08 December, 2025 03:17 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
છેલ્લા થોડા સમયથી ઘણા લોકો મને પૂછતા રહે છે કે પ્રાઇવેટ પાર્ટ્સની સાઇઝ વધારવા માટે તેમણે શું કરવું જોઈએ? આ પ્રશ્ન ખાસ કરીને યંગસ્ટર્સમાંથી બહુ આવે છે. છોકરાઓના મનમાં પણ આ જ વાત છે અને છોકરીઓ પણ એવી જ ઇચ્છા રાખતી હોય છે. ગઈ કાલે આ વિષય પર ફરીથી પ્રશ્નો પૂછવામાં આવ્યા એટલે થયું કે આજે આ જ ટૉપિક પર વાત કરવી જોઈએ.
સૌથી પહેલી વાત કે ઇન્ટિમેટ રિલેશનશિપમાં તમારા પાર્ટની સાઇઝ મહત્ત્વની નથી હોતી પણ એમાં ઇન્ટિમસી એટલે કે આત્મીયતા બહુ મહત્ત્વની છે. મારા ગુરુ અને જાણીતા ડૉક્ટર પ્રકાશ કોઠારી હંમેશાં કહે કે સેક્સ બે પગ વચ્ચે નહીં પણ બે કાન વચ્ચે સમાયેલો આનંદ છે અને એટલે જ વ્યક્તિ મૅસ્ટરબેટ થકી પણ પૂરતું પ્લેઝર લઈ શકે છે. ઈશ્વરે શરીરમાં જે અંગ આપ્યું છે એનો આદર કરવો એ દરેકની ફરજ છે. પ્રૉબ્લેમ કે બીમારી હોય એનો ઇલાજ હોય, પણ સાઇઝ માટે કોઈ ઇલાજ ન હોય. હા, મૉડર્ન સાયન્સમાં હવે એના રસ્તાઓ કાઢવામાં આવ્યા છે પણ મારું માનો તો એ રસ્તાઓ વાપરવા ન જોઈએ. ખાસ કરીને એવા સમયે જ્યારે માત્ર માનસિક સંતોષ જોઈતો હોય કે પછી સારા દેખાવાની ભાવના હોય. તમારો પ્રોફેશન એ પ્રકારનો હોય અને એમાં રિક્વાયરમેન્ટ હોય તો પણ હું કહીશ કે શરીર સાથે બિનજરૂરી કોઈ જાતનાં ચેડાં ન કરવાં જોઈએ નહીં તો ક્યારેક એનું વિપરીત પરિણામ ભોગવવું પડે.
પ્રાઇવેટ પાર્ટ્સ વિશે બહુ ઇન્ક્વાયરી કરતા યંગસ્ટર્સ સાથે વાત કરતાં એક વાત એ સમજાય છે કે તેમને પૉર્ન જોવાની આદત હોઈ શકે છે એટલે સ્પષ્ટતા કરવાની કે પૉર્નોગ્રાફી સાઇકોલૉજિકલી નુકસાનકર્તા છે તો એ જિજ્ઞાસા સંતોષવાનું માધ્યમ પણ નથી. જો મનમાં ક્યુરિયોસિટી હોય તો ફૅમિલી ડૉક્ટર કે ગાઇનેકોલૉજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ અને ધારો કે એવું ન હોય અને આનંદ ખાતર પૉર્ન જોવામાં આવતું હોય તો એ સમજી લેવું પડે કે એ ફિલ્મ છે. ઘણા પૂછે કે પૉર્ન-ફિલ્મમાં તો પ્લેઝર મોમેન્ટ અડધા-પોણા કલાકની હોય છે, અમારે એ સ્ટૅમિના ડેવલપ કરવો હોય તો શું કરવું જોઈએ?
અહીં પણ સમજવું રહ્યું કે એ લોકો પોતાનું કામ કરે છે જેના માટે નુકસાનકર્તા દવાનું સેવન પણ થતું હોય છે. આ જે નુકસાનકર્તા દવાઓ છે એમાં મોટા ભાગે નશાનું પ્રમાણ હોય છે એટલે એવું કોઈ સૂચન કરે તો પણ એ લેવાનું ટાળવું. ડૉ. પ્રકાશ કોઠારીના શબ્દોમાં કહું તો આનંદ મહત્ત્વનો છે, મળેલા આનંદને વાગોળવો એ પણ એક પ્રકારનો આનંદ જ છે. યાદ રાખજો, ઇન્ટિમેટ રિલેશનમાં સ્ટૅમિના નહીં, આત્મીયતા મહત્ત્વની છે.