07 September, 2026 04:01 PM IST | Mumbai | Heena Patel
માતાપિતા અને બાળક
બાળપણમાં તમારી પાસે જે નહોતું એ બધું જ બાળકને આપી દેવું એ ગુડ પેરન્ટિંગ નથી. આપણી પાસે જે નહોતું એણે જ આપણને રાહ જોવી, બચત કરવી, કદર કરવી અને ના પચાવવી શીખવ્યું હતું. પેરન્ટ્સ તરીકે તમારું કામ બધું જ આપવાનું નથી, પણ જે જરૂરી છે એ આપવાનું છે. જો બાળકની ઇચ્છા અને પ્રાપ્તિ વચ્ચે સમયગાળો જ નહીં રહે તો તેનામાં રાહ જોવાનો ઉત્સાહ ક્યાંથી આવશે? બાળકને કમ્ફર્ટ જરૂર આપો, પણ દરેક અભાવને દૂર કરવાની કોશિશ ન કરો. નહીંતર ભવિષ્યમાં તે મુશ્કેલી કે ડિસકમ્ફર્ટનો સામનો નહીં કરી શકે. એવામાં પેરન્ટ્સે બૅલૅન્સ બનાવીને કઈ રીતે રાખવું એ વિશે જાણીએ.
માતા-પિતા બાળપણમાં પોતાને જે નહોતું મળ્યું એ બધું બાળકને કેમ આપી દેવા માગે છે? એનાથી બાળકના મન પર શું અસર પડે છે? એ વિશે વાત કરતાં સાઇકોલૉજિસ્ટ અમ્રિતા આચરેકર કહે છે, ‘ઘણી વાર માતા-પિતાના મનમાં નાનપણની કોઈ ને કોઈ કમી કે દુઃખ રહી ગયું હોય છે. જેમ કે ‘મને નાનપણમાં આ રમકડું નહોતું મળ્યું’ કે ‘મારી આ ઇચ્છા પૂરી નહોતી થઈ.’ આ દુઃખ તેઓ ભૂલી શકતાં નથી અને વારંવાર યાદ કર્યા કરે છે. તેમને એવું લાગે છે કે હું મારા બાળકને બધું જ આપી દઈશ જેથી જે દુઃખ મેં વેઠ્યું છે એ મારા બાળકને ક્યારેય ન વેઠવું પડે. આમ કરીને તેઓ અજાણતાં જ પોતાના બાળપણનું અધૂરું સપનું બાળકમાં પૂરું કરવાની કોશિશ કરે છે. આવું એટલા માટે થાય છે કારણ કે માતા-પિતાએ પોતાના જૂના દુઃખમાંથી બહાર આવવાનો પ્રયત્ન કર્યો નથી હોતો. આ તો એના જેવું છે કે ઈજા પોતાના ચહેરા પર થઈ હોય અને દવા અરીસા પર લગાવવામાં આવે. માણસનો સ્વભાવ છે કે તે પોતાની અંદરની અધૂરાશ કે લાગણીઓ સામેવાળા પર થોપી દે છે. આથી બાળકની નાની-નાની વાતો કે વર્તન પણ માતા-પિતાના જૂના ડર, અસુરક્ષા કે અપરાધભાવને ફરી જગાડી દે છે.’
બાળકની ઇચ્છા અને એ વસ્તુ મળવા વચ્ચે થોડો સમય કે અંતર હોવું કેમ જરૂરી છે? રાહ જોવાથી બાળકમાં ધીરજ, કદર કરવાની ભાવના અને મુશ્કેલીઓ સામે લડવાની તાકાત કેવી રીતે આવે છે? એ વિશે સમજાવતાં અમ્રિતા આચરેકર કહે છે, ‘આપણે જ્યારે કોઈ વસ્તુ માટે રાહ જોઈએ છીએ ત્યારે મનમાં એના માટે એક અનેરી ઉત્સુકતા હોય છે. આપણે વિચાર્યા કરીએ છીએ કે વસ્તુ મળશે ત્યારે કેટલી મજા આવશે! એને હાથમાં પકડીને કેવો આનંદ થશે! જો એ વસ્તુ મેળવવા માટે માતા-પિતા કોઈ નાની શરત કે ટાર્ગેટ મૂકે, જેમ કે સારા માર્ક્સ લાવવા કે સારી આદત પાડવી તો બાળક એને મેળવવા માટે મહેનત કરે છે. પરિણામે જ્યારે એ વસ્તુ મળે છે ત્યારે બાળક માટે એની કિંમત અનેરો આનંદ આપે છે. જો આવું કશું જ ન હોય અને બાળક માગે કે તરત જ વસ્તુ હાજર થઈ જાય તો બાળકના મનમાં એવી ખોટી માન્યતા બંધાઈ જાય છે કે ‘હું જે માગીશ એ મને મળવું જ જોઈએ.’ એને લીધે બાળક મહેનત કરતાં કે સંઘર્ષ કરતાં શીખતું જ નથી. ધીરજ રાખવી, રાહ જોવી અને વસ્તુની સાચી કદર કરવી જેવા જીવનના સૌથી જરૂરી પાઠ તે ચૂકી જાય છે. મોટા થયા પછી વાસ્તવિક દુનિયામાં કશું જ આસાનીથી મળતું નથી. બાળપણમાં વસ્તુ માટે થોડી રાહ જોવાની ટેવ જ બાળકને અંદરથી મજબૂત બનાવે છે. વસ્તુ જ્યારે તરત નથી મળતી ત્યારે બાળક જાતે રસ્તો શોધતાં અને સમસ્યાઓ ઉકેલતાં શીખે છે. આજના સ્પર્ધાત્મક જમાનામાં બાળક પગભર થઈ શકે એ માટે આ ગુણો શીખવા ખૂબ જ જરૂરી છે.’
બાળકો માટે ‘ના’ સાંભળવું કેમ જરૂરી છે? બાળકને એવું ન લાગે કે તેને નકારી કાઢવામાં આવ્યું છે કે પ્રેમ નથી મળતો, એ રીતે માતા-પિતા કઈ રીતે મર્યાદા નક્કી કરીને ‘ના’ પાડી શકે? એ વિશે જણાવતાં અમ્રિતા આચરેકર કહે છે, ‘બાળકને ‘ના’ કહેવાથી તે ધીમે-ધીમે એમ સમજે છે કે દરેક વસ્તુ આસાનીથી મળતી નથી અને એના માટે મહેનત કરવી પડે છે; કારણ કે ‘ના’ સાંભળવાથી બાળકમાં મુશ્કેલીઓ સામે લડવાની તાકાત, ધીરજ અને સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા કેળવાય છે. માતા-પિતા બાળકની માગણીને સમજીને પોતાની હદ નક્કી કરી શકે છે કે એ વસ્તુ જરૂરિયાત છે, ઇચ્છા છે કે પછી જીદ છે. જરૂરિયાત એ જીવવા માટે પાયાની બાબત છે અને એ કોઈ પણ શરત વગર બાળકને પૂરી પાડવી ખૂબ જરૂરી છે. ઇચ્છા એવી વસ્તુ છે જે કદાચ અત્યંત જરૂરી નથી, પણ ક્યારેક પૂરી કરવામાં વાંધો નથી. જેમ કે બાળકને બર્ગર ખાવું હોય તો ક્યારેક ખાઈ શકાય એ બરાબર છે; પણ જો બાળક દરરોજ બર્ગર ખાવાની માગણી કરે તો એ એક અવાસ્તવિક જીદ છે જે નુકસાનકારક બની શકે છે, કારણ કે રોજ બર્ગર ખાવું સ્વાસ્થ્ય માટે સારું નથી. બાળકને એ ગમે એટલું ભાવતું હોય અને બર્ગર ન મળવાથી બાળકને થોડું ખોટું લાગે તો પણ માતા-પિતાએ શું ખરેખર જરૂરી છે અને શું પૂરું ન કરી શકાય એ બાબતે સ્પષ્ટ સીમા નક્કી કરવી ખૂબ જરૂરી છે.’
બાળકની જરૂરિયાત અને ઇચ્છા વચ્ચેનો ભેદ કેવી રીતે ઓળખવો અને ક્યારે હા કહેવી તથા ક્યારે ના? આ વિશે વધુ માહિતી આપતાં સરળ પેરન્ટિંગનાં ફાઉન્ડર અને પેરન્ટિંગ કોચ ઝૈનબ લાકડાવાલા કહે છે, ‘બાળક માટે ‘જરૂરિયાત’ શું છે અને ‘ઇચ્છા’ શું છે એની વચ્ચે એક સ્પષ્ટ ભેદરેખા દોરવી ખરેખર ખૂબ અઘરી છે, પરંતુ મને લાગે છે કે એક બાબત જે ખરેખર મદદરૂપ થઈ શકે છે તે એ છે કે બાળકની પાયાની જરૂરિયાતો શું છે એ સમજવું. બાળક માટે સુરક્ષિતતા અનુભવવી, તેનું અસ્તિત્વ સ્વીકારાય અને તેની વાત સાંભળવામાં આવે એ જરૂરી છે અને શારીરિક રીતે સ્વાભાવિક છે કે તેમને ખોરાક, કપડાં, ઘર, શિક્ષણ અને એના જેવી પાયાની બાબતોની જરૂર હોય છે. જોકે આજે માર્કેટિંગ એવી રીતે કરવામાં આવે છે કે દરેક રમકડું, દરેક પ્રોડક્ટ અને દરેક અનુભવ એવો દર્શાવવામાં આવે છે જાણે કે આ તો તમારા બાળક માટે ખૂબ જરૂરી જ છે. એથી માતા-પિતા તરીકે આપણે જાતે વિચારવું અને આપણી જાતને પૂછવું ખૂબ મહત્ત્વનું છે કે શું આ ખરેખર એવી વસ્તુ છે જેની મારા બાળકને જરૂર છે? બાળક કોઈ વસ્તુની ઇચ્છા રાખે એમાં કંઈ ખોટું નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે બાળકને આ બન્ને વચ્ચેનો તફાવત સમજવામાં મદદ કરવી. ક્યારેક તમે કહી શકો છો કે હું જાણું છું કે તારે આ રમકડું ખરેખર લેવું છે; ચાલ, આપણે એનો એક ફોટો પાડી લઈએ અને તારા જન્મદિવસે આના વિશે વિચારીશું. જેમ-જેમ તેઓ મોટા થાય એમ-એમ તેઓ જે વસ્તુ ખરેખર લેવા માગતા હોય એના માટે પોતાના પૉકેટમનીમાંથી બચત પણ કરી શકે છે; કારણ કે ઘણી વાર બાળકની ઇચ્છા કોઈ જાહેરાત જોઈને, બીજા બાળકની પાસે એ વસ્તુ જોઈને અથવા તો રમકડાંની દુકાનમાં જઈને પોતાની પાસે ન હોય એવી વસ્તુ જોઈ લેવાથી જ ઊભી થતી હોય છે. હા, જ્યારે આપણે એ વસ્તુ નથી ખરીદી આપતા ત્યારે બાળક નિરાશ થઈ શકે છે, ગુસ્સે થઈ શકે છે અથવા તો જીદ કરીને રડી પણ શકે છે. એ બિલકુલ સામાન્ય છે. માતા-પિતા તરીકે આપણી ભૂમિકા જ ત્યાં આવે છે કે તેમની એ લાગણીઓને સંભાળવામાં અને સહન કરવામાં તેમને મદદ કરવી.’
બાળકને પૂરતો પ્રેમ અને સુરક્ષા આપવાની સાથે રાહ જોવી, બચત કરવી, કદર કરવી અને તરત બધું ન મળે એ સ્વીકારતાં કેવી રીતે શીખવવું? એ વિશે માહિતી આપતાં ઝૈનબ લાકડાવાલા કહે છે, ‘બાળકોને પોતાની ઇચ્છાઓ માટે થોડી રાહ જોવાની કળા શીખવવી જરૂરી છે, કારણ કે જીવનમાં જે બાબતો ખરેખર કીમતી છે - જેમ કે સારા સંબંધો બાંધવા, આપણું સ્વાસ્થ્ય, ફિટનેસ, શિક્ષણ અને સફળતા - એ બધું જ બનતાં સમય લાગે છે. આ બધા માટે સખત મહેનત, ધીરજ અને સતત પ્રયાસોની જરૂર પડે છે. તો પછી આવી ઝડપી દુનિયામાં નાનપણથી જ આ ગુણ કેવી રીતે કેળવવો? સૌથી પહેલાં તો એ સમજીને કે બાળકની દરેક ઇચ્છા કે માગણી સામે તરત હા પાડવી જરૂરી નથી. ક્યારેક આપણે બાળકોને થોડી રાહ જોવડાવી શકીએ છીએ. તમે કહી શકો છો કે પાંચ મિનિટ થોભી જા, હું તને ચોક્કસ આપીશ અને પછી ખરેખર એ વાત પાળી બતાવો. ધીમે-ધીમે બાળક સમજશે કે રાહ જોવાનો અર્થ એ નથી કે તેને વસ્તુ મળવાની જ નથી. એનો સાદો અર્થ એટલો જ છે કે તેણે થોડી વાર રાહ જોવી પડશે. આપણે રોજિંદા જીવનમાં પણ બાળકો માટે રાહ જોવાનો અનુભવ કરાવતી નાની-નાની તકો ઊભી કરી શકીએ છીએ. તમે જ્યારે સાથે મળીને કેક બનાવતા હો ત્યારે તેણે કેક બને ત્યાં સુધી રાહ જોવી પડે છે. તમે જ્યારે કોઈ છોડ વાવો છો ત્યારે એણે બીજમાંથી અંકુર ફૂટે ત્યાં સુધી ધીરજ રાખવી પડે છે. પઝલ સૉલ્વ કરવા જેવી સાદી રમત પણ બાળકને એક જગ્યાએ બેસતાં, મહેનત કરતાં અને આખું ચિત્ર પૂરું થાય ત્યાં સુધીના સંતોષ માટે રાહ જોતાં શીખવે છે. આ નાના-નાના અનુભવો બાળકને એક બહુ મહત્ત્વનો પાઠ શીખવે છે કે જીવનમાં દરેક બાબત તરત જ થઈ જવી જરૂરી નથી. આ સાથે આપણે એ બાબતનું પણ ધ્યાન રાખવું પડશે કે આપણે તેમને ઇન્સ્ટન્ટ સ્ટિમ્યુલેશન કેટલું આપી રહ્યા છીએ. વધુપડતો સ્ક્રીન-ટાઇમ, એક પ્રવૃત્તિમાંથી તરત બીજી પ્રવૃત્તિમાં દોડાવવું અને વધુ પડતું શુગરી ફૂડ બાળકો માટે એક જગ્યાએ ધ્યાન ટકાવી રાખવું અને પોતાની જાત પર કાબૂ રાખવો અઘરો બનાવી દે છે. એટલે આ રોજિંદી આદતો પર ધ્યાન આપવું પણ એટલું જ જરૂરી છે. બાળકો સાથે આચરણમાં મૂકવા જેવી બીજી એક બાબત છે કૃતજ્ઞતા એટલે કે આભારની ભાવના. આભારની ભાવના આપણને એ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરતાં શીખવે છે જે આપણી પાસે પહેલેથી છે, નહીં કે સતત એવું વિચારતા રહેવું કે કંઈક ખૂટે છે અથવા જે છે એ પૂરતું નથી. આની શરૂઆત પણ આપણે જાતે આદર્શ બનીને કરવી પડશે. તમારાં બાળકો સામે મોટેથી બોલો કે મને આ ઘર માટે ખૂબ કૃતજ્ઞતા છે, હું ખૂબ નસીબદાર છું કે તું મારું બાળક છે, આપણે સાથે આટલું સરસ જમી રહ્યા છીએ એનો મને ખૂબ આનંદ છે. આ વાતો રોજિંદા જીવનની સાવ નાની-નાની બાબતો હોઈ શકે છે. તમે રાત્રે સૂતી વખતે પણ સાથે મળીને આની આદત પાડી શકો છો, જેમ કે ચાલ, આજે આપણે બન્ને એવી પાંચ બાબતો યાદ કરીએ જેના માટે આપણે આભારી છીએ, કારણ કે જ્યારે આપણે બાળકોને પોતાની ઇચ્છાઓ માટે રાહ જોતાં અને જે મળ્યું છે એની કદર કરતાં શીખવીએ છીએ ત્યારે આપણે તેમનામાં ધીરજ, સંતોષ અને મુશ્કેલીઓ સામે લડવાની આંતરિક તાકાત કેળવવામાં મદદ કરીએ છીએ અને આ એવા ગુણો છે જે તેમના બાળપણ પછી આખી જિંદગી તેમની સાથે રહેશે.’
બાળપણમાં પોતાને નહોતી મળી એવી સુખસુવિધાઓ બાળકને આપવાની સાથે યોગ્ય પડકારો, મર્યાદાઓ અને અગવડો આપીને સંતુલન કેવી રીતે બનાવવું? એ વિશે વાત કરતાં ઝૈનબ લાકડાવાલા કહે છે, ‘માતા-પિતા તરીકે આપણે હંમેશાં એવું ઇચ્છીએ છીએ કે જે તકલીફો કે સમસ્યાઓનો સામનો આપણે કરવો પડ્યો હતો એમાંથી આપણાં બાળકોએ ક્યારેય પસાર ન થવું પડે. આ વિચાર પાછળ આપણો ઇરાદો સાવ સાચો હોય છે. છતાં ક્યારેક એ ફાયદા કરતાં નુકસાન વધુ કરી બેસે છે, કારણ કે જીવનમાં દરેક વ્યક્તિએ થોડી અગવડો કે મુશ્કેલીનો સામનો કરવો જ પડે છે. જો આપણે પાછળ વળીને જોઈએ તો એક માણસ તરીકે આપણે જે કંઈ શીખ્યા છીએ એમાંથી મોટા ભાગનું આપણને કોઈ અગવડો, નકારો, નિષ્ફળતા કે દરદમાંથી જ શીખવા મળ્યું છે. તેથી એ સમજવું જરૂરી છે કે આપણાં બાળકો પણ આ બાબતોનો થોડો અનુભવ કરે. તેમણે થોડી અગવડો વેઠવી જોઈએ, નકારનો સામનો કરવો જોઈએ અને ક્યારેક નિષ્ફળ પણ થવું જોઈએ; કારણ કે આ રીતે જ તેમનામાં મુશ્કેલીઓ સામે લડવાની અંદરની તાકાત કેળવાય છે. આજે બાળક જરાક પણ મુશ્કેલીમાં મુકાય એટલે માતા-પિતા પોતે બેચેન થઈ જાય છે. બાળક કોઈ બાબતમાં અટવાઈ રહ્યું હોય કે તરત જ આપણે તેની સમસ્યા ઉકેલવા, તેને ઠીક કરવા કે તેના માટે કામ સરળ બનાવી દેવા દોડી જઈએ છીએ; પરંતુ જ્યારે આપણે સતત આવું કરીએ છીએ ત્યારે બાળકને પોતાની મેળે રસ્તો શોધવાની તક જ મળતી નથી અને ધીમે-ધીમે તે પોતાની સમસ્યાઓ ઉકેલવા માટે પણ આપણા પર નિર્ભર બનવા લાગે છે. એક સાદા ઉદાહરણ તરીકે વિચારો કે બાળક બ્લૉક્સ ગોઠવીને રમી રહ્યું છે. તે એક પર બીજો બ્લૉક મૂકે છે અને એ પડી જાય છે તો તરત જ આપણે દોડીને એ સરખું કરી આપીએ છીએ, પણ ત્યાં બાળકની શીખવાની પ્રક્રિયા અટકી જાય છે. સાચો વિકાસ ત્યારે થાય છે જ્યારે તે ફરી જાતે પ્રયત્ન કરે છે. આ બિલકુલ એવું જ છે જેમ બાળક ચાલતાં શીખતું હોય. આપણે તેને પડવા દઈએ છીએ અને તે જાતે ઊભું થઈને ફરી કોશિશ કરે છે. આપણે એવું નથી કહેતા કે અરેરેરે, તું પડી ગયો, લાવ હું તને તેડી લઉં. આપણે તેને એ પ્રક્રિયામાંથી પસાર થવા દઈએ છીએ કારણ કે આપણને ખબર હોય છે કે છેવટે તે ચાલતા શીખી જશે. બાળકોમાં પહેલેથી જ ઘણીબધી સહનશક્તિ અને જિજ્ઞાસા હોય છે. તેમની અંદર નવી વસ્તુઓ શોધવાની, પ્રયત્ન કરવાની, નિષ્ફળ જવાની અને ફરીથી પ્રયાસ કરવાની એક કુદરતી ઇચ્છા હોય છે. માતા-પિતા તરીકે આપણી ભૂમિકા ફક્ત તેમની સાથે રહેવાની છે, દરેક વખતે બધું સરખું કરી આપવાની નથી. મોટા ભાગે આપણે સૂચનાઓ ઓછી આપવાની અને માત્ર જોતા રહેવાની જરૂર છે. તેમને થોડો સંઘર્ષ કરવા દો, થોડી હતાશા અનુભવવા દો અને કોઈ કામ ન થાય ત્યારે થોડા નારાજ કે ગુસ્સે પણ થવા દો. જ્યારે આવી લાગણીઓ બહાર આવે ત્યારે આપણી સાચી ભૂમિકા શરૂ થાય છે સમસ્યાને તરત જ ઉકેલી આપવા માટે નહીં પણ એ સમસ્યા સાથે જોડાયેલી લાગણીઓને સંભાળવામાં તેમને મદદ કરવા માટે.’
બાળકોને થોડી રાહ જોવડાવી શકીએ છીએ. તમે કહી શકો છો કે પાંચ મિનિટ થોભી જા, હું તને ચોક્કસ આપીશ અને પછી ખરેખર એ વાત પાળી બતાવો. ધીમે-ધીમે બાળક સમજશે કે રાહ જોવાનો અર્થ એ નથી કે તેને વસ્તુ મળવાની જ નથી. એનો સાદો અર્થ એટલો જ છે કે તેણે થોડી વાર રાહ જોવી પડશે. આપણે રોજિંદા જીવનમાં પણ બાળકો માટે રાહ જોવાનો અનુભવ કરાવતી નાની-નાની તકો ઊભી કરી શકીએ છીએ. તમે જ્યારે સાથે મળીને કેક બનાવતા હો ત્યારે તેણે કેક બને ત્યાં સુધી રાહ જોવી પડે છે. તમે જ્યારે કોઈ છોડ વાવો છો ત્યારે એણે બીજમાંથી અંકુર ફૂટે ત્યાં સુધી ધીરજ રાખવી પડે છે. પઝલ સૉલ્વ કરવા જેવી સાદી રમત પણ બાળકને એક જગ્યાએ બેસતાં, મહેનત કરતાં અને આખું ચિત્ર પૂરું થાય ત્યાં સુધીના સંતોષ માટે રાહ જોતાં શીખવે છે. આ નાના-નાના અનુભવો બાળકને એક બહુ મહત્ત્વનો પાઠ શીખવે છે કે જીવનમાં દરેક બાબત તરત જ થઈ જવી જરૂરી નથી. આ સાથે આપણે એ બાબતનું પણ ધ્યાન રાખવું પડશે કે આપણે તેમને ઇન્સ્ટન્ટ સ્ટિમ્યુલેશન કેટલું આપી રહ્યા છીએ. વધુપડતો સ્ક્રીન-ટાઇમ, એક પ્રવૃત્તિમાંથી તરત બીજી પ્રવૃત્તિમાં દોડાવવું અને વધુ પડતું શુગરી ફૂડ બાળકો માટે એક જગ્યાએ ધ્યાન ટકાવી રાખવું અને પોતાની જાત પર કાબૂ રાખવો અઘરો બનાવી દે છે. એટલે આ રોજિંદી આદતો પર ધ્યાન આપવું પણ એટલું જ જરૂરી છે. બાળકો સાથે આચરણમાં મૂકવા જેવી બીજી એક બાબત છે કૃતજ્ઞતા એટલે કે આભારની ભાવના. આભારની ભાવના આપણને એ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરતાં શીખવે છે જે આપણી પાસે પહેલેથી છે, નહીં કે સતત એવું વિચારતા રહેવું કે કંઈક ખૂટે છે અથવા જે છે એ પૂરતું નથી. આની શરૂઆત પણ આપણે જાતે આદર્શ બનીને કરવી પડશે. તમારાં બાળકો સામે મોટેથી બોલો કે મને આ ઘર માટે ખૂબ કૃતજ્ઞતા છે, હું ખૂબ નસીબદાર છું કે તું મારું બાળક છે, આપણે સાથે આટલું સરસ જમી રહ્યા છીએ એનો મને ખૂબ આનંદ છે. આ વાતો રોજિંદા જીવનની સાવ નાની-નાની બાબતો હોઈ શકે છે. તમે રાત્રે સૂતી વખતે પણ સાથે મળીને આની આદત પાડી શકો છો, જેમ કે ચાલ, આજે આપણે બન્ને એવી પાંચ બાબતો યાદ કરીએ જેના માટે આપણે આભારી છીએ, કારણ કે જ્યારે આપણે બાળકોને પોતાની ઇચ્છાઓ માટે રાહ જોતાં અને જે મળ્યું છે એની કદર કરતાં શીખવીએ છીએ ત્યારે આપણે તેમનામાં ધીરજ, સંતોષ અને મુશ્કેલીઓ સામે લડવાની આંતરિક તાકાત કેળવવામાં મદદ કરીએ છીએ અને આ એવા ગુણો છે જે તેમના બાળપણ પછી આખી જિંદગી તેમની સાથે રહેશે.’