મારે વાયગ્રા લેવાની સાચી રીત જાણવી છે

27 March, 2024 09:02 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

સાચી અને યોગ્ય અસર માટે તમે જ્યારે પણ સમાગમ કરવો હોય એના એક કલાક પહેલાં ભૂખ્યા પેટે આ ગોળી લો એ જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૬૨ વરસ છે. ડાયાબિટીઝ સિવાય મને બીજી કોઈ શારીરિક તકલીફ કે બીમારી નથી. હું રોજ સાત કિલોમીટરનું ઝડપી વૉક અને ડાયટિંગ કરું છું જેને લીધે ડાયાબિટીઝ પણ કન્ટ્રોલમાં રહે છે. કોઈ જાતની દવા ચાલુ નથી. સમાગમ વખતે યોનિપ્રવેશ માટે જરૂરી ઉત્તેજના ન આવતી હોવાથી દેશી વાયગ્રા લેવાની શરૂ કરી છે. મારા ફૅમિલી ડૉક્ટરને કહ્યું તો વધુમાં વધુ ૧૦૦ મિલીગ્રામની દેશી વાયગ્રા લઈ શકાય એવું કહ્યું છે. જોકે હું ઘણી વાર ૫૦ મિલીગ્રામની ગોળી લઉં છું તોય જરૂરી ઉત્તેજના આવી જાય છે. મહિનામાં બેથી ચાર વખત જરૂર પડે છે. શું હું ૧૦૦ મિલીગ્રામની ગોળી આખી લઉં તો ચાલે કે પછી ચોવીસ કલાકમાં બે વારમાં ભાગ પાડીને લેવી જોઈએ? મને ગોળી લીધાના બીજા દિવસે ઊલટી-ઊબકા થાય અને માથું ભારે રહ્યા કરે છે.
ગોરેગામ

ડાયાબિટીઝ સિવાય બીજી કોઈ બીમારી કે દવા ચાલતી ન હોવાથી તમે દેશી વાયગ્રા જરૂરથી લઈ શકો. ક્યારેક વાયગ્રાની સાઇડ-ઇફેક્ટ્સરૂપે ઊબકા આવવા કે માથું ભારે લાગવું એવું બની શકે છે. તમારા ફૅમિલી ડૉક્ટર બરાબર કહે છે કે ચોવીસ કલાકના ગાળા દરમ્યાન વધુમાં વધુ ૧૦૦ મિલીગ્રામનો ડોઝ જ લેવો જોઈએ. અલબત્ત, એનાથી ઓછા ડોઝમાં પૂરતી ઉત્તેજના આવી જતી હોય તો ૧૦૦ મિલીગ્રામ લેવાની જરૂર નથી. આ દવા વનટાઇમ અસર કરનારી હોય છે એટલે જ્યારે સમાગમ કરવો હોય ત્યારે જ વાપરવી જોઈએ. તમને ૫૦ મિલીગ્રામની એક ગોળીથી પણ ઇન્દ્રિયમાં જરૂરી સખતાઈ આવી જતી હોય તો વધારે ડોઝ લેવાની કોઈ જરૂર નથી. ૫૦-૫૦ની બે કે ૧૦૦ મિલીગ્રામને અડધી કરીને બે વાર લેવાનું કોઈ દેખીતું કારણ નથી એટલે તમારે એ બાબતમાં વિચારવું પણ ન જોઈએ.

સાચી અને યોગ્ય અસર માટે તમે જ્યારે પણ સમાગમ કરવો હોય એના એક કલાક પહેલાં ભૂખ્યા પેટે આ ગોળી લો એ જરૂરી છે. ૫૦ મિલીગ્રામની એક અથવા તો ૧૦૦ મિલીગ્રામમાંથી અડધી ગોળી લઈ શકાય. એ જ દિવસે ફરી સમાગમ કરવા ઇચ્છતા હો તો જ ફરી બીજી ૫૦ મિલીગ્રામની ગોળી લો એ તમારા માટે હિતાવહ છે. સમાગમ ન કરવા માગતા હો તો બીજી ગોળી લેવી જરૂરી નથી. બીજું,  જ્યારે પણ કોઈ દવા ફૅમિલી ડૉક્ટરે લખી હોય ત્યારે એ દવા લેવા વિશેનો પ્રશ્ન તેમને જ પૂછવો જોઈએ. તે તમારી તાસીરથી પણ વાકેફ હોય એટલે તમને સાચું માર્ગદર્શન પણ મળી શકે.

life and style sex and relationships columnists