જેન-ઝીએ સેક્સની કઈ બાબતોમાં સૌથી વધારે જાગૃત થવાની જરૂર છે?

24 August, 2026 05:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જેન-ઝી માટે સેક્સ હવે ટૅબૂ નથી, પરંતુ ખુલ્લાપણાની સાથે સાચી સમજણ પણ જરૂરી છે. કૅઝ્યુઅલ સેક્સ, સંમતિ, ઇમોશનલ કનેક્શન, સેફ સેક્સ અને ડિજિટલ પ્રાઇવસી વિશે જાણવું આજના યુવાનો માટે ખૂબ મહત્વનું છે.

પ્રતીકાત્મક તસવીર

આજકાલ જેન-ઝી વિશે બહુ વાતો થાય છે. એવામાં એક જેન-ઝીને મળવાનું થયું. સ્માર્ટફોન, ડેટિંગ ઍપ્સ અને OTT કલ્ચરમાં ઊછરેલી નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરતા તે જેન-ઝીનું કહેવું હતું કે અમારા ગ્રુપમાં સેક્સ, હુક-અપ્સ અને કૅઝ્યુઅલ ડેટિંગ વિશે બહુ સામાન્ય રીતે વાતો થાય છે. અમારી પેઢીમાં કોઈ સંકોચ કે ટૅબૂ નથી. જોકે ક્યારેક એક રાતના સંબંધ પછી અંદરથી અજીબ એકલતાનો અનુભવ થાય. શું અમારા આ ખુલ્લાપણામાં ક્યાંક કોઈ ગેરસમજ રહી જાય છે?
જેન-ઝી સેક્સ વિશે અંધારાના સંકોચમાંથી બહાર આવીને ખુલ્લેઆમ વાત કરતા થયા છે જે એક દૃષ્ટિએ સ્વસ્થ માનસિકતા છે, પરંતુ માત્ર માહિતી હોવી અને સાચી સમજણ હોવી એ બન્ને વચ્ચે મોટો તફાવત છે. આ પેઢીને સેક્સની બાબતમાં પાયાનાં પાસાં સમજાવવાની અત્યંત જરૂર છે.
પૉર્ન અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત જોઈએ તો આજના યુવાનો ઇન્ટરનેટ અને પૉર્ન સાહિત્ય જોઈને સેક્સની એક ઇમેજ બનાવી લે છે. તેમણે સમજવું પડશે કે પૉર્ન એ માત્ર સ્ક્રિપ્ટેડ મનોરંજન છે. વાસ્તવિક જીવનમાં સેક્સ એ માત્ર પર્ફોર્મન્સ કે યાંત્રિક ક્રિયા નથી; બે વ્યક્તિ વચ્ચેની પરસ્પર હૂંફ, સ્નેહ અને સહજ અનુભવ છે. 
તેમણે સમજવું પડશે કે ઇમોશનલ કનેક્ટ વગર માત્ર શારીરિક સંબંધ એ ખરેખર તો મેકૅનિઝમની પ્રક્રિયા છે. કૅઝ્યુઅલ સેક્સ કે હુક-અપ કલ્ચરથી શરીરની જરૂરિયાત ભલે સંતોષાઈ જાય, પણ મનમાં એકલતા પ્રસરી જાય છે. એક વાત યાદ રાખજો કે સેક્સ માત્ર જૈવિક ભૂખ મટાડવાનું સાધન નથી. જ્યાં સુધી ઇન્ટિમેટ રિલેશનમાં ઇમોશનલ અટૅચમેન્ટ, આદર 
અને સ્વીકાર ન હોય ત્યાં સુધી સેક્સ પછીનો પોસ્ટ-સેક્સ ખાલીપો માણસને ડિપ્રેશન તરફ ધકેલી શકે છે.
જેન-ઝી સંમતિ વિશે જાણે છે, પણ તેમણે એ ઊંડાણપૂર્વક સમજવું પડશે કે હકાર પ્રેશર, નશા કે સોશ્યલ પ્રેશર હેઠળ ન હોવી જોઈએ. સંબંધની દરેક પળે સામેવાળી વ્યક્તિની સહમતી અને માનસિક કમ્ફર્ટનું ધ્યાન રાખવું એ જ સાચી પરિપક્વતા છે.
છેલ્લી અને અગત્યની વાત. સેફ સેક્સ એ માત્ર કૉન્ડોમ પૂરતું સીમિત નથી. આ પેઢીએ અનવૉન્ટેડ પ્રેગ્નન્સી અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (STD) સામે સેફ સેક્સની સાવચેતી રાખવાની સાથે-સાથે પોતાની માનસિક સુરક્ષા પણ જાળવવી પડશે. ડિજિટલ સ્પેસમાં અંગત તસવીરો કે ચૅટ્સ શૅર કરતી વખતે સાઇબર સુરક્ષા અને ડિજિટલ મર્યાદાની લક્ષ્મણરેખા દોરવી અનિવાર્ય છે. સૌથી અગત્યની વાત એ છે કે જેન-ઝીએ સેક્સને પાપ માનવાની જરૂર નથી, પણ એને એટલું કૅઝ્યુઅલ કે સસ્તું પણ ન બનાવી દેવું કે ઇમોશનનું મૂલ્ય ખતમ થઈ જાય. શારીરિક આવેગની સાથે આત્મિક પરિપક્વતા કેળવાય એ જ આ પેઢી માટે સાચી સમજદારી છે.

 

lifestyle news life and style sex and relationships relationships gujarati mid day