11 November, 2025 03:38 PM IST | Mumbai | Heena Patel
પ્રતિકાત્મક તસવીર
એક સમય હતો જ્યારે લગ્નને જીવનનો અંતિમ નિર્ણય માનવામાં આવતો હતો. એક વાર લગ્ન થાય એટલે આખું જીવન સાથે જ રહેવાનું. લગ્નજીવનમાં બાંધછોડ કરવી પડે કે નમવું પડે તો એ બધું કરીને પણ સંબંધ નિભાવી લેવામાં આવતો. જોકે બદલાતા સમય સાથે દંપતીના વિચારો અને જરૂરિયાતો બદલાયાં છે. આજકાલ હવે એવા જીવનસાથીની અપેક્ષા રાખવામાં આવે છે જે ભાવનાત્મક રીતે તેને સમજે, પોતાની રીતે જીવવાની સ્વતંત્રતા આપે, એકબીજાના વિચારો-નિર્ણયોનું સન્માન કરે, એકબીજાને જીવનમાં આગળ વધવામાં સહકાર આપે. આ ખૂબ સારો બદલાવ છે; પણ ખરી સમસ્યા ત્યારે આવે છે જ્યારે બન્ને પાર્ટનર કામમાં એટલા બિઝી હોય કે ભાવનાત્મક રીતે જોડાવાનો સમય જ ન મળે, કમ્યુનિકેશનના અભાવે એકબીજાની લાગણીઓ સમજી ન શકે અને અંતર આવી જાય, પર્સનલ સ્પેસ અને સ્વતંત્રતાના ચક્કરમાં ડિસકનેક્શન આવી જાય, ઇક્વલિટી ઈગો બનીને ટકરાય, અપેક્ષાઓ એટલી બધી વધી જાય કે પૂરી કરવી શક્ય જ ન બને, એટલી ધીરજ પણ ન રાખે કે સંબંધને જોડવાનો પ્રયત્ન કરે. આ બધાં જ કારણો ક્યાંક ને ક્યાંક ડિવૉર્સ તરફ દોરી જતાં હોય છે. એવામાં રિલેશનશિપ કોચ જવાલ ભટ્ટે એવાં ૧૫ કારણો બતાવ્યાં છે જે ડિવૉર્સ પાછળ જવાબદાર હોય છે. એના પર ધ્યાન આપીને કપલે સંબંધ સુધારવાનો અને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
એક્સપર્ટનું શું કહેવું છે?
ઉપર જણાવેલાં કારણો સિવાય બીજી એવી કઈ બાબતો છે જે આજકાલ છૂટાછેડાનું કારણ બને છે એનો જવાબ આપતાં રિલેશનશિપ-કોચ દીપિકા શાહ કહે છે, ‘હવેની મહિલાઓ કમાતી થઈ છે એટલે તેમના વિચારો પણ બદલાયા છે. પહેલાં મહિલાઓ બાંધછોડ કરી લેતી; પણ હવે એવું વિચારે છે કે હું શા માટે સહન કરું, હું પોતાનું ધ્યાન રાખી શકું છું. અગાઉ છૂટાછેડાને લોકો જે દૃષ્ટિએ જોતા એ તરફ જોવાનો નજરિયો પણ હવે બદલાયો છે. લોકો હવે ઓછું જજ કરે છે. એટલે કપલ સંબંધને ખેંચવાને બદલે પોતાના સુખ અને માનસિક શાંતિ માટે એનો અંત લાવવાનું વધારે પસંદ કરે છે. ઘણી વાર મેન્ટલ હેલ્થ-ઇશ્યુઝ જેમ કે બાળપણમાં થયેલો એવો કોઈ ઇમોશનલ ટ્રૉમા કે પાસ્ટ રિલેશનશિપને લઈને કોઈ ટ્રૉમા હોય એના પર જો કામ કરવામાં ન આવે તો પણ પાર્ટનર સાથે કનેક્શન બનાવવામાં સમસ્યા આવે છે અને એ સંબંધ કમજોર પડવા લાગે છે. આજકાલ છૂટાછેડા પાછળનું સૌથી મોટું કારણ ભાવનાત્મક દૂરી અને સમજનો અભાવ છે. કામ, પૈસા અથવા પરિવારની દખલગીરી જેવા મુદ્દા તો છે; પણ કપલ વચ્ચે ભાવનાત્મક કનેક્શન મજબૂત હોય તો આ બધી સમસ્યાઓ ઉકેલી શકાય છે. જ્યારે લોકો પોતાની ભાવનાઓ યોગ્ય રીતે નથી સમજી શકતા કે નથી સંભાળી શકતા ત્યારે તેઓ પોતાના સાથીને પણ સમજી શકતા નથી. એને કારણે નાની-નાની વાતોમાં ઝઘડા વધી જાય છે અને અંતર વધતું થાય છે. લગ્નજીવનમાં પ્રેમ અને સમજ હોવાં સૌથી જરૂરી છે, કારણ કે ભાવનાત્મક જોડાણ વગર સંબંધનું ટકવું મુશ્કેલ છે. આજકાલ કપલ્સમાં સ્વયં પ્રત્યે જાગરૂકતા વધી છે, પણ પોતાના સાથી પ્રત્યે સહનશીલતા ઓછી થઈ ગઈ છે. આર્થિકરૂપે સ્વતંત્ર થવું સારી વાત છે, પણ એની સાથે સહાનુભૂતિ અને સમજદારી પણ જરૂરી છે. ઘણી વાર હું કપલ્સમાં જોઉં છું કે એક પાર્ટનર તેના અહંકારને સંબંધની ઉપર રાખતો હોય છે. સ્વયં પ્રત્યે જાગરૂક થવાનો મતલબ છે ભાવનાત્મક સ્તરે પોતાની જાતને સમજવી. જ્યારે આ સમજ ફક્ત પોતાના સુધી સીમિત રહી જાય અને સાથી પ્રત્યે સહાનુભૂતિ ન હોય તો સંબંધમાં અંતર અને ટકરાવ વધી જાય છે. આજકાલ આ સમસ્યા બહુ સામાન્ય થઈ ગઈ છે કે એક પાર્ટનર સંબંધ નિભાવવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યો હોય, પણ બીજો તેને એમાં સાથ ન આપી રહ્યો હોય. એવા કેસમાં હું તેમને સલાહ આપું કે પ્રયત્ન ચાલુ રાખો, તેમને સમજાવો અને પ્રોત્સાહિત કરો કે તે સંબંધ નિભાવે. જોકે સાથે પોતાની સહનશીલતા અને સ્વીકાર્યતાની સીમા નક્કી કરવી પણ એટલી જ જરૂરી છે. એ જાણવું જરૂરી છે કે ક્યાં સુધી પ્રયત્ન કરવો જોઈએ? ખાસ કરીને જ્યારે સાથી ફક્ત મુશ્કેલી અને અંતર જ વધારવા ઇચ્છતો હોય. છૂટાછેડા સુધી વાત પહોંચે એ પહેલાં લગ્નજીવનમાં ભંગાણના કેટલાક સંકેતો દેખાય છે. સૌથી પહેલો સંકેતો તો એ જ હોય છે કે સમજ અને તાલમેલ ઓછાં થઈ જાય છે. જ્યારે સમજ ઘટે છે ત્યારે નાની-નાની વાતે તકરાર થવા લાગે છે. ધીરે-ધીરે પ્રેમ અને નિકટતા ઘટવા લાગે છે. ભાવનાત્મક દૂરી વધી જાય છે. લગ્ન અગાઉ જ જો કેટલીક વસ્તુઓ પર ચર્ચા કરી લેવામાં આવે તો પછીથી સમસ્યાઓ ઓછી આવે છે. એટલે ફાઇનૅન્સ કઈ રીતે મૅનેજ થશે? બાળકની યોજના, તેનો ઉછેર અને પ્રાથમિકતાઓ, પરિવારમાં દખલગીરીની સીમા અને પારિવારિક જવાબદારીઓ, પાર્ટનર તનાવને કઈ રીતે સંભાળે છે અને મતભેદ થવા પર એના ઉકેલની રીત શું હશે? આ બધા વિષયો પર ખૂલીને વાત કરવાથી આપસમાં સમજ અને વિશ્વાસ મજબૂત થશે.’