વારંવાર વાછૂટ થઈ જાય છે

05 March, 2024 08:39 AM IST  |  Mumbai | Dr. Sanajy Chhajed

સૂવા પહેલાંના ૩ કલાક પહેલાં ડિનર કરી લો. રાત્રે ૧૦થી સવારે ૪ની ઊંઘ લો. આ ૭ કલાકની ઊંઘ અત્યંત જરૂરી છે.

પ્રતીકાત્મક તસવીર

હું ૪૨ વર્ષની છું. કૉર્પોરેટ જૉબ, ઘર અને બે બાળકો વચ્ચે ઘણી દોડધામ રહે છે મારે. તકલીફ એ છે કે આજકાલ ગૅસ ખૂબ થઈ જાય છે. મેં ઍલોપથી દવાઓ લીધી, પણ જેવી એ દવાઓ છોડું છું ફરી ગૅસ થઈ જાય. મીટિંગ્સમાં જોરથી ફાર્ટ નીકળે તો ખૂબ નીચાજોણું થઈ જતું હોય છે. ખાસ કરીને રાત્રે ગૅસનું પ્રમાણ ખૂબ વધી જાય છે. છાતી અને પીઠમાં પણ ભરાવો થઈ જાય છે. ઉપાય જણાવશો.
   
તમે તમારી ખાવાની આદતો અને એના સમય વિશે પૂરી માહિતી આપી નથી, છતાં જે પ્રકારનું વર્ણન છે એ મુજબ સમજી શકાય છે કે આજની દુનિયામાં કૉર્પોરેટ વર્લ્ડમાં કામ કરતી એક સ્ત્રી જે ઘર અને નોકરી વચ્ચે અતિ વ્યસ્ત રહે છે તેને પોતાની કાળજીનો સમય નથી, છતાં જે પ્રમાણે તબિયત બગડતી જાય છે એ પ્રમાણે તમારે ખુદ પર ધ્યાન દેવું અનિવાર્ય છે. આનું કારણ ફક્ત અને ફક્ત તમારી લાઇફસ્ટાઇલ છે. ખોરાકનો સમય, સૂવાનો સમય, જાગવાનો સમય જ્યારે અનિયમિત હોય ત્યારે જઠરાગ્નિને એ મંદ કરે છે. એ ઠીક કરશો તો ચોક્કસ બધું ઠીક થઈ જશે. ફક્ત દવાઓ તમને ઠીક નહીં કરી શકે. જીવનશૈલીમાં બદલાવ જ એક કાયમી ઉપાય છે. બહારનું ખાવાનું થોડા સમય માટે પૂરી રીતે બંધ કરવું. 

સૂવા પહેલાંના ૩ કલાક પહેલાં ડિનર કરી લો. રાત્રે ૧૦થી સવારે ૪ની ઊંઘ લો. આ ૭ કલાકની ઊંઘ અત્યંત જરૂરી છે. ઊઠતાની સાથે બે ગ્લાસ ગરમ પાણી લીંબુ સાથે ખાલી પેટે લો. એના પછી ૯૦ મિનિટ સુધી નાશ્તો કરવો નહીં. નાશ્તો લાઇટ રાખવો અને એની સાથે દહીં, લસ્સી કે છાસ ત્રણેયમાંથી એક વસ્તુ લેવી. દરેક ખોરાકમાં શાકભાજીનું પ્રમાણ રાખવું અને લસણચટણી પણ લેવી. જો જૈન હો તો ફુદીના, કોથમીરની ચટણી લેવી. તળેલો ખોરાક અઠવાડિયામાં એક જ વખત લેવો. બેસન, મેંદો અને આથાવાળો ખોરાક ન ખાવો. સૂર્યાસ્ત પછી ફક્ત ગરમ પાણી જ પીવું. જો આ નિયમોનું તમે પાલન કરશો તો જ તમે આ તકલીફમાંથી બહાર નીકળી શકશો. બાકી દવાઓમાં અવિપત્તિકર ચૂર્ણ, હિંગાષ્ટક ચૂર્ણ, લાવણ ભાસ્કર કે વૈશ્વાનર ચૂર્ણ લઈ શકાય, જેનાથી જઠરાગ્નિ પ્રજ્વલિત થઈ શકશે. આમ પાચકવટી, હિંગવટી પણ વાપરી શકાય. અભયરિષ્ઠ કે જિરકાદ્યરિષ્ઠ કે દ્રાક્ષાસવ ખોરાક સાથે પાણીમાં ભેળવીને લઈ શકાય છે. જો પાચન ઠીક ન થતું હોય તો જમતા પહેલાં આદુંને મીઠા સાથે ભેળવીને ચાવી શકાય. મુખવાસ તરીકે જમ્યા પછી વરિયાળી અને અજમાનું મિશ્રણ હિંગ, સંચળ અને લીંબુ નાખીને વાપરી શકાય.

sex and relationships columnists life and style