મને સેક્સની ઇચ્છા થાય છે પણ વાઇફને નથી થતી, શું કરવું?

12 May, 2021 11:57 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

આરામના આ સમયમાં મને સેક્સની ઇચ્છા બહુ થાય છે, પણ મારી વાઇફને ઇચ્છા થતી નથી. તેને એવું લાગે છે કે હું જે ડિમાન્ડ કરું છું એ ગેરવાજબી છે અને હવે મારે ધર્મધ્યાન તરફ વળી જવું જોઈએ.

GMD Logo

મારી ઉંમર પ૯ વર્ષની છે અને હું નિવૃત્ત બિઝનેસમૅન છું. મારા દીકરાઓ હવે મારો બિઝનેસ સંભાળે છે અને હું ઘરે આરામથી રહું છું. આરામના આ સમયમાં મને સેક્સની ઇચ્છા બહુ થાય છે, પણ મારી વાઇફને ઇચ્છા થતી નથી. તેને એવું લાગે છે કે હું જે ડિમાન્ડ કરું છું એ ગેરવાજબી છે અને હવે મારે ધર્મધ્યાન તરફ વળી જવું જોઈએ. તે આવું કહે ત્યારે મને પોતાને પણ મનમાં પાપભાવ જન્મે છે. શું આવા વિચારો મનમાં ન આવવા દેવા જોઈએ? શું નિવૃત્તિ પછી શારીરિક સંબંધો બાંધવાનું મન થાય તો એ ખરાબ કહેવાય?
દહિસરના રહેવાસી

ના, ન કહેવાય. સેક્સને કોઈ ઉંમર હોતી નથી એટલે એવું માનવું ભૂલભરેલું છે કે હવે એ વિષયના વિચારો ન આવવા જોઈએ. આ આપણે ત્યાં પ્રવર્તતી ગેરમાન્યતા છે કે બાળકો મોટાં થઈ જાય એટલે શારીરિક સંબંધો વિશે બોલવું, વિચારવું કે પછી એની માગણી કરવી એ ખોટી વાત કહેવાય. હા, માનમર્યાદા અને ઔચિત્ય ઉંમરની સાથે આવવાં જોઈએ એ પણ એટલું જ જરૂરી છે. તમારી વાતમાં કોઈ પ્રકારનો વિનયભંગ થતો હોય એવું લાગતું નથી એટલે મનમાં કોઈ પ્રકારના પાપભાવ ન રાખો. સેક્સ એ પાપ નથી.
વાઇફને ફિઝિકલ રિલેશનમાં ઇન્ટરેસ્ટ ન હોય તો તેને એ દિશામાં વાળવાનું કામ કરો અને એ ધીરજ સાથે કરો. ફોર-પ્લે વિશે તમે જાણતા હશો. ફોર-પ્લે એટલે કે સેક્સ પહેલાંની ક્રીડાથી તેના મનમાં સેક્સ માટેના ભાવ જગાડશો તો તેને પણ એમાં રસ પડશે અને તે પોતાની તૃપ્તિ  માટે સહકાર આપવાનું શરૂ કરે એવું બની શકે. આપણે ત્યાં જોવા મળ્યું છે કે મેનોપૉઝ પહેલાંનાં દોઢ-બે વર્ષ અને મેનોપૉઝ પછીનો પણ એટલો જ સમયગાળો એવો હોય છે જેમાં સ્ત્રીનો સ્વભાવ થોડો ચીડિયો થઈ જાય તો અમુક સ્ત્રીઓને સેક્સ પ્રત્યેની રુચિ બિલકુલ ઝીરો થઈ જાય. તમારી ઉંમરના આધારે અંદાજ બાંધી શકાય કે તેનો મેનોપૉઝનો પિરિયડ ચાલતો હશે. આ કુદરતી પ્રક્રિયા છે એટલે એના વિશે વધારે ચિંતિત થવાની જરૂર નથી. તેને શારીરિક સંબંધોમાં નવેસરથી જાગૃત કરવા ફોર-પ્લે પર ધ્યાન આપો.

sex and relationships columnists dr. mukul choksi life and style