09 June, 2026 01:26 PM IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર
ગર્ભાવસ્થા દરમિયાન જે સ્ત્રીને દેવી કે રાણીની જેમ સાચવવામાં આવે છે તે જ સ્ત્રીને બાળકને જન્મ આપ્યા પછી કંઈક આવાં મહેણાંનો સામનો કરવો પડતો હોય છે. તાજેતરમાં મમ્મી બનેલી ઍક્ટ્રેસ કિઆરા અડવાણીએ સમાજના આ બેવડા માપદંડ અને એના થકી મહિલાઓની માનસિક અને શારીરિક સ્થિતિ પર થતી અસર વિશે વાતો કરી છે. સ્ત્રીના જીવનના આ નાજુક તબક્કામાં સહેવું પડતું બૉડી શેમિંગ કઈ રીતે અસર કરે છે એ વિશે કેટલીક મહિલાઓના સ્વાનુભવો અને નિષ્ણાતનો અભિપ્રાય એમ બન્ને જાણીએ.
ઐશ્વર્યા રાય બચ્ચન બાળકની ડિલિવરી પછી પહેલી વાર જ્યારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વધેલા વજન સાથે રેડ કાર્પેટ પર ઊતરી ત્યારે આંતરરાષ્ટ્રીય મીડિયાએ તેની ખૂબ ટીકા કરી હતી. તે સમયે ઐશ્વર્યાએ સણસણતો જવાબ આપ્યો હતો : ‘હું માતૃત્વનો આનંદ માણી રહી છું. વજન વધવું કે ઘટવું એ ગૌણ બાબત છે. મને સેલિબ્રિટી હોવાના નાતે તરત જ પાતળા થઈ જવાની કોઈ ઉતાવળ નથી. હું વાસ્તવિક માતૃત્વને જીવવા માગું છું, કોઈના પ્રેશરમાં આવીને નહીં.’
ઐશ્વર્યા રાય જે કહી શકી એ રિયલ લાઇફમાં કેટલી મહિલાઓ કહી શકતી હશે. કદાચ આ જ કારણ છે કે તાજેતરમાં નવી-નવી મમ્મી બનેલી કિઆરા અડવાણીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. સ્ત્રી જ્યારે ગર્ભવતી હોય ત્યારે સમાજ તેને માથે બેસાડે છે, તેના ગ્લોને દેવી સાથે સરખાવે છે, પરંતુ જેવી તે એક અત્યંત કઠિન શારીરિક અને માનસિક પ્રક્રિયામાંથી પસાર થઈને બહાર આવે છે કે તરત જ લોકોની નજર તેના ફિગર અને વધેલા વજન પર ટકે છે. નવ મહિના સુધી એક જીવને સીંચીને પૃથ્વી પર લાવનારી માતાને ખરેખર તો એ સમયે સૌથી વધુ પ્રેમ, હૂંફ અને આરામની જરૂર હોય છે, પરંતુ આપણો સમાજ તેને પરફેક્ટ બૉડી પાછી મેળવવાની રેસમાં ધકેલી દે છે.
ઑસ્ટ્રેલિયાની બૉડી ઇમેજ જર્નલમાં છપાયેલા સર્વે મુજબ ૭૫ ટકાથી વધુ નવી માતાઓ બાળકના જન્મના પ્રથમ વર્ષમાં પોતાના શરીરને લઈને ભારે અસંતોષ અનુભવે છે. રિસર્ચ કહે છે કે સામાજિક દબાણને કારણે સ્ત્રીઓ ક્રેશ ડાયટ કરવા લાગે છે જેની સીધી અસર બ્રેસ્ટ મિલ્ક પર પડે છે અને બાળક કુપોષિત રહી શકે છે. મેન્ટલ હેલ્થ અમેરિકા અને હાર્વર્ડ મેડિકલ સ્કૂલનાં સંશોધનો દર્શાવે છે કે આશરે ૭૦થી ૮૦ ટકા નવી માતાઓ બેબી બ્લૂઝ અનુભવે છે જ્યારે ૧૫ ટકા મહિલાઓ ગંભીર પોસ્ટ પાર્ટમ ડિપ્રેશનનો ભોગ બને છે. જ્યારે નજીકના લોકો વજન કે દેખાવ વિશે મજાક ઉડાવે છે ત્યારે આ ડિપ્રેશનનું પ્રમાણ બમણું થઈ જાય છે.
‘મારી સિઝેરિયન ડિલિવરી થઈ હતી. ટાંકાના કારણે હું સરખી ચાલી પણ નહોતી શકતી. IVF અને કૉમ્પ્લિકેટેડ પ્રેગ્નન્સીને કારણે લાંબો સમય બેડ રેસ્ટ કરવો પડ્યો. બાળક આખી રાત રડતું એટલે મારી ઊંઘ પૂરી નહોતી થતી. એવામાં અમારા ઘરે મહેમાન આવ્યા ત્યારે મારી સાસુએ બધાની સામે કહ્યું, ‘જોયું? આ તો હજી પણ છ મહિનાની પ્રેગ્નન્ટ હોય એવી જ જાડી લાગે છે. થોડું કામ કરે તો વજન ઊતરે!’ હું બાથરૂમમાં જઈને કલાકો સુધી રડતી. મને મારા પોતાના બાળકને રમાડવાનો મોહ મરી ગયો હતો.
એક મહિલાએ પોતાનું નામ નહીં આપવાની શરતે આ વાત કરી હતી. જોકે આવા તો અઢળક કિસ્સાઓ અગ્રણી સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. ધૃપ્તિ દેઢિયાએ પોતાની કારકિર્દી દરમ્યાન જોયા છે. આ પ્રથા તો આપણે ત્યાં સદીઓથી ચાલી આવી છે એમ જણાવીને તેઓ કેટલાક કિસ્સા વર્ણવતાં કહે છે, ‘મારી પાસે એક મહિલા આવી હતી. તેને તેના ડૉક્ટર હસબન્ડે એક તેની સાઇઝથી અડધો કહેવાય એવો ડ્રેસ લાવીને આપ્યો અને કહે કે જલદી જલદી આ ડ્રેસ પહેરી શકે એવી થઈ જા. એ મહિલા પોતે શૉક્ડ હતી. ક્યારેક કોઈ દૂરનાં આન્ટી કે પાડોશી આવીને કમેન્ટ કરી જાય કે ભાઈ ડિલિવરી પછીયે પેટ તો ચાર મહિનાનું બાળક પેટમાં હોય એટલું જ છે. ઓછું નથી કરવું? એક કિસ્સો મને બરાબર યાદ છે જેમાં એ સ્ત્રી પહેલા બાળક પછી આવી કમેન્ટને કારણે એ સ્તર પર ડિપ્રેશનમાં જતી રહી કે બીજું બાળક નથી કરવું એવું તેણે ઠાની લીધું અને અનાયાસ બીજું બાળક રહી ગયું તો તેણે અબૉર્શન કરાવી નાખ્યું. આજે તો સોશ્યલ મિડિયાને કારણે ધારો કે ઘરના સપોર્ટિવ હોય તો સ્ત્રીઓ પોતે જ પોતાને અરીસામાં જોઈને જલદી ફિગર ઘટાડવાની અપેક્ષાઓ સાથે જાતને દંડતી હોય છે. થોડાક અનુભવ તો લગભગ દરેકેદરેક મા બનેલી સ્ત્રીએ કર્યા જ હોય છે. આ એટલું કૉમન થઈ ગયું છે કે હવે સમાજના લોકોને પોતે આમાં કંઈ ખોટું કરે છે એવો ભાસ પણ નથી થતો. બીજું દરેક સ્ત્રીનું બૉડી જુદું છે. હવે કોઈનું ડિલિવરી પછી તરત જ વજન ઘટી જાય પરંતુ અમુક લોકોને બહુ જ સમય લાગે, પરંતુ સમાજનો લુક માટેનો આ આગ્રહ મહિલાઓ માટે બોજ બની જતો હોય છે.’
બાળકની ડિલિવરી પછી તમારે તમારી જાતને બે વર્ષ નૉર્મલ થવા માટે આપવાં જોઈએ. એ વિશે ડૉ ધૃપ્તિ કહે છે, ‘બાળકના જન્મ પછી ગર્ભાશયને પોતાની મૂળ સાઇઝમાં આવતાં જ ઓછામાં ઓછાં ૬થી ૮ અઠવાડિયાં લાગે છે. નવ મહિના સુધી જે ચરબી બાળકના પોષણ માટે કુદરતે જમા કરી છે તેને ઊતરતાં પણ ઓછામાં ઓછો એટલો જ સમય આપવો જોઈએ. ઝડપી વજન ઉતારવાના ચક્કરમાં નવી માતાઓ માસિક ધર્મની અનિયમિતતા અને કાયમી કમરના દુખાવાનો ભોગ બને છે. બીજી વાત ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીના શરીરમાં ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટ્રોન જેવાં હૉર્મોન્સ આકાશ આંબતાં હોય છે જે ડિલિવરીના ૨૪ કલાકમાં જ નાટકીય ઢબે ઓછાં થઈ જાય છે. આ હૉર્મોનલ ઇમ્બૅલૅન્સને કારણે સ્ત્રી માનસિક રીતે નાજુક હોય છે. આવા સમયે જ્યારે કોઈ નવી માતાને ટોણા મારવામાં આવે છે ત્યારે તેનો કમ્યુનિકેશન ગૅપ વધી જાય છે. તે બાળક સાથે બૉન્ડિંગ નથી બનાવી શકતી જેને મેડિકલની ભાષામાં ‘ઇમ્પૉર્ડ મધર ઇન્ફન્ટ બૉન્ડિંગ’ કહે છે. સમાજે સમજવાની જરૂર છે કે સ્ત્રી ‘માતા’ બની છે, કોઈ મૉડેલિંગ કૉમ્પિટિશનમાં નથી ગઈ.’
આવા સમયે માતાએ શું કરવું એ વિશે ડૉ. ધૃપ્તી કહે છે, ‘સૌથી પહેલાં એ યાદ રાખો કે જ્યારે તમે બાળકને ફીડ કરતાં હો ત્યારે વજન ઘટાડવા ક્રેશ ડાયટ પર ન જઈ શકો. બધાં જ પોષક તત્ત્વો સાથેનો આહાર લેવો જરૂરી છે. બીજું, તમે તરત જ વર્કઆઉટ પણ ન કરી શકો. છ અઠવાડિયાં સુધી સંપૂર્ણ આરામ જ કરવો જોઈએ. જ્યારે ચારથી છ કલાકની ઊંઘ મળે એ પછી તમે વૉકિંગ શરૂ કરો. પછી ધીમે ધીમે પેટની કસરતો, કીગલ એક્સરસાઇઝ વગેરે કરવાનું શરૂ કરો. આજે એ પણ સમજવાની જરૂર છે કે પ્રેગ્નન્સી હવે મોટી ઉંમરે આવે છે એટલે એનાં કૉમ્પ્લિકેશન્સ અને રિકવરીનો સમય પણ જુદો અને પ્રમાણમાં વધુ હોય છે.’
ગર્ભાવસ્થાનાં ત્રણ ત્રિમાસિક હોય છે, પણ હવે અમેરિકા અને યુરોપમાં ‘ફોર્થ ટ્રિમેસ્ટર’ મૂવમેન્ટ ચાલી રહી છે. આ ટ્રેન્ડનો હેતુ એ સમજાવવાનો છે કે બાળકના જન્મ પછીના પ્રથમ ૩ મહિના એ સ્ત્રીના શરીરના પુનર્જન્મ જેવા છે. આ ગાળામાં વજન ઉતારવાની વાતો કરવી એ ગુનો ગણાય. આ ટ્રેન્ડ અંતર્ગત લાખો મહિલાઓ પોતાના અસલી, વજનવાળા અને સ્ટ્રેચ માર્ક્સવાળા ફોટા ગર્વથી સોશ્યલ મીડિયા પર ‘No Filter’ સાથે શૅર કરે છે.
બ્રિટન અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં હવે ‘Mom Bod’ (મધર બૉડી) શબ્દ ખૂબ લોકપ્રિય બન્યો છે. જેમ પુરુષો માટે ‘Dad Bod’ સ્વીકાર્ય છે, તેમ સ્ત્રીઓ માટે પણ ઢીલી ત્વચા અને વધેલું વજન એ માતૃત્વના સન્માનના પ્રતીક તરીકે જોવામાં આવે છે. બ્રાન્ડ્સ હવે કપડાંની જાહેરાતોમાં પણ આવી વાસ્તવિક માતાઓને મૉડેલ તરીકે સાઇન કરી રહી છે.
ચીન અને કોરિયા જેવા ઘણા એશિયન દેશોમાં ડિલિવરી પછી સ્ત્રીને મહિનાઓ સુધી ઘરમાં પૂરી રાખવાનો ટ્રેન્ડ હતો, જેથી તેનો ‘બગડેલો દેખાવ’ કોઈ ન જુએ. હવે ત્યાંની યુવા પેઢી આ પ્રથાનો વિરોધ કરી રહી છે અને ડિલિવરીના ગણતરીના દિવસોમાં જ પોતાના વધેલા વજન સાથે આત્મવિશ્વાસથી બહાર નીકળીને સામાજિક માનસિકતાને પડકારી રહી છે.