તમારા જીવનના ખરાબ અનુભવો તમારા પેરન્ટિંગ પર કેટલા હાવી થાય છે?

01 December, 2025 01:19 PM IST  |  Mumbai | Jigisha Jain

પોતાની સાથે જે થયું એ પોતાનાં બાળકો સાથે ન થવા દેવામાં ક્યાંક ને ક્યાંક પોતાનો ટ્રૉમા તે બાળકોને પણ આપી રહ્યો છે. આજે સમજીએ આ વિકટ પરિસ્થિતિને...

પ્રતીકાત્મક તસવીર

હાલમાં કરણ જોહરે કબૂલ્યું કે નાનપણમાં જાડા હોવાને કારણે બાળકો તેને હેરાન કરતાં એનો ટ્રૉમા તે હજી લઈને ફરે છે. એને કારણે તેનાં બાળકો શુગર ખાય કે ફુટબૉલ ક્લાસમાં ન જાય તો તે તેમના પર ગુસ્સે થઈ જાય છે. પોતાની સાથે જે થયું એ પોતાનાં બાળકો સાથે ન થવા દેવામાં ક્યાંક ને ક્યાંક પોતાનો ટ્રૉમા તે બાળકોને પણ આપી રહ્યો છે. દરેક માતા-પિતા પોતાના અનુભવોનું ભાથું પોતાના બાળકને આપવા ઇચ્છે છે જેને કારણે પોતે જે અનુભવ્યાં એ દુખોથી બાળકને બચાવી શકે. જોકે ક્યારેક આવું કરવામાં તેઓ બાળકને વધુ અન્યાય પણ કરી બેસે છે. આજે સમજીએ આ વિકટ પરિસ્થિતિને...

તાજેતરમાં કરણ જોહરે સાનિયા મિર્ઝાના શોમાં જણાવ્યું હતું કે બાળપણમાં મેદસ્વી હોવાને કારણે તેને લોકો હેરાન કરતા હતા. બાળકો ક્રૂર હોય છે. તેઓ વિચારતાં નથી કે આવું કહેવાય અને આવું નહીં. જોકે જે બાળકને સાંભળવું પડે છે તેની હાલત ખરાબ થઈ જાય છે. નાનપણથી હેરાન થવાને લીધે કરણે કહ્યું કે તેનો પોતાનો ટ્રૉમા છે. તેને કોઈ દિવસ તેનું શરીર બરાબર લાગ્યું નથી. તે હંમેશાં શરમાળ રહ્યો છે અને તેનું વજન ઘટે કે વધે પણ હું જેવો છું એવો સારો છું એવો આત્મવિશ્વાસ તેને ખુદમાં જન્માવતાં વર્ષો નીકળી ગયાં છે. એટલે જ તેનાં બન્ને સંતાનો યશ અને રુહી માટે તે વધુપડતો જાગૃત રહે છે. કરણે કહ્યું હતું કે ‘હું મારા બાળપણથી એટલો પૅરૅનોઇડ છું કે હું તેમને સતત કહ્યા કરું છું કે શુગર નહીં ખા, ડૅડાએ ખૂબ શુગર ખાધી હતી અને ડૅડાએ એને લીધે ઘણું સહન કર્યું છે. આ જે બાળપણનો ટ્રૉમા લઈને હું ફરું છું એને કારણે જ્યારે હું જોઉં કે તે બન્ને થાકી ગયાં છે એટલે તેમણે ફુટબૉલ ક્લાસ બન્ક કર્યા છે તો હું તેમના પર ગુસ્સે થાઉં છું કે નહીં, એવું નહીં ચાલે; પ્લીઝ પ્લે સ્પોર્ટ્‌સ, કારણ કે કોઈએ મને પુશ નહોતું કર્યું, મને નહોતું કહ્યું કે આ તારે કરવાનું જ છે. હું મારી જાતે સ્પોર્ટ્‌સ રમવાનું વિચારતો હતો, પણ હું રમી શકું એવી મારી હાલત જ નહોતી. એક તરફ લાગે છે કે તમારે જેમ રહેવું હોય એમ રહો એવું તેમને કહી દઉં. મારું એક મન કહે છે કે કોઈ પણ પ્રકારના બૅગેજ વગર તેમને જેમ જીવવું હોય એમ જીવવા દઉં. જોકે મને બાળપણમાં જે ટ્રૉમા મળ્યો હતો એ મને એવું કરવા નથી દેતો. એવું લાગે છે કે ન ઇચ્છવા છતાં હું મારો ટ્રૉમા એ લોકોને ટ્રાન્સફર કરી રહ્યો છું.’

ઇચ્છીએ સારું, પણ થાય ખરાબ તો?

માતા-પિતાએ તેમના જીવનમાં જે દુખ જોયાં છે એ દુખ તેમનાં બાળકોને ન મળે એવું તેઓ ઇચ્છે છે. એ માટે દરેક માતા-પિતા પ્રયત્ન કરતાં હોય છે, પરંતુ અનાયાસ જ ન ઇચ્છવા છતાં પોતાના દુખ કે ટ્રૉમાની અસર તેમના પેરન્ટિંગ પર પડે જ છે અને એને કારણે તેઓ બાળક સાથે અન્યાય કરી બેસે છે. જેમ કે એક પ્રકારના બિઝનેસથી પિતાને ખોટ ગઈ તો તે પોતાના દીકરાને આ બિઝનેસ કરવા જ નહીં દે. જો મમ્મીને ગાયક બનવામાં ખૂબ સ્ટ્રગલનો સામનો કરવો પડ્યો હોય અને તો પણ જોઈએ એવો મુકામ હાંસલ ન થયો હોય તો દીકરીનો અવાજ સારો હોય એમ છતાં તે તેને સંગીત શીખવા જ નહીં દે અને કહેશે કે તું કંઈ પણ શીખ, પણ સંગીત નહીં. પિતાએ પોતાના મિત્રો પર ભરોસો કરીને પાર્ટનરશિપમાં ધંધો કર્યો હોય અને એમાં તેમને દગો મળ્યો હોય તો બાળકોને તે પહેલેથી જ શંકાશીલ બનાવશે અને કહેશે કે કોઈના પર ભરોસો કરવા જેવો નથી. આ રીતે આપણે આપણા ટ્રૉમાને બાળકો સુધી લઈ જઈએ છીએ. આપણને જે ખરાબ અનુભવો થયા છે એ અનુભવોથી બચાવવા માટે આપણે બાળકોને રોકીએ છીએ એમાં કશું ખોટું નથી, પણ કદાચ એ રીતે આપણે તેમને પણ એ તકલીફ અને ડર આપીએ છીએ જે કોઈ સંજોગોમાં આપણી તકલીફ કરતાં પણ મોટાં બની જતાં હોય છે. તમે ભલે તેને રોકી રહ્યા હો, પણ દીકરાને એ જ બિઝનેસમાં રસ પડતો હોય તો? તમે દીકરીને સંગીત નથી શીખવતા, પણ એને લીધે તેની અંદરનો કલાકાર આહત થાય છે એનું શું? તમે તેને વિશ્વાસ કરતાં નથી શીખવ્યું, પણ એ જ તેના જીવનનું સૌથી નબળું પાસું સાબિત થયું તો? આમ એક ટ્રૉમા બીજા ટ્રૉમાને તાણી લાવે છે અને જનરેશન પ્રમાણે પાસ થયા કરે છે.

મધ્ય માર્ગ

જો તમે ઇચ્છો કે તમારો ટ્રૉમા તમારા બાળક સુધી ન પહોંચવા દો તો એ માટે શું કરી શકાય એ જણાવતાં રિલેશનશિપ કાઉન્સેલર અને સાઇકોલૉજિસ્ટ સોની શાહ કહે છે, ‘તમારી પાસે જે છે એ તમે બાળકને આપશો જ એ નક્કી છે. તો ટ્રૉમા આપવાને બદલે એ ટ્રૉમાને પ્રૉપર હીલ કરો અને એ હીલ થયા પછી તમે જે બાળકને આપશો એ ફક્ત સમજણ હશે. કરણના કેસમાં તે જે કરી રહ્યા છે એ સાચું જ છે. બાળકોમાં સ્પોર્ટ્‌સની આદત અને હેલ્ધી ઈટિંગની આદત સારી છે, પણ એ માટે ફોર્સ કરવાની જરૂર નથી. મધ્ય માર્ગ જરૂરી છે. બાળકને ફોર્સ કરવાથી તેને તમે ટ્રૉમા આપો છો. તેને છૂટો દોર આપવાનો નથી, તેને સમજણ આપવાની છે. છતાંય એકાદ દિવસ તેને ન રમવું હોય કે એક દિવસ કેક પર તૂટી પડવું હોય તો એટલી છૂટ હોવી જોઈએ. આમ બૅલૅન્સ્ડ પેરન્ટિંગ ટ્રૉમા પાસ ઑન થવા નથી દેતું, એ સમજણ પાસ ઑન કરે છે.’

માતા-પિતાના અનુભવોનું કોઈ મૂલ્ય નથી?

અનુભવ એ ખરી મૂલ્યવાન વસ્તુ માનવામાં આવે છે. માનવજાત પોતાનો અનુભવ આગળની જનરેશનને એટલે આપે છે કેમ કે આગળની જનરેશને એમાંથી શીખીને આગળ વધવાનું હોય છે. એટલે જ આપણે બીજાં પ્રાણીઓ કરતાં ઍડ્વાન્સ્ડ છીએ. વળી માણસ સૌથી વધુ પોતાના ખરાબ અનુભવો પરથી જ શીખે છે. તો એ શીખ બાળકને આપવામાં શું ખોટું છે? એનો જવાબ આપતાં સોની શાહ કહે છે, ‘અનુભવો તો બાળકને શીખવવાના જ છે. વારસામાં વ્યક્તિ બીજું કંઈ આપે કે ન આપે, અનુભવોનું ભાથું ચોક્કસ પોતાનાં બાળકોને આપે એ અનિવાર્ય છે. જોકે એ વારસાને આપવાનું કઈ રીતે એ સમજવાનું છે. દરેક માતા-પિતાએ પોતાના બાળક જોડે પોતાના જીવનના અનુભવો શૅર કરતી વખતે સમજાવવું જરૂરી છે કે મારી સાથે આવું થયું હતું, અહીં મારી ભૂલ હતી, મને પહેલેથી ખબર હોત તો હું આવી ભૂલ ન કરત. એ સમયે તમારી માનસિક હાલત કેવી થઈ હતી એ પણ તેને કહી શકાય. પછી એ બાળક પર નિર્ણય છોડી દેવો. બાળકે શું કરવું અને શું ન કરવું એ તેનો નિર્ણય હોવો જોઈએ. ૧૨ વર્ષથી નાનાં બાળકો કદાચ જાતે નિર્ણય ન લઈ શકે તો તેમને સમજાવીને આગળ વધી શકાય, પણ ૧૨ વર્ષથી મોટા બાળકનાં માતા-પિતાએ એવું નથી સમજવાનું કે બાળક નાદાન છે અને તેને સમજ નહીં પડે. જો તેને સમજ ન પડે તો સમજ પાડો, પણ નિર્ણય તેને લેવા દો.’

નિર્ણય બાળક લે ત્યારે...

આ રીતમાં એક મહત્ત્વની વાત એ પણ છે કે જ્યારે બાળક નિર્ણય લે કે તેને શું કરવું છે તો એ નિર્ણયમાં તેને પૂરો સાથ આપો એમ સમજાવતાં સોની શાહ કહે છે, ‘બાળકના પડખે ઊભા રહેવું જરૂરી છે. જો તે તમારા અનુભવમાંથી શીખીને એ તરફ આગળ ન વધે તો ઠીક છે; પણ છતાંય તે વિચારે કે ના, હું એ કામ કરી શકીશ, મને તકલીફ નથી તો એ નિર્ણયનું સન્માન પણ તમારે કરવું, તેને સાથ તમારે આપવો. આ સમયે નિરાશ ન થાઓ કે તમે આટલું સમજાવ્યું છતાં બાળક એ જ ભૂલ કરે છે. ઊલટું હિંમત બતાવો અને આશા રાખો કે તમારી સાથે જે થયું એ બાળક સાથે નહીં થાય, કારણ કે તમે તેની સાથે છો. અને જો એવું જ થયું તો પણ એ ખરાબ અનુભવને સારી રીતે ટૅકલ કરવામાં પણ તમે તેનો સાથ આપજો. અહીં તેને એ કહેવાની જરૂર નથી કે મેં તને કહેલું. ખરું પેરન્ટિંગ આ છે.’

relationships life and style lifestyle news columnists