18 March, 2026 05:32 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
એક સમય હતો જ્યારે કહેવાતું કે ઘોડે ચડતો એટલે કે યુદ્ધમાં જતો બાપ મરે તો ચાલશે, પણ પારણું ઝુલાવનારી મા ન મરે કારણ કે બાળકના ઉછેરની જવાબદારી માની ગણાતી. મા વગરનું બાળક કઈ રીતે ઊછરી શકે એ કલ્પના જ લોકોને ધ્રુજાવી દેતી. પણ સમય બદલાયો છે. મૉડર્ન યુગમાં પેરન્ટિંગમાં મા અને બાપ બન્નેનું મહત્ત્વ સરખું હોય છે. બન્નેની જવાબદારી અને હક સરખાં ગણાય છે. આજે સ્ત્રીઓને લાગે છે કે બાળકના ઉછેરની સંપૂર્ણ જવાબદારી મારી કેમ? આજનાં કપલ માને છે કે પેરન્ટિંગ એક પાર્ટનરશિપ છે પણ આ પાર્ટનરશિપ ૫૦-૫૦ ટકાની એટલે કે ઇક્વલ પાર્ટનરશિપ હોઈ શકે ખરી? આ વાતને સમજીએ
માઇન્ડ ઇટ: સૌથી મહત્ત્વની વાત એ છે કે પેરન્ટિંગ એક ડિમાન્ડિંગ જૉબ છે. એને બન્નેના સાથ અને સમજદારીનું બૅલૅન્સ જોઈએ છે. જ્યારે જે ઓછું પડે એમાં સામેવાળાએ એની પૂર્તિ કરવાની હોય છે. અહીં સરખામણી ન કરવી કે મેં આટલું કર્યું અને તેં આટલું. એને ટકાવારી સાથે કંઈ લેવાદેવા નથી.
નવજાત બાળક રડતું હોય તો રાત આખી મમ્મી જાગી હોય તો સવારે તેને પપ્પા સાચવી લે. બાળક કઈ સ્કૂલમાં જશે એની તપાસ બન્ને સાથે કરે. સવારે બાળકની સ્કૂલ હોય ત્યારે મા બાળકનું ટિફિન બનાવે ત્યાં પપ્પા બાળકને તૈયાર કરે. મમ્મી બાળકને લૅન્ગ્વેજ ભણાવતી હોય તો પપ્પા મૅથ્સના દાખલા કરાવે. મમ્મી બાળકને ટ્યુશનમાં મૂકી આવે તો પપ્પા તેને લઈ આવે. બાળક બીમાર હોય તો ડૉક્ટર પાસે બન્ને સાથે તેને લઈ જાય. બાળકની બર્થ-ડે પાર્ટીની થીમ બન્ને મળીને નક્કી કરે. એક ડેકોરેશન કરે તો બીજું કેટરિંગ સંભાળે. માતા-પિતા બન્ને બાળકના દરેક માઇલસ્ટોન વખતે તેની સાથે હોય, બન્નેનો બૉન્ડ બાળક સાથે એકદમ મજબૂત હોય. એક વાર્તાઓ સંભળાવે તો એક સાઇકલ શીખવે. બન્ને એકસાથે મળીને બાળકને પૂરતો સમય, ધ્યાન અને ઉછેર આપે.
આ થયું ઇક્વલ પાર્ટનરશિપવાળું પેરન્ટિંગ જેમાં મા અને બાપ બન્ને એકસરખી જવાબદારી સાથે બાળકનો ઉછેર કરે છે, પરંતુ તકલીફ એ છે કે આ સાંભળવામાં એકદમ આદર્શ લાગે છે અને રિયલ લાઇફમાં અતિ અઘરું.
લગ્નમાં પણ ઇક્વલ પાર્ટનરશિપની વાત થતી હોય છે પરંતુ હકીકતે તો એમાં પણ ૫૦-૫૦ ટકા હોતું નથી. સંજોગો કે પરિસ્થિતિ મુજબ એ બદલાતું રહે છે. ક્યારેક એ ૭૦-૩૦ ટકા હોય, ક્યારેક ૬૦-૪૦ તો કોઈક પરિસ્થિતિમાં એ ૧૦૦-૦ ટકા પણ હોઈ શકે છે. દરેક સંબંધ જુદો, સંબંધોની પરિસ્થિતિ જુદી અને એ પ્રમાણે વ્યક્તિનું યોગદાન જુદું છે. જેમ કે જૂના સમયમાં પતિ કમાતો અને સ્ત્રી ઘર સંભાળતી તો તેમની પાર્ટનરશિપ સંજોગો અનુસાર ૧૦૦-૦ની રહેતી. પૈસાકીય જવાબદારીઓમાં પતિ ૧૦૦ ટકા અને ઘરેલુ જવાબદારીમાં પત્ની ૧૦૦ ટકા. બન્ને મળીને ૫૦-૫૦ પર આવતાં, પણ આજે એવું નથી; બન્ને કમાય છે, બન્ને ઘરનું ધ્યાન રાખે છે, એ જ રીતે બન્ને બાળકનું ધ્યાન રાખવા પણ પ્રતિબદ્ધ બનતાં હોય છે. જોકે આ તો એક કહેવાતો મૉડર્ન ચિતાર છે. દરેક ઘરમાં ડોકિયું કરીને જોઈએ તો આ ૫૦-૫૦ના કન્સેપ્ટને સિદ્ધ કરતાં નાકે દમ આવી રહ્યો છે. પહોંચી નથી વળાતું એટલે સંબંધોમાં પ્રેમને બદલે ફરિયાદો વધી ગઈ છે, માનને બદલે અસંતોષ અને ત્રાસ વધી ગયો છે. બન્ને વચ્ચેની દૂરી જે બાળકના આવવાથી ઓછી થવી જોઈતી હતી એ વધી રહી છે. અને સવાલ એ ઊઠે છે કે પેરન્ટિંગમાં ૫૦-૫૦ શક્ય છે ખરું?
૫૦ નહીં, ૧૦૦ ટકા
આ પ્રશ્નનો સચોટ જવાબ આપતાં પેરન્ટિંગ કોચ દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘પેરન્ટિંગમાં બન્નેએ પોતપોતાના ૫૦-૫૦ ટકા નથી આપવાના હોતા. પેરન્ટિંગમાં બન્નેએ પોતાના ૧૦૦ ટકા આપવાના હોય છે. બાળક પાછળ ૧૦૦ તો શું ૧૦૦થી પણ ઘણું ઉપર હોય એ બધું જ આપવું પડે છે. જ્યારે વ્યક્તિ કહે છે કે હું ૫૦ ટકા અને બીજી વ્યક્તિ ૫૦ ટકા આપે ત્યારે એ વિચારે છે કે હું થોડું જ કરીશ, બીજી વ્યક્તિ હવે થોડું કરે. એવું નથી હોતું. આ તો એક પ્રકારની છટકબારી થઈ. એ વિચાર જ ખોટો છે. હું આટલું કરીશ, તું આટલું કર, હું આ વિચારીશ, તું આ વિચાર એ તો ફક્ત કામનું વિભાજન છે. બાળકની જવાબદારીનું વિભાજન શક્ય નથી. જ્યારે તમે વિભાજન મગજમાં લાવો છો ત્યારે તમે સરખામણી કરો છો. મેં આ ચાર કામ કર્યાં અને તેં બે કર્યાં... આવી સરખામણીઓ સંબંધમાં કડવાશ લાવે છે, સ્ટ્રેસ આપે છે અને પ્રેમને બદલે ઝઘડાઓને તાણી લાવે છે. પેરન્ટ્સે એ સમજવું જરૂરી છે કે બાળકના ભલા માટે તેઓ પાર્ટનર બન્યા છે. ખરા પાર્ટનર એ છે જે એકબીજાને સમજે છે, એકબીજાની ખામીને પૂરે છે, જે બીજી વ્યક્તિની દાનત ઉપર શંકા નથી કરતા, એકબીજાને બ્લેમ નથી કરતા, એક જ્યાં પહોંચી નથી શકતું ત્યાં બીજું આવીને તેને મદદ કરે છે. ધારો કે એ મદદ ન કરી શકે તો પણ તેનાં પ્રેમ અને સહાનુભૂતિ તેના પાર્ટનરને બળ આપે છે. આ એક આદર્શ રિલેશનશિપ છે જેની જરૂર દંપતીને જ નહીં, બાળકને પણ હોય છે.’
સમજ
અહીં ખરેખર ૫૦-૫૦ ટકાનો અર્થ એવો નથી કે મમ્મી ૫૦ ટકા અને પપ્પા ૫૦ ટકા. હકીકતે એનો અર્થ એવો છે કે પિતા પણ બાળકના ઉછેરમાં ભાગ લે. એનું મુખ્ય કારણ સમજાવતાં દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘માણસ બાળકને જન્મ એટલે આપે છે કે તે પોતાનું રૂપ બાળકમાં જુએ છે. તેનું લાલનપાલન એક લહાવો છે. સમાજમાં ઘણા કિસ્સાઓ જોવા મળશે જ્યાં પપ્પા કરોડો કમાવામાં બિઝી રહ્યા એટલે મોટા થઈને બાળકોને પપ્પાના કરોડો રૂપિયામાં જ રસ છે, પપ્પામાં નહીં. જો પિતા નાનપણથી બાળકને સમય આપે, તેની સાથે રહે, તેની નાની-મોટી જરૂરિયાતોને સમજે, તેની સાથે વાતો કરે, એક બૉન્ડ બનાવે એ અતિ જરૂરી છે. એ ત્યારે જ બને જ્યારે પિતા પણ બાળકના ઉછેરમાં રસ લે. સમજાય એવી વાત છે કે દિવસના ૧૦-૧૨ કલાક જો પિતા કામ કરવા જાય તો કદાચ ઘરે આવીને બાળક માટેનો સમય ઘણો ઓછો થઈ જાય, પરંતુ સ્ટોરી-ટેલિંગ કરીને સુવડાવવું કે દર રવિવારે તેની સાથે પૂરો સમય વિતાવવો જરૂરી છે. આજના પિતાએ એટલું ચોક્કસ સમજવાનું છે કે બાળકને ખવડાવવું, પીવડાવવું, નવડાવવું, તેની સાથે રમવું જોઈએ.’
પ્રૅક્ટિકલ પ્રૉબ્લેમ્સ
આપણો સમાજ ગમેતેટલો મૉડર્ન બની જાય પણ આજે પણ હકીકત એ છે કે બાળકની મોટા ભાગની જવાબદારીઓ મમ્મીના માથે જ હોય છે. એટલે જ મૉડર્ન મમ્મીઓ એ ફરિયાદ કરતી જોવા મળે છે કે પપ્પાઓને કંઈ પડી નથી, બાળકો માટે તેઓ કંઈ કરી નથી રહ્યા. આ પરિસ્થિતિનો ચિતાર આપતાં રિલેશનશિપ એક્સપર્ટ સોની શાહ કહે છે, ‘ભારતીય ફૅમિલી સેટ-અપ એક મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે જ્યાં પુરુષો ઘરનાં કામો અને બાળઉછેરમાં ભાગ લેવા લાગ્યા છે. જોકે અહીં એક પ્રૅક્ટિકલ પ્રૉબ્લેમ એ સમજવાનો છે કે આ પુરુષોએ ‘કૅરગિવર’નાં કામ કર્યાં નથી. આ કામ કરવા તેઓ માનસિક રીતે તૈયાર થયા છે પણ પ્રૅક્ટિકલી કમાતાં-કમાતાં આ કામોને કરવાં કઈ રીતે એ તેમને ખબર નથી. એટલે ઇચ્છવા છતાં તેમનું યોગદાન તેઓ ઓછું આપી શકે છે. આ સમજણ પણ સ્ત્રીઓએ કેળવવી જ પડશે કે પુરુષોને તે સતત ફરિયાદો કરશે તો બદલાવ નહીં આવે, ઝઘડાઓ જ થશે. બીજું એ કે જ્યારે તેઓ જવાબદારી લે અને કહે કે એક કલાક હું બાળકને સંભાળીશ તો ત્યારે તેને સલાહો આપવાની જરૂર નથી કે બાળકને આમ કર અને આમ ન જ કર. આ સલાહો તેમને ઇરિટેટ કરે છે. તેમને ભૂલો કરવા જેટલી લિબર્ટી તમારે આપવી જ પડશે. તમે ઇચ્છો છો કે પિતા બાળકને રાખે, પણ મમ્મીની જેમ સાચવે. એ શક્ય નથી. તેમને પોતાની પ્રોસેસ શોધવા દો.’
આટલું સમજવું જરૂરી
પતિ આટલું સમજે
મધરહુડ સરળ નથી. બાળક આવ્યા પછીનાં શરૂઆતનાં વર્ષોમાં ખાસ, માને અઢળક પ્રેમ અને સપોર્ટની જરૂર રહે છે. જો તે કંઈ ફરિયાદ કરે છે તો એનો અર્થ એ છે કે તે પહોંચી નથી વળતી. ફિઝિકલી, ઇમોશનલી અને મેન્ટલી થાકી ગઈ હોય છે એટલું જ નહીં, આ પ્રોસેસમાં તે એકલતા ફીલ કરતી હોય છે. જ્યારે તે બરાડે છે કે ‘બધું હું જ કરું?’ ત્યારે એનો અર્થ એ નથી કે બધું તેને નથી કરવું, પણ તેનો ભાવ એ છે કે આ બધું તે એકલી-એકલી કરી રહી છે. એ એકલતા તેને ખલે છે. જો તમે આ પ્રોસેસમાં તેની સાથે થોડો સમય આપશો તો તેને સારું લાગશે.
પત્ની આટલું સમજે
આ એક મોટો ચેન્જ તમારા માટે જ નથી, તમારા પતિ માટે પણ આ બદલાવ અઘરો છે. કામ પરથી આવ્યા પછી જેને રિલૅક્સ કરવાની આદત હતી તેણે એ છોડીને બાળક સાથે સમય વિતાવવાનો હોય છે, જે તેને ગમે છે પણ તેને નથી ગમતી તમારી ફરિયાદો, જે તેને અહેસાસ દેવડાવે છે કે એક પતિ તરીકે કે પિતા તરીકે તે યોગ્ય નથી. તે જ્યારે બાળક સાથે સમય વિતાવતા હોય છે ત્યારે તેમને તેમની રીતે એક્સપ્લોર કરવા દો. આ આમ જ કરાય અને આનું ધ્યાન રાખો એવી ઇન્સ્ટ્રક્શનનો મારો નહીં ચલાવો. જો તેમને નહીં ફાવે તો તે તમને પૂછી લેશે. કદાચ કંઈ ભૂલ થાય તો વાંધો નહીં. બાળક અને પિતા વચ્ચેનો બૉન્ડ ઑર્ગેનિકલી બનવા દો. આ રીતે તમને પણ એક બ્રેક મળશે.