13 July, 2026 02:05 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
પહેલાંના સમય કરતાં અત્યારે સમય બદલાયો છે. આજના એજ્યુકેટેડ હસબન્ડ પોતાની વાઇફના PMS એટલે કે પોસ્ટ-મૅન્સ્ટ્રુઅલ સિન્ડ્રૉમ વિશે જાણતા થયા છે તો વાઇફ પણ હસબન્ડના જીવનની પર્સનલ વાતોને મહત્ત્વ આપતી થઈ છે. જોકે હજી પણ એક વર્ગ એવો છે જે મેનોપૉઝ અને ઍન્ડ્રોપૉઝ જેવા જીવનના અગત્યના પિરિયડને ગંભીરતાથી લેતો નથી. હમણાં જ એક કપલ મળ્યું. તેમની ફરિયાદ હતી કે મૅરેજ લાઇફનો બાવીસ વર્ષનો સમયગાળો બહુ સરસ પસાર થયો, પણ છેલ્લા છ-આઠ મહિનાથી અમારા બન્નેના સ્વભાવમાં બહુ મોટો ચેન્જ જોવા મળે છે. વાઇફે કબૂલ કર્યું કે તેને નાની-નાની વાતમાં ગુસ્સો આવી જાય છે તો હસબન્ડના મૂડમાં પણ જબરદસ્ત સ્વિંગ્સ જોવા મળે છે.
બન્નેની ઉંમરને જોતાં સમજાતું હતું કે મેનોપૉઝ અને ઍન્ડ્રોપૉઝનો પિરિયડ તે બન્ને પસાર કરે છે. સામાન્ય રીતે ૪પ વર્ષથી લઈને પંચાવન વર્ષના સમયગાળામાં આ અસર જોવા મળતી હોય છે. જીવનના આ પડાવે શરીરમાં થતા બાયોલૉજિકલ અને હૉર્મોનલ ચેન્જને કારણે સ્વભાવથી લઈને સેક્સ-લાઇફ પર એની ગંભીર અસરો પડે છે જેને કારણે ઘણી વાર પરસ્પર એકબીજા માટે લાગણી ઓછી થઈ જવાની માન્યતા મનમાં ઘર કરી જાય છે. જો આ સમયને સમજવામાં ન આવે તો એવું પણ બને કે પછીના જીવનકાળમાં મનમાં ઘર કરી ગયેલી એ માન્યતા સ્ટોર થઈ જાય.
પ્રકૃતિના આ ફેરફારો સાથે લડવાને બદલે એને સ્વીકારવા અને એ મુજબ આગળ વધવું એ જ સાચો રસ્તો કહેવાય. ઉંમરના આ પડાવે સંબંધોને બચાવવા માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. અરસપરસના સ્વભાવના સ્વીકાર સાથે કમ્યુનિકેશનને આગળ વધારવું અને મનમાં આવતા વિચારો એકબીજા સાથે શૅર કરવા જોઈએ. પાર્ટનર જ્યારે નાની વાતમાં ચિડાઈ જાય ત્યારે વળતો જવાબ આપવાને બદલે સમજો કે આ તેનો અસલી સ્વભાવ નથી, પણ શરીરમાં રહેલાં હૉર્મોન્સને કારણે આવી પરિસ્થિતિ ઊભી થાય છે. બીજી વાત, સેક્સ્યુઅલ એક્સપરિમેન્ટ્સ. આ ઉંમરે ઇન્ટિમેટ રિલેશનશિપમાં એકવિધતા આવી જાય એ સ્વાભાવિક છે. જો બન્ને પાર્ટનરની પરસ્પર સંમતિ હોય તો પ્રાઇવેટ સ્પેસમાં સંબંધોમાં નવો ઉત્સાહ લાવવા સેક્સ્યુઅલ એક્સપરિમેન્ટ્સ કરી શકાય, જે આ સમયગાળામાં એકમેક પ્રત્યે ફિઝિકલ ઍટ્રૅક્શન લાવવાનું કામ પણ કરશે. સૌથી અગત્યની વાત. બધું ભૂલીને એકબીજાને નવેસરથી પ્રેમમાં પાડવા માટેના રસ્તાઓ શોધો અને એ દિશામાં આગળ વધો. મેનોપૉઝ અને ઍન્ડ્રોપૉઝ દરમ્યાન વ્યક્તિ ઇમોશનલ વધુ થતી હોય છે. એવા સમયે મળનારા પ્રેમના પ્રતિસાદની અસર બહુ સકારાત્મક રીતે જોવા મળશે. પાર્ટનરને ઍટ્રૅક્ટ કરવા માટે ગ્રૂમિંગથી લઈને એકબીજાને નાની પણ મનગમતી સરપ્રાઇઝ આપવાથી અટેન્શન મળશે અને સંબંધોમાં અટેન્શન બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે.