નિવૃત્તિ પછીનો ખાલીપો: સુષુપ્ત વિચારોને રચનાત્મકતા તરફ કેવી રીતે વાળવા જોઈએ?

15 June, 2026 01:56 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

એક વાત યાદ રાખજો કે સેક્સ્યુઅલ થૉટ્સની એનર્જી પ્રકૃતિની સૌથી શક્તિશાળી ઊર્જા છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

વાત આ વીક-એન્ડની છે. એક જાણીતી બૅન્કના રિટાયર્ડ મૅનેજરને મળવાનું થયું અને તેમણે પોતાના મનની વાત કહી. તેમના અવાજમાં, તેમના શબ્દોમાં બહુ ક્ષોભ હતો. તેમનું કહેવું હતું કે જૉબ ચાલુ હતી એ દરમ્યાન એટલો વ્યસ્ત રહેતો કે મનમાં બીજા કોઈ વિચારો નહોતા આવતા; પણ હવે રિટાયરમેન્ટ પછી મોટા ભાગનો સમય ફ્રી હોઉં છું, જેમાં જાતીય વિચારો વારંવાર આવે છે.

ક્યારેક ઇન્ટરનેટ કે સોશ્યલ મીડિયા પર પણ મન ભટકી જાય અને પછી તરત મનમાં ડર લાગે કે આ ઢળતી ઉંમરે મારી માનસિકતા કેમ આવી થઈ રહી છે. તેમનો મુદ્દો હતો કે આ પ્રકારની માનસિકતામાંથી કેમ બહાર આવવું?

આ મૂંઝવણ માત્ર તે મૅનેજરની જ નહીં, નિવૃત્તિએ પહોંચેલા અનેક વડીલ-મિત્રોની પણ છે જેઓ આ વિષય પર ખૂલીને વાત નથી કરી શકતા. જ્યાં સુધી વ્યક્તિ પ્રોફેશનલ લાઇફમાં વ્યસ્ત હોય છે ત્યાં સુધી તેના વિચારો ડાઇવર્ટ થયેલા રહે છે, પણ નિવૃત્તિ અને એ પછી વધતા સમયને લીધે મનનો જે હિસ્સો અત્યાર સુધી શાંત હતો એ જાગ્રત થાય છે અને દબાયેલી ઇચ્છાઓ કે વિચારો સપાટી પર આવે છે. હા, આ હકીકત છે. જ્યારે પણ વ્યક્તિ એકાંતમાં હોય ત્યારે મન વધારે ભટકે છે.

આજના ડિજિટલ યુગમાં એકલા બેસીને સ્માર્ટફોન વાપરવો એ ફ્લર્ટિંગ કે ન જોઈતી સામગ્રી તરફ ખેંચાવાનું સૌથી મોટું કારણ બનતું હોય છે એટલે અતિશય એકલા રહેવાનું ટાળવું જોઈએ. સવારે વહેલા જાગવાથી લઈને રાત્રે સૂવા સુધીની સક્રિય દિનચર્યા ગોઠવવી બહુ જરૂરી છે. શરીર અને મન જ્યારે પ્રવૃત્તિમાં હશે ત્યારે મનમાં આવતા ખોટા વિચારોથી આપોઆપ છુટકારો મળવાનો શરૂ થાય છે.

એક વાત યાદ રાખજો કે સેક્સ્યુઅલ થૉટ્સની એનર્જી પ્રકૃતિની સૌથી શક્તિશાળી ઊર્જા છે. એને બળજબરીથી દબાવવાને બદલે ક્રીએટિવ દિશામાં વાળવી જોઈએ અને એટલે જ કહેવામાં આવ્યું છે કે પ્રકૃતિના આવેગો સામે લડવા કરતાં એની દિશા બદલવી સૌથી અગત્યનો સંયમ છે.

નિવૃત્તિ પછીનો સમય બહુ મહત્ત્વનો છે. જિંદગીનો બહુ મોટો અનુભવ મેળવ્યા પછી એ દિશામાં ઘણું કામ થઈ શકે છે. સામાજિક સંસ્થા, NGO કે લાઇબ્રેરીમાં સ્વેચ્છાએ સેવા આપવાનું શરૂ કરી શકાય છે. એક વાત યાદ રાખજો કે મોટા ભાગનાં કાર્યો જાહેર જગ્યાનાં પસંદ કરવાં. આ ઉપરાંત રોજ સવાર-સાંજ વૉક પર જવું કે પ્રાણાયામ અને યોગ જેવી ઍક્ટિવિટી પણ મન પ્રફુલ્લિત અને અયોગ્ય વિચારોથી દૂર રાખે છે.

બહુ સરળ શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે મન એક ખાલી મેદાન જેવું છે. જો તમે એમાં ફૂલછોડ નહીં વાવો તો નકામું ઘાસ ઊગશે અને એ તમારા ખાલી મેદાનનું સૌંદર્ય બગાડશે. જો એવું ન થવા દેવું હોય તો તમે જ તમારા મેદાનમાં યોગ્ય વિચારોનું વાવેતર કરો.

sex and relationships relationships lifestyle news life and style columnists