04 November, 2024 07:50 AM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
સેક્સોલૉજી અને સાઇકોલૉજી બે એવાં ફીલ્ડ છે જેમાં તમને ચિત્રવિચિત્ર કેસ અને એની સાથે જોડાયેલા લોકોનો સંપર્ક થયા જ કરે. હમણાં એક ઇન્ડસ્ટ્રિયલિસ્ટને મળવાનું થયું. ચાર-પાંચ વર્ષ પહેલાં ફાધરે તેને કંપનીની બધી જવાબદારી આપી અને પોતે રિટાયર થયા. આ જે યંગ મૅન છે તેની એજ અંદાજે પાંત્રીસની આસપાસ હશે. વાઇફની ફરિયાદ હતી કે તેના હસબન્ડને પ્રોફેશનલ્સ પાસે જવાની આદત પડી છે. આ જે ફરિયાદ હતી એમાં આમ તો શંકા જ હતી, પણ વાઇફના મનમાં આ વાત ઘર કરી ગઈ એટલે ફૅમિલી ફ્રેન્ડ્સે પેલા છોકરા સાથે બેસવાનું નક્કી કર્યું અને મીટિંગ પછી એ લોકો પણ મૂંઝાયા, કારણ કે વાઇફને શંકા હતી એના કરતાં સાવ જુદી જ વાત એ લોકોના ધ્યાન પર આવી હતી.
બન્યું એવું કે મીટિંગ દરમ્યાન પેલા ભાઈએ સહજ રીતે સ્વીકારી લીધું કે તેને એક ગર્લફ્રેન્ડ છે. આ વાત જ ફૅમિલી મેમ્બર માટે શૉકિંગ હતી. પહેલાં બધા પુરુષો બેઠા અને એ પછી તેમની વચ્ચે ડિસકશન થઈ અને એ ચર્ચા પછી મુદ્દો આવ્યો કે વાતને વાઇફની સામે લાવતાં પહેલાં એ ભાઈની કોઈ સાઇકિયાટ્રિસ્ટ કે મૅરેજ-કાઉન્સેલર સાથે મીટિંગ કરાવવી. આખો કેસ આવ્યો મારી પાસે અને એ ભાઈની વાત સાંભળીને મને થયું કે આની ચર્ચા જાહેર પ્લૅટફૉર્મ પર કરવી જ રહી, કારણ કે આ પ્રકારના પ્રશ્નો અનેક કપલમાં જોવા મળતા હોઈ શકે છે.
મૅરેજ પછી ગર્લફ્રેન્ડ બનાવવાનું બીજું કોઈ ખાસ કારણ પેલા ભાઈ પાસે નહોતું એ મને તેની સાથે વાત કર્યા પછી ક્લિયરલી સમજાયું અને એ પણ સમજાયું કે પુરુષ આવી ભૂલ શું કામ કરી બેસતા હોય છે. મૅરેજનાં અમુક વર્ષો પછી વાઇફ મૅરિડ લાઇફને એટલી કૅઝ્યુઅલી લેવાની શરૂ કરી દે છે કે હસબન્ડનું ધ્યાન અનાયાસે જ બહારની વ્યક્તિ તરફ ખેંચાય. એવું કરીને તે સારું કે સાચું કરે છે એવું કહેવાનો ભાવ બિલકુલ નથી, પણ એવું કહેવા ચોક્કસ માગું છું કે વાઇફ એ વાત કેમ ભૂલી શકે કે હસબન્ડ દિવસ દરમ્યાન બહાર રહે છે, તે સતત બીજા એવા લોકોના કૉન્ટૅક્ટમાં આવે છે જે પ્રોફેશનલ કામસર ઘરની બહાર નીકળી છે એટલે પ્રૉપર તૈયાર થઈને નીકળી છે. હું અનેક એવી ફૅમિલીને જોતો આવ્યો છું કે જ્યાં વાઇફ મોડી બપોર કે છેક મોડી સાંજે શાવર લેવા માટે જતી હોય છે. અનેક એવી ફૅમિલી પણ જોઈ છે જેમાં વાઇફ બબ્બે દિવસ સુધી નાઇટ ડ્રેસમાં ફરે છે. દરેક વાઇફે યાદ રાખવાનું છે, પુરુષ એક એવું પ્રાણી છે જેને ઍટ્રૅક્શન સૌથી વધારે ગમે છે. જ્યારે પણ વાઇફ ઍટ્રૅક્શનનું સત્ત્વ ગુમાવે છે ત્યારે હસબન્ડ બીજી દિશામાં ફરે છે.