02 May, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પારસી કમ્યુનિટી સાથે જે થયું એ કચ્છી કમ્યુનિટી સાથે પણ થાય એવું આપણે ઇચ્છીએ છીએ? અત્યારે સમાજની સ્થિતિ જુઓ અને એક-એક પરિવારમાં જુવાન દીકરા-દીકરીઓની જે માનસિકતા ડેવલપ થઈ રહી છે એ ચિંતા ઉપજાવનારી છે. કચ્છી સમાજે માત્ર પોતાનો જ નહીં પણ સામાજિક સંપન્નતાઓ પણ વિચાર કર્યો છે અને અઢળક દેરાસરો, ઉપાશ્રયો, સ્કૂલ, હૉસ્પિટલો, સૅનેટોરિયમ વગેરે પણ ઊભાં કર્યાં છે. ખૂબ મહેનત અને ધનના યોગદાનથી ઊભી થયેલી આ વિરાસતની સંભાળ કોણ રાખશે વસ્તી નહીં હોય તો?
યુવાપેઢીમાં વધી રહેલું લગ્ન ન કરવાનું ચલણ, લગ્ન કરે તો બાળકો નથી જોઈતાં અને બાળક હોય તો પણ વધુમાં વધુ એક. આ સ્થિતિમાં આવતાં પચીસ વર્ષ પછી સમાજની શું સ્થિતિ હશે? ઘટી રહેલી વસ્તીના આ પ્રશ્નને હવે જો મહત્ત્વ નહીં આપીએ તો પછી પસ્તાવા સિવાય કંઈ નહીં રહે. વસ્તી વધે નહીં તો પણ અત્યારે જેટલી છે એટલી અકબંધ રહે એના માટે પણ જાગૃતિ આવવી જોઈએ. અમારા જ સમાજના એક ગામ દ્વારા ‘હમ દો, હમારે તીન’ની સ્કીમ શરૂ કરવામાં આવી હતી. હવે અમારા આખા મહાજને આ સ્કીમને પદ્ધતિસર લૉન્ચ કરવાનું નક્કી કર્યું છે. એ વાત અમે સમજીએ જ છીએ કે એક મધ્યમવર્ગીય પરિવાર માટે આવકનો પચીસ ટકા ખર્ચ તો બાળકના ભણતર પાછો જતો રહે છે અને એવામાં જો તે બે કે ત્રણ બાળકો કરે તો તેની આખી ઇન્કમ સાફ થઈ જાય. એટલે જ બીજા બાળકના ઉછેર ખર્ચ પેટે દસ લાખ મહાજન આપશે. ત્રીજું બાળક કરશે તો તેને પણ દસ લાખ મહાજન આપશે.
એજ્યુકેશન અને મેડિકલમાં તો કચ્છી સમાજ દ્વારા સમાજના લોકોને રાહતદરે અઢળક સેવાઓ ઉપલબ્ધ છે જ. કોરોના પછી એક વ્યાપક મેડિકલ કૅમ્પની સ્કીમ લૉન્ચ કરી છે જેમાં ૪૨૦૦ રૂપિયાની ટેસ્ટ માત્ર ૨૦૦ રૂપિયાના ટોકન અમાઉન્ટમાં કરી આપવામાં આવે છે. અત્યાર સુધી બારથી પંદર કૅમ્પ થઈ ગયા છે અને કુલ ચાલીસ આવા કૅમ્પ કરીશું અને આવતા વર્ષે પણ ફરી વાર આ કૅમ્પ થાય અને એ જ લોકોનું સ્ક્રીનિંગ થાય એવા પ્રયાસો પણ રહેશે. ટૂંકમાં વસ્તી વધે અને મૃત્યુદર ઘટે એ માટેના પણ પ્રયાસ ચાલુ છે.
ખૂબ જ પદ્ધતિસર એક આખી ટીમ બનાવીને પચીસથી પાંત્રીસ વર્ષની ઉંમરના એજગ્રુપના યંગસ્ટર્સનું કાઉન્સેલિંગ કરવાનો પ્લાન છે. એરિયાવાઇઝ કાઉન્સેલિંગ કરીશું. તેમને સમજાવીશું કે ઉંમરના એક તબક્કે બાળક નહીં હોવાનો અફસોસ થશે. પરિવાર ખાલી લાગશે. આર્થિક રીતે સપોર્ટ કરવા માટે મહાજન તેમની સાથે છે એ વિશ્વાસ તેમનામાં જગાડવાનો છે. અત્યારે લગભગ દોઢથી પોણાબે લાખ કચ્છીઓની વસ્તી છે.
- વિજ્ઞેશ ભેદા