. તેમને આત્મનિર્ભર થવામાં ભય લાગે છે, કારણ કે તેમને લાગે છે કે તેઓ સક્ષમ નથી. આવી સ્ત્રીઓ એવો પાર્ટનર કે પતિ શોધતી હોય છે જે તેની સંભાળ રાખે અને સુરક્ષા પ્રદાન કરે. જીવનમાં કોઈ વિકટ પરિસ્થિત આવી જાય તો એકલા હાથે એનો સામનો કરવાને બદલે કોઈ આવીને તેમને આ પરિસ્થિમાંથી બચાવે એવી આશા તેમને હોય છે. તેમનામાં આત્મિવશ્વાસની પણ ભારોભાર કમી હોય છે.

સામાજિક કારણો
મહિલાઓમાં જોવા મળતા સિન્ડ્રેલા સિન્ડ્રોમ પાછળ પરિવાર અને સમાજનો ખૂબ મોટો હાથ છે. સમાજ મહિલાઓને ઘરની જવાબદારી સંભાળનાર અને બાળકોનો ઉછેર કરનાર ગૃહિણીના રૂપમાં અને પુરુષને કમાનાર અને સુરક્ષા પૂરી પાડનારના રૂપમાં જુએ છે. સમાજમાં રહેલી આ ધારણા મહિલાઓને પુરુષ પર નિર્ભર બનાવે છે. પરિવાર પણ સમાજનો હિસ્સો જ છે. કોઈ સ્ત્રી એવા પરિવારમાં ઊછરી હોય જ્યાં ઘરના પુરુષો જ બધા નિર્ણયો લેતા હોય, આર્થિક વ્યવહારો કરતા હોય, ઘરની સ્ત્રીઓને કંઈ બોલવાનો હક ન હોય, સ્ત્રીઓનું કામ ફક્ત રસોડું અને બાળકોને સંભાળવાનું જ હોય તો સ્વાભાવિક છે કે તેનામાં સિન્ડ્રેલા સિન્ડ્રોમ જોવા મળે. સમાજ દ્વારા મહિલાઓને કમજોર અને પુરુષોને મજબૂત ચીતરવામાં આવે છે. એવામાં મહિલાઓના મનમાં એવી ભાવનાનો જન્મ થાય છે કે તેમને પુરુષના સંરક્ષણની જરૂર છે. શિક્ષા અને રોજગારની તકો પણ મહિલાઓને એટલી નથી મળતી જેટલી પુરુષોને મળે છે. વારસાગત સંપત્તિના અધિકારો પણ પુરુષોને વધુ મળે છે. એટલે આ બધી બાબતો મહિલાઓને પુરુષો પર નિર્ભર બનાવતી જાય છે.

ઉછેરમાં રહેલી ખામી
મહિલાઓમાં જોવા મળતા આ સિન્ડ્રોમનું કારણ બાળપણમાં થયેલો તેમનો ઉછેર છે. બાળપણમાં આપણો જે રીતે ઉછેર થયો હોય એ રીતે આપણું વ્યક્તિત્વ ઘડાય છે. બાળપણથી જ માતા-પિતા તેમની દીકરીઓને એવું કહીને કામ કરતા રોકતાં હોય છે કે તારે એ નથી કરવાનું, પેલું નથી કરવાનું; તારાથી એ નહીં થાય કે પછી તેમના વતી પોતે નિર્ણય લઈ લેતાં હોય છે. એને કારણે તેમની પેરન્ટ્સ પરની નિર્ભરતા વધી જાય છે, સ્વતંત્ર રીતે કોઈ નિર્ણય લેતાં શીખી શકતી નથી અને તેમનામાં આત્મિવશ્વાસ પણ આવતો નથી. એટલે પરણીને સાસરે જાય ત્યારે પણ તે બધી બાબતોને લઈને પતિ પર નિર્ભર થઈ જાય છે. તેમને સ્વતંત્ર રીતે કોઈ નિર્ણય લેતાં ડર લાગે. તેમને એવો ભય રહે કે મેં ક્યાંક ખોટો નિર્ણય લઈ લીધો તો શું થશે. ઘણાં ઘરોમાં બાળપણથી જ દીકરીઓને અવારનવાર એવું કહેવામાં આવતું હોય કે તું તો પરાયું ધન છે, મોટા થઈ લગ્ન કરીને તારે સાસરે જવાનું છે, ઘર સંભાળવાનું છે. ઘરમાં દીકરો હોય તો તેને ઘરકામ કરવા નથી કહેવામાં આવતું અને દીકરીને ઘરકામો શીખવાડવામાં આવતાં હોય. આ બધી વસ્તુ પણ બાળમાનસ પર ઊંડી છાપ છોડતી હોય છે. એટલે એ સ્ત્રી સાસરે જાય ત્યારે તેને એમ જ લાગે કે ઘર સંભાળવાની જવાબદારી મારી જ છે, પુરુષોનું કામ કમાવાનું અને ઘરની જરૂરિયાતો પૂરું કરવાનું છે. ઘણી વાર દીકરીને એવું કંઈ કરવાની ઇચ્છા હોય તો માતા-પિતા એવું કહી દેતાં હોય છે કે જે શોખ છે એ સાસરે જઈને પૂરા કરજો. એટલે સ્ત્રી એવું માનવા લાગે છે કે તેનો પતિ તેના મોજશોખ પૂરા કરશે. પોતાનાં સપનાંઓ પૂરાં કરવા પર પતિ પાસેથી આશા લગાવીને બેસે છે.

કેટલો બદલાવ થયો?
બદલાતા સમય સાથે સ્ત્રીઓ કારિકર્દી બનાવીને જૉબ કરતી થઈ છે. તેમ છતાં આજે પણ મોટા ભાગનાં ઘરોમાં ઘરના કામકાજની જવાબદારી તેમના પર જ હોય છે. એટલે આજના જમાનામાં ઊલટાનું સ્ત્રીનું કામ બમણું થયું છે. આપણી આસપાસ એવાં ઘણાં ઉદાહરણો મળી રહેશે જે દર્શાવે છે કે આજે પણ તેઓ સામાજિક અપેક્ષાઓ, લૈંગિક રૂઢિવાદિતાના બંધનમાં બંધાયેલી છે એટલું જ નહીં, અનેક મહિલાઓ કમાણી કરતાં તો જાણે છે પણ ઇન્વેસ્ટમેન્ટની વાત આવે ત્યારે તેમના હસબન્ડ પર તેઓ નિર્ભર હોય છે. અનેક ફાઇનૅન્સ રિસર્ચ તમે જોયાં હશે જેમાં એ વાત સ્પષ્ટ થાય છે. આનું પણ એ જ કારણ છે કે સ્ત્રીઓને સતત એવું સાંભળવા મળ્યું હોય કે રોકાણમાં તેમને વધારે ખબર ન પડે કે પછી હંમેશાં ઘરના પુરુષોને જ આર્થિક નિર્ણયો લેતા જોયા હોય. આજે પણ અનેક મહિલાઓ ઘરેલુ હિંસાનો ભોગ બને છે. એમાં શહેરની મૉડર્ન યુવતીઓ પણ બાકાત નથી. મહિલાઓને દાબમાં રાખવાનું કે તેમના પર હાથ ઉપાડવાનું થતું હોય એવા પરિવારમાં ઊછરેલી સ્ત્રીઓ એવું માનતી થઈ જાય છે કે આ બધું સામાન્ય છે, પુરુષોને આ બધું કરવાની સત્તા છે. અગાઉની સરખામણીમાં મહિલાઓ વધુ સ્વતંત્ર, મજબૂત, આત્મવિશ્વાસુ અને આત્મનિર્ભર થઈ છે પણ તેમ છતાં સામાજિક રીતિરિવાજોમાંથી પૂર્ણપણે સ્વતંત્ર થઈ શકી નથી.

કઈ રીતે બહાર નીકળવું?
સૌથી પહેલાં તો એ જાણવાનો પ્રયત્ન કરો કે શા કારણે તમે તમારા પાર્ટનર કે પતિ પર એટલાબધા નિર્ભર છો? કઈ વસ્તુ છે જે તમને આત્મનિર્ભર બનતાં રોકી રહી છે એ જાણીને એના પર કામ કરવાનું શરૂ કરો. નાની-નાની વસ્તુથી આત્મનિર્ભર બનવાની શરૂઆત કરો. નવાં કાર્ય કરવાનું અને જવાબદારીઓ ઉઠાવવાનું શરૂ કરો. નિર્ણય લીધા બાદ સફળતા મળે કે નિષ્ફળતા, બન્નેની જવાબદારી સ્વીકારતાં શીખો. કોઈ કામમાં ભૂલ કરી હોય તો એ શા માટે થઈ એનું વિશ્લેષણ કરો જેથી ભવિષ્યમાં તમે યોગ્ય નિર્ણય લઈ શકો. એવી જ રીતે સફળતા મળી હોય તો એને સેલિબ્રેટ કરો, જે તમારા આત્મિવશ્વાસને વધુ મજબૂત બનાવવાનું કામ કરે. સમસ્યા આવે ત્યારે કોઈની રાહ જોવા કરતાં જાતે જ એમાંથી બહાર નીકળવાનું વિચારો. કોઈ સમસ્યા એવી હોય જે ખબર છે કે આવવાની જ છે તો અગાઉથી જ એનાથી નિપટવા માટે તૈયાર રહો. પોતાની જાતને પ્રાધાન્ય આપતાં શીખો. પોતાનું મહત્ત્વ ઓછું ન આંકો. એવી ઍક્ટિવિટીઝ કરો જે તમારા શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિકાસમાં મદદ કરે. ઘરમાં જેન્ડરના આધારે જે રૂઢિઓ હોય એને તોડવાની કોશિશ કરો. તમે જૉબ પર પણ જતાં હો અને ઘરકામની જવાબદારી પણ બધી તમારા પર જ હોય તો પતિ સાથે અડધી વહેંચી નાખો, એ માટે તમારે બન્નેએ સાથે બેસીને વાતચીત કરવી પડશે.

દીકરીનું ઘડતર આ રીતે કરો
દરેક માતા-પિતા તેમની દીકરીનું ભલું જ ઇચ્છતાં હોય, તેમને આત્મિનર્ભર અને આત્મવિશ્વાસુ બનાવવા માટે ભણાવી-ગણાવીને પગભર કરતાં હોય. જોકે એમ છતાં મહિલાઓમાં સિન્ડ્રેલા સિન્ડ્રોમ વિકસિત થતો હોય છે. એનું કારણ જ એ છે કે માતા-પિતા તેના ઉછેરમાં એવી કેટલીક ભૂલો કરી દેતાં હોય છે. આવું ન થાય એ માટે પેરન્ટ્સે શું કરવું અને શું ન કરવું એ જણાવતાં ક્લિનિકલ ઍન્ડ કાઉન્સેલિંગ સાઇકોલૉજિસ્ટ જાનવી દોશી સુતરિયા કહે છે, ‘પેરન્ટ્સ પોતાની દીકરીને લઈને વધુ પ્રોટેક્ટિવ થઈ જાય છે. તેમને અંદરથી સતત એમ થયા કરે કે હું તેને ઍડ્વાઇઝ આપું, તેને હેલ્પ કરું, તેની લાઇફમાં કોઈ પ્રૉબ્લેમ આવે એ પહેલાં જ હું તેને બચાવી લઉં. આને કારણે ક્યાંક ને ક્યાંક તેમનો ગ્રોથ અટકી જાય છે. ઘણી વાર પેરન્ટ્સ તેમની દીકરીઓની લાઇફમાં એટલાબધા ઇન્વૉલ્વ થઈ જતા હોય છે કે ધીરે-ધીરે દીકરી તેમના પર નિર્ભર થઈ જાય છે. તેણે કઈ હૉબી ડેવલપ કરવી, કયા ફ્રેન્ડ્સ બનાવવા જોઈએ, કઈ કારિકર્દી પસંદ કરવી જોઈએ વગેરે બાબતે પોતાની જાતે એક પણ નિર્ણય લઈ શકતી નથી. તેને બધી જ બાબતોમાં પેરન્ટ્સની ઍડ્વાઇઝ જોઈએ. એટલે આગળ જઈને જ્યારે તેનાં લગ્ન થાય ત્યારે બધી જ બાબતે તે તેના જીવનસાથી પર નિર્ભર થઈ જાય છે. એટલે બાળપણથી જ તમારી દીકરીને પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે પોતાની જાત પર નિર્ભર રહેતાં શીખવાડો. તેના મનમાં એ વાત બેસાડો કે પરીઓની વાર્તામાં જેવું દેખાડવામાં આવે છે વાસ્તવિક જીવનમાં એવું નથી હોતું. કોઈ રાજકુમાર તમારું ધ્યાન રાખવા નહીં આવે, તમારે જ તમારું ધ્યાન રાખવાનું છે; શારીરિક, આર્થિક અને ભાવનાત્મક રીતે મજબૂત બનવાનું છે. તેમને શીખવાડો કે પોતાની જાત પર વિશ્વાસ રાખે. તમારી દીકરીને આત્મનિર્ભર અને આત્મ​વિશ્વાસુ બનાવવા માટે તેને પોતાના નિર્ણયો જાતે લેવા દો.

એવું નથી કે તમે બધું તેના પર છોડી દો. તમે તેને એવા વિકલ્પો આપો જે તેના હિતમાં હોય અને પછી એમાંથી તેને પસંદગી કરવા દો. આમ કરવાથી તેની નિર્ણયક્ષમતા વિકસશે. તેને જાતે સમસ્યાનો ઉકેલ લાવતાં શીખવાડો. તેણે કોઈ ભૂલ કરી હોય તો તરત એને સુધારી આપવાને બદલે તેને જાતે એ ઉકેલવા દો. એનાથી તેની સમસ્યાનો ઉકેલ લાવવાની આવડત વિકસશે. તેને જવાબદારીનું ભાન કરાવો. તેને રાત્રે ફ્રેન્ડ્સના ઘરે પાર્ટી કરવી હોય તો ઘસીને ના પાડવાને બદલે તેને પરિસ્થિતિ સમજાવો અથવા કોઈ વચલો માર્ગ કાઢો. તેને કહી દો કે ઠીક છે, તારે જવું હોય તો જા પણ રાત્રે દસ વાગ્યા સુધીમાં તારે ઘરે આવી જવાનું છે. એટલે તે પણ પાર્ટી એન્જૉય કરવાની સાથે સમયનું ધ્યાન રાખશે કે તેને દસ વાગ્યે ઘરે પહોંચી જાય એ રીતે ત્યાંથી નીકળી જવાનું છે. તેને ઘરનાં કામો શીખવાડો; એટલા માટે નહીં કે તે છોકરી છે, પણ એટલા માટે કે એ એક લાઇફ-સ્કિલ છે જે તેને જીવનભર કામ આવવાની છે. તમારે દીકરો અને દીકરી હોય તો બન્નેમાં કોઈ ભેદ ન કરો અને બન્નેને એકસાથે ઘરકામ શીખવાડો. એટલે તમારી દીકરી એ વિચાર સાથે મોટી થશે કે ઘરનું કામ ફક્ત તેની જવાબદારી નથી, તેના જીવનસાથીની પણ એટલી જ છે. દીકરીની હાજરીમાં પપ્પાએ પત્ની પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે, તેને આદર આપે. આમ કરવાથી તેને ખબર પડશે કે એક પુરુષે સ્ત્રી સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. જીવનસાથીમાં કેવા ગુણો હોવા જોઈએ એની ખબર પડશે.’

mental health healthy living sex and relationships relationships life and style love tips