13 September, 2026 06:59 PM IST | Mumbai | Sairam Dave
પ્રતીકાત્મક તસવીર
એક સ્કૂલના રિસેપ્શન પર અંદાજે ૪૮ વર્ષની મહિલા ધૂંઆપૂંઆ થઈને તાડૂકે છે, ‘મારા અંશનું L.C. આપો. પાંચમા ધોરણમાં છે અને તેને કાંઈ ભણાવતા જ નથી.’
‘જી મૅડમ, આપ L.C. માટે ફૉર્મ ભરી દો એટલે સર્ટી નીકળી જશે.’
રિસેપ્શનિસ્ટે સહેજ પણ પિત્તો ગુમાવ્યા વગર જવાબ આપ્યો. પેલી મહિલાએ ફટાફટ પોતાના બાળકના નામ અને ધોરણ સાથે જરૂરી માહિતી ભરીને ફૉર્મ આપ્યું. રિસેપ્શનિસ્ટે L.C.નું ફૉર્મ ઑફિસમાં આપ્યું. ફૉર્મ આપતાંવેંત ૧૦ મિનિટમાં એ સ્કૂલમાં વહીવટી ભૂકંપ આવ્યો. હેડ ક્લર્કે સ્કૂલનું સૉફ્ટવેર ચેક કર્યું તો એમાં અંશનું નામ જ નહોતું. ત્યાર બાદ જનરલ રજિસ્ટર ચેક કર્યું તો એમાં પણ અંશનું નામ ન દેખાયું. હેડ ક્લર્કનું ગળું સુકાવા લાગ્યું. નક્કી ફીની રિસીટ બનાવનારે આ વિદ્યાર્થીના નામની એન્ટ્રી નથી પાડી. આખો મામલો પ્રિન્સિપાલ પાસે પહોંચ્યો. પ્રિન્સિપાલે છઠ્ઠા ધોરણનું હાજરીપત્રક ચેક કરાવ્યું તો એમાં પણ અંશનું નામ ન મળ્યું.
અંશની મમ્મી મધ્યમ વર્ગની સામાન્ય મહિલા દેખાતી હતી. સાવ ગાંડાઘેલી બાઈ ન લાગતાં સ્કૂલના મૅનેજમેન્ટને લાગ્યું કે અંશની L.C.ની એન્ટ્રી બાબત કાંઈક બહુ મોટો લોચો માર્યો છે, આ વાલી તો ખોટા હોય નહીં. પ્રિન્સિપાલની ઑફિસમાં રજિસ્ટર ફેંદાવા લાગ્યાં. આ અંશ આપણી સ્કૂલમાં આવ્યો જ ન હોય તો આ બેન થોડાં L.C. લેવા આવે?
પ્રિન્સિપાલે હિંમત રાખીને અંશનાં મમ્મીને ચેમ્બરમાં બોલાવ્યાં અને પૂછ્યું, ‘બેન, તમારો અંશ કેટલા સમયથી આ સ્કૂલમાં ભણે છે?’
‘છેલ્લા ૬ મહિનાથી!
‘અત્યારે તમે અંશને સ્કૂલમાં બોલાવી શકો?’
‘સારું...’ અંશનાં મમ્મીએ તેને ફોન કરીને પાડોશી મહિલા સાથે સ્કૂલમાં બોલાવ્યો. સ્કૂલના યુનિફૉર્મમાં આવેલા અંશને જોઈને પ્રિન્સિપાલને આશ્ચર્ય થયું, કારણ કે તેમણે આ બાળકને છેલ્લા ૬ મહિનાથી એક પણ વાર જોયો નહોતો.
‘તારા ક્લાસટીચર કોણ છે બેટા?’ પ્રિન્સિપાલે આટલું પૂછતાં અંશ સ્તબ્ધ થઈ ગયો.
‘તું ઑનલાઇન ક્લાસ કોના મોબાઇલમાંથી ભણે છે?’
બીજા સવાલમાં પણ અંશનું મૌન આવ્યું અને અંશની મમ્મી ફરી તાડૂકી.
‘તમે મારા અંશનું L.C. આપી દો! મારે અહીં ભણાવવો જ નથી. શા માટે આ સવાલો પૂછો છો?’
‘તમે છેલ્લી ફી ભરી એની રસીદ છે તમારી પાસે?’
‘એ તો મોટો દીકરો કૉલેજમાં છે તે ભરી ગયો હતો. તેની પાસે રસીદ હશે.’
આટલા સવાલ-જવાબ સાંભળીને અંશની આંખોમાં આંસુ વહેવા લાગ્યાં. તેણે રડતાં-રડતાં કહ્યું, ‘વિનાયકભાઈએ મને રોજ ચૉકલેટ આપવાની શરતે એક વાત કરી છે. મોટા ભાઈ મને રોજ સ્કૂલમાં મૂકવા ઘરેથી નીકળે, પરંતુ આ યુનિફૉર્મ પહેરાવીને રોજ બગીચે મૂકી જતા. મમ્મા, હું છેલ્લા ૬ મહિનામાં કદી આ સ્કૂલમાં આવ્યો જ નથી. મોટા ભાઈએ નવો મોબાઇલ લેવો હતો એટલે તેં આપેલા ફીના પૈસાથી લઈ લીધો.’
આટલું કહેતાં અંશ ચોધાર આંસુએ રડી પડ્યો અને સમગ્ર સ્ટાફ પણ. અંશનાં મમ્મીએ પ્રિન્સિપાલ સહિત સૌની માફી માગી. ભીની આંખે તેણે એટલું જ વિચાર્યું કે હવે અંશનું L.C. કઢાવું કે વિનાયકનું!!
આ સમગ્ર કિસ્સો આજનાં બિઝી માતા-પિતા માટે આંખો ખોલનારો છે.
ગાંધીજી કહેતા કે બાળક માગે એ નહીં, તેને ખપ હોય એ આપો. ઘણાં સુખી માતા-પિતા બાળક માટે સાક્ષાત્ કલ્પવૃક્ષની જેમ જ સ્ટૅન્ડબાય હોય છે. ‘મારું સંતાન જે માગે એ તેને તરત અપાવી દઉં! યાર, મને તો મારા બાળપણમાં આ કાંઈ નહોતું મળ્યું, પણ હવે મારું બાળક તો એ મોજથી ભોગવે!’
ક્યાંક અંતરના ખૂણે પ્રત્યેક વાલી આ લાગણી અનુભવે છે જેમાં આ લખનાર પણ બાકાત નથી. આપણું બાળક જ્યારે નાનું હોય ત્યારે આપણે બે વસ્તુ સ્પષ્ટ સમજવાની જરૂર છે. પ્રથમ, આ મારા બાળકની જરૂરિયાત છે કે લક્ઝરી? બીજું, આ વસ્તુ અપાવવી એ મારો દેખાડો છે, મારી હેસિયત છે કે દેખાદેખી?
બાળકની કોઈ પણ જીદ પૂરી કરતાં પહેલાં જો પ્રત્યેક માતા-પિતા પોતાની જાતને આ બે સવાલ પૂછી લે તો કદાચ તેઓ ઘણાં ક્લિયર થઈ જશે. બાળકની જરૂરિયાત પૂરી કરો, પણ લક્ઝરી માટે બાળકને થોડી રાહ જોવડાવો. સમય જતાં લક્ઝરી પણ આપો, પરંતુ થોડી શરતોને આધીન કરી શકો તો બાળકને આગળ જતાં સહાયક નીવડશે.
આ કિસ્સામાં વિનાયકને કોઈ પણ ભોગે સ્માર્ટફોન લેવો હતો એટલે તેણે તેના નાના ભાઈની કારકિર્દી સાથે ચેડાં કર્યાં. આવા વિનાયક તો દિવસે-દિવસે વધી રહ્યા છે. નવી પેઢીનાં બાળકો સ્વાભાવિક રીતે માતા-પિતા કરતાં વધુ શાર્પ છે. એક આખી જનરેશનને હિસ્ટરી બનાવવામાં નહીં, હિસ્ટરી ડિલીટ કરવામાં જ રસ છે. જો સમજાય તો...?
ક્યારેક મને એવું લાગે છે કે રાહ જોયા વગર કે થોડી પણ તડપ વગર આપણને જે સરળતાથી પ્રાપ્ત થઈ જાય એની કિંમત શૂન્ય થઈ જાય છે.
પાડોશમાં મધ્યમ વર્ગના એક વડીલે જિંદગીમાં પહેલી વાર સ્વિફ્ટ ડિઝાયર કાર લોન લઈને ખરીદી. પતિ-પત્ની આજીવન હૉન્ડા પર ઘૂમ્યાં હતાં એટલે ખૂબ ખુશ હતાં, પરંતુ ૧૨ વર્ષના દીકરાને બહુ કંઈ ખાસ આનંદ નહોતો. કારણ એટલું જ કે શેરીમાં બીજા એક અંકલના ઘરે આઉડી કાર છે અને આ બાળક સતત એવી લઘુતાગ્રંથિથી પીડાતો હતો કે આપણી પાસે તો નાનકડી સ્વિફ્ટ છે!
પાડોશીના નાતે કાઉન્સિલિંગની જવાબદારી મારા શિરે આવી. ત્યારે મેં સમજાવ્યું કે ‘બેટા, કોઈનો મહેલ જોઈને આપણે આપણી ઝૂંપડી બાળી થોડી નખાય? આઉડીવાળા અંકલ તેની હેસિયત પ્રમાણે જીવે, પણ તારા પપ્પાના પરસેવાથી ખરીદાયેલી આ સ્વિફ્ટ કાર અંકલની આઉડી કરતાં વધુ મૂલ્યવાન છે.’
આવું વાતાવરણ આજે ઘણાં ઘરોમાં છે. કેટલાંક માતા-પિતા તો પોતાના સાચા આર્થિક અર્થતંત્ર કે ભીંસનો બાળકને ખ્યાલ જ નથી આવવા દેતાં, જેથી બાળક તો સદાય ખયાલી દુનિયામાં જ રચ્યોપચ્યો રહે છે. પપ્પા પાસે ગાડી છે એના ગૌરવ કરતાં બીજાના પપ્પા કરતાં નબળી ગાડી છે આ ખ્યાલ બાળક માટે જોખમી છે. ક્યાંક આમાં માતા-પિતાનો વાંક છે.
તમારા બાળકને તમારા પરસેવાની કદર કરાવો. ઘરમાં AC હોવા છતાં મહિનામાં એકાદ વાર પંખા નીચે રાત કાઢતાં શીખવો. તમે જ તમારા બાળકની તમામ વ્યવસ્થા કરી આપશો તો પછી તેની જિંદગીમાં અવ્યવસ્થા સિવાય બીજું કશું નહીં વધે.
વિનાયક જેવા યુવકોની સંખ્યા વધારવી ન હોય તો જાગજો. બાકી તો કોણ કોનું માને છે આજે?