લગ્ન પછી તરત જ તમને એવું ફીલ થાય છે કે આના કરતાં સિંગલ હોત તો સારું થાત?

14 May, 2026 04:33 PM IST  |  Mumbai | Kajal Rampariya

લગ્નની ઝાકમઝોળમાંથી બહાર આવ્યા બાદ પરિવારની અઢળક અપેક્ષા, લાઇફસ્ટાઇલમાં બદલાવ, કમ્ફર્ટ ઝોનનું છીનવાઈ જવું જેવી બાબતો વર અને કન્યા બન્નેને માનસિક તનાવમાં ધકેલી દે છે.

પ્રતીકાત્મક તસવીર

લગ્નની ઝાકમઝોળમાંથી બહાર આવ્યા બાદ પરિવારની અઢળક અપેક્ષા, લાઇફસ્ટાઇલમાં બદલાવ, કમ્ફર્ટ ઝોનનું છીનવાઈ જવું જેવી બાબતો વર અને કન્યા બન્નેને માનસિક તનાવમાં ધકેલી દે છે. જ્યારે ‘હું’માંથી ‘અમે’ બનવાની પ્રક્રિયા આનંદને બદલે બોજ લાગવા માંડે ત્યારે સમજવું કે આ માત્ર નવા ઘરની ગોઠવણ નથી, મનના ખૂણે પાંગરેલી એક ગંભીર સમસ્યા છે અને આ સમસ્યા લગ્નજીવન માટે ખતરો બની શકે છે....

કેસ ૧ : લગ્ન પછી અનન્યા પર્ફેક્ટ વહુ બનવાની હોડમાં સામેલ થઈ ગઈ. ૨૭ વર્ષની આ IT પ્રોફેશનલ લગ્ન પહેલાં સ્વતંત્ર અને બિન્દાસ છોકરી હતી, પણ લગ્ન બાદ અપેક્ષાઓનો બોજ આવી ગયો. સવારે વહેલી ઊઠીને રસોઈ કરે, ઘરના કામમાં સાસુને મદદ કરાવીને ૯ કલાકની ડ્યુટી કરતી હતી. ઑફિસથી ઘરે આવ્યા પછી પણ ઘરનું બાકી રહેલું કામ તેના માથે આવતું. આ દરમ્યાન તેને એવું લાગ્યું કે મારી ઓળખ જ ખોવાઈ ગઈ છે. તે અનન્યા અને સ્વતંત્ર વ્યક્તિ મટીને વહુ અને પત્ની બનીને જીવી રહી હતી. નાની-નાની વાતે દુખ થવું, ભૂખ લાગવાનું ઓછું થઈ જવું, ઑફિસના કામમાં મન ન લાગવું જેવી સમસ્યા થવા લાગી હતી.

કેસ ૨ : ૨૯ વર્ષનો રાહુલ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ છે. સમાજમાં તેનું સારું સ્ટેટસ જળવાઈ રહે એ માટે પર્સનલ લોન લઈને લગ્ન કર્યાં. ત્યાર બાદ સામાજિક વ્યવહારનો ખર્ચ તો વધ્યો; પણ મિત્રો સાથે હરવા-ફરવાનું, પોતાની મનમરજીથી ઊઠવાનું છીનવાઈ ગયું. પત્ની અને મમ્મીના સંબંધો વચ્ચે બૅલૅન્સ જાળવવામાં અને આર્થિક ખેંચતાણ વચ્ચે તેને ગૂંગળામણ થવા લાગી. કૅર-ફ્રી લાઇફ જીવતા રાહુલનું જીવન લગ્ન બાદ બદલાઈ ગયું અને તે સ્ટ્રેસમાં રહેવા લાગ્યો. પરિણામે પત્ની સાથે અણબનાવ થતો અને તેને એવું લાગતું કે મારી પત્ની જ મને સમજી નથી રહી.
બન્ને વ્યક્તિની સમસ્યાઓ અલગ છે, પણ એનું મૂળ કૉમન છે. લગ્ન પછી બદલાતી લાઇફસ્ટાઇલને કારણે આવતું ડિપ્રેશન. એકબીજા સાથે હળી-મળીને રહેવાને બદલે નાની-નાની બાબતો સંબંધોને પ્રભાવિત કરે છે, જેને કારણે લગ્નજીવનમાં રહેવાનું મન ઊડી જાય છે. આવી સ્થિતિ મોટા ભાગનાં મૅરિડ કપલ્સમાં જોવા મળે છે. સોશ્યલ લાઇફને વધુ સારી બનાવવા પ્રોફેશનલ અને પર્સનલ લાઇફનું બૅલૅન્સ ખોરવાઈ જાય છે. નિષ્ણાત પાસેથી જાણીએ પોસ્ટ-મૅરેજ ડિપ્રેશન માટે જવાબદાર પરિબળો અને એના સમાધાન વિશે.

જવાબદારીઓ વિશે અજ્ઞાનતા
યુગલો લગ્ન કરવા માટે એટલાં ઉત્સાહિત હોય છે કે તેઓ લગ્ન પછી તરત જ તેમની ભૂમિકાઓ કેવી રીતે બદલાવાની છે એ બાબતે સભાન નથી હોતાં. એની સંબંધો પર કેવી અસર પડે છે એ વિશે વાત કરતાં અનુભવી રિલેશનશિપ કોચ દીપિકા શાહ કહે છે, ‘પોસ્ટ-વેડિંગ ડિપ્રેશન માટે ઘણાં પરિબળો કારણભૂત હોય છે. લગ્ન પછી યુવતીનું જીવન બદલાય છે. જે પરિવારમાં તેનાં લગ્ન થયાં છે એનો ભાગ બનવા માટે તેણે પોતાની ઓળખ છોડી દેવી પડે છે. એની સાથે છોકરો એ ધ્યાનમાં લેતો નથી કે છોકરી જે ઍડ્જસ્ટમેન્ટમાંથી પસાર થઈ રહી છે એની અસર તેમના સંબંધો પર કેવી પડશે. ઉદાહરણ તરીકે જો સાસુ એમ કહે કે તમે કામ પર ન જઈ શકો અથવા આ રસોઈ કોઈ ખાસ રીતે જ બનાવવી પડશે અથવા અમારા ઘરે તો આવું ન ચાલે. આ બાબતો યુગલ વચ્ચે ભાવનાત્મક તનાવ પેદા કરે છે, કારણ કે છોકરી તેના પતિ પાસે જઈને ફરિયાદ કરશે કે મને તમારી મમ્મીની વર્તણૂક પસંદ નથી. તેથી એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે યુગલો ધ્યાનમાં લે કે લગ્ન પછી વસ્તુઓ કેવી રીતે બદલાવાની છે અને લગ્ન પહેલાં તેઓ જે હતાં એમાંથી તેમણે શું છોડવું પડશે. આ જ બાબત આઇડેન્ટિટી ક્રાઇસિસ ઊભી કરે છે.’

સોશ્યલ મીડિયાની દેખાદેખી
કપલ્સ વચ્ચેના રિલેશનને સોશ્યલ મીડિયા સૌથી વધુ પ્રભાવિત કરી રહ્યું છે એમ જણાવતાં દીપિકા શાહ કહે છે, ‘લગ્નનો ખર્ચ અને નાણાકીય બાબતો નવપરિણીત યુગલને અસર કરે છે એનું સૌથી મોટું કારણ એ છે કે ઘણા લોકો પર્ફેક્ટ વેડિંગ કરવાના દબાણમાં આવી જાય છે જેથી લોકો એને પસંદ કરે. જેમ કે આજકાલ ભારતીય લગ્નો ડેસ્ટિનેશન વેડિંગ કરવા, પર્ફેક્ટ મેકઅપ આર્ટિસ્ટ રાખવા, સૌથી મોંઘા લેહંગા ખરીદવા અને દેખાડો કરવા વિશે બની ગયાં છે. સોશ્યલ મીડિયા પર બીજાં કપલ્સને જોઈને થતી આ દેખાદેખીમાં લગ્નનો ખર્ચ આઉટ ઑફ બજેટ થાય છે અને પછી ફાઇનૅન્શિયલ પ્રેશર ક્રીએટ થાય છે. જોકે હકીકત એ છે કે દિવસના અંતે જ્યારે બધું પૂરું થઈ જાય છે ત્યારે યુગલ અને તેમના પરિવારે આ તમામ ખર્ચાઓ ચૂકવવાના બાકી રહે છે. એ ફક્ત લગ્નનો જ ખર્ચ નથી હોતો. તે પછી આવતા EMI, ભાડું અને નવા સભ્યના ઉમેરા સાથે વધતા વધારાના ખર્ચા પણ હોય છે જેનું આયોજન કરવું જરૂરી છે. હાઈ-બજેટ વેડિંગ કરવાને બદલે કપલ્સે સાથે બેસીને બજેટ બનાવવું જોઈએ તથા મારે આ આપવું જ પડશે અથવા તમારે આ રીતે કરવું જ પડશે એવા રૂઢિચુસ્ત અને જૂનવાણી વિચારધારાથી મૂવ ઑન કરવું પડશે. તમારા જીવનસાથી સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ કે લગ્ન પહેલાં વસ્તુઓ કેવી હશે અને લગ્ન પછી કેવી હશે. આનાથી નાણાકીય જવાબદારીઓને કારણે ઊભો થતો તનાવ ઘટશે.

સોશ્યલ મીડિયાની સૌથી નકારાત્મક અસર પહેલાં યુગલોના સંબંધો પર અને પછી બાળકો પર પડી છે. આજકાલ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક પર કપલ અકાઉન્ટ્સમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે જ્યાં તેઓ પોતાને એક પર્ફેક્ટ કપલ તરીકે દર્શાવે છે. તેઓ લક્ઝરી વેકેશન પર જાય છે, તેમની પાસે સુંદર ફોટો અને પળો હોય છે, તેઓ ખુશ છે, ખરીદી કરી રહ્યાં છે. છોકરો છોકરી માટે ઘણુંબધું કરી રહ્યો છે અને છોકરી પણ છોકરા માટે એટલી જ ખુશ છે. તેમનાં બાળકો પણ સુંદર દેખાય છે અને આખો પરિવાર સારી રીતે જીવી રહ્યો હોય એમ લાગે છે.

જ્યારે કોઈ સ્ત્રી, જે કદાચ તેના જીવનમાં એટલી ખુશ નથી, તે આ વિડિયો અને ફોટો જુએ છે ત્યારે ઉદાસ થઈ જાય છે કે આવું મારા જીવનમાં કેમ નથી થઈ રહ્યું? પછી તે શું કરશે? તે કદાચ તેના પતિ પાસે જશે અને તેની સાથે દલીલ કરવાનું શરૂ કરશે અથવા તેને કહેશે કે આપણે આ લોકો જેવા કેમ નથી? આપણે વેકેશન પર કેમ નથી જઈ શકતા? આપણી પાસે આવી પર્ફેક્ટ પળો કેમ નથી? તમે મારા માટે આ બધું કેમ નથી કરતા? સામે છોકરો પણ કહી શકે છે કે તું પેલા લોકોની જેમ કેમ તૈયાર નથી થતી? અથવા તું મને આવું જમવાનું કેમ નથી બનાવી આપતી? આવી ઘણી દલીલો થઈ શકે છે અને આ જ બધી સમસ્યાઓનું મૂળ છે.

ઘણા લોકો જેઓ ખરેખર તેમના લગ્નજીવનમાં ખુશ છે તેઓ ઑનલાઇન પોસ્ટ નથી કરતા, પણ તેમનું ઑફલાઇન જીવન શાનદાર હોય છે. તેથી એનો અર્થ એ નથી કે તમે ઑનલાઇન જે જુઓ છો એ જ તેઓ જીવી રહ્યા છે. કદાચ પેલું ઇન્સ્ટાગ્રામકપલ વાસ્તવિક જીવનમાં ખૂબ જ દુઃખી હોય અને તેમને ઘણી સમસ્યાઓ હોય, પરંતુ તેમની બ્રૅન્ડ અને ઇમેજ જાળવી રાખવા માટે તેઓ આવું કરતાં હોય.

જો તમે તાજેતરમાં છૂટાછેડા લીધેલા ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર્સને જુઓ તો એવાં ઘણાં કપલ્સ છે જેમણે છૂટાછેડા લીધા છે કારણ કે પતિએ છેતરપિંડી કરી છે અથવા પત્નીએ કહ્યું કે મારે તારી સાથે નથી રહેવું. તેમના દર્શકો માટે આ એક મોટો આઘાત છે, કારણ કે તેમણે ક્યારેય અપેક્ષા નહોતી કરી કે આ કપલ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હશે. તેથી તમારા સંબંધની સરખામણી તમે ઑનલાઇન જોતા લોકો સાથે ન કરો, કારણ કે ઑનલાઇન તમે જે જુઓ છો એમાંથી ૯૯ ટકા વસ્તુઓ વાસ્તવિક હોતી નથી.

બાઉન્ડરી સેટ ન કરવી
મોટા ભાગના પ્રૉબ્લેમ્સની શરૂઆત જ બાઉન્ડરી સેટ ન કરવાથી થાય છે એમ જણાવીને દીપિકા શાહ કહે છે, ‘બાઉન્ડરી સેટ ન કરવી એ લગ્ન પછીના ડિપ્રેશનનું એક મુખ્ય કારણ છે. ખાસ કરીને છોકરી માટે જ્યારે પતિ તેનો પક્ષ નથી લેતો ત્યારે કપલની રિલેશનશિપનો કન્ટ્રોલ પરિવારના હાથમાં જતો રહે છે અને કપલ્સ પોતાને બદલે દરેકને ખુશ રાખવા માગે છે. આવું ન કરવાને બદલે કપલ્સે એકબીજા સાથે સમય વિતાવીને વાતચીત કરવી જોઈએ કે તેઓ કેવું જીવન ઇચ્છે છે, કારણ કે જો તેઓ આવું નહીં કરે તો દરેક વ્યક્તિ તેમના અંગત જીવનમાં દખલ કરશે. તેઓ જે પૈસા કમાયા છે એ કેવી રીતે ખર્ચવા, બાળક સાથે આવું ન કરવું જોઈએ, તમે તેને આ કેમ નથી આપતા, તમે તેને પેલી સ્કૂલમાં કેમ મોકલો છો એ બધી જ બાબતમાં થર્ડ પર્સનનું ઇન્વૉલ્વમેન્ટ તો હશે જ. એક સ્વસ્થ સંબંધ એ છે જ્યાં પતિ-પત્ની અંદરોઅંદર નક્કી કરે કે આ બાઉન્ડરી છે જે ફક્ત અમારા માટે અનામત છે.’

હૅપી મૅરેજની પ્રૅક્ટિકલ ટિપ્સ
 સાસરી પક્ષની જૂની રૂઢિઓને વળગી રહેવાને બદલે તમે બન્ને સાથે મળીને તમારા માટે નવી નાની પરંપરાઓ શરૂ કરો. જેમ કે દર રવિવારે સાથે મળીને રસોઈ બનાવવી અથવા રાત્રે જમ્યા પછી વૉક પર જવું.

 જ્યારે તમારો પાર્ટનર ફરિયાદ કરે ત્યારે તેને તરત જ સલાહ આપવાને બદલે માત્ર શાંતિથી સાંભળો. ઘણી વાર વ્યક્તિને ઉકેલની નહીં, માત્ર કોઈ તેને સાંભળે એની જરૂર હોય છે.
 લગ્ન પછીના સંયુક્ત ખર્ચા માટે એક અલગ બજેટ ડાયરી રાખો. મહિનાની શરૂઆતમાં જ નક્કી કરો કે ક્યાં કેટલો ખર્ચ થશે, જેથી અંતમાં આર્થિક ખેંચતાણને કારણે ઝઘડા ન થાય.
 અઠવાડિયામાં એક દિવસ એવો રાખો જ્યારે તમે બન્ને સોશ્યલ મીડિયાનો ઉપયોગ ન કરો. આ સમય વાત કરવામાં અથવા કોઈ આઉટડોર ગેમ રમવામાં પસાર કરો.
 લગ્ન થઈ ગયાં એટલે હવે વખાણ કરવાની જરૂર નથી એવું ન વિચારો. નાની-નાની બાબતોમાં એકબીજાનો આભાર માનો. આજે ચા સરસ બનાવી છે અથવા થૅન્ક્સ ફૉર હેલ્પિંગ મી આ નાનાં વાક્યો સકારાત્મક અસર કરે છે.

 એકબીજાને પોતપોતાના મિત્રોને મળવા માટે અથવા પર્સનલ હૉબીઝ માટે પ્રોત્સાહિત કરો. જેટલા તમે વ્યક્તિગત રીતે ખુશ હશો એટલો તમારો સંબંધ મજબૂત રહેશે.

ઇન્ટિમસીનો અભાવ
લગ્નજીવનનું સૌથી મહત્ત્વનું પાસું ઇન્ટિમસી હોય છે, પણ આજકાલનાં નવપરિણીત કપલ્સમાં એનો અભાવ જોવા મળી રહ્યો છે. એનાં કારણો જણાવતાં દીપિકા શાહ કહે છે, ‘લગ્ન પહેલાં સાથે રહેવાનું એક્સાઇટમેન્ટ હોય છે, પણ લગ્ન પછી એ ઇન્ટિમસી મરી જાય છે. આવી સ્થિતિમાંથી મોટા ભાગનાં કપલ્સ પસાર થાય છે, પણ કોઈ આ વિશે વાત નથી કરતું કારણ કે તેમને એવું લાગે છે કે લગ્ન પછી તો આવું થતું જ હોય છે. જોકે હકીકત એવી નથી. ઇન્ટિમસી ઓછી થવાનું કારણ એ છે કે વ્યક્તિ તેના પાર્ટનરની કદર કરવાનું છોડી કરી દે છે. જ્યારે તમે તમારા જીવનસાથી સાથેનું ઇમોશનલ કનેક્શન ગુમાવો છો ત્યારે ઇન્ટિમસી કામ કરશે નહીં, કારણ કે તમે એવા સ્ટેજ પર ઊભા હો છો જ્યાં પહેલાં જેવું આકર્ષણ હવે નથી રહ્યું જે આ સંબંધોને પ્રભાવિત કરે છે. બીજું કારણ એ પણ છે કે તેઓ પોતાની જવાબદારીઓમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ એ વાતને નજરઅંદાજ કરે છે કે મારે મારા સાથી માટે સમય કાઢવો જોઈએ. તેમને લાગે છે કે અરે, લગ્ન થઈ ગયાં છે તો શું થયું, બધું ચાલી રહ્યું છેને. એવું નથી હોતું. લગ્ન થઈ ગયાં છે એનો અર્થ એ નથી કે બધું બરાબર જ રહેશે. લગ્ન એ માત્ર એક વ્યવસ્થા છે જ્યાં તમે એક વ્યક્તિ સાથે રહેવાનું નક્કી કરો છો. એનો અર્થ એ નથી કે તમે બીજી વ્યક્તિને ગંભીરતાથી ન લો. પાર્ટનરને ટેકન ફૉર ગ્રાન્ટેડ લેવો અને ઇમોશનલ કનેક્શન ઓછું થવું એ ઇન્ટિમસી ઓછી થવાનાં બે મુખ્ય કારણો છે. લગ્ન પછી પ્રેમ ઓછો નથી થતો પરંતુ એ પ્રેમને વ્યક્ત કરવાની રીતો બદલાઈ જાય છે. લગ્ન પહેલાં તમે કદાચ કલાકો સુધી ફોન પર વાત કરતા હશો અથવા એકબીજાને વારંવાર મળતા હશો, પરંતુ લગ્ન પછી જ્યારે તમે સાથે રહેવાનું શરૂ કરો છો ત્યારે પ્રેમ નાની-નાની બાબતોમાં જોવા મળે છે. જેમ કે એકબીજાને કામમાં મદદ કરવી, બીમારીમાં ધ્યાન રાખવું અથવા ફક્ત એકબીજાની હાજરીમાં શાંતિ અનુભવવી. લોકો ઘણી વાર એવું માનવાની ભૂલ કરે છે કે જો પહેલાં જેવો રોમાંચ નથી રહ્યો તો પ્રેમ ઓછો થઈ ગયો છે. હકીકતમાં એ પ્રેમ હવે વધુ ઊંડો અને પરિપક્વ બની રહ્યો છે. જો તમે આ બદલાવને સમજી લો અને એને સ્વીકારો તો તમારો સંબંધ ક્યારેય નબળો નહીં પડે. લગ્ન એ એક સફર છે જ્યાં તમારે દરરોજ એકબીજાને ફરીથી પસંદ કરવાનાં હોય છે.’

શું કહે છે સાઇકોલૉજિસ્ટ?
બોરીવલીનાં ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ મીતા શાહ છેલ્લાં ૩૩ વર્ષથી આ ફીલ્ડમાં છે. અઢળક કેસ-સ્ટડીઝનો અનુભવ ધરાવતાં મીતાબહેન પોસ્ટ-વેડિંગ ડિપ્રેશન દરમ્યાન ઉદ્ભવતી કૉમન સમસ્યાઓ અને એના સમાધાન વિશે વાત કરતાં કહે છે, ‘લગ્ન પછી યુવતીની લાઇફમાં ૩૬૦ ડિગ્રીનો વળાંક આવતો હોય છે. બીજા ઘરમાં પોતાને ઍડ્જસ્ટ કરવાની હોય છે અને ત્યાંની રૂઢિ, ખાવા-પીવાની આદતો, સૂવા-જાગવાનો સમય બધું જ બદલાય છે. એને અપનાવવામાં કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડે છે. આને કારણે મૂડસ્વિંગ્સ થાય, ઑફિસ કે ઘરકામ કરવામાં રસ ન રહે, પાર્ટનર સાથે વાત કરવાનું મન ન થાય. આ બધાં લક્ષણો ક્લિનિકલ ડિપ્રેશનમાં ધકેલી દે છે. જ્યારે નવું ઘર તેને પોતાની પર્સનલ સ્પેસ નથી આપતું ત્યારે તેને બંધન જેવું લાગે છે, જે હોમ-સિકનેસ એટલે કે પોતાના ઘરે પાછા જવાનું મન થવું અને એક પ્રકારની ડિસકમ્ફર્ટ પેદા કરે છે. કપલે સમજવું જોઈએ કે તેઓ એક ટીમ છે. પરિવારની અપેક્ષાઓ હંમેશાં રહેશે, પણ કપલ વચ્ચે નૉન-નેગોશિયેબલ ટાઇમ એટલે એવો સમય જેમાં પરિવારની ચર્ચા ન હોય એવો સમય પસાર થવો જોઈએ, ભલે એ અડધો કલાક જ કેમ ન હોય.  એકબીજાની ‘સેફ સ્પેસ’ બનો. જો પત્નીને સાસુ-સસરાની કોઈ વાતથી દુઃખ થયું હોય તો પતિએ તેને સાંભળવી જોઈએ. ભલે તે પક્ષ ન લે, પણ સાંભળવું જરૂરી છે. આનાથી મનમાં ભાર નથી રહેતો અને ગૅપ સર્જાતો નથી. પોસ્ટ-મૅરેજ ડિપ્રેશન ફક્ત સ્ત્રીઓમાં જ નહીં, પુરુષોમાં પણ હોય છે. આર્થિક જવાબદારી અને પત્નીની ભાવનાત્મક જરૂરિયાતો પૂરી કરવામાં પતિ પોતાની જાતને ભૂલી જાય છે. જો તે આ તનાવ વ્યક્ત ન કરી શકે તો તે સાઇલન્ટ ડિપ્રેશનનો શિકાર બને છે. તેને લાગે છે કે તેનું મુક્ત જીવન પૂરું થઈ ગયું છે, જે તેને ચીડિયો બનાવી દે છે. આ સિચુએશન આગળ જતાં રિલશનશિપ માટે ગંભીર ખતરો બની શકે છે. તેથી મનમાં ચાલતી મૂંઝવણ પાર્ટનર સાથે શૅર કરો. મને આ ચીજ નથી ગમી રહી એ કહેવામાં સંકોચ ન રાખવો. લગ્ન પછી તરત જ પર્ફેક્ટ બનવાને બદલે ધીમે-ધીમે ફેરફારો સ્વીકારો. દિવસમાં એક કલાક એવું કામ કરો જે તમને લગ્ન પહેલાં પસંદ હતું. આવું કરીને તમે પોતાની સાથે સમય વિતાવો તો સારું ફીલ થશે. સોશ્યલ મીડિયા પર બીજાં કપલ્સના ફોટો જોઈને પોતાના જીવનની તુલના કરવાનું બંધ કરો. પોસ્ટ-વેડિંગ ડિપ્રેશન એ કોઈ બીમારી નથી, પણ એક ટ્રાન્ઝિશન ફેઝ છે. આ સમયગાળામાંથી સરળતાથી બહાર આવી શકાય છે. જો સ્થિતિ વધુ ગંભીર લાગે તો કાઉન્સેલરની મદદ લેવામાં અચકાવું જોઈએ નહીં.’

sex and relationships relationships life and style lifestyle news gujarati mid day