ડિપ્રેશનમાં છું પરંતુ પરિવારનો સાથ નથી

22 March, 2024 07:57 AM IST  |  Mumbai | Sejal Patel

જાતે જ આટલાં બદલાવો કરવા છતાં જો તમને લાગતું હોય કે મૂડને અપલિફ્ટ કરવાનું અઘરું લાગી રહ્યું છે તો  વિના સંકોચે કોઈ સારા કાઉન્સેલરને મળી લો

પ્રતીકાત્મક તસવીર

મારાં જસ્ટ લગ્ન થયાં છે. સાસરું ઇન્દોરમાં છે, પણ પતિની જૉબ મુંબઈમાં છે એટલે બે વર્ષથી અહીં શિફ્ટ થયાં છીએ. સાંભળ્યું છે કે ડિપ્રેશન એ વારસાગત રોગ છે. મારી મમ્મીને પણ છે અને હવે મને પણ છે. મારી મમ્મી ડિપ્રેશનમાં હતી ત્યારે મારા પપ્પાએ ખૂબ ધ્યાન રાખ્યું હતું. હું અને મારી બહેન પણ તેની દરેક વાતે કાળજી લેતાં. હવે તે ડિપ્રેશનમાંથી બહાર આવી ગઈ છે. જોકે મને એવું લાગે છે કે હું પણ હમણાંથી ડિપ્રેશનમાં જઈ રહી છું, પણ મારી વાત પતિને સાચી નથી લાગતી. તેઓ હસવામાં વાત કાઢે છે. મને બહુ જ એકલું-એકલું લાગે છે. કામમાં મન નથી લાગતું. તેમને કહું છું કે મારી સાથે ટાઇમ સ્પેન્ડ કરો, પણ તેમની પાસે સમય જ નથી. વારસાગત ડિપ્રેશન આવતું હોય ત્યારે જો પરિવારનો જ સપોર્ટ ન મળે તો શું કરવાનું?

ડિપ્રેશન એ વારસામાં આવી શકે એવો રોગ છે. જોકે મમ્મીને હોય એટલે તમને આવે જ એવું નથી હોતું. હેલ્ધી લાઇફસ્ટાઇલ જાળવીને તમે એ રોગોને નિવારી શકો એવી સંભાવના ચોક્કસ હોય છે. ડિપ્રેશનનું પણ એવું જ સમજવું જોઈએ. બહુ સારી વાત છે કે તમારાં મમ્મીને જ્યારે આ સમસ્યા હતી ત્યારે તેમને સંભાળી લેનારા પરિવારજનો હતા. પપ્પા અને તમે બન્ને બહેનોએ તેમને સાચવી લીધાં. ડિપ્રેશનના દરદીને કેવી સંભાળની જરૂર છે એ તમે જાણો જ છો. તો શું તમે તમારી જાતની એટલી કાળજી ન લઈ શકો? પતિ બિઝી છે તો કોઈક બહેનપણી સાથે બહાર જાઓ. ચાલવા જવાનું રાખો. સાંજના સમયે બજારમાં નીકળી પડો. પાર્ટનરશિપમાં કે ગ્રુપમાં રમાય એવી મનગમતી રમત રમો. ટૂંકમાં એકલા બેસી રહેવાને બદલે કંઈક ઍક્ટિવિટીમાં લાગેલા રહો. બની શકે કે પરિવારજનો અહીં ન હોવાથી તમે એકલવાયું અનુભવતા હો અને પતિનો સાથ ન મળતો હોવાથી વધુ સૂનુંસૂનું લાગતું હોય. એક વાત યાદ રાખજો કે મૂડ સુધારવાનું કામ આપણે પોતે જ કરી શકીએ છીએ. ખુશ રહેવું તમારા પોતાના જ હાથમાં છે એટલે મનગમતી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો એ જરૂરી છે.

જાતે જ આટલાં બદલાવો કરવા છતાં જો તમને લાગતું હોય કે મૂડને અપલિફ્ટ કરવાનું અઘરું લાગી રહ્યું છે તો  વિના સંકોચે કોઈ સારા કાઉન્સેલરને મળી લો. મનમાં ચાલતા વિચારો વિશે કાઉન્સેલર સાથે દિલ ખોલીને વાત કરો.

columnists sex and relationships life and style