બચપન કી બાતેં આજ કી પરેશાની

03 August, 2026 07:06 PM IST  |  Mumbai | Jigisha Jain

બાળપણમાં અનુભવાયેલા આઘાતજનક પ્રસંગો વ્યક્તિના આત્મવિશ્વાસ, સંબંધો, નિર્ણયક્ષમતા અને વર્તન પર લાંબા સમય સુધી અસર કરી શકે છે. જાણો ચાઇલ્ડહુડ ટ્રૉમા શું છે, તે કેવી રીતે ઓળખાય છે અને તેનાથી બહાર આવવાના રસ્તાઓ.

બચપન કી બાતેં આજ કી પરેશાની

બાળપણના અનુભવો આપણી આજ પર ખૂબ ઘેરી અસર છોડે છે. એક જ પરિસ્થિતિમાં બે વ્યક્તિના પ્રતિભાવો અલગ-અલગ હોય છે. કોઈક ખૂબ જ કૉન્ફિડન્ટ્લી સિચુએશન હૅન્ડલ કરે છે તો કોઈક કોઈ ભૂલ વિના હંમેશાં ગરદન ઝુકાવીને જ ફરે છે. આની પાછળનું કારણ હોઈ શકે છે ચાઇલ્ડહુડ ટ્રૉમા. કુમળી વયે જે ઘટનાઓ, પરિસ્થિતિઓ અને સંજોગોનો સામનો કરવો પડ્યો હોય એનો આઘાત કદાચ એ વખતે તો નહોતો સમજાયો, પણ મોટા થયા પછી એ તમારી સાથે તમારા દરેક વર્તનમાં ડોકાતો હોય એવું શક્ય છે. ચાલો ડીકોડ કરીએ ચાઇલ્ડહુડ ટ્રૉમા શું છે અને એનાં કેટલાંક દેખીતાં લક્ષણોને

ચાઇલ્ડહુડ ટ્રૉમા શબ્દ આજકાલ સોશ્યલ મીડિયાના સમયમાં ઘર-ઘરમાં પ્રચલિત બની ગયો છે. આ શબ્દ જેન-ઝીએ તેમની જૂની પેઢીને સમજાવ્યો છે કારણ કે જૂની પેઢીએ તેમના નાનપણમાં ઘણું સહન કર્યું હતું, પણ તેમને અંદાજ જ નહોતો કે આ તકલીફોને ટ્રૉમા કહેવાય અને એની અસર ઘણી ગાઢ હોય છે. 
હાલમાં શાહિદ કપૂરે તેના એક ઇન્ટરવ્યુમાં એક ઉદાહરણ આપ્યું હતું. સમજો કે હું બિલ્ડિંગના ૪૪મા માળ પર રહું છું. મારા ઘરની લાઇટ લબકારા મારે છે એટલે કે ચાલુ થાય છે, બંધ થાય છે. મેં ઇલેક્ટ્રિશ્યનને બોલાવ્યો, ઘરનું વાયરિંગ ચેક કરાવ્યું, લાઇટો નવી નખાવી, અર્થિંગ ચેક કરવી લીધું. બધું કરાવ્યા પછી પણ પ્રૉબ્લેમ સૉલ્વ નથી થતો, કારણ કે પ્રૉબ્લેમ ૪૪મા માળ પર દેખાય છે પણ એ પ્રૉબ્લેમની જડ ક્યાંક બીજે છે. એ સૉલ્વ કરવા માટે મારે ૪૪ માળ નીચે ઊતરવું પડશે, બેઝમેન્ટમાં જવું પડશે જ્યાં શૉર્ટ સર્કિટ થયું છે. જ્યાં સુધી હું એ રિપેર નહીં કરું મારા ઘરમાં લાઇટનો પ્રૉબ્લેમ રહેશે જ. આ વાત શાહિદે ચાઇલ્ડહુડ ટ્રૉમાના રેફરન્સ તરીકે ખોલી. બાળપણમાં મળેલો આઘાત વયસ્ક બન્યા પછી પણ તકલીફ આપી શકે છે. ઊલટું વયસ્ક બન્યા પછી તમે જીવનમાં જે પણ તકલીફો ભોગવી રહ્યા છો એનું મૂળ મોટા ભાગે ક્યાંક ને ક્યાંક બાળપણમાં સ્થાપિત થયેલું હોય છે. બાળપણ સુંદર હોય છે, પણ એમાં કશુંક તો અનિચ્છનીય બનતું જ હોય છે જે બાળકના કુમળા માનસ પર છાપ છોડી જાય છે. આ છાપ વયસ્ક બન્યા પછી પણ તમને હેરાન કરી શકે છે એ આજે સમજીએ, પણ એ પહેલાં એ સમજવું જરૂરી છે કે જેને આપણે વયસ્ક બન્યા પછી દરેક પ્રૉબ્લેમની જડ કહીએ છીએ એ ચાઇલ્ડહુડ ટ્રૉમા એટલે બાળપણમાં મળેલો આઘાત છે શું?

ચાઇલ્ડહુડ ટ્રૉમા એટલે શું?

અમેરિકાની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ અનુસાર બાળપણના માનસિક આઘાતની વ્યાખ્યા કંઈક આવી છે. ચાઇલ્ડહુડ ટ્રૉમા એટલે બાળક દ્વારા અનુભવાયેલી એવી કોઈ ઘટના જે ભાવનાત્મક રીતે પીડા કે કષ્ટદાયક હોય. મનોવિજ્ઞાન માને છે કે બાળપણની શરૂઆતમાં મળતો આઘાત ખાસ કરીને નુકસાનકારક હોઈ શકે છે. અહીં આપણે જન્મથી લઈને ૬ વર્ષની ઉંમર સુધીનાં બાળકોની વાત કરી રહ્યા છીએ. આ એ ઉંમર છે જેમાં બાળકના મગજનો વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે, ખાસ કરીને પ્રથમ ૩ વર્ષમાં. મનોવિજ્ઞાન મુજબ જ્યારે આઘાત નાની ઉંમરે થાય છે ત્યારે એ બાળકના વિકાસને અસર કરી શકે છે, કારણ કે એની અસર માનસિક અને શારીરિક બન્ને રીતે થાય છે અને ઘણી વાર આ અસર કાયમી રહી જાય છે. આ વિશે વાત કરતાં સાઇકોલૉજિસ્ટ નેહા મોદી કહે છે, ‘બાળકોનું માનસ એ સમયે સ્પન્જ જેવું હોય છે. દરેક વસ્તુને તેઓ પોતાની અંદર શોષી લે છે. વળી આ જ એ વર્ષો છે જ્યારે દુનિયાને જોવાની પોતાની દૃષ્ટિની શરૂઆત થાય છે. એટલે આ ઉંમરે માનસ પર જે છાપ છૂટે છે એ મહત્ત્વની બની જાય છે.’

આ ટ્રૉમા પાછળનાં દેખીતાં કારણો

બાળપણમાં જ્યારે બાળક અત્યંત નકારાત્મક ઘટનાઓનો સાક્ષી બને છે અથવા એનો સામનો કરે છે ત્યારે આ આઘાત લાગી શકે છે. બાળપણના ઘણા અનુભવો બાળકને અતિશય પ્રભાવિત કરે છે જેને લીધે તે હેરાન-પરેશાન થઈ જતો હોય છે. જેમ કે શોષણ, હુમલો, ઉપેક્ષા, હિંસા, ગેરલાભ ઉઠાવવો, શોષણ કરવું અથવા કોઈએ તેના પર દાદાગીરી કરી હોય તો જે ટ્રૉમા અનુભવાય એને માણસે આપેલો આઘાત સમજી શકાય છે. કેટલાક કેસમાં ઘટનાઓ પણ આઘાતજનક બની જતી હોય છે. એમાં અકસ્માતો, કુદરતી આપત્તિઓ, યુદ્ધ, કોઈ રોગ કે એને લગતી તબીબી પ્રક્રિયાઓ, કોઈ નજીકની વ્યક્તિનું મૃત્યુ, પેરન્ટ્સના છૂટાછેડા જેવી ઘટનાઓ બાળમાનસ પર ઘણી ગંભીર અસર છોડતી હોય છે.

ઘટનાને કઈ રીતે સ્વીકારાય છે એ મહત્ત્વનું છે

બાળપણમાં મળતા ટ્રૉમા વિશે એક મહત્ત્વની બાબત સમજાવતાં નેહા મોદી કહે છે, ‘ટ્રૉમા એટલે ફક્ત કોઈ નકારાત્મક ઘટના નહીં. એ ઘટનાને બાળક તરીકે કેટલી વધુ સંવેદનશીલતા સાથે સ્વીકારવામાં આવી છે એ પણ અહીં ઘણું મહત્ત્વનું છે. જેમ કે એક ઘરમાં બે બાળકો છે. તેમનાં માતા-પિતા ખૂબ લડે-ઝઘડે છે. આ લડાઈની અસર બન્ને પર થાય છે, પરંતુ એ અસર સરખી હોતી નથી. એમાંથી એક બાળક વિચારે છે કે મારે લગ્ન કરવાં જ નથી કારણ કે તેના માનસ પર લગ્નની છાપ ખરાબ પડી છે અને બીજું બાળક વિચારે છે કે મારે એક સુંદર લગ્નજીવન જોઈએ છે, જે ભૂલો મારાં માતા-પિતાએ કરી એ હું નહીં કરું. તો પરિસ્થિતિ તો સરખી જ હતી બન્ને બાળક પર, પણ એની અસર બન્ને પર જુદી-જુદી હતી. અહીં એક બાળકને ચાઇલ્ડહુડ ટ્રૉમા નડી રહ્યો છે અને એકને નહીં. કદાચ એવું પણ બને કે અસર બન્ને પર થઈ હોય, પણ એ અસરની તીવ્રતામાં ઘણો ફરક હોય છે. જેમ કે કોવિડ બધાને થયો હતો, પરંતુ ઘણા માટે જીવલેણ નીવડ્યો તો ઘણાને એનાં લક્ષણો પણ આવ્યાં નહીં.’

ઘટના વારંવાર બને ત્યારે

માતા-પિતાના ડિવૉર્સ તો એક જ વાર થાય છે; પણ તેઓ ડિવૉર્સ લેવાના છે એ પહેલાંનાં, એ દરમ્યાનનાં અને એ પછીનાં વર્ષો તેઓ બન્ને બાળક સાથે કઈ રીતે વર્તે છે એ વર્તન બાળક માટે સતત બનતી ઘટનાઓ છે. આ મુદ્દો સમજાવતાં નેહા મોદી કહે છે, ‘માતા-પિતાના સતત ઝઘડા, કંકાસ અને એકબીજાનું સતત થતું અપમાન બાળક સમજી પણ નથી શકતું અને સ્વીકારી પણ જલદી નથી લેતું. એટલે આ સતત થતું એક પ્રકારનું વર્તન તેના પર અસર કરે છે. બીજું એક ઉદાહરણ સમજીએ તો બાળકને તમારો સમય જોઈએ છે અને એમાં આજે નથી આપી શક્યા તો તે દુખી થશે, ફરી નથી આપી શક્યા તો તે ફરિયાદ કરશે, નિયમિત રીતે તમે તેને સમય આપવામાં અસફળ રહ્યા તો તે બબાલ કરશે પણ એક સમયે તે શાંત થઈ જશે. તેને જ્યારે સમય નથી આપતા ત્યારે તેણે એ વાતને એ રીતે લીધી કે મમ્મી-પપ્પાને મારી પડી જ નથી. તે વારંવાર ઇગ્નૉર ફીલ કરશે જે તેના મન પર ટ્રૉમા બનીને અસર કરશે.’ 

કઈ રીતે જાણશો કે તમારી અંદર કોઈ ચાઇલ્ડહુડ ટ્રૉમા છે કે નહીં?

જો તમારી અંદર બાળપણનો કોઈ આઘાત ઘર કરી ગયો હોય તો મોટા થઈને એ કઈ રીતે સમજી શકાય એના અમુક રસ્તાઓ આ મુજબ છે :

 તમે દરેક વાત માટે માફી માગો છો, પછી ભલે તમે કંઈ ખોટું ન કર્યું હોય. 

 તમે સતત વાતો કે સંવાદો વિશે વધુ પડતું વિચારો છો એટલે કે ઓવરથિન્કિંગ કરો છો અને કોઈ તમને ખોટી રીતે સમજશે તો કે પછી કોઈ તમને સમજી નહીં શકે તો શું એવો ડર સતત રહે છે. 

 તમે પ્રેમ કે પ્રશંસાને પાત્ર છો એવું માનવામાં તમને મુશ્કેલી પડે છે. 

 લોકો જ્યારે ભાવનાત્મક રીતે તમારી નજીક આવે છે ત્યારે તમે તેમને દૂર ધકેલી દો છો. થપ્પડ સે ડર નહીં લગતા, પ્યાર સે લગતા હૈ ટાઇપના લોકો. 

 તમે લોકોને ખુશ રાખવાનો પ્રયત્ન કરો છો, જેને પીપલ-પ્લીઝિંગ પર્સનાલિટી કહેવાય છે. તમારી પોતાની જરૂરિયાતોને નેવે મૂકીને પણ તમે સતત બીજાને ખુશ રાખવામાં પડ્યા છો. 

 તમને કોઈ ‘ના’ પાડી દેશે, છોડી દેશે એવો ડર લાગે છે કે પછી તમને સતત એકલા પડી જવાનો ડર લાગે છે.

 તમને સ્વસ્થ અને સારા સંબંધો પર વિશ્વાસ મૂકવો મુશ્કેલ લાગે છે.

 તમે બીજા લોકોની ભાવનાઓ કે લાગણીઓ માટે પોતાને જવાબદાર માનો છો. 

 તમારું શરીર હંમેશાં કંઈક ખોટું થવાની અપેક્ષા રાખતું હોવાથી તમને આરામ કે રિલૅક્સ થવામાં મુશ્કેલી પડે છે.

 તમે સાચા અર્થમાં જીવવાને બદલે માત્ર જીવન પૂરું કરવા માટે જીવી રહ્યા છો. 

lifestyle news life and style parenting tips relationships sex and relationships