25 May, 2026 11:13 AM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
થોડા દિવસ પહેલાં એક રિલેટિવનાં વાઇફ મને રૂબરૂ મળ્યાં. ઔપચારિક એવી એ મુલાકાતમાં તે બહેને પોતાનું મન હળવું કરતાં કહ્યું કે છેલ્લા થોડા સમયથી તેના હસબન્ડ આખો દિવસ સોશ્યલ મીડિયા પર અજાણી યુવતીઓ સાથે ફ્લર્ટિંગ અને લાઇટ-હાર્ટેડ ચૅટ કરે છે. વાઇફ વિરોધ કરે તો એનો જવાબ હોય છે કે આ તો માત્ર ટાઇમપાસ છે. વાઇફે પોતે સ્વીકાર્યું કે એમાં કંઈ વિશ્વાસઘાત જેવું નથી, પણ હસબન્ડની આ આદતને કારણે બન્ને વચ્ચે મેન્ટલ અને ફિઝિકલ અંતર ખૂબ વધી ગયું છે.
આ જે સમસ્યા છે એ આજના સમયની બહુ મોટી અને ગંભીર સામાજિક સમસ્યા છે. ઘણાને ભ્રમ છે કે જ્યાં સુધી શારીરિક સંબંધ ન બંધાય ત્યાં સુધી સોશ્યલ મીડિયા પર થતી વાતોને ગુનો કે વિશ્વાસઘાત ન ગણી શકાય, પરંતુ સાઇકોલૉજીમાં આને ઇમોશનલ ઇન્ફિડેલિટી એટલે કે માનસિક વિશ્વાસઘાત કહેવામાં આવે છે. તમે જ્યારે તમારા જીવનસાથીને આપવાનો સમય અને લાગણીઓ કોઈ ત્રીજી અજાણી વ્યક્તિને ડિજિટલ પ્લૅટફૉર્મ પર આપવા માંડો છો ત્યારે એ સંબંધની મર્યાદાનો ભંગ જ છે.
આપણે એ સ્વીકારવું પડશે કે સ્માર્ટફોન અને સોશ્યલ મીડિયાને કારણે હવે કોઈની પણ નજીક પહોંચવું સરળ થઈ ગયું છે. માણસ ઘરમાં પલંગ પરથી કે ઑફિસની ચૅર પરથી માત્ર એક લાઇક અને ઇમોજીથી સામેવાળી વ્યક્તિ સાથે ફ્લર્ટિંગ શરૂ કરી શકે છે. ફ્લર્ટિંગ શરૂ થાય ત્યારે વ્યક્તિએ પહેલાં એ વિચારવું જોઈએ કે શું તમારા લગ્નજીવનમાં ક્યાંક ખાલીપો છે?
ઘણી વાર સાથી સાથેનો સંવાદ ખૂટી જાય ત્યારે માણસ બહાર હૂંફ શોધે છે. જો એવું હોય તો બહાર ફ્લર્ટ કરવાને બદલે એ જ એનર્જી પોતાના પાર્ટનર પાછળ ખર્ચો. બીજી વાત, જાતને ડિસિપ્લિન સાથે બાંધો અને નક્કી કરો કે સવારે અને રાતના એક ચોક્કસ સમય પછી સોશ્યલ મીડિયા પર જવું નથી. સમજવું પડશે કે સ્ક્રીન પર દેખાતી દુનિયા ક્ષણિક છે, જ્યારે બાજુમાં બેઠેલી વ્યક્તિ વાસ્તવિક છે.
દરેક મૅરિડ કે કમિટેડ વ્યક્તિએ સમજવું પડશે કે સોશ્યલ મીડિયા પરનું ફ્લર્ટિંગ ભલે ઈઝી હોય, એનાથી તૂટતા સંબંધોને સાંધવા એટલા ઈઝી નથી હોતા. ડિજિટલ દુનિયાના આભાસી સુખ પાછળ દોડીને વર્ષો જૂના વાસ્તવિક સંબંધની હૂંફ વરાળ બનીને ઊડી ન જાય એનું ધ્યાન રાખવું એ જ સાચી સમજદારી છે.