લગ્ન પહેલાં જ ફિયાન્સે પૂછે છે કે તું શું લાવવાની છે?

27 August, 2021 09:47 AM IST  |  Mumbai | Sejal Patel

તમે કંઈ પ્લાન કર્યું છે? મને સવાલ એ છે કે જો તેને કંઈ જોઈતું ન હોય તો શું આપવાના છે એવું કૂતુહલ કેમ? શું મારે આને અલાર્મ સમજવો જોઈએ?

પ્રતીકાત્મક તસવીર

 હું મિડલ-ક્લાસ પરિવારની છોકરી છું. હું જેને પ્રેમ કરતી હતી એ જ છોકરા સાથે અરેન્જ્ડ મૅરેજ થવાનાં છે. જ્યારે હું ડેટ કરતી હતી ત્યારની વાત અલગ હતી, પણ મૅરેજ નક્કી થયાં પછી મને બૉયફ્રેન્ડનું વર્તન ખૂબ વિચિત્ર લાગી રહ્યું છે. ઇન ફૅક્ટ, તેનું ફૅમિલી મારા કરતાં આર્થિક રીતે મજબૂત છે અને છતાં તેની ફૅમિલી તરફથી હું તેમના ઘરે કરિયાવરમાં કંઈક લાવું એવી ઇચ્છા હોય એવા સિગ્નલ્સ મળી રહ્યાં છે. મારાં લગ્નની તારીખ પણ નક્કી નથી થઈ, પણ તેની મમ્મી મને કહે છે કે હું તો નોકરી કરતી હતી ત્યારે મારાં સાસુના હાથમાં આખો પગાર આપી દેતી હતી. મારો ફિયાન્સે પણ કહે છે કે મારે કંઈ જ તારું જોઈતું નથી, પણ તારા પપ્પા તેમની ખુશી માટે તને શું આપવાના છે? તમે કંઈ પ્લાન કર્યું છે? મને સવાલ એ છે કે જો તેને કંઈ જોઈતું ન હોય તો શું આપવાના છે એવું કૂતુહલ કેમ? શું મારે આને અલાર્મ સમજવો જોઈએ?

પહેલી નજરે ફિયાન્સેનો આવો સવાલ સહજ અને નિર્દોષ હોય એવું જણાતું નથી, પણ જ્યારે તે સીધું કોઈ માગણી નથી મૂકતો ત્યારે તેની પર શંકા જન્માવીને સંબંધને કડવો કરી નાખવાનું યોગ્ય નથી. જ્યારે પણ ખુશીથી કંઈક આપવાની ઇચ્છાની વાત નીકળે ત્યારે તમારે બહુ સ્ટ્રૉન્ગલી સ્ટૅન્ડ લેવું કે મારા પપ્પા મને આપવા ઇચ્છતા હોય તો પણ મારે એક રૂપિયો પણ નથી લેવો. તમારે ફિયાન્સે સાથે બેસીને આ વિશે વાત પણ કરવી જોઈએ કે હું પપ્પા પાસેથી કશું જ લેવા નથી માગતી અને તેઓ આપે તોપણ આદરપૂર્વક મારે તેને નકારવું છે. તેઓ પરાણે આપે તો મારી ઇચ્છા એમાંથી કંઈક સદકાર્ય કરવાની છે. તમે જ્યારે આવું સ્ટૅન્ડ લેશો ત્યારે તેની મંશા શું છે એ બહાર આવશે. 
લગ્નની તારીખ નક્કી થાય એ પહેલાં જ તમારે વાતવાતમાં જ એ સ્પષ્ટતા કરી લેવી જોઈએ કે શું તમારો બૉયફ્રેન્ડ તેને પહેરેલા કપડે સ્વીકારવા તૈયાર છે? તે જ નહીં, તેનો આખો પરિવાર એ માટે તૈયાર છે કે નહીં? વાતને બહુ નજાકતથી મૂકશો તો તેમના દિલમાં શું છે એ બહાર આવી જશે. જો દિલ સાફ હોય તો વાંધો નથી, પણ જો એમાં ખોરી દાનત દેખાતી હોય તો હજી કંઈ મોડું નથી થયું. લગ્ન વિશે ફેરવિચારણા કરી લેવી જોઈએ. 

sex and relationships columnists