ખોટી અને ખરાબ કન્ટેન્ટ જોતા ટીનેજર્સને સાચી શીખ કેવી રીતે આપવી?

20 July, 2026 06:00 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

ટીનેજમાં હોર્મોનલ બદલાવ સાથે ડિજિટલ દુનિયાનું વધતું આકર્ષણ બાળકોને પૉર્ન અને ઑનલાઇન ગેમ્સ તરફ ખેંચી શકે છે. આવી સ્થિતિમાં ગુસ્સો નહીં, પરંતુ સમજદારી, સંવાદ અને પરિવારના યોગ્ય નિયમો બાળકોને સાચી દિશા આપી શકે છે.

પ્રતીકાત્મક તસવીર

ગયા અઠવાડિયે એક ટીનેજ દીકરાનાં મમ્મી મળ્યાં. આજે મોટા ભાગના ટીનેજર્સનાં માબાપ ટેન્શનમાં જ હોય છે અને તેમનું ટેન્શન લગભગ સમાન હોય છે. આ મમ્મીએ ટેન્શન વચ્ચે વાત શરૂ કરી અને કહ્યું, ‘મારો દીકરો મોડી રાત સુધી રૂમ બંધ કરીને ઑનલાઇન ગેમ્સ રમે છે. અહીં સુધી તો હું ચલાવી લેતી હતી, પણ ગઈ કાલે અચાનક તેના ફોનની સ્ક્રીન પર પૉર્ન લિટરેચર જેવું કંઈક ખુલ્લું દેખાયું અને હું શૉક્ડ થઈ ગઈ. એવડી ઉંમરે આપણે જે વિચારી પણ નહોતા શકતા એવું તે જોતો હતો.’ તે મમ્મીને ટેન્શન એ વાતનું હતું કે હવે તે કરે શું? જો કડકાઈથી વાત કરે તો બાળક ઇન્ટ્રોવર્ટ થવાનો તેને ડર હતો તો સામા પક્ષે એ વાતનું પણ તેને ટેન્શન હતું કે જો કંઈ નહીં બોલે તો બાળક આગળ છૂટ લેતું થઈ જશે. હવે તેણે કરવું શું એ દિશામાં ગાઇડન્સ જોઈતું હતું.
અહીં પહેલાં તો એ સમજવું રહ્યું કે ૧૪-૧૫ વર્ષની ઉંમર એટલે કે ટીનેજ લાઇફનો એક એવો પડાવ છે જ્યાં શરીરમાં હૉર્મોનલ બદલાવો થતા હોય. આ ઉંમરે જાતીય જિજ્ઞાસા જાગવી વિકૃતિ નહીં કુદરતી છે. હા, સ્માર્ટફોન અને ઇન્ટરનેટને લીધે એ જિજ્ઞાસાએ વિકૃતિનું રૂપ લેવાનું શરૂ કરી દીધું છે એ પણ એટલું જ સાચું છે.
અહીં પેરન્ટ્સની પહેલી ફરજ એ છે કે તે લેક્ચરર નહીં પણ મિત્ર બને. કોઈ ખોટી દિશામાં જતું દેખાય ત્યારે ગુસ્સે થવાને બદલે કે તેના પર સેન્સરશિપ લાદવાને બદલે તેની સાથે ડિસ્કશન કરવું જોઈએ. જાણીતા સેક્સોલૉજિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારી કહે છે કે પ્રકૃતિના વેગને બળજબરીથી દબાવવા કરતાં એને યોગ્ય સમજણ આપવી જરૂરી છે. બાળકને સમજાવો કે પૉર્ન લિટરેચરથી માંડીને ઑનલાઇન ગેમ્સ રમવાનું ડિજિટલ ઍડિક્શન તેના મગજ પર ભારોભાર નેગેટિવ અસર ઊભી કરે છે. 
ટીનેજ બાળકની પ્રાઇવસીનો આદર કરો, પણ ઘરમાં કેટલાક નિયમો બનાવો અને એનું પાલન પેરન્ટ્સ પોતે પણ કરે. રાતે સ્માર્ટફોન કે ગૅજેટ્સ બેડરૂમની બહાર રાખવાનો નિયમ બનાવો. હું તો કહીશ કે આ નિયમ દરેકેદરેક સિંગલ વ્યક્તિએ બનાવવો જોઈએ અને રાતે સૂવા જતી વખતે મોબાઇલ હૉલમાં મૂકવો જોઈએ. રાતના એકાંતમાં જ સુષુપ્ત મનના વિચારો વધુ વેગ પકડે છે અને ખોટી દિશામાં એ ભાગવાનું શરૂ કરે છે. 
ઘરમાં એક એવો સમય નક્કી કરો જેમાં માબાપ સહિત ફૅમિલીના તમામ સભ્યો પોતાના ફોન સાઇડ પર મૂકી દે. ગૅજેટ્સમુક્ત વાતાવરણમાં કમ્યુનિકેશન વધશે અને ફૅમિલીના દરેક સભ્યનું સ્ટ્રેસ બહાર આવશે. એ હસબન્ડ-વાઇફના રિલેશન પણ સ્ટ્રૉન્ગ કરશે અને પારિવારિક સંબંધોને પણ મજબૂત બનાવશે.

lifestyle news life and style parenting tips relationships sex and relationships