હમ સાથ સાથ હૈં, ફિર સે

20 January, 2026 04:04 PM IST  |  Mumbai | Ruchita Shah

આવાં એક નહીં, અઢળક કપલ છે. છૂટાં પડવાની દિશામાં હોય અને ભેગાં થાય એટલું જ નહીં, આજકાલ છૂટાં પડી ગયા પછી, આમતેમ ભટકી લીધા પછી ફરી પાછા પોતાના જૂના પાર્ટનર સાથે જોડાતા લોકોની સંખ્યા પણ વધી રહી છે.

બૉલીવુડ ઍક્ટર ગુલશન દેવૈયા અને તેની એક્સ વાઈફ

તાજેતરમાં બૉલીવુડ ઍક્ટર ગુલશન દેવૈયાએ ડિવૉર્સનાં ચાર વર્ષ પછી પોતાની એક્સ-વાઇફ સાથે ફરી ડેટિંગ શરૂ કર્યાનું એક ઇન્ટરવ્યુમાં શૅર કર્યું હતું. જે વ્યક્તિ સાથે બ્રેકઅપ થઈ ગયું હોય અથવા જેની સાથે ડિવૉર્સ લેવાઈ ગયા હોય તેની સાથે ફરી જોડાણ થવું કેટલું સામાન્ય છે? નિષ્ણાતો પાસેથી જાણીએ કે કયા સંજોગોમાં કપલ્સ ફરી ભેગાં થતાં હોય છે

લગ્નના ત્રણ જ મહિના થયા હતા અને એક કપલે છૂટાં પડવાનું નક્કી કર્યું. સ્વાભાવિક રીતે સીધા જ કોર્ટના દરવાજે જવાને બદલે પરિવારજનોએ પહેલાં કોઈ કાઉન્સેલર પાસે જઈને સમસ્યાનું સમાધાન શોધવાની સલાહ આપી એટલે આ કપલ પહોંચ્યું કાઉન્સેલર પાસે. તેમની વચ્ચે સમસ્યાઓ જાણવા જેવી હતી. આ પરિવારના રીતિરિવાજો મુજબ શરૂઆતમાં અમુક દેવસ્થાનનાં દર્શન પહેલાં કપલ સાથે રહી ન શકે. એટલે શરૂઆતમાં વહુએ સાસુ સાથે રૂમ શૅર કરવો પડતો હતો, જેમાં આખી રાત નસકોરાં બોલાવતી સાસુને કારણે શરૂઆતમાં જ વહુની ચીડ શરૂ થઈ, જે બીજી રીતે બીજા કારણને લીધે બહાર આવવા માંડી. કુળદેવીનાં દર્શન પછી કપલ સાથે રહેતું થયું એ પછીયે શરૂઆતના કેટલાક અનુભવને કારણે થયેલા મતભેદને કારણે એ સ્મૂધનેસ ન આવી અને બન્યું એવું કે હવે આ કપલ સાથે હોવા છતાં પરસ્પર પ્રેમ અને રિસ્પેક્ટ ખોઈ બેઠું હતું. વાઇફને હસબન્ડમાં અને તેના પરિવારમાં બધામાં જ ખોટ દેખાતી અને હસબન્ડ પણ વાઇફને બહુ જ નકારાત્મકતા સાથે લેતો હતો. ત્રણ જ મહિનામાં અમારું એકબીજા સાથે જીવવું શક્ય નથી એ નિર્ણય પર આવીને વાઇફ અલગ રહેવા પણ જતી રહી. જોકે ધીમે-ધીમે સમય ગયો અને મન શાંત થયું અને એ દરમ્યાન કાઉન્સેલિંગ શરૂ થયું. કાઉન્સેલરે તેમની મૂળ સમસ્યા પકડી આપી અને કપલ-થેરપીના માધ્યમે ફરી તેમની આપસની લાગણીઓને થોડીક હવા આપી. મનનો ખટરાગ ઘટ્યો અને ત્રણેક મહિનાના કાઉન્સેલિંગ પછી ઑલમોસ્ટ ડિવૉર્સની કગાર પર ઊભેલા કપલે આ સંબંધને સેકન્ડ ચાન્સ આપવાનું નક્કી કર્યું. 
આવાં એક નહીં, અઢળક કપલ છે. છૂટાં પડવાની દિશામાં હોય અને ભેગાં થાય એટલું જ નહીં, આજકાલ છૂટાં પડી ગયા પછી, આમતેમ ભટકી લીધા પછી ફરી પાછા પોતાના જૂના પાર્ટનર સાથે જોડાતા લોકોની સંખ્યા પણ વધી રહી છે. શૈતાન, હન્ટર, ગોલિયોં કી રાસલીલા : રામલીલા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલો ઍક્ટર ગુલશન દેવૈયા આઠ વર્ષના લગ્નજીવન પછી પોતાની વાઇફથી ૨૦૨૦માં છૂટાછેડા સાથે અલગ થયો. જોકે એ પછી ફરી એક વાર કપલ-થેરપી વગેરેની મદદથી એક્સ-વાઇફ સાથેના સંબંધોમાં જીવંતતા ઉમેરીને તેઓ એકબીજા સાથે રહેતાં થયાં છે. આ પહેલો ઍક્ટર નથી, આ પહેલાં પણ હૉલીવુડનાં ઘણાં કપલ છૂટાં પડ્યા પછી ફરી એ જ પાર્ટનર સાથે રહેવા માંડ્યાં હોય એવા ઘણા કિસ્સાઓ છે. જેની સાથે સંબંધો એવા વણસ્યા કે વાત છૂટાછેડા અને બ્રેકઅપ સુધી પહોંચી ગઈ હોય, ફરી એ જ વ્યક્તિ સાથે જીવવાનું બને એની પાછળ કયાં કારણો જવાબદાર હશે? જેની સાથે રહેવામાં સફોકેશન થયું હોય તેની સાથે ફરી સંબંધો કયા સંજોગોમાં જોડાતા હશે એ વિશે સેલિબ્રિટી ઍડ્વોકેટ અમિત મહેતા અને રિલેશનશિપ કાઉન્સેલર નીતા શેટ્ટી સાથે વાતો કરીએ. 

આવું ક્યારે બને?

સમય સાથે મૅચ્યોરિટી વધે અને એ સંજોગોમાં કપલ આપસી મનમુટાવની આરપાર જોતાં શીખી શકે એમ જણાવીને નીતા શેટ્ટી કહે છે, ‘મારી પાસે આવેલા કિસ્સાઓમાં ડિવૉર્સ પછી ભેગાં થયાં હોય એવાં તો એકેય કપલ નથી પરંતુ છૂટાં પડવાનું નક્કી કરી લીધા પછી ભેગાં થયાં હોય એવા ઘણા કેસ છે. એમ થવાનું સ્વાભાવિક પણ છે. યાદ રહે કે દરેકેદરેક રિલેશનમાં કેટલાક સંઘર્ષ હોય જ. થોડુંક કામ તો તમારે દરેક સંબંધમાં કરવું પડે. ધારો કે એક પાર્ટનરની એક આદત તમને નથી ગમતી અને તમે તેને છોડીને બીજા પાર્ટનર સાથે જોડાશો તો યાદ રહે કે બીજા પાર્ટનરમાં પણ કંઈક તો ખૂટતું હોવાનું જ અને સમય જતાં એનાથી પણ તમને તકલીફ પડશે અને ક્યાંક તમારે ઍડ્જસ્ટમેન્ટ કરવું પડશે. મૉરલ ઑફ ધ સ્ટોરી એ જ કે ઘણી વાર કપલ સાથે રહીને આ વાત નથી સમજી શકતાં પરંતુ જેમ દૂર થાય, એકબીજાથી જુદાં પડે અને એકબીજાની ઍડ્જસ્ટ કરી શકાય એવી કોઈ આદતથી ચિડાઈને એને કારણે ઉદ્ભવેલા સંઘર્ષથી છૂટાં પડ્યા હોય તો સમય જતાં એ સમજાય અને ફરી ભેગાં થઈ શકે. એટલે કાં તો એક્સ-પાર્ટનર કરતાં પણ વધુ બદ્તર હાલત નવા પાર્ટનર સાથે થઈ હોય અથવા ગેરહાજરીમાં અન્ય સારી આદતો ધ્યાનમાં આવી હોય. આ બન્ને સંજોગોમાં ફરી પોતાના એક્સ સાથે જોડાવાના ચાન્સ વધી જાય છે. બીજું, સમય સાથે વ્યક્તિમાં સંબંધોને લઈને મૅચ્યોરિટી પણ આવતી હોય છે. અફકોર્સ, એના માટે તમે કોઈ સારા કાઉન્સેલર પાસે ગયા હો એ મહત્ત્વનું છે.’

પરસ્પર સંઘર્ષ વધે ત્યારે ટ્રાય કરો આ રસ્તાઓ

સંબંધ કોઈ એવી વસ્તુ નથી જે એક વાર બની ગઈ એટલે પૂરું, એ એક બગીચા જેવું છે જેને રોજ પાણી પાઈને માવજત કરવી પડે છે. રિલેશનશિપ સાઇકોલૉજી અને વિશ્વના શ્રેષ્ઠ કપલ-થેરપિસ્ટ્સનાં સંશોધનોના આધારે એક મજબૂત અને પ્રેમાળ સંબંધ જાળવી રાખવાની કેટલીક ટિપ્સ જાણી લો. 
લવ-મૅપ્સ બનાવો : સુખી કપલ્સ એકબીજાની દુનિયાથી વાકેફ હોય છે. તમારા પાર્ટનરનાં સપનાં, ડર, અત્યારની ચિંતાઓ અને તેમની ગમતી વસ્તુઓ વિશે જાણતા રહો. નિયમિતપણે આ દિશામાં કમ્યુનિકેશન કરો.
‘રિપેર અટેમ્પ્ટ’ શીખો : દરેક કપલમાં ઝઘડા તો થાય જ છે, પણ સફળ કપલ્સ એ છે જે ઝઘડા દરમિયાન ‘સમાધાનનો પ્રયાસ’ કરે છે. જ્યારે દલીલ ગરમાતી હોય ત્યારે કોઈ રમૂજ કરવી, સામેવાળાનો હાથ પકડવો અથવા કહેવું કે ‘મને લાગે છે કે આપણે અત્યારે થોડાં ગુસ્સામાં છીએ, શાંત થઈને વાત કરીએ?’ ટૂંકમાં ઝઘડો જીતવા કરતાં સંબંધ બચાવવો વધુ મહત્ત્વનો છે.
સમસ્યામાં પોતાનો ઉપયોગ કરો : યસ, જ્યારે આપણે ‘તેં આમ કર્યું...’ અથવા ‘તું હંમેશા આવું જ કરે છે...’ કહીએ છીએ ત્યારે સામેની વ્યક્તિ ડિફેન્સિવ થઈ જાય છે. ‘તેં મને મેસેજ ન કર્યો’ કહેવાને બદલે ‘જ્યારે મને તારો ફોન નથી આવતો ત્યારે મને થોડી ચિંતા થાય છે અને મને એવું લાગે છે કે મારી ઉપેક્ષા થઈ રહી છે’ એમ કહો.
૫:૧નો રેશિયો : સંશોધન મુજબ એક નકારાત્મક અનુભવની અસર ભૂંસવા માટે પાંચ સકારાત્મક અનુભવોની જરૂર પડે છે. એટલે દિવસ દરમિયાન નાની-નાની પ્રશંસા, આભાર માનવો, વહાલ કરવું કે મદદ કરવી જેવી ઘટનાઓ વધારો. જો એક વાર ઝઘડો થાય તો સામે પાંચ સારી વાતો કરીને એ સંતુલન જાળવો.
સાંભળવાની કળા : ઘણી વાર આપણે સાંભળીએ છીએ માત્ર જવાબ આપવા માટે, સમજવા માટે નહીં. જ્યારે પાર્ટનર ફરિયાદ કરે ત્યારે તેમને અધવચ્ચે અટકાવશો નહીં. તેઓ બોલી રહે પછી કહો, ‘તો તારું કહેવું એમ છે કે તને આ વાતથી દુ: ખ થયું છે, બરાબર?’ આનાથી પાર્ટનરને લાગશે કે તેમને સમજવામાં આવ્યા છે.
‘પર્ફેક્ટ’નો આગ્રહ છોડો : સંબંધમાં વ્યક્તિગત સ્પેસ હોવી જરૂરી છે. બધી જ ખુશીઓ માત્ર પાર્ટનર પાસેથી જ મળશે એવી અપેક્ષા ન રાખો. પોતાની હૉબી અને મિત્રો માટે પણ સમય ફાળવો. જ્યારે તમે પોતે ખુશ હશો ત્યારે જ સંબંધમાં ખુશી આપી શકશો.
૧૦ મિનિટનો નિયમ : દરરોજ માત્ર ૧૦ મિનિટ એવી રાખો જેમાં ઘરનાં કામ, બાળકો કે પૈસાની વાત ન હોય. આ સમયમાં માત્ર એકબીજાની લાગણીઓ અને વિચારો વિશે જ વાતો કરો.  

મેન્ટલ ઇલનેસ કારણ

ઘણી વાર કપલ વચ્ચે વધેલા ખટરાગનું કારણ બેમાંથી એક પાર્ટનરમાં રહેલી માનસિક બીમારી હોઈ શકે છે અને એવા કેસમાં પણ એ બીમારીની સારવાર સાથે બન્ને વચ્ચે સંબંધની નવી શરૂઆત સંભવ છે. એક કિસ્સો જણાવતાં નીતા શેટ્ટી કહે છે, ‘મારી પાસે એક કપલ આવેલું. તેમણે કોર્ટમાં કેસ પણ રજિસ્ટર કરી દીધેલો. તેમનું કાઉન્સેલિંગ સેશન ચાલતું હતું એ દરમ્યાન કોઈક કૉમન ફ્રેન્ડને કારણે તેઓ મારા સુધી પહોંચ્યાં હતાં. તેમની વાતો સાંભળી ત્યારે એક વાત રિયલાઇઝ થઈ કે વાઇફ કદાચ ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી છે જેને કારણે બન્ને વચ્ચે વારંવાર ખટરાગ થતો હતો. તેનાં લક્ષણો ડિપ્રેશનનાં હતાં જે સામાન્ય રીતે લોકો પોતે ન સમજી શકે. નાનકડી વાતો પણ ખૂબ મોટી લાગવા માંડે અને નાના અમથા પ્રૉબ્લેમમાં પણ મરવાના વિચાર આવે કે સેલ્ફ-ડિસ્ટ્રક્ટિવ થઈ જવાય ત્યારે દરેક વખતે સામી વ્યક્તિમાં જ પ્રૉબ્લેમ હોય એ જરૂરી નથી. પ્રૉબ્લેમ તમારી માનસિક હાલતમાં પણ હોઈ શકે છે. અમે જ્યારે વાઇફને સાઇકિયાટ્રિસ્ટ પાસે મોકલીને ડિપ્રેશનનો ઇલાજ શરૂ કરાવ્યો અને સાથે કાઉન્સેલિંગ શરૂ કર્યું પછી પરિસ્થિતિ બહેતર થવા માંડી. જુઓ, ફાઇનૅન્શિયલ પ્રૉબ્લેમ, ફિઝિકલ કમ્પેટિબિલિટીનો અભાવ, એક્સ્ટ્રા-મૅરિટલ અફેર્સ જેવા કેટલાક મુદ્દાઓ છે જેમાં કાઉન્સેલર્સના ઇન્વૉલ્વમેન્ટ પછી પણ જો કપલ સંબંધને ન ઇચ્છે તો કાઉન્સેલર કંઈ ન કરી શકે. અફકોર્સ, દરેકમાં બેટરમેન્ટનો સ્કોપ તો હોય જ છે. જોકે અત્યારે મૅરિડ લાઇફના ઇશ્યુઝને રોકવાનો સૌથી આસાન રસ્તો છે પ્રીમૅરિટલ કાઉન્સેલિંગ. લગ્ન પછી છૂટાં પડવું, છૂટાં પડ્યા પછી પાછા એ જ પાર્ટનર સાથે જોડાવાનું પણ ધારો કે નક્કી કરો તો પણ એ પીડાદાયી પ્રોસેસ છે. બહુ જ બધું ઇમોશનલ, મેન્ટલ અને ફાઇનૅન્શિયલ ડ્રેઇન થયા પછી અહીં સુધી પહોંચો એના કરતાં અહીં પહોંચાય જ નહીં એવા રસ્તા તરીકે લગ્ન પહેલાં પ્રીમૅરિટલ કાઉન્સેલિંગ બહેતર પર્યાય છે, જેને આજના કપલે ગંભીરતાથી લેવાની જરૂર છે.’

કાનૂનની દૃષ્ટિએ

લગ્ન, ડિવૉર્સ અને ફરી પાછા એ જ પાત્ર સાથે જોડાવાનું જ્યારે કપલ નક્કી કરે ત્યારે ઍડ્વોકેટ પાસે તેઓ ભાગ્યે જ આવતાં હોય છે. બીજું, આ એટલું સામાન્ય નથી એમ જણાવીને સેલિબ્રિટી ઍડ્વોકેટ અમિત મહેતા કહે છે, ‘બહુ જ રૅર કેસમાં ડિવૉર્સ લીધા હોય એ જ પાર્ટનર સાથે ફરી જોડાણ થવાની ઘટના ઘટતી હોય. એનું મુખ્ય કારણ હોય છે કે ડિવૉર્સ લેતાં પહેલાં બન્નેનાં મન બહાર ન દેખાય એ છતાં એટલાં વધુ ખાટાં થઈ ગયાં હોય અને બન્નેએ એ સ્તરનું એકબીજાનું અપમાન કરી લીધું હોય છે કે ફરી એ છેડા પાછા જોડાય એના ચાન્સ ઓછા છે. અફકોર્સ, આવા એકલદોકલ કિસ્સા બને છે. જોકે મેં જે કિસ્સાઓ જોયા છે એમાં લગ્ન પછી વર્ષો સુધી અલગ રહેતાં કપલ સંતાનો માટે ફરી ભેગાં થયાં હોય એવું બન્યું છે. ડિવૉર્સ નથી લીધા છતાં બન્ને જુદાં પોતપોતાના નવા પાર્ટનર સાથે રહે છે પણ પછી સંતાનો મોટાં થઈ રહ્યાં હોય ત્યારે તેમને કોઈ કમી ન આવે અને તેમના માટે સામાજિક વાતાવરણ સારું બને એ માટે કપલ ભેગાં થયાં હોય એવા કેસિસ મારી પાસે આવ્યા છે. જોકે એ ભેગા થવામાં પણ એક જાતનું કૉમ્પ્રોમાઇઝ જ હોય છે.’

sex and relationships celebrity divorce gulshan devaiah columnists gujarati mid day