10 May, 2026 11:49 AM IST | Mumbai | Darshini Vashi
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
સામાન્યપણે આપણા સમાજમાં એક માતાની વ્યાખ્યાને બાળકને જન્મ આપવા અને તેને ઉછેરવા પૂરતી જ સીમિત રાખવામાં આવી છે; પરંતુ ખરા અર્થમાં જોઈએ તો એક માતા તેના બાળકને જન્મ આપવાથી લઈને પોતાના છેલ્લા શ્વાસ સુધી તેને જીવનના દરેક તબક્કે અલગ-અલગ રીતે ઉછેરતી જ રહેતી હોય છે, સંભાળતી રહેતી હોય છે. આજે આપણે એવી જ મમ્મીઓની વાત કરવાના છીએ જેમણે પોતાનામાં રહેલી આવડતને વ્યવસાયમાં બદલીને સંતાનો માટે રોજગારી ઊભી કરી આપી છે.
સ્પેશ્યલ દીકરી માટે કંઈક સ્પેશ્યલ વિચાર્યું
જે બાળકો નૉર્મલ હોય તેમના પેરન્ટ્સને જો તેમની કરીઅર સેટ કરવાની ચિંતા રહેતી હોય તો પછી જરા વિચારો કે જે બાળકો નૉર્મલ નથી અથવા તો ડિફરન્ટ્લી એબલ્ડ છે તેમને પોતાનાં બાળકોની કેટલી ચિંતા રહેતી હશે? થાણેમાં રહેતાં સ્મિતા છેડાની દીકરી ડિફરન્ટ્લી એબલ્ડ છે. તેમણે દીકરીના ફ્યુચરની ચિંતા કરીને દુઃખી થઈને બેસી રહેવાને બદલે તેમની દીકરીને એવી દિશામાં વાળી જેમાં તેને રસ હતો અને તેમના પોતાનામાં પણ એ વસ્તુની આવડત હતી. આ વિશે માહિતી આપતાં તેઓ કહે છે, ‘મારી દીકરી ડિફરન્ટ્લી એબલ્ડ છે. એવાં બાળકોની શીખવાની અમુક સીમા હોય છે. જોકે જો તમે આવાં બાળકોની જેમાં રુચિ હોય એમાં તેમને આગળ શીખવો અને લઈ જાઓ તો તેઓ ઘણું કૅચ-અપ કરી શકે છે. મારી દીકરી પ્રકૃતિ અત્યારે બાવીસ વર્ષની છે. આજથી ૧૦ વર્ષ પહેલાં અમે જોયું કે હું જ્યારે પેઇન્ટિંગ કરતી તો તે ખૂબ ખુશ થતી અને તેને એ ગમતું પણ ખરું. મને પેઇન્ટિંગ કરવું ગમતું હતું અને તેનો શોખ પણ હતો એટલે મેં તેની પાસે ધીરે-ધીરે નાનું-મોટું પેઇન્ટિંગ કરાવ્યું. પહેલાં દિયા પાસે પેઇન્ટિંગ કરાવ્યું અને પછી જૂટ બૅગ, ટોટ બૅગ વગેરે પણ કરાવવાનું શરૂ કર્યું. આમ કરતાં-કરતાં તેની પેઇન્ટિંગ પર સારીએવી પકડ આવી ગઈ હતી. ભવિષ્યમાં તેની એક ઇન્કમ ચાલુ રહે એ માટે તેને અલગ-અલગ પેઇન્ટિંગ કરવા ખૂબ પ્રોત્સાહિત કરી છે. આજે તેનાં પેઇન્ટિંગ્સ એક્ઝિબિશનમાં મૂકવામાં આવે છે અને એના વેચાણમાંથી જે પૈસા આવે છે એ મારી દીકરીને મળે છે. આમ મેં મારી આવડત દ્વારા તેની ઇન્કમ ઊભી કરવાની કોશિશ કરી છે.’
દીકરી માટે કેક-બિઝનેસને ઘરથી શૉપ સુધી લઈ ગયાં
મને મારી મમ્મી પાસેથી કેક બનાવવાની વિરાસત મળી છે એમ જણાવતાં મુલુંડમાં રહેતાં દેવાંશી ગોસર કહે છે, ‘મારી મમ્મી ચતુરા ગોસર પહેલાં શોખ ખાતર ઘરે કેક બનાવતી હતી. પછી તેની કેક બધાને પસંદ પડતાં તેણે ઘરેથી હોમમેડ કેક બનાવીને વેચવાનું શરૂ કર્યું. તેને જોઈને મને પણ કેક બનાવવાનું ગમતું હતું. તેણે ક્યારેય પોતાની કેક શૉપ શરૂ કરવાનું સપનું જોયું નહોતું. તે તો માત્ર શોખ ખાતર અને પોતાની આવડતનો ઉપયોગ કરીને ઘરે કેક બનાવતી. હું મોટી થઈ ત્યારે મારી મમ્મીને વિચાર આવ્યો કે દેવાંશીને પણ કેકમાં રસ છે તો તેને એક શૉપ શરૂ કરવામાં મદદ કેમ ન કરું જેથી તેની કરીઅર બની જાય. એટલે મને તેણે એક કેક શૉપ ઓપન કરવામાં મદદ કરી. રોજ મારી મમ્મી શૉપ પર આવીને કેક બનાવવામાં મદદ કરે. આજે તો હું મારી જાતે બધું તૈયાર કરી શકું છું, પરંતુ શરૂઆતના મહિનાઓમાં મારી મમ્મી જ બધું કરી આપતી અને મને શીખવતી જતી. આજે પણ તે રોજ આવે છે અને મારું માર્ગદર્શન કરે છે. ઘણી વખત એટલા મોટા ઑર્ડર આવતા હોય છે કે દિવસ દરમ્યાન સતત કામ કર્યા બાદ પણ પૂરા થઈ શકતા નથી એટલે રાતે જાગીને પણ કામ કરવું પડે છે. ત્યારે મારી મમ્મી આખી રાત જાગીને મારી સાથે કેક રેડી કરવા બેસી જાય છે. અમુક રેસિપી બનાવતી વખતે મને કોઈક મૂંઝવણ હોય કે હું ક્યાંક અટકું તો તરત મને મમ્મીની મદદ મળી જાય છે. કેક સંબંધિત આઇટમો લેવા પણ હું મમ્મીને જ લઈ જાઉં છું. આમ તે મારી મમ્મી, મેન્ટર અને કરીઅરની માર્ગદર્શક છે.’
મારી મમ્મી છે તો આ શૉપ છે
ભાયખલામાં રહેતા અને ચર્ની રોડ તેમ જ કાંદિવલીમાં ગુજરાતી ફૂડની રેસ્ટોરાં ધરાવતા ચેતન ડાભી કહે છે, ‘હું આજે પગભર થયો છું, કમાતો થયો છું એનું શ્રેય મારી મમ્મી યોગી ડાભીને જ જાય છે. નાનપણથી મારી મમ્મીએ મને અને મારાં ભાઈ-બહેનને ભણાવી-ગણાવીને મોટાં કરવા પાછળ ખૂબ જ મહેનત કરી છે. તે એકલા હાથે ૧૦૦ જણની રસોઈ બનાવતી, ટિફિનો મોકલતી. ગમે એટલી થાકી ગઈ હોય છતાં તે અમારાં મોં જોઈને કામ કરવા લાગી જતી. મેં તેને દરેક જાતની રસોઈ બનાવતાં જોઈ છે એટલે મને પણ રસોઈ કરતાં આવડી ગઈ હતી. જોકે માતાના હાથ જેવો ટેસ્ટ અને દરેક રેસિપીમાં પડતા મસાલાના પર્ફેક્ટ માપની માસ્ટરી તો મારી મમ્મી પાસે જ હતી. હું ભણીને નીકળ્યો ત્યારે મારામાં રહેલા કુકિંગના શોખને જોઈને તેણે મને કહ્યું કે તું તારી એક નાની રેસ્ટોરાં ખોલી નાખ, હું તને મદદ કરીશ. મમ્મીના કૉન્ફિડન્સને જોઈને મેં રેસ્ટોરાં શરૂ કરવાનું સાહસ કર્યું. શરૂઆતમાં આ રેસ્ટોરાંનું આખું કિચન મારી મમ્મીએ જ સંભાળ્યું. મારાં ભાઈ-બહેનની પણ મને એટલી જ મદદ મળી છે. જોકે મમ્મી વગર આ અશક્ય હતું. તે ભાવનગરની હોવાથી તેને ત્યાંના ફૂડની સારીએવી સમજ છે. તેના હાથની ડિશનાં બધાં વખાણ કરતા હોય છે. રેસ્ટોરાં શરૂ કરતાંની સાથે તે રોજ હાજર થઈ જતી. મને અલગ-અલગ ડિશ બનાવવા કહેતી અને હું એ બનાવતો. હું બનાવું ત્યારે એની અંદર તે એક્સપર્ટ કમેન્ટ પણ આપતી. હું પણ પછી ધીરે-ધીરે તેની પાસેથી બધી રેસિપી શીખી ગયો. આજે અમારી રેસ્ટોરાંના કિચનમાં અન્ય સ્ટાફ પણ છે. એમ છતાં મમ્મી રોજ કિચનમાં આવે છે અને તેની નિગરાની હેઠળ જ બધું બનાવડાવે છે. જો તેણે તેની આવડતનો ઉપયોગ કરીને મને રેસ્ટોરાં ખોલવાની સલાહ ન આપી હોત તો હું આજે પણ મારી કરીઅર સેટ કરી શક્યો ન હોત.’