આજની પેઢી છૂટાછેડાને જીવનના અંત તરીકે નહીં પણ નવા અધ્યાયની શરૂઆત તરીકે જોતી થઈ છે?

27 May, 2026 02:00 PM IST  |  Mumbai | Ruchita Shah

તાજેતરમાં ઍક્ટ્રેસ પૂજા ભટ્ટે જણાવ્યું કે ડિવૉર્સ તેના માટે સંબંધનો અંત નહોતો પરંતુ પોતાની જાતને ફરીથી શોધવાની, વ્યસનમુક્તિ તરફ આગળ વધવાની અને સાચા અર્થમાં આત્મનિર્ભર બનવાની એક સોનેરી તક હતી. આ વાત માત્ર પૂજા ભટ્ટની જ નથી. આજની ઘણી યુવતીઓના જીવનમાં લ

પ્રતીકાત્મક તસવીર

આજે ભારતીય સમાજમાં, ખાસ કરીને યુવા પેઢીમાં છૂટાછેડાને જોવાનો દૃષ્ટિકોણ બદલાયો છે. એક સમય હતો જ્યારે ડિવૉર્સને સામાજિક કલંક અને જીવનની હાર માનવામાં આવતા હતા, પરંતુ આજની પેઢી માટે ડિવૉર્સ એટલે ગૂંગળામણભર્યા સંબંધોમાંથી મુક્તિ અને નવેસરથી જીવવાનો ચાન્સ બની રહ્યા છે. તાજેતરમાં અભિનેત્રી અને ફિલ્મમેકર પૂજા ભટ્ટે એક ઇન્ટરવ્યુમાં પોતાના વ્યક્તિગત જીવનના એક અત્યંત સંવેદનશીલ પાસા વિશે ખૂલીને વાત કરી. તેણે જણાવ્યું કે તેના ડિવૉર્સ તેના માટે માત્ર એક કાનૂની પ્રક્રિયા કે સંબંધનો અંત નહોતો પરંતુ પોતાની જાતને ફરીથી શોધવાની, હકારાત્મક જીવનની દિશામાં મક્કમતાથી આગળ વધવાની અને સાચા અર્થમાં આત્મનિર્ભર બનવાની એક સોનેરી તક હતી. આ વાત માત્ર પૂજા ભટ્ટ પૂરતી મર્યાદિત નથી. એક સમય હતો જ્યારે ભારતીય સંસ્કૃતિમાં લગ્નને ૭ જન્મોનું બંધન માનીને ગમે એટલી ગૂંગળામણ હોય તો પણ એને નિભાવવાં એ જ સ્ત્રી-પુરુષની નિયતિ માનવામાં આવતી હતી. ડિવૉર્સ લેનાર વ્યક્તિને, ખાસ કરીને મહિલાને સામાજિક કલંક ગણવામાં આવતી. જોકે આજની ભણેલી-ગણેલી અને આર્થિક રીતે સક્ષમ પેઢી માટે છૂટાછેડા જીવનનો અંત નથી પરંતુ એક ખોટા સંબંધમાંથી છુટકારો અને નવી શરૂઆતનો અવસર બની રહ્યા છે. એક અગ્રણી મૅરેજ પોર્ટલ અને સામાજિક સંસ્થા દ્વારા ભારતનાં મેટ્રો શહેરોમાં થયેલા સર્વે અનુસાર છૂટાછેડા લીધેલી ૭૦ ટકાથી વધુ મહિલાઓ માને છે કે અલગ થયા પછી તેઓ આર્થિક અને માનસિક રીતે વધુ સક્ષમ બની છે અને તેમનામાં આત્મવિશ્વાસ અને વ્યક્તિગત વિકાસનો ગ્રાફ ઊંચો ગયો છે. અલગ થવું એ આઘાતને બદલે આત્મવિશ્વાસ કઈ રીતે આપી જાય અને એને સફળતાની સીડી તરીકે મહિલાઓ કઈ રીતે અમલમાં મૂકી રહી છે એ વિશે રિલેશનશિપ કાઉન્સેલર અને સાઇકોલૉજિસ્ટ દીપલ મહેતા સાથે વિગતવાર ચર્ચા કરીએ.

આવું શું કામ?

લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સના એક રિસર્ચ મુજબ ખરાબ લગ્નજીવન ખેંચવા કરતાં છૂટાછેડા લઈ લેનારા લોકો, ખાસ કરીને મહિલાઓ લાંબા ગાળે વધુ સુખી અને માનસિક રીતે સ્વસ્થ હોવાનું સર્વેક્ષણમાં બહાર આવ્યું છે. દીપલ મહેતા કહે છે, ‘છૂટાછેડા એ કોઈ આનંદની બાબત નથી, પણ જ્યારે કોઈ સંબંધ નરક બની જાય ત્યારે એમાંથી બહાર નીકળીને પોતાની જાતને પ્રેમ કરવો, આત્મનિર્ભર બનવું એ વાત હવે સહજ બનતી જાય છે. હવેની પેઢી વિક્ટિમ બનીને રહેવા કરતાં પોતાના જીવનની સ્ક્રિપ્ટ જાતે લખવામાં માને છે. તેઓ લગ્નજીવનમાં કડવાશ ખેંચવા કરતાં સન્માનપૂર્વક અલગ થવાનો નિર્ણય લઈ શકે છે કારણ કે હવે મહિલાઓ આર્થિક રીતે સશક્ત થઈ શકે છે એવો આત્મવિશ્વાસ તેમનામાં જાગ્યો છે. તેમના પરિવારનો તેમને સપોર્ટ છે. પહેલાંના સમયમાં મોટા ભાગની મહિલાઓ આર્થિક રીતે પતિ કે સાસરિયાં પર નિર્ભર હતી. આ જ કારણે ત્રાસ હોવા છતાં તેઓ ઘર છોડી શકતી નહોતી. આજે સ્ત્રીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી રહી છે, કૉર્પોરેટ સેક્ટરમાં અગ્રણી હોદ્દાઓ સંભાળી રહી છે અને પોતાના દમ પર ઘર ચલાવી શકે છે. આ આર્થિક સ્વતંત્રતા તેમને પોતાના આત્મસન્માન સાથે સમાધાન ન કરવાની હિંમત આપે છે. બીજા નંબરે આજની યુવા પેઢી લોકો શું કહેશે એ ડરમાં નથી. તેમના માટે માનસિક શાંતિ અને ખુશી સૌથી વધુ મહત્ત્વની છે. જો કોઈ સંબંધ સતત તનાવ, ડિપ્રેશન કે નકારાત્મકતા આપતો હોય તો એને આખી જિંદગી ઢસડવા કરતાં એમાંથી બહાર નીકળવું તેમની દૃષ્ટિએ વધુ તાર્કિક માનવામાં આવે છે. બીજું, આજના લગ્નજીવનમાં યુવતીઓ માત્ર એક ગૃહિણી કે આજ્ઞાકારી વહુ બનીને રહેવા નથી માગતી. તેઓ સંબંધમાં સમાન આદર, કરીઅર સપોર્ટ અને ઇમોશનલ પાર્ટનરશિપ ઇચ્છે છે. જ્યારે આ અપેક્ષાઓ સંતોષાતી નથી અને એને બદલે અહમનો ટકરાવ થાય છે ત્યારે ડિવૉર્સનો માર્ગ લેવાય છે. મારી પાસે એવા અઢળક કિસ્સાઓ છે જેમાં ડિવૉર્સ પછી મહિલાઓ ફિટનેસ, કરીઅર કે અધૂરાં સપનાં પૂરાં કરવા તરફ વળી હોય.’

જ્યારે નિર્ણય લેવાય

પોતાની પાસે આવેલા કેટલાક કેસ-સ્ટડીઝ વિશે દીપલબહેન ચર્ચા કરતાં વાતને આગળ વધારે છે અને કહે છે, ‘એક બહુ જ મજાનું કપલ જેમનાં લગ્નને ત્રણેક વર્ષ થયાં હતાં. તેમને જોઈને દૂરથી કોઈ આદર્શ કપલ જ માને, પણ તેમણે જુદા થવાનો નિર્ણય લીધો. વાઇફે એક પૉઇન્ટ પછી નક્કી કરી લીધું કે હવે તે હસબન્ડ સાથે અલગ થશે. હસબન્ડ એક અગ્રણી ફૅશન ટીવીનો CEO હતો અને વાઇફને પણ તેણે ત્યાં જ એક પોઝિશન આપી દીધી હતી. પોતાનું બધું જ ભૂલીને વાઇફ હસબન્ડની ઇર્દ-ગિર્દ હતી. જોકે ધીમે-ધીમે તેને સમજાઈ રહ્યું હતું કે તેણે પોતાનાં સપનાં, મિત્રો, પરિવાર અને અંગત જીવનની તમામ પસંદ-નાપસંદ જે વ્યક્તિ માટે છોડી દીધી હતી તે વ્યક્તિની પ્રાયોરિટીમાં પોતે ક્યાંય નીચે છે અને કૉમ્પ્રોમાઇઝ હવે નહીં કરી શકાય એવું સ્ટ્રૉન્ગલી લાગ્યું એટલે તેણે અલગ થવાનો નિર્ણય લીધો. અફકોર્સ તેના માટે એ અઘરું હતું અને ડિપ્રેશન જેવી સ્થિતિમાં આવી ગઈ હતી અને એ માટે જ આખો કિસ્સો મારી પાસે આવ્યો હતો. પોતાનું બધું જ સૅક્રિફાઇસ કર્યા પછી નવેસરથી જીવવાનું શરૂ કરવાનું હતું. તેણે આર્ટ કોર્સ કર્યા. થોડાક દિવસ હૃષીકેશ જઈને થોડોક સમય જાત સાથે વિતાવ્યો. ફરી ધીમે-ધીમે તેની જેમાં માસ્ટરી હતી એવું માર્કેટિંગનું કામ શરૂ કર્યું. આજે તે બહુ જ ખુશ અને આત્મસંતુષ્ટ છે.’

ડિપેન્ડન્સી અને ડર

મહિલાઓ હવે હિંમતથી છૂટાછેડા લઈને પોતાને ફરીથી શોધવાની દિશામાં આગળ વધી રહી છે એ વાત સાચી, પણ હજીયે ટકાવારી જુઓ તો નંબર ખૂબ નાનો છે. દીપલ મહેતા કહે છે, ‘ઓછું ભણેલી અને ખૂબ ભણેલી એમ બન્ને પ્રકારની ઘણી મહિલાઓ છે જેમનાં લગ્ન માત્ર નામનાં બચ્યાં છે પરંતુ પછીયે તેઓ એને છોડવા તૈયાર નથી, કારણ કે એક પ્રકારની ડિપેન્ડન્સી અને સોશ્યલ સ્ટેટસથી હજી પણ તેઓ બંધાયેલી છે. કોઈની વાઇફ, મમ્મી, વહુ તરીકે સામાજિક દબદબો રહે અને કેટલાક કેસમાં એવું પણ બને છે કે નહીં ભલે હું કમાઉં, પણ હવે હું તેના વગર નહીં રહી શકું એમ કહીને લગ્નમાં દુખી થતા રહેવાનું પસંદ કરતી મહિલાઓ પણ છે. જેમ કે એક લેડી જેને વારંવાર પૅનિક અટૅક આવતા એટલે કાઉન્સેલિંગ માટે મારી પાસે આવી. મને કહે કે હસબન્ડનું અફેર છે અને હવે તો ખુલ્લેઆમ તે બીજી સ્ત્રી સાથે મારી સામે વાતો કરે છે. મેં ડિવૉર્સનું કહ્યું તો કહે કે નહીં, હવે હું ડિવૉર્સ નહીં લઈ શકું કારણ કે એક આદત પડી ગઈ છે. હસબન્ડ મારી સાથે જ રહે છે અને તે પણ સોશ્યલ સ્ટેટસ માટે બીજી સ્ત્રી સાથે લગ્ન નહીં કરે એટલે આ સંબંધ આમ જ ચાલશે તો પણ વાંધો નહીં. તેણે એ વાત સ્વીકારીને જ્યારે સ્ટ્રેસ કે પૅનિક અટૅક આવે તો દવા લઈને કામ ચલાવવાનું નક્કી કર્યું પણ સંબંધ તોડવાનું નથી વિચાર્યું. એમાં તો તે બહેન પોતે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે અને એક સારી ફર્મમાં કામ કરે છે, પણ હું તેના વગર કેવી રીતે રહી શકીશ એ ડરને કારણે તે જુદા થવાનો નિર્ણય લેવામાં પાછી પડે છે. બીજી બાજુ એવાં પણ કપલ જોયાં છે જેઓ સંતાનોનાં લગ્ન થઈ ગયા પછી છૂટાછેડા લે છે અને નક્કી કરે છે કે ભાઈ, એકબીજા સાથે બહુ ઍડ્જસ્ટ કરી લીધું, હવે તું તારી રીતે જીવ અને મારી રીતે મને જિંદગી જીવવા દે. જીવન એક વાર મળ્યું છે અને પોતાને મજા આવે એવી રીતે જીવવાનો દરેકને હક છે એ વાત ઘણી મહિલાઓને સમજાઈ રહી છે, પણ નિર્ણય લેવાની બોલ્ડનેસ હજી બધામાં નથી આવી.’

છૂટાછેડા પછી નવી જિંદગીની શરૂઆત કેવી રીતે કરવી?

ભૂતકાળમાં જે થયું એ માટે ન તો પોતાની જાતને દોષ આપો, ન તો એક્સ-હસબન્ડ પ્રત્યે નફરત કે બદલાની ભાવના રાખો. નકારાત્મકતા તમારી ઊર્જાને નષ્ટ કરે છે. ભૂતકાળને એક કડવો પાઠ માનીને સ્વીકારી લો.

સિંગલ લાઇફમાં આર્થિક સુરક્ષા સૌથી મહત્ત્વની છે. તમારા ખર્ચાઓનું આયોજન કરો, સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ પર ધ્યાન આપો જેથી કોઈની સામે હાથ ફેલાવવો ન પડે.

તમને જે વસ્તુઓ ગમતી હતી પણ લગ્નજીવનના દબાણમાં છૂટી ગઈ હતી એને ફરીથી શરૂ કરો. નવી પ્રવૃત્તિઓ મગજને સકારાત્મક દિશા આપે છે.

જો માનસિક રીતે એકલતા કે સ્ટ્રેસ અનુભવાતું હોય તો કોઈ સારા સાઇકોલૉજિસ્ટની મદદ લેવામાં અચકાવું નહીં. તમારા હિતેચ્છુ મિત્રો અને પરિવાર સાથે તમારી લાગણીઓ શૅર કરો.

આ ભૂલ ન થાય એ જોજો

નવી શરૂઆત અથવા આઝાદીના આકર્ષણમાં આવીને નાની-નાની વાતોમાં સીધો ડિવૉર્સનો નિર્ણય લેવો એ મૂર્ખામી છે. દરેક લગ્નજીવન શરૂઆતમાં સમય અને સમજણ માગે છે. સંબંધને સુધારવા માટે કાઉન્સેલિંગ અને મધ્યસ્થતાની પૂરી તક મળવી જ જોઈએ.

ઇન્સ્ટાગ્રામ પર દેખાતી હૅપી સિંગલ લાઇફ કે ડિવૉર્સ સેલિબ્રેશન વાસ્તવિકતા કરતાં અલગ હોઈ શકે છે. કાગળ પર છૂટાછેડા જેટલા સરળ લાગે છે; વાસ્તવિક જીવનમાં કાનૂની લડાઈઓ, કોર્ટનાં ચક્કર, નાણાકીય કટોકટી અને એકલતાનો સામનો કરવો અત્યંત પીડાદાયક હોય છે. એ માટે પ્રચંડ માનસિક મજબૂતીની જરૂર પડે છે.

કોઈ પણ સંબંધ જ્યારે તૂટે છે ત્યારે તે પોતાની પાછળ એક ખાલીપો છોડી જાય છે. ભલે તમે ગમે એટલા મૉડર્ન હો પણ એક સમયે જેની સાથે જીવન શૅર કર્યું હતું તેનાથી અલગ થવાનું દુઃખ કુદરતી છે. આ દુઃખને સ્વીકાર્યા વિના જો સીધા જ નવા અધ્યાયના નામે સેલિબ્રેશન શરૂ કરી દેવાય તો લાંબા ગાળે ઍન્ગ્ઝાયટી કે ડિપ્રેશન આવી શકે છે.

relationships celebrity divorce sex and relationships life and style lifestyle news columnists ruchita shah