18 September, 2025 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
હાલમાં ૨૮ વર્ષની એક યુવતી મારા ક્લિનિકમાં આવી અને મને કહે કે મારે જાણવું છે કે મારાં એગ્સની ક્વૉલિટી કેવી છે? સારી છે કે નથી? આજના ગૂગલના જમાનામાં સારું છે કે લોકો પાસે જ્ઞાન હાથવગું છે, પણ એની સાથે સમજદારી પણ જરૂરી છે. તે યુવતીને પ્રેગ્નન્સી પ્લાન કરવી હતી એટલે ગૂગલ કરેલી ઇન્ફર્મેશન પરથી તેના મગજમાં આ સવાલ આવ્યો હતો. જોકે તે ખોટી દિશામાં વિચારી રહી હતી એમ મેં તેને સમજાવ્યું. ઇન્ફર્ટિલિટીનો વ્યાપ વધ્યો છે અને એની પાછળ આમ તો ઘણાં કારણો જવાબદાર રહેલાં છે, પણ એમાંથી એક કારણ એવું છે જેના વિશેની તપાસ જરૂરી છે કે સ્ત્રીનાં એગ્સ કે અંડકોષની ક્વૉન્ટિટી અને ક્વૉલિટી બન્ને સારી છે કે નહીં, કારણ કે જો એગ્સની સંખ્યા ઓછી હોય કે એની ક્વૉલિટી સારી ન હોય તો સ્ત્રીને પ્રેગ્નન્ટ થવામાં તકલીફ પડે છે. જોકે અહીં સમજવાનું એ છે કે એ હકીકત છે કે મેડિકલી સારી અને ખરાબ ક્વૉલિટી એગ્સની જોવામાં આવે છે, પરંતુ એ બધી જ સ્ત્રીઓમાં નહીં. એક સામાન્ય પરિભાષા વિચારીએ તો જે એગ્સ ફલિત થઈ શકે એ એગ્સને હેલ્ધી અને સારી ક્વૉલિટીનાં માનવામાં આવે છે, જે એગ્સ ફલિત ન થઈ શકે એ ખરાબ ક્વૉલિટીનાં ગણાય છે.
દરેક સ્ત્રીએ એ ચેક કરવાની જરૂર નથી કે તેનાં એગ્સની ક્વૉલિટી કેવી છે. મહત્ત્વની વાત એ છે કે જો સ્ત્રી પ્રેગ્નન્ટ ન થઈ શકતી હોય તો અમે તેની ઘણી જુદી-જુદી ટેસ્ટ કરીએ છીએ જેમાંની એક ટેસ્ટ એ પણ છે કે અમે તેનાં એગ્સની ક્વૉલિટી જોઈએ છીએ. અમુક જિનેટિક ટેસ્ટ, એમ્બ્ર્યોની બાયોપ્સી વગેરે દ્વારા જાણી શકાય કે એગ્સ સારી ક્વૉલિટીનાં છે કે નહીં. જોકે આ ફક્ત એ સ્ત્રીઓ માટે જેઓ ઇન્ફર્ટિલિટીનો પ્રૉબ્લેમ લઈને અમારી પાસે આવે છે. બાકી સામાન્ય રીતે એગ્સની ક્વૉલિટી જાણી શકાતી નથી અને એ જાણવાની જરૂર પણ રહેતી નથી.
સ્ત્રીની જે રીપ્રોડક્ટિવ ઉંમર છે એ વીસથી ૩૦ વર્ષ દરમ્યાન માનવામાં આવે છે. ઉંમર અને ઓબેસિટી સ્ત્રીનાં એગ્સની ક્વૉલિટીમાં ફરક લાવે છે. આજકાલ જીવનમાં વધતું સ્ટ્રેસ સ્ત્રીના સ્વાસ્થ્ય પર જે અસર કરે છે એ અસર તેનાં એગ્સની હેલ્થ પર પણ પડે જ છે. અમુક પ્રકારના રોગો અને એનો ઇલાજ પણ એગ્સ પર અસર કરતો હોય છે. કૅન્સર, ટીબી કે ડાયાબિટીઝ જેવા રોગો એગ્સની હેલ્થ પર અસર કરે છે. જો આ મુદ્દાઓ તમને લાગુ પડતા નથી તો તમારે પ્રેગ્નન્સી પહેલાં એગ્સની ક્વૉલિટીની ચિંતા કરવાની જરૂર નથી.
- ડૉ. સુરુચિ મહેતા
(ડૉ. સુરુચિ મહેતા અનુભવી ગાયનેકોલૉજિસ્ટ છે. પ્રતિભાવ-માર્ગદર્શન માટે ઈ-મેઇલ કરી શકો છો.)