30 June, 2026 03:37 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
આ કપલ ગેમ તમે રમી છે ખરી? પાર્ટનરનો ફેવરિટ રંગ, ફેવરિટ ફૂડ, ફેવરિટ ઍક્ટર, ફેવરિટ ટ્રાવેલ-ડેસ્ટિનેશન જેવા મૂળભૂત લાગતા સવાલોના જવાબ મોટા ભાગે રિલેશનશિપમાં અમુક મહિનાઓ કે એક-બે વર્ષ વિતાવી ચૂકેલા લોકો ધડાધડ આપી દેતા હોય છે; પરંતુ એકસાથે ૧૦-૨૦ વર્ષ સહજીવન ગાળ્યા પછી આવા સવાલોના જવાબ અઘરા બની જતા દેખાય છે. સંબંધની શરૂઆતમાં આવા સવાલોના જવાબ પર્ફેક્ટ આપી શકાય છે, પણ વર્ષો સાથે રહ્યા બાદ એકબીજાને નખશિખ ઓળખતા લોકો આવા બેઝિક સવાલોના જવાબ કેમ નથી આપી શકતા?
કૉકટેલ 2’ ફિલ્મમાં રિલેશનશિપ વિશે ઘણી સુંદર અને ઊંડાણપૂર્વકની વાત કરવામાં આવી છે. દેખાવમાં મૉડર્ન દેખાતી સ્ટોરીમાં માનવીય મૂલ્યો અને પ્રેમની ગરિમા અકબંધ જળવાઈ રહે છે જેનાથી વધુ હર્ષ બીજો ન હોઈ શકે. એમાં એક સીન છે જેમાં ૧૫-૧૬ વર્ષથી એકબીજાને પ્રેમ કરતાં, ઘણાં વર્ષોથી લિવ-ઇનમાં રહેતાં કુણાલ (શાહિદ કપૂર) અને દિયા (રશ્મિકા મંદાના) લગ્ન કરી રહ્યાં હોય છે ત્યારે લગ્ન પહેલાં તેમનાં મન ઠીક કરવા માટે તેમને એક રમત રમાડવામાં આવે છે. આ રમત અમેરિકન ટીવી-શોની આપણને ભેટ છે. ‘હાઉ વેલ યુ નો ઈચઅધર?’ એટલે કે તમે બન્ને એકબીજાને કેટલી સારી રીતે જાણો છો એનું જજમેન્ટ લગાવી શકાય એવી એક ગેમ. આ રમત આપણે ત્યાં છેલ્લાં ઘણાં વર્ષોથી મોટા ભાગનાં લગ્નોમાં એક ટ્રેન્ડ બની ચૂકી છે. આ ગેમમાં વ્યક્તિનો ફેવરિટ રંગ, ફેવરિટ ટ્રાવેલ-ડેસ્ટિનેશન, ફેવરિટ ફૂડ, ફર્સ્ટ કિસ જેવા મૂળભૂત પ્રશ્નો પૂછવામાં આવે છે. બન્નેને એકબીજાની આવી નાની-નાની બાબતો કેટલી ખબર છે અને શરૂઆતની એ બાબતો કેટલી યાદ છે એ જણાવવાની લોકોને મજા પડે છે. એમાં કશું કોઈ ભૂલી જાય તો લોકોને ગેલ પડે છે અને જો બધું જ આવડતું હોય તો કપલને પર્ફેક્ટ ફૉર ઈચઅધર માની લેવામાં આવે છે. પિક્ચરમાં આ રમતમાં થાય છે એવું કે શાહિદ અને રશ્મિકા એકબીજા વિશે આ નાની-નાની બાબતોનો જવાબ નથી આપી શકતાં. પરિવારજનોની સાથે તે બન્ને પણ વિચારમાં પડી જાય છે કે ખરેખર આપણે એકબીજા માટે બરાબર છીએ કે નહીં? રશ્મિકા તો માની જ લે છે કે શાહિદને હવે તેનામાં રસ નથી અને તે ફક્ત જવાબદારી પૂરી કરવા માટે તેની સાથે લગ્ન કરી રહ્યો છે. આ પરિસ્થિતિ આમ તો પોતે જ ઘણું બધું કહી જાય છે. આવું રિયલ લાઇફમાં પણ કપલ્સ સાથે જોવા મળે છે.
તેણે મને વૅલેન્ટાઇન્સ ડે પર ૧૨ વાગ્યે વિશ કેમ ન કર્યું? તેને ખબર છે કે મને કઢી જરાય નથી ભાવતી તો પણ ટિફિનમાં કેમ મૂકી? તેને ખબર છે કે હું ફલાણી બ્રૅન્ડનાં જ કપડાં પહેરું છું તો ગિફ્ટમાં એ જ આપવું જોઈએને! તેને ખબર છે કે મને ઑરેન્જ ફ્લેવર જરાય પસંદ નથી તો પણ એ જ ફ્લેવરનો ગોલો મને ખવડાવે. તેને તો યાદ જ નથી કે પહેલી વાર અમે મળ્યાં ત્યારે મેં શું પહેર્યું હતું. મારા બધા મિત્રો જાણે છે કે મને લૅવન્ડર પકફ્યુમની સુગંધથી ભયંકર ચીડ છે તો પણ ઍર-ફ્રેશનરમાં આ સુગંધ કેમ લઈ આવી તે? આવી તો અઢળક નાની-નાની દેખાતી ક્ષુલ્લક બાબતો રિલેશનશિપમાં એકબીજાને હર્ટ કરી દેતી હોય છે. એ સમજાય એવી બાબત છે કે આ નાની-નાની બાબતો એકબીજાની ખબર હોય તો એમ લાગે કે સામેવાળી વ્યક્તિને મારી કેટલી ગણના છે! પણ પ્રેમ, સંબંધ અને એકબીજા પ્રત્યેની લાગણી આવી નાનકડી માહિતીઓથી ઘણી પરે છે. એ ત્યારે સમજાય છે જ્યારે પ્રેમમાં તે વ્યક્તિ સાથે વર્ષો વિતાવ્યાં હોય. ફિલ્મમાં કંઈક આવી જ વાત છેલ્લે પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ દેખીતી ક્ષુલ્લક બાબતો અને પ્રેમમાં એનું સ્થાન શું છે એ સમજવાની કોશિશ કરીએ.
સામાન્ય રીતે જોવા મળે છે કે જે બે વ્યક્તિઓનો સંબંધ હજી શરૂ જ થયો હોય, જેમ કે હજી મળ્યાને અમુક મહિના થયા હોય કે એક-બે વર્ષ થયાં હોય તો એવી વ્યક્તિઓને એકબીજા વિશે આવી ઘણીબધી ખબર હોય છે. એ વિશે વાત કરતાં રિલેશનશિપ એક્સપર્ટ અને સાઇકોલૉજિસ્ટ સોની શાહ કહે છે, ‘કોઈ પણ સંબંધની શરૂઆતમાં એકબીજાને ઓળખવા માટે નાના-નાના પ્રશ્નો જરૂરી થઈ જાય છે. એટલે વાતચીતનો ભાગ જ આ નાના-નાના પ્રશ્નો હોય છે. પછી આગળ જતાં વિષયો બદલાય છે. જેમ કે તને કઈ ચૉકલેટ ભાવે એ પૂછવું જરૂરી છે અને પછી જ્યારે તે વ્યક્તિને એ ચૉકલેટ ગિફ્ટમાં આપો તો તેને આનંદ થાય કે મારી ચૉઇસની પરવા છે. મને પોરણપૂરી ખૂબ ભાવે એવું જ્યારે છોકરો કહે અને છોકરી એ બનાવતાં શીખે અને પહેલી વાર તે છોકરા માટે બનાવેલી પોરણપૂરીની કિંમત હોય. તમે એકબીજા માટે શું કરી શકો છો? એ પ્રશ્નના જવાબો આ નાની-નાની બાબતોમાંથી મળે છે એટલે એ એક સમયે ઘણી ઉપયોગી અને મહત્ત્વની બની જતી હોય છે.’
જો લાંબા ગાળાના સંબંધમાં બન્ને વ્યક્તિઓ એકબીજાને પૂરી રીતે સમજી ચૂકી હોય ત્યારે નાની-નાની બાબતો કઈ રીતે ભુલાઈ જાય છે કે કઈ રીતે અજાણ બની જવાય છે? આ પ્રશ્નનો જવાબ આપતાં સોની શાહ કહે છે, ‘તમને એકબીજા વિશે વધુ ખબર હોવી એટલે એકબીજાનો સ્વભાવ અને એકબીજાની પ્રાથમિકતા ખબર હોવી. જીવન કઈ રીતે જીવવા માગીએ છીએ, શું કરવા માગીએ છીએ,
પરિવાર વિશે શું વિચારીએ છીએ, બાળકોને કઈ રીતે મોટાં કરવાં છે એ બધું એકબીજા વિશે કપલ્સ સમજતાં હોય છે. એમાં આવી બાબતો કે તને રેડ ગમે કે ગ્રીન, કે તને ‘કુછ કુછ હોતા હૈ’ ગમે કે ‘કભી ખુશી કભી ગમ’, તને દીપિકા ગમે કે આલિયા, તને સંગીતમાં વધુ રસ પડે કે ચિત્રમાં આ બધું એટલું બધું ગૌણ બની જતું હોય છે કે એક સમયે એ ખબર હોય પણ પછી બધું બદલાતું જાય છે. આવા પ્રશ્નોમાં કન્ફયુઝ થઈ જનાર વ્યક્તિને એમાં બિલકુલ કન્ફયુઝન નથી હોતું કે તેના પાર્ટનરને રાત્રે જમવામાં મોડું થાય તો ઍસિડિટી થાય છે કે નહીં. આમ પરિપક્વતા એટલે આવી જાય છે કે આ બાબતો ઘણી ક્ષુલ્લક બની જતી હોય છે.’
ઘણા લોકો એવા છે કે વર્ષો પછી પણ આવી નાની-નાની બાબતોને ઘણું મહત્ત્વ આપીને મનમાં દુખી થાય છે કે પહેલાં જેવો ચાર્મ નથી રહ્યો અને એવું પણ કહેતા હોય છે કે હવે મારા પાર્ટનરને મારી કદર નથી કે હવે અમારી વચ્ચે પહેલાં જેવો પ્રેમ નથી. આ પરિસ્થિતિ સમજાવતાં સોની શાહ કહે છે, ‘અમારી પાસે રિલેશનશિપ કાઉન્સેલિંગ કરવા માટે ઘણા લોકો આવે છે. એમાંથી અમુક લોકોની આ ફરિયાદ હોય છે. હકીકતમાં જ્યારે પ્રેમ જૂનો થાય ત્યારે એ પરિપક્વતા આવે છે કે આ બાબતો ગૌણ બની જાય છે એ સમજવું જરૂરી છે. જો એ પરિપક્વતા પછી પણ આ બાબતો મોટી લાગે અને આ બાબતોની સતત ફરિયાદો હોય તો સમજવાનું એ છે કે વ્યક્તિને કોઈ બીજો પ્રશ્ન છે. તેની તકલીફ જુદી છે. સંબંધો દેખાય છે સરળ, હોય છે કૉમ્પ્લેક્સ એટલે એની ગુથ્થી ઉકેલવી પડે છે. મારો અનુભવ એ જ કહે છે કે જે લોકોને આવી ઝીણી-ઝીણી બાબતોની તકલીફ હોય છે તેઓ ખરેખર અંદરથી કોઈ મોટી તકલીફ અનુભવતા હોય છે. એટલે એ તકલીફને સમજવી અને ઍડ્રેસ કરવી જરૂરી બની જાય છે.’
સંબંધ જેમ આગળ વધે એમ એમાં પરિપક્વતા આવે છે. સમજણ ઘણી વધે છે. હું તને પ્રેમ કરું છું એ સાબિત કરવાની જરૂર ખાસ રહેતી નથી, સાબિત થઈ ચૂક્યું હોય છે. જતાવવાની પણ અમુક લોકોને જરૂર રહેતી નથી, કારણ કે આટલાં વર્ષો પછી એ પથ્થર પર કોતરાય એવું હૈયે કોતરાઈ ગયું હોય છે કે પ્રેમ તો છે જ બન્ને વચ્ચે. દિવસમાં ૫૦ વખત કહેવાતું આઇ લવ યુ, ફેવરિટ ડિશ કે ગુલાબના ફૂલની જરૂર રહેતી નથી. એને બદલે પત્નીના મોઢે થાક જોઈને તેને રસોઈ ન બનાવવી પડે એટલે પહેલેથી જ ઑર્ડર કરી લેતો પતિ, પતિને બિઝનેસમાં ખેંચતાણ ચાલે છે તો તેને જતાવ્યા વગર ખર્ચા ઓછી કરી નાખતી પત્ની, એકબીજાના પરિવારનું પ્રેમથી વધારે રખાતું ધ્યાન કે કશું બોલ્યા વગર આંખના ઇશારે સમજી લેવાતું કથન તેમના પ્રેમની ગવાહી આપે છે. પ્રેમ જ્યારે પરિપક્વ થાય ત્યારે એકબીજા વિશે તમને બધી જ ખબર હોય છે. જેમ કે કોઈ કહે કે તમારા પતિએ લાંચ લીધી છે તો તેની સામે પુરાવા પણ ધરો તો પણ તે એવું ન જ કરી શકે એવું તેની પત્ની જ કહી શકે. એટલે જ લગ્નનાં શરૂઆતનાં વર્ષોમાં પતિના કાન ભરી શકાય છે, પત્નીને ભડકાવી શકાય છે; પણ વર્ષો સાથે વિતાવ્યા પછી એ શક્ય બનતું નથી, કારણ કે ત્યાં સુધીમાં વ્યક્તિ સામેવાળાની રગ-રગને જાણતી થઈ જાય છે.