12 August, 2024 12:03 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
હમણાં એક પપ્પા કમ્પ્લેઇન લઈને આવ્યા કે મારો ૧૪ વર્ષનો દીકરો બહુ બગડી ગયો છે, તેના ફોનમાંથી મેં પૉર્ન કન્ટેન્ટ પકડ્યું છે, તમે તેનું કાઉન્સિલિંગ કરો. વાતના ઊંડાણમાં જવાના હેતુથી અમે કાઉન્સેલિંગ માટે બેઠા અને એ વાત ખરેખર અત્યંત સામાન્ય જ નીકળી. તે ટીનેજરના મનમાં ક્યાંય કોઈ જુગુપ્સા નહોતી કે પછી ક્યાંય તેના મનમાં બીજો કોઈ વિકૃત ભાવ નહોતો. બહુ સહજ રીતે ક્યુરિયોસિટી સાથે તેણે એ વિડિયો જોવાનું શરૂ કર્યું અને એ વિડિયો જોતાં તેના શરીરમાં પણ તેણે ચેન્જ અનુભવ્યો એટલે પેલા વિડિયો જોવાનું તેણે ચાલુ રાખ્યું. આટલી અમસ્તી વાતને પપ્પાએ જાણે કે પેલા છોકરાએ બહુ મોટો અપરાધ કરી નાખ્યો હોય એ રીતે મારી સામે રજૂ કરી અને ફૅમિલીમાં પણ એ જ રીતે વાત મૂકી કે જાણે છોકરો બગડી ગયો છે.
આ પહેલી ઘટના નથી કે ટીનેજરના મોબાઇલમાંથી આ પ્રકારનું પૉર્ન કન્ટેન્ટ મળ્યું હોય અને તેના પેરન્ટ્સનું બ્લડ-પ્રેશર વધ્યું હોય. સામાન્ય રીતે બે-ત્રણ મહિને એકાદ કેસ તો આવો આવે જ. ટીનેજ બાળક ખોટી દિશામાં આગળ ન વધી જાય એ માટે ફ્રેન્ડ્લી ટર્મ્સ પર કાઉન્સેલિંગ પણ કરી લઉં અને પછી ક્યુરિયોસિટી સિવાય ખાસ કંઈ એમાંથી નીકળે પણ નહીં. ઑલમોસ્ટ બે-અઢી દશકાની પ્રૅક્ટિસમાં આ સિનારિયો હજી પણ બદલાયો નથી અને એ બદલાયો નથી એ વાતનું જ દુઃખ છે. મોબાઇલ ચેક કરતા કે પછી અજાણતાં જ મોબાઇલમાંથી આ પ્રકારનું કન્ટેન્ટ પકડી પાડતા પેરન્ટ્સ કેમ એ નહીં વિચારતા હોય કે તેમનું ટીનેજ સંતાન શું કામ આ પ્રકારનું કન્ટેન્ટ જોતું હશે? કેમ તેમના મનમાં એ વાત નથી આવતી કે આ પ્રકારનું કન્ટેન્ટ જોઈને તે પેરન્ટ્સને શું હિન્ટ આપે છે? એને પારખવાની જરૂર છે.
એક સમય હતો જ્યારે પેરન્ટ્સ ટીનેજ હતા ત્યારે તેમનામાં પણ આ જ સ્તરની ક્યુરિયોસિટી હતી, પણ એ સમયે તેમની પાસે માધ્યમ નહોતું કે તેઓ જાતે ખાંખાંખોળા કરે. જોકે હવે આ જનરેશનના ટીનેજર પાસે અઢળક ઑપ્શન છે એટલે તે પ્રાઇવેટ પાર્ટ કે સેક્સ વિશે મનમાં જે સવાલો જન્મે છે એના નિરાકરણ માટે આવું કન્ટેન્ટ શોધે છે. જો કન્ટેન્ટ ખોટું હોય તો એ ખરાબ છે જ અને બાળકને પરેશાન પણ કરી શકે છે. આ જ કારણ છે કે હવેના સમયમાં સેક્સ-એજ્યુકેશન અગત્યનું બની ગયું છે. એ માટે સરકાર પર દોષ આપવાને બદલે આપણે શું કામ એવું ન કરી શકીએ કે પેરન્ટ્સ જ આ જવાબદારી સંભાળે અને દીકરીને સેક્સ-એજ્યુકેશન આપવાનું કામ મમ્મી કરે અને દીકરાને એ સમજાવટ આપવાનું કામ પપ્પા કરે. જો એવું થયું તો ચોક્કસપણે સોસાયટીમાં બહુ સારું રિઝલ્ટ જોવા મળશે એ નક્કી છે.