માફ કરો અને ખુશ રહો

07 July, 2026 05:59 PM IST  |  Mumbai | Heena Patel

ક્ષમા એ કોઈ પર ઉપકાર નથી પરંતુ શાંતિ, સારા સંબંધો અને સુખી જીવન તરફ મંડાયેલું સૌથી સમજદાર પગલું છે

પ્રતીકાત્મક તસવીર

આ જીવનનો સૌથી સરળ સુખમંત્ર છે. મનમાં કોઈકના માટે નકારાત્મક ભાવોની ગઠરી બાંધી રાખવાથી બીજાને કંઈ થાય કે ન થાય, આપણી જિંદગીમાં વિષ જરૂર ઘોળાય છે. આજે ગ્લોબલ ફર્ગિવનેસ ડે છે. આ દિવસ માત્ર બીજાને માફ કરવાની યાદ અપાવતો નથી; પોતાના મનને વેરભાવ, ગુસ્સો અને દુઃખના ભારમાંથી મુક્ત કરવાની તક પણ આપે છે. ક્ષમા એ કોઈ પર ઉપકાર નથી પરંતુ શાંતિ, સારા સંબંધો અને સુખી જીવન તરફ મંડાયેલું સૌથી સમજદાર પગલું છે

હેતલ (નામ બદલ્યું છે) માત્ર ૧૮ વર્ષની હતી ત્યારે તેની માતાનું અવસાન થયું અને પિતાએ બીજાં લગ્ન કરી લીધાં. નાની ઉંમરે માતાની જગ્યાએ કોઈ બીજી સ્ત્રીને સ્વીકારવી હેતલ માટે અશક્ય બની ગયું. પરિણામે તેની સાવકી માતા અને ભાઈ સાથેના સંબંધો એટલા વણસી ગયા કે ઘરમાં રોજ ક્લેશ થવા લાગ્યો. આ માનસિક તનાવને કારણે હેતલ ખોટી સંગતમાં પડી ગઈ અને તેની જિંદગી જાણે નરક બની ગઈ. તે પોતાની આ બરબાદી માટે તેની સાવકી માતાને વિલન માનીને સતત દોષ આપતી રહી, પરંતુ જ્યારે તેણે આખી પરિસ્થિતિનું ઊંડાણપૂર્વક આત્મચિંતન કર્યું અને તેના મનની સમજ બદલાઈ ત્યારે તેની આંખો ખૂલી ગઈ. તેને સમજાયું કે તેની જિંદગીના આ નરક માટે તેની સાવકી માતા નહીં, તેની પોતાની નકારાત્મક
વિચારસરણી અને નિર્ણયો જવાબદાર હતાં. જેવી આ વાત તેના ગળે ઊતરી તેણે માત્ર પોતાની સાવકી માતાને માફ જ ન કરી, સામે ચાલીને તેમની માફી પણ માગી. આ એક જ પગલાથી ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. બધા સંબંધો સુધરી ગયા અને આજે હેતલ નવી ઊર્જા સાથે દુનિયા જીતવા માટે તૈયાર છે.

વિદ્યા (નામ બદલ્યું છે) એક સારો જૉબ પ્રોફાઇલ ધરાવતી છોકરી હતી, પણ અચાનક તેનાં માતા-પિતાએ તેને નોકરી છોડીને ઘર સંભાળવાની ફરજ પાડી. ક્યાં સપનાંઓથી ભરેલી ઉડાન અને ક્યાં ઘરનાં ઝાડુફટકા-વાસણો. વિદ્યાની જિંદગી માત્ર ઘરકામ પૂરતી સીમિત થઈ ગઈ. તેણે તેનાં બધાં સપનાંઓ અને જીવવાનો ઉત્સાહ છોડી દીધો. જિંદગી તેના માટે એક બોજ બની ગઈ, પણ આ બધા માટે તે અંદરથી તેનાં માતા-પિતાને દોષી માનતી હતી અને અર્ધજાગૃત મનથી પોતાને નુકસાન પહોંચાડીને પોતાનાં માતા-પિતાને સજા આપવા માગતી હતી. એક ઊંડી ચર્ચા દરમ્યાન વિદ્યાને એ વાતનો સાચો અહેસાસ થયો ત્યારે તેને સમજાયું કે સમસ્યા તેનાં માતા-પિતાની નહોતી, તે પોતે જે રીતે એ પરિસ્થિતિનું અર્થઘટન કરતી હતી એ ખોટું હતું. પરિસ્થિતિને સમજીને કોઈ નવો રસ્તો કાઢવાને બદલે તે માત્ર માતા-પિતાને સબક શીખવવા માટે પોતાનાં જ સપનાંઓની આહુતિ આપી રહી હતી. આ જાગૃતિ આવતાં જ તેણે માતા-પિતા પ્રત્યેનો ગુસ્સો છોડી દીધો અને પોતાની જિંદગીની કમાન પોતાના હાથમાં લીધી. આજે તે ઘરની જવાબદારીઓ પણ સંભાળે છે અને સાથે નવી જૉબ પણ કરી રહી છે. એટલું જ નહીં, જે લગ્નનો વિચાર તેણે માંડી વાળ્યો હતો, હવે તે ખુશી-ખુશી લગ્ન કરવા પણ તૈયાર છે અને માતા-પિતા સાથેના તેના સંબંધો પણ અદ્ભુત બની ગયા છે.

હેતલ અને વિદ્યાની આ વાર્તાઓ કોઈ સામાન્ય કિસ્સાઓ નથી પણ એ સત્યનો જીવતોજાગતો પુરાવો છે કે જ્યાં સુધી આપણે આપણી તકલીફો માટે બીજાને બ્લેમ કરીએ છીએ ત્યાં સુધી આપણે આપણી જિંદગીના જેલર પોતે જ બની રહીએ છીએ અને મુક્તિનો રસ્તો માત્ર ક્ષમાના દરવાજાથી જ નીકળે છે. ઉપરના બન્ને કિસ્સાઓ લાઇફકોચ તરીકે ૧૮ વર્ષનો અનુભવ ધરાવતા જિતેન્દ્ર ગુપ્તાએ શૅર કર્યા છે.

માફ કરી દેવું કેમ જરૂરી છે?

બહુ સ્વાભાવિક છે કે જ્યારે કોઈ આપણું દિલ દુભાવે ત્યારે આપણને પીડા થાય, પણ એ વખતે બીજાને માફ કરી દેવા કેમ જરૂરી છે એ વિશે સમજાવતાં જિતેન્દ્ર ગુપ્તા કહે છે, ‘એ પીડાને કાયમ માટે નફરતમાં બદલી નાખવી એ પોતાના જ પગ પર કુહાડી મારવા જેવું છે. આપણે એક વાત બહુ ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે કે જ્યારે આપણે કોઈને માફ કરીએ છીએ ત્યારે આપણે તે વ્યક્તિ પર કોઈ અહેસાન નથી કરી રહ્યા, આપણે આપણા પોતાના આત્માને મુક્ત કરી રહ્યા છીએ. જ્યારે મનમાં કોઈના પ્રત્યે વેરભાવ કે તેને સબક શીખવવો છે એવા વિચારો ચાલતા હોય ત્યારે આપણી મેન્ટલ-સ્પેસ તે એક જ વ્યક્તિની આસપાસ બ્લૉક થઈ જાય છે. આપણી પૉઝિટિવ એનર્જી ત્યાં સ્ટક થઈ જાય છે. જે ઊર્જાનો ઉપયોગ આપણે આપણાં સપનાં અને ખુશીઓ પાછળ કરવાનો હતો એ ઊર્જા નકામા વિચારોમાં વેડફાઈ જાય છે. વાત માત્ર મન પૂરતી સીમિત નથી રહેતી. આ અશાંતિ ધીમે-ધીમે આપણી પ્રોફેશનલ લાઇફ અને રોજિંદા વ્યવહાર પર પણ હાવી થવા લાગે છે. મન ભરેલું હોય ત્યારે કામમાંથી ધ્યાન ભટકવા માંડે છે અને એને કારણે નાની-નાની ભૂલો થવાની શક્યતા વધી જાય છે. સ્વભાવમાં એક પ્રકારનું ચીડિયાપણું આવી જાય છે જેને લીધે ઘણી વાર કોઈ એક વ્યક્તિ પરનો ગુસ્સો વગર વાંકે કોઈ બીજી જ નિર્દોષ વ્યક્તિ પર ઊતરી જાય છે. પરિણામે આપણી આસપાસના લોકો સાથેના આપણા સંબંધો પણ બગડવા લાગે છે.’

સમજણથી જન્મે ક્ષમા

તમે કોઈને ક્ષમા ત્યારે આપી શકો જ્યારે તમે તેના પ્રત્યે વેરભાવ રાખવાને બદલે તેને સમજવાનો પ્રયત્ન કરો. આ વિશે સમજાવતાં જિતેન્દ્ર ગુપ્તા કહે છે, ‘જ્યારે કોઈ આપણી સાથે ખોટું કરે છે ત્યારે સૌથી પહેલાં આપણો ઘાયલ થયેલો અહંકાર જાગે છે, મન બળવો પોકારે છે કે તેની આટલી હિંમત? તેણે મારી સાથે આવું કેમ કર્યું? હવે તો હું તેને પાઠ ભણાવીને જ રહીશ. જોકે ક્રોધની આ જ્વાળામાં હોમાતાં પહેલાં જો આપણે સહેજ રોકાઈને પોતાની અંદર ડોકિયું કરીએ તો એક અરીસો દેખાય છે. એ અરીસો પૂછે છે કે શું હું પોતે દૂધે ધોયેલો છું? આપણે પણ તો આખરે માણસ જ છીએ. અજાણતાં, અણસમજમાં કે સંજોગવશાત્ આપણાથી પણ ભૂલો થઈ જ છે અને આપણા કારણે પણ કોઈનું દિલ દુભાયું જ હશે. જ્યારે આપણે આપણી નબળાઈઓ અને ભૂલોને સ્વીકારીને આપણી જાતને બહુ સહજતાથી માફ કરી દઈએ છીએ તો પછી સામેવાળી વ્યક્તિ માટે હૃદયમાં આટલી કઠોરતા કેમ? જો હું ભૂલને પાત્ર છું તો તે પણ છે. આ સત્ય સમજાતાં જ વેરભાવની પકડ ઢીલી થવા લાગે છે. આનાથી થોડા ઊંડા ઊતરીએ તો સમજાય છે કે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ જન્મજાત નકારાત્મક નથી હોતી. દરેક વ્યક્તિ પોતાના ભૂતકાળ, પોતાના સંસ્કારો, જેવા વાતાવરણમાં તેનો ઉછેર થયો છે અને જેવું તેને ગાઇડન્સ મળ્યું છે એની જ નીપજ છે. તેનું એ વર્તન તેની માનસિક મર્યાદા દર્શાવે છે. જરા વિચારો કે જો આપણે પણ બરાબર એ જ પરિસ્થિતિઓ, એ જ માનસિકતા અને એ જ ઉછેરમાંથી પસાર થયા હોત તો કદાચ આપણે પણ એવું જ કરત જે તેણે કર્યું. આ સ્તરની સહાનુભૂતિ જ્યારે હૃદયમાં જાગે છે ત્યારે નફરત માટે કોઈ જગ્યા જ બચતી નથી. આપણે હજી ઊંડા ઊતરીને એ સમજ કેળવીએ કે આપણા જીવનમાં બનતી કોઈ પણ ઘટના અર્થહીન નથી હોતી. જો કોઈ વ્યક્તિએ આપણી સાથે ખરાબ વ્યવહાર કર્યો તો એ માત્ર એક અકસ્માત નથી. વાસ્તવમાં તે વ્યક્તિ તો માત્ર એક નિમિત્ત બનીને આવી છે, કારણ કે આપણે જીવનમાં કોઈ મોટો પાઠ શીખવાનો બાકી હતો. આપણી અંદર જે ધૈર્ય, જે મક્કમતા અને જે અસીમ ક્ષમતા છુપાયેલી છે એને બહાર લાવવા માટે આ પરિસ્થિતિ અનિવાર્ય હતી. તે વ્યક્તિએ નકારાત્મક રોલ ભજવીને પણ આપણી અંદર રહેલા સર્વશ્રેષ્ઠ તત્ત્વને બહાર લાવવામાં મદદ કરી છે. જ્યારે આ દૃષ્ટિકોણ ખૂલે છે ત્યારે સામેવાળી વ્યક્તિ પ્રત્યેનો આક્રોશ આપોઆપ કરુણામાં બદલાઈ જાય છે. આપણને વિચાર આવે છે કે પાઠ મારે શીખવાનો હતો, મારે આત્મિક રીતે આગળ વધવાનું હતું અને એના માટે થઈને પેલી વ્યક્તિ પોતાની નજરમાં અને દુનિયાની નજરમાં ખરાબ બની ગઈ. આ જાગૃતિ આવતાં જ આપણું હૃદય તે વ્યક્તિ માટે એક ઊંડી સહાનુભૂતિ અનુભવે છે અને આપણે સાચા અર્થમાં મુક્ત થઈ જઈએ છીએ. આપણે આ વસ્તુને આધ્યાત્મિક લેવલ પર સમજવાનો પ્રયત્ન કરીએ તો આ સૃષ્ટિમાં દેખાતી દરેક વ્યક્તિ, દરેક જીવ એ એક જ પરમ ચેતનાનાં અલગ-અલગ રૂપો અને એક્સપ્રેશન્સ છે. જ્યારે આ અદ્વૈત ભાવ જાગી જાય છે ત્યારે આખી રમત જ બદલાઈ જાય છે. આ બ્રહ્માંડમાં જ્યારે કોઈ બીજું છે જ નહીં તો પછી કોણ કોની સાથે ખોટું કરી રહ્યું છે અને કોણ કોને માફ કરશે? બસ, આ જ રીતે જ્યારે એ સમજાય છે કે સામેવાળી વ્યક્તિમાં પણ એ જ આત્મા છે જે મારી અંદર છે ત્યારે માફી માગવાનો કે માફી આપવાનો અહંકાર પણ ઓગળી જાય છે.’

મનોવિજ્ઞાન શું કહે છે?

કોઈને ક્ષમા ન કરવી એ તો એવી વાત થઈ ગઈ છે કે તમે ઝેર પી લીધું છે અને હવે રાહ જોઈ રહ્યા છો કે સામેવાળા પર ક્યારે એની અસર થાય છે. એમ સમજાવતાં સ્પિરિચ્યુઅલ સાઇકોલૉજિસ્ટ સુરુચિ ગૌતમ કહે છે, ‘જ્યારે આપણે અંદરથી ઘણો ગુસ્સો, પીડા અથવા દોષભાવ લઈને જીવીએ છીએ ત્યારે મન સતત એક પ્રકારના મેન્ટલ પ્રેશર લૂપમાં ફસાઈ જાય છે. આ સ્થિતિમાં મન પોતાની પૉઝિટિવ એનર્જી ગુમાવવાનું શરૂ કરે છે, વિચારોમાં ભારેપણું આવે છે, શરીરમાં થાક લાગે છે અને જીવન પ્રત્યેનો રસ પણ ધીમે-ધીમે ઘટતો જાય છે. ઘણા લોકો આ સ્થિતિમાં ઇમોશનલી નમ્બ અથવા ખાલીપણું અનુભવવા લાગે છે જાણે અંદર બધું સુન્ન થઈ ગયું હોય. આ કોઈ સ્થાયી સ્થિતિ નથી, મનનું એક ડિફેન્સ મેકૅનિઝમ છે જે વધારે પીડા સામે પોતાને બચાવવા માટે થોડી વાર માટે શટડાઉન મોડમાં જાય છે. ક્ષમાનો અભ્યાસ અહીં ખૂબ મહત્ત્વનો બની જાય છે. આપણે જ્યારે ધીમે-ધીમે વેરભાવ અને સતત ચાલતા વિચારોનો ભાર છોડવા માંડીએ છીએ ત્યારે મન ફરી હળવું થવા લાગે છે, એનર્જી પાછી આવે છે, ક્લૅરિટી વધે છે અને જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ ફરીથી સંતુલિતથાય છે.’

મનથી માફીભાવ ઊભો કરવાની પ્રૅક્ટિસ કઈ રીતે કરશો? 

સુરુચિ ગૌતમ આ વિશે માહિતી આપતાં કહે છે, ‘તમારા પોતાના મનની શાંતિ માટે માફી આપવાની પ્રૅક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. આ માટે તમે હો’ઓપોનોપોનો તરીકે ઓળખાતી હવાઇન પ્રેયરની પ્રૅક્ટિસ કરી શકો, જેનો હેતુ વ્યક્તિના ભાવનાત્મક ભારને હળવો કરવાનો હોય છે. જે વ્યક્તિએ તમને દુખ આપ્યું હોય અથવા જે પરિસ્થિતિમાં તમે અટવાયેલા હો એને મનમાં લાવો. એને બદલવાનો પ્રયત્ન ન કરો, ફક્ત ઑબ્ઝર્વ કરો. આ પ્રેયર વખતે મનમાં અથવા અવાજમાં ધીમે-ધીમે રિપીટ કરો : આઇ ઍમ સૉરી, પ્લીઝ ફર્ગિવ મી, થૅન્ક યુ અને આઇ લવ યુ. તમે આઇ ઍમ સૉરી બોલો ત્યારે એનો અર્થ એ થયો કે આપણા બન્ને વચ્ચે જે કંઈ પણ ખરાબ થયું એના કારણે મારા મનમાં જે ગુસ્સો, નફરત કે કડવાશ ઊભી થઈ છે એના માટે હું દિલગીર છું. પ્લીઝ ફર્ગિવ મી બોલો છો ત્યારે એનો અર્થ એવો થયો કે મેં જાણ્યે-અજાણ્યે મારા મનમાં તમારા પ્રત્યે જે નફરત કે ખરાબ વિચારો રાખ્યાં એના માટે હું બ્રહ્માંડ પાસે અને મારી જાત પાસે માફી માગું છું. થૅન્ક યુ એટલે કે આ ખરાબ અનુભવ દ્વારા મને જીવનનો એક મોટો પાઠ શીખવવા માટે અને મને અંદરથી મજબૂત બનાવવા માટે તમારો આભાર. આઇ લવ યુ એટલે હું તમારા આત્માને પ્રેમ કરું છું. આપણી વચ્ચેની કડવાશ ગમે એવી હોય પણ હું મારા મનમાંથી નફરત કાઢીને પ્રેમ અને શાંતિ સ્થાપું છું. મહત્ત્વ શબ્દોનું નથી, પરંતુ એ સમયે તમારું મન શું અનુભવે છે એ છે. શરૂઆતમાં અંદરથી અવરોધ અનુભવાઈ શકે છે, પણ ધીમે-ધીમે હળવાશ અનુભવાય છે.’ 

તમે સિમ્બૉલિક રીતે પણ લેટ ગો કરી શકો છો એ વિશે વાત કરતાં સુરુચિ ગૌતમ કહે છે, ‘તમે લેટર લખીને પછી બાળવાની પ્રૅક્ટિસ કરી શકો છો. જ્યારે તમે તમારો ગુસ્સો, દુખ અથવા અધૂરી લાગણીઓને કાગળ પર લખો છો ત્યારે એ મનમાંથી બહાર આવે છે અને વધુ સ્પષ્ટ બને છે. પછી એ કાગળને સળગાવવાની ક્રિયા મનને એક પ્રકારનું ક્લોઝર સિગ્નલ આપે છે, જાણે તમે અંદરથી એ ભાવનાને છોડવાનો નિર્ણય લઈ રહ્યા હો. આ પ્રૅક્ટિસનો અર્થ હિંસા કે નકારાત્મકતા નથી, પરંતુ સિમ્બૉલિક લેટ ગો છે. તમે જે લખો છો એ લાગણીને સમજવા અને છોડવા માટે છે, કોઈને નુકસાન પહોંચાડવા માટે નહીં. લખ્યા પછી થોડી શાંતિ અનુભવ થાય છે, કારણ કે મનને એક્સપ્રેસ અને રિલીઝ બન્ને મળી જાય છે.’

 

sex and relationships life and style lifestyle news gujarati mid day