બૉલીવુડની ઍક્ટ્રેસ કલ્કિ કોચલિને કહેલું કે જ્યારે મારી દીકરી પોતાને કદરૂપી ગણે છે ત્યારે દિલ તૂટી જાય છે

24 July, 2026 05:28 PM IST  |  Mumbai | Heena Patel

સંતાનો બૉડી-ઇમેજથી અસંતુષ્ટ હોય ત્યારે માત્ર વખાણથી કામ નહીં ચાલે

બૉલીવુડની ઍક્ટ્રેસ કલ્કિ કોચલિને કહેલું કે જ્યારે મારી દીકરી પોતાને કદરૂપી ગણે છે ત્યારે દિલ તૂટી જાય છે

બાળક પોતાના દેખાવ બાબતે નકારાત્મક વાતો કરીને હીણપત અનુભવતું હોય ત્યારે મમ્મી-પપ્પા તરત તેનાં વખાણ કરવા દોડી જાય છે, પરંતુ શું એ બાળકની અસુરક્ષાની ભાવનાનો કાયમી ઉકેલ છે? કુમળી વયે સંતાનો પોતાની બૉડી-ઇમેજને કારણે લો-એસ્ટીમ ધરાવતાં હોય ત્યારે એનાં કારણો ઊંડાણપૂર્વક સમજવાં જરૂરી છે

સંતાનો પોતાની બૉડી-ઇમેજ બાબતે વધુપડતા સંવેદનશીલ થઈ જાય ત્યારે પેરન્ટ્સ માટે મુશ્કેલી થઈ જાય છે. અભિનેત્રી કલ્કિ કોચલિને તાજેતરમાં કહ્યું હતું કે જ્યારે તેની દીકરી પોતાને ‘હું કદરૂપી છું’ કહે છે ત્યારે તેનું દિલ તૂટી જાય છે. બાળકો જ્યારે પોતાના દેખાવ વિશે અસ્વસ્થતા અનુભવે ત્યારે ફક્ત એટલું કહી દેવું કે ‘ના, તું તો બહુ સુંદર લાગે છે’ એ પૂરતું નથી. તેમને શા માટે એવું લાગી રહ્યું છે એના મૂળ કારણ સુધી જઈને વાતચીત કરવી જરૂરી છે. ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ રિદ્ધિ દોશી પટેલ પાસેથી વાત કરીને જાણીએ કે બાળકો જ્યારે પોતાના દેખાવને લઈને અસ્વસ્થ થાય ત્યારે માત્ર વખાણ કરવાને બદલે તેમની ઇનસિક્યૉરિટીનું સાચું કારણ જાણીને ઇમોશનલ સપોર્ટ આપવો કેમ જરૂરી છે.

કઈ ભૂલો ન કરવી?

બાળક જ્યારે આવું કંઈ બોલે ત્યારે મમ્મી-પપ્પા સામાન્ય રીતે જે ભૂલો કરતાં હોય છે એની વાત કરવી જરૂરી છે. બાળક જ્યારે અચાનક કહે કે ‘હું સુંદર નથી દેખાતો’ અથવા ‘હું બધાથી ખરાબ દેખાઉં છું’, ‘મારું નાક સારું નથી’ કે ‘મારાં વાળ સારાં નથી...’ ત્યારે મોટા ભાગનાં મમ્મી-પપ્પાની પહેલી પ્રતિક્રિયા બાળકને તરત સમજાવવાની કે તેનું મન હળવું કરવાની હોય છે, પરંતુ આવી ક્ષણે ઉતાવળમાં આપેલો ખોટો પ્રતિભાવ બાળકની અંદરની લાગણીને વધુ દબાવી શકે છે. એટલે સૌથી પહેલાં બાળક શું અનુભવી રહ્યું છે એને સમજવાનો પ્રયાસ કરવો જરૂરી છે. ઘણાં 
મમ્મી-પપ્પા તરત જ કહી દેતાં હોય છે કે તું તો બહુ સુંદર છે. દેખીતી રીતે આ શબ્દો બાળકને સાંત્વન આપવા માટે બોલાતા હોય છે, પરંતુ હકીકતમાં એ બાળકને એવો સંદેશ આપે છે કે તેની લાગણીને ગંભીરતાથી લેવામાં આવી રહી નથી. બાળકને એવું લાગવા લાગે છે કે તેની અંદર જે ચાલી રહ્યું છે એ કોઈ સમજી રહ્યું નથી. તેથી બાળકની લાગણીને નકારી કાઢવાને બદલે એનો સ્વીકાર કરવો વધુ જરૂરી છે. ઘણી વખત મમ્મી-પપ્પા બાળકને સમજાવવા માટે કહે છે, ‘અરીસામાં જો, તારી આંખો કેટલી સુંદર છે’ અથવા ‘તારા વાળ કેટલા સરસ છે’. આવી દલીલો બાળકના મનમાં બેઠેલી નકારાત્મક લાગણીને દૂર કરતી નથી. બાળકને સાંત્વન આપવા માટે ક્યારેય એવું ન કહેવું કે ‘તું તો પેલા કરતાં વધારે સુંદર છે’. આવી સરખામણીઓ બાળકમાં સ્પર્ધા અને અસુરક્ષાની ભાવના વધુ મજબૂત બનાવે છે. આત્મવિશ્વાસ વધારવાને બદલે બાળક પોતાની કિંમત બીજાઓ સાથે સરખાવીને નક્કી કરવાનું શીખી જાય છે જે લાંબા ગાળે નુકસાનકારક બની શકે છે. બાળક પોતાની વાત પૂરી કરે એ પહેલાં જ ‘ના... ના, તું તો બહુ સરસ લાગે છે’ કહીને વાત પૂરી કરવાનો પ્રયાસ પણ ટાળવો જોઈએ. બાળકને પોતાની લાગણી વ્યક્ત કરવાની પૂરતી તક આપવી જરૂરી છે. ઘણી વખત બાળકને માત્ર એટલું જ જોઈતું હોય છે કે કોઈ તેની વાત શાંતિથી સાંભળે.

એક પેરન્ટ્સ તરીકે તમારે શું કરવું?

બાળક જ્યારે પોતાની જાત વિશે નકારાત્મક વાત કરે છે ત્યારે બાળકને એ ક્ષણે માત્ર પોતાના દેખાવ વિશે આશ્વાસન નહીં પરંતુ પોતાની અંદર ચાલી રહેલી લાગણીઓને કોઈ સમજે એવી જરૂરિયાત હોય છે. 
વાસ્તવમાં બાળક જ્યારે ‘હું સુંદર નથી’ કહે છે ત્યારે તે માત્ર પોતાના ચહેરા કે દેખાવ વિશે વાત કરતું નથી. આ શબ્દો ઘણી વખત લાંબા સમયથી મનમાં એકઠી થતી અસુરક્ષા, દુખ અને આત્મવિશ્વાસમાં આવેલા ઘટાડાનું પ્રતિબિંબ હોય છે. એટલે માત્ર વખાણ કરીને મૂળ કારણ સુધી પહોંચી શકાતું નથી. ઘણી વખત આવા વિચારો પાછળ બાળકના મનમાં અસ્વીકારની લાગણી જન્મી હોય છે. તેને લાગતું હોય છે કે મિત્રો તેને સ્વીકારતા નથી, તે પોતાના ગ્રુપમાં ફિટ નથી થતું અથવા બીજાઓ કરતાં પોતે અલગ છે. કેટલાંક બાળકો પોતાની ક્ષમતાઓને લઈને પણ શંકા કરવા લાગે છે. તેઓ વિચારતાં હોય છે કે ‘હું ભણવામાં સારો નથી’, ‘મારી ઊંચાઈ ઓછી છે’ અથવા ‘હું કોઈ બાબતમાં બેસ્ટ નથી’. આવા વિચારો ધીમે-ધીમે તેમના આત્મવિશ્વાસને અસર કરે છે અને અંતે તેઓ પોતાના દેખાવ વિશે પણ નકારાત્મક રીતે વિચારવા લાગે છે. બાળક આવી વાત કરે ત્યારે તરત પ્રતિક્રિયા આપવાને બદલે થોડો વિરામ લઈને સમજદારીપૂર્વક પ્રતિસાદ આપવો જોઈએ. બાળકની લાગણીને નકારી કાઢવાને બદલે એની પાછળનું કારણ સમજવાનો પ્રયાસ કરવો વધુ જરૂરી છે. મમ્મી-પપ્પાએ પ્રેમથી પૂછવું જોઈએ કે ‘આજે તને આવું કેમ લાગ્યું?’ અથવા ‘એવું શું બન્યું કે તું આવું વિચારી રહ્યો છે?’ આવા પ્રશ્નો બાળકને પોતાની લાગણીઓ વ્યક્ત કરવાની તક આપે છે. જ્યારે બાળકને લાગે છે કે તેની વાત કોઈ જજ કર્યા વગર સાંભળી રહ્યું છે ત્યારે મમ્મી-પપ્પા અને બાળક વચ્ચે વધુ વિશ્વાસપૂર્ણ અને અર્થપૂર્ણ સંવાદ શરૂ થાય છે. આ સંવાદ માત્ર એ ક્ષણની સમસ્યા દૂર કરવામાં જ નહીં, લાંબા ગાળે બાળકનો આત્મવિશ્વાસ અને ભાવનાત્મક સુરક્ષા મજબૂત બનાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હકીકતમાં બાળકને તેની અંદર ચાલી રહેલી અસુરક્ષાને સમજતો, સ્વીકારતો અને તેની સાથે ઊભો રહેતો મમ્મી-પપ્પાનો સાથ જોઈએ છે.

આત્મવિશ્વાસ વધારવા શું કરવું?

બાળકને પોતાની જાત પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ આપવાનો સૌથી મોટો આધાર પરિવાર હોય છે. જો મમ્મી-પપ્પા રોજિંદા વર્તનમાં કેટલાક નાના ફેરફારો કરે તો બાળકનો આત્મવિશ્વાસ માત્ર દેખાવ પર આધારિત નહીં રહે, તેની પોતાની ઓળખ અને ક્ષમતાઓ પણ મજબૂત બનશે. બાળકની પ્રશંસા કરતી વખતે માત્ર ‘તું બ્યુટિફુલ લાગે છે’ કે ‘તું બહુ હૅન્ડસમ છે’ જેવા શબ્દો સુધી સીમિત ન રહો. એને બદલે બાળકનું દયાળુપણું, હિંમત, સર્જનાત્મકતા, મુશ્કેલ પરિસ્થિતિમાં હાર ન માનવાની ભાવના, નિર્ણય લેવાની ક્ષમતા અને મહેનત જેવા ગુણોની પ્રશંસા કરો. સાથે જ તેના શોખ અને રસને પ્રોત્સાહન આપો. જ્યારે બાળકને પોતાની ઓળખ માત્ર દેખાવથી નહીં, પોતાના ગુણો અને કૌશલ્યથી મળવા લાગે છે ત્યારે તેનો આત્મવિશ્વાસ વધુ સ્થિર બને છે. ઘણાં મમ્મી-પપ્પાને લાગતું હોય છે કે દેખાવ વિશે કરેલી નાની ટિપ્પણીઓ સામાન્ય છે, પરંતુ બાળકો એના પરથી પોતાની જાત વિશે અભિપ્રાય બનાવતાં હોય છે. ચામડીનો રંગ, વજન, ઊંચાઈ, શરીરના આકાર અથવા ચહેરા પરના પિમ્પલ્સ વિશે વારંવાર ટિપ્પણી કરવાનું ટાળવું જોઈએ. એ જ રીતે આ ક્રીમ લગાવ તો રંગ ગોરો થશે અથવા ફિલ્ટર લગાવીશું તો ફોટો સારો લાગશે જેવી વાતો તો ક્યારેય ન કરવી કેમ કે એનાથી  બાળકના મનમાં એ માન્યતા ઊભી થાય છે કે સારું દેખાવું જ સૌથી મહત્ત્વનું છે. ત્વચા કે શરીરની સંભાળને આરોગ્ય અને સ્વચ્છતાનો ભાગ તરીકે રજૂ કરવી જોઈએ, સુંદર દેખાવા માટેની ફરજ તરીકે નહીં. બાળકોમાં બૉડી-ઇમેજને લગતી અસુરક્ષા માટે ઘણી વાર સોશ્યલ મીડિયાને જવાબદાર ઠેરવવામાં આવે છે. જોકે સોશ્યલ મીડિયા માત્ર પહેલેથી રહેલી માન્યતાઓને વધુ મજબૂત બનાવે છે. બાળકના મનમાં સુંદરતા વિશેના વિચારોનો પાયો મોટા ભાગે ઘરમાં જ રચાય છે. જો ઘરમાં વારંવાર દેખાવને મહત્ત્વ આપવામાં આવતું હોય તો સોશ્યલ મીડિયા એ વિચારને વધુ પ્રબળ બનાવે છે. બાળકને એવો અહેસાસ કરાવો કે તું જેવો છે એવો અમારા માટે ખૂબ ​કીમતી છે. બાળકને વારંવાર એવો વિશ્વાસ અપાવો કે તેનો દેખાવ, માર્ક્સ કે સફળતા તમારા પ્રેમનો માપદંડ નથી. તેને સમજાવો કે તે જેવો છે એવો જ તમારા માટે સ્વીકાર્ય અને કીમતી છે. બાળકને જ્યારે ઘરમાં બિનશરતી સ્વીકાર અને પ્રેમનો અનુભવ થાય છે ત્યારે તે પોતાની કિંમત માત્ર દેખાવ કે બીજાઓના અભિપ્રાયના આધારે નક્કી કરતું નથી. આવી ભાવનાત્મક સુરક્ષા તેના આત્મસન્માનનો મજબૂત પાયો બને છે અને જીવનના દરેક તબક્કે પડકારોનો વધુ આત્મવિશ્વાસ સાથે સામનો કરવામાં તેને મદદ કરે છે.

અસુરક્ષાની ભાવના વધવાનાં કારણો શું?

બાળકો પોતાના દેખાવ કે ક્ષમતાને લઈને અસ્વસ્થ થાય છે એની પાછળ માત્ર તેમની પોતાની માનસિકતા નહીં, આસપાસનું વાતાવરણ અને આધુનિક લાઇફસ્ટાઇલ પણ જવાબદાર છે. આજના સમયમાં બાળકો પર દરેક ક્ષેત્રમાં બેસ્ટ દેખાવાનું અને સાબિત થવાનું દબાણ વધ્યું છે- પછી એ અભ્યાસ હોય, રમતગમત હોય કે દેખાવ. આ પર્ફેક્ટ બનવાની હોડ બાળકમાં સતત ઓછપ અને અસુરક્ષા ઊભી કરે છે.  નાની ઉંમરે જ સ્ક્રીન અને સોશ્યલ મીડિયાનો સંપર્ક બાળકોને વર્ચ્યુઅલ દુનિયા સાથે સરખામણી કરવા તરફ ધકેલે છે. ઇન્ટરનેટ પર દેખાતા ફિલ્ટર્ડ ફોટો અને રીલ્સ તેમના મનમાં સુંદરતાની ખોટી વ્યાખ્યાઓ છાપે છે.  ઘર, સ્કૂલ કે સામાજિક પ્રસંગોમાં અજાણતાં જ બાળકોના વજન, ત્વચાના રંગ કે ઊંચાઈ પર થતી ટીકાઓ તેમના મન પર ઊંડો ઘા કરે છે. આ વારંવારની ટિપ્પણીઓ તેમના આત્મવિશ્વાસને હચમચાવી દે છે. 

lifestyle news life and style parenting tips relationships sex and relationships