15 January, 2026 12:56 PM IST | Mumbai | Heena Patel
પ્રતિકાત્મક તસવીર
બિગ બૉસ OTT થ્રીની વિનર સના મકબૂલે તેના લૉન્ગ ટાઇમ બૉયફ્રેન્ડ સાથેના સંબંધનો અંત આવ્યો એની પાછળનું કારણ મેલ ઈગો હોવાનો ખુલાસો કર્યો હતો. આજના જમાનામાં પણ સ્ત્રીની પ્રગતિ સ્વીકારવી પુરુષો માટે અઘરું છે ત્યારે આની પાછળ રહેલાં મનૌવૈજ્ઞાનિક, સામાજિક કારણો વિશે વાત કરીએ. સાથે જ એ પણ જાણીએ કે રિલેશનશિપમાં આ સમસ્યા આવે ત્યારે પુરુષોની જવાબદારી શું છે
બિગ બૉસ OTT થ્રીની વિનર સના મકબૂલે એક ઇન્ટરવ્યુમાં તેના લૉન્ગ ટાઇમ બૉયફ્રેન્ડ સાથેની રિલેશનશિપનો અંત લાવવા વિશે ખુલાસો કરતાં કહ્યું હતું કે જ્યારે તે તેના સાથી કરતાં વધુ સફળ થવા લાગી ત્યારે તેને એ ગમ્યું નહીં અને આ બાબત જ વિખવાદનું મુખ્ય કારણ બની. તેના મતે કોઈ પુરુષ માટે પોતાની સ્ત્રીને પોતાનાથી આગળ વધતી જોવી અને સ્વીકારવી આજે પણ મુશ્કેલ હોય છે. જે વ્યક્તિ તેને પહેલાં ખૂબ પ્રેમ કરતી હતી તે તેની સિદ્ધિઓ જોઈને અચાનક બદલાઈ ગઈ અને અસુરક્ષિત અનુભવવા લાગી. જ્યારે તેને સમજાયું કે સામેની વ્યક્તિ તેની પ્રગતિને પચાવી શકતી નથી ત્યારે તેણે પોતાના આત્મસન્માનને પ્રાથમિકતા આપીને સંબંધનો અંત લાવી દીધો. આ મક્કમ નિર્ણય લેવાની હિંમત તેને તેના પિતાના સંસ્કારો અને ઉછેરમાંથી મળી છે.
રિયલ લાઇફ સ્ટડી
ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ અને સાઇકોથેરપિસ્ટ અમ્રિતા આચરેકર તેમની પાસે આવેલા આવા જ એક કપલના કેસ વિશે વાત કરતાં કહે છે, ‘રવિ અને રિયા બન્ને પતિ-પત્ની હતાં. બન્નેની સારી જૉબ હતી, પણ રિયા તેના પતિ રવિ કરતાં વધુ કમાતી હતી. કામને કારણે તેને ઑફિસથી ઘરે આવવામાં મોડું થઈ જતું. રિયા પાસેથી તેનાં સાસુ એવી અપેક્ષા રાખતાં હતાં કે તે રાત્રે જલદી ઘરે પહોંચે જેથી સમયસર જમવાનું બની શકે. તેમની એવી પણ અપેક્ષા ખરી કે તે સવારે જલદી ઊઠે અને બધા માટે જમવાનું બનાવે. ઘર અને ઑફિસ બન્નેનું કામ સંભાળવાનું તેના માટે ખૂબ મુશ્કેલ બની ગયું હતું. આને લઈને રિયા અને તેની સાસુ વચ્ચે ઝઘડો પણ થતો. એ સમયે રિયા તેના પતિ રવિને ફરિયાદ કરતી કે તું તારી મમ્મીને સમજાવ. જોકે રવિ તેની મમ્મીને સમજાવવાને બદલે રિયાને જ કહેતો કે મારી મમ્મી તને એ જ કરવાનું કહી રહી છે જે એક વહુ પાસેથી બધાને અપેક્ષા હોય, એક વહુ તરીકે તારી જવાબદારી છે કે ઘરનાં બધાં કામ સંભાળ, તારાથી મૅનેજ ન થતું હોય તો તું જૉબ છોડી દે, અત્યારે તો તું ઘરકામ પણ નથી સંભાળી શકતી, બાળક થયા પછી તું કઈ રીતે એની સંભાળ રાખી શકીશ? રિયાને જૉબમાં પ્રમોશન પણ મળેલું. એનાથી ખુશ થવાને બદલે સાસરિયાંઓ નારાજ થઈ ગયાં. તેમનું કહેવું હતું કે પ્રમોશન સાથે તારી જવાબદારી વધશે, તું તો પછી ઘરમાં જે થોડુંઘણું ધ્યાન આપે છે એ પણ નહીં આપે. રિયાએ ઘરકામ માટે હેલ્પર રાખવાનો પણ પ્રયત્ન કર્યો. જોકે સાસરિયાંઓનું કહેવું હતું કે તું પૈસા કમાય છે એટલે ગમે તેને પૈસા આપીને તેમની પાસેથી કામ ન કરાવડાવી શકે, આ કામ તારું છે અને તું આ રીતે તારી જવાબદારીમાંથી છટકી ન શકે, તું તારી જૉબ છોડી દે, તારે કમાવાની કોઈ જરૂર નથી, ઘર ચલાવવાનું કામ રવિનું છે, તું ઘરની જવાબદારી અને થનાર બાળકની જવાબદારી વિશે વિચાર. આને લઈને કપલ વચ્ચે એટલી હદે વાત બગડી ગઈ કે રિયાએ પ્રમોશન લેવાનું અને રવિને ડિવૉર્સ આપવાનું નક્કી કર્યું. વાત અહીં સુધી પહોંચી ત્યારે કપલે કાઉન્સેલિંગ લેવાનું નક્કી કર્યું.’
આવા કિસ્સાઓ સાંભળીને આપણે એમ કહી દઈએ કે આ તો મેલ ઈગો છે, પણ વાસ્તવિકતામાં વાત ફક્ત એટલી નથી. આની પાછળની સાઇકોલૉજી આનાથી ઘણી ઊંડી છે. એ વિશે આપણે સાઇકોલૉજિસ્ટ અમ્રિતા આચરેકર પાસેથી તેમના જ શબ્દોમાં જાણીએ. એ સિવાય સ્ત્રીઓ ૨૧મી સદીમાં પહોંચી ગઈ છે, પણ પુરુષોનો અહમ હજી ૧૯મી સદીમાં જ અટવાયેલો છે. આ બે વિચારધારાઓ વચ્ચેનો ગૅપ રિલેશનશિપમાં મુસીબત બની રહ્યો છે. એવામાં પુરુષોએ શું સમજવાની જરૂર છે એ તમામ વિશે વાત કરીએ.
સાઇકોલૉજી શું છે?
સામાન્ય રીતે આપણે ઈગોને અભિમાન કે ગર્વ સાથે જોડીએ છીએ, પરંતુ વાસ્તવમાં ઈગો એટલે સ્વમહત્ત્વ. હું મારી જાતને કેટલું મહત્ત્વ આપું છું અને જ્યારે બીજા લોકો પાસેથી મને અપેક્ષા મુજબનું મહત્ત્વ નથી મળતું ત્યારે શું થાય છે એ સમજવું ખૂબ જરૂરી છે. સદીઓથી જ્યારે સમાજની શરૂઆત થઈ ત્યારે જે વ્યક્તિ ઘરની બહાર જઈને, જોખમ ખેડી શિકાર કરીને ખોરાક લાવતી તેને સમાજમાં વધુ મહત્ત્વ આપવામાં આવતું હતું. એ સમયે શિકાર કરવો એ ખૂબ જ મુશ્કેલ અને જોખમી કામ હતું. આ કારણસર પુરુષોને વધુ મહત્ત્વ મળતું ગયું કારણ કે તેઓ અન્નદાતા અને રક્ષકની ભૂમિકામાં હતા. બીજી તરફ સ્ત્રીઓ ઘરની સંભાળ રાખતી. મનોવૈજ્ઞાનિક રીતે પુરુષોના મનમાં એ વાત ઘર કરી ગઈ કે હું બહારથી કમાઈને લાવું છું એટલે મને વધુ મહત્ત્વ મળવું જોઈએ. કોઈ પણ સંબંધમાં જે પાર્ટનરના મનમાં સ્વમહત્ત્વની ભાવના ઊંચી હોય છે તેમને સતત એવું લાગે છે કે તેમને મળતું મહત્ત્વ જળવાઈ રહેવું જોઈએ. તેમની દૃષ્ટિએ તેમની જરૂરિયાત અને તેમની અપેક્ષા મુજબના મહત્ત્વનો ક્વોટા તેમને મળવો જ જોઈએ. સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે તેઓ જે અનુભવે છે, જે ઇચ્છે છે, જે રીતે તેમને દુનિયાને જોવાનું ઘડતર મળ્યું છે અને સંબંધમાં તેઓ વાસ્તવમાં જે અનુભવે છે એ વચ્ચે વિસંગતતા હોય. જ્યારે તેમને એવો અહેસાસ થાય કે તેમના પાર્ટનરને તેમના કરતાં વધારે મહત્ત્વ મળી રહ્યું છે ત્યારે તેઓ અસુરક્ષિત અનુભવવા લાગે છે. તેમને લાગે છે કે તેમનો પાયો હલી રહ્યો છે અને આ અસુરક્ષા તેમના વધતા જતા ગુસ્સામાં દેખાઈ આવે છે. પહેલાંના સમયમાં એવું મનાતું કે સ્ત્રીઓ અમુક કામ ન કરી શકે, તેઓ માત્ર ઘર સાચવવા માટે જ છે; પરંતુ હવે સ્ત્રીઓએ શિક્ષણ, વ્યવસાય, રમતગમત દરેક ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી છે. તેઓ જેન્ડર-ગૅપ એટલે કે જાતિગત ભેદભાવ તોડી રહી છે. જ્યારે સ્ત્રીઓ પુરુષોની સમકક્ષ કે તેમનાથી આગળ વધવા લાગી ત્યારે ઘણા પુરુષોને એવું લાગવા માંડ્યું કે તેમનું સિંહાસન કે તેમનું વર્ચસ્વ જોખમમાં છે. આ જે ખોવાયેલા મહત્ત્વની લાગણી છે, એ તેમને બેચેન કરી મૂકે છે. જ્યારે પુરુષ પોતાનું આ સ્થાન અથવા મહત્ત્વ ગુમાવે છે ત્યારે એ સ્થાન પાછું મેળવવા માટે તેના વ્યવહારમાં ફેરફાર આવે છે. આ ફેરફાર ઘણી વાર નકારાત્મક હોય છે. વધુપડતો ગુસ્સો કરવો, જીદ કરવી અથવા ઉગ્ર પ્રતિક્રિયા આપવી, વાતચીત કરવાની પદ્ધતિ બદલાઈ જવી. આ પ્રકારનું વર્તન પહેલાંના સંબંધોમાં આટલું સ્પષ્ટ જોવા મળતું નહોતું. આજના સમયમાં પુરુષના ઈગોમાં આવતો આ ફેરફાર ખૂબ જ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
સોશ્યલ કન્ડિશનિંગ
પુરુષોની આ સાઇકોલૉજી પાછળ સોશ્યલ કન્ડિશનિંગ સૌથી મોટું કારણ છે. બાળક જન્મથી જ અહંકારી કે અસુરક્ષિત નથી હોતું પરંતુ સમાજ તેને જે રીતે પુરુષત્વના પાઠ ભણાવે છે એ તેના અહંકારને નાજુક બનાવી દે છે. સમાજે વર્ષોથી એક સ્ક્રિપ્ટ લખી છે કે પુરુષ એટલે જે કમાય, જે રક્ષણ કરે અને જે મજબૂત હોય. પુરુષને શીખવવામાં આવે છે કે તેની કિંમત તેના હોદ્દા અને પૈસા પરથી નક્કી થાય છે. જ્યારે તેની પાર્ટનર તેનાથી વધુ સફળ થાય છે ત્યારે તેને લાગે છે કે સમાજ તેને નિષ્ફળ પુરુષ ગણશે. આ સામાજિક દબાણ તેને અસુરક્ષિત બનાવી દે છે. છોકરાઓને નાનપણથી જ લાગણી દબાવવાની તાલીમ અપાય છે. લાગણીઓ વ્યક્ત કરવી કે રડવું એ સ્ત્રીનું લક્ષણ માનવામાં આવે છે. પુરુષ જ્યારે ડર કે અસલામતી અનુભવે છે ત્યારે તે એને પ્રેમથી વ્યક્ત કરી શકતો નથી. એના બદલે સમાજ તેને ગુસ્સો કે વર્ચસ્વ બતાવવાની પરવાનગી આપે છે. એટલે તે અસલામતીને અહંકારના મહોરા પાછળ છુપાવે છે. ઘણા પરિવારોમાં દીકરાને સ્પેશ્યલ હોવાનો અહેસાસ કરાવવામાં આવે છે. આ કન્ડિશનિંગને કારણે પુરુષ મોટો થઈને સંબંધમાં પણ કેન્દ્રબિન્દુ બનવાની અપેક્ષા રાખે છે. જ્યારે સ્ત્રી પોતાની સફળતાથી આ કેન્દ્રબિન્દુ ખસેડે છે ત્યારે પુરુષને પોતાનું સિંહાસન હલતું દેખાય છે. આપણા સમાજમાં આજે પણ જો પત્ની વધુ સફળ હોય તો આસપાસના લોકો પુરુષને પત્નીની કમાણી પર જીવનાર કે જોરુ કા ગુલામ જેવા ટોણા મારીને મજાક ઉડાવે છે. આ બાહ્ય સામાજિક દબાણ પુરુષના ઈગોને વધુ નાજુક બનાવે છે અને તે પોતાની સફળતા સાબિત કરવા સ્ત્રીને નીચી બતાવવાનો પ્રયત્ન કરવા લાગે છે. સદીઓથી સત્તા પુરુષના હાથમાં રહી છે. હવે જ્યારે સ્ત્રીઓ સ્વતંત્ર થઈ રહી છે ત્યારે સત્તાનું સંતુલન બદલાઈ રહ્યું છે. કોઈ પણ વ્યક્તિ માટે માટે વર્ષોથી ભોગવેલી સત્તા છોડવી અઘરી હોય છે. પુરુષોમાં જે ગુસ્સો દેખાય છે એ હકીકતમાં ઘણી વાર અસુરક્ષાની ભાવના હોય છે અને પોતાની પકડ જાળવી રાખવાનો એક અસફળ પ્રયાસ હોય છે.
વર્તમાન સ્થિતિ
આજે જેન્ડર-ગૅપ એ માત્ર ભારત પૂરતો મર્યાદિત નથી, પણ એક ગ્લોબલ ફિનોમિના છે. પશ્ચિમી દેશો હોય કે પૂર્વીય, દરેક જગ્યાએ સંબંધોના માળખામાં એક મોટું પરિવર્તન આવી રહ્યું છે. આપણે બ્રિટિશ વેબ-સિરીઝ ‘ઍડોલસન્સ’નું જ ઉદાહરણ જોઈએ. એ ભલે બ્રિટિશ વેબ-સિરીઝ હોય, પણ એમાં પણ જોવા મળે છે કે જ્યારે કોઈ પુરુષ (કિશોર) પોતાની પોઝિશન જોખમમાં જુએ છે અથવા અપમાનિત અનુભવે છે ત્યારે તે પોતાનું મહત્ત્વ સાબિત કરવા માટે આક્રમક રસ્તો અપનાવે છે. આ વન-અપમૅનશિપ એટલે કે પોતાને સાબિત કરવાની હોડમાં તે સામેની સ્ત્રીને નીચી બતાવવા અથવા તેને ડરાવવા માટે એવી હદે જઈ શકે છે જેની સ્ત્રીએ કયારેય કલ્પના પણ ન કરી હોય. આ માત્ર અહંકાર નથી પણ સત્તા અને વર્ચસ્વ જાળવી રાખવાની એક અસુરક્ષિત મથામણ છે. આજના યુગમાં સ્ત્રીઓ પોતાના અસ્તિત્વને લઈને વધુ સ્પષ્ટ બની છે. તે પોતાની નબળાઈઓને સ્વીકારી તેના પર કામ કરી રહી છે. તે આર્થિક રીતે સ્વતંત્ર છે અને ઘરની સંભાળ રાખનાર પણ છે. તે એકસાથે અનેક ભૂમિકાઓ નિભાવી જાણે છે. તકલીફ ત્યાં શરૂ થાય છે જ્યારે આટલાબધા પ્રયત્નો છતાં તેને ટેકન ફૉર ગ્રાન્ટેડ લેવામાં આવે છે. જ્યારે તેના સમર્પણના બદલામાં સામેથી કોઈ પ્રતિસાદ કે કદર નથી મળતી ત્યારે સંબંધો પાયામાંથી હલવા લાગે છે. લાઇફ-પાર્ટનરનો સાચો અર્થ એ છે કે જે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં તમારી સાથે ખભાથી ખભા મિલાવીને ચાલે. પરંતુ વાસ્તવમાં સંબંધો ઘણી વાર સમાનતાને બદલે કોણ ચડિયાતું છે એના જંગમાં ફેરવાઈ જાય છે. જ્યારે સ્ત્રીને સમજાય છે કે આ સંબંધમાં તેનું કોઈ માન કે સમાન સ્થાન નથી ત્યારે તે આખા સંબંધને અને એમાં પોતાની પોઝિશનને શંકાની નજરે જોવા લાગે છે. એક ખાલી પ્યાલો ક્યાં સુધી તમે ભરી શકો? કોઈ પણ વ્યક્તિ ક્યાં સુધી માત્ર ગિવર બનીને રહી શકે? સ્ત્રી ભલે નર્ચરર હોય, પણ જો તેને સામેથી પ્રેમ અને આદરનું પોષણ ન મળે તો તેના લાગણીઓના રિસોર્સિસ ખૂટી જાય છે. જ્યારે ગિવર પોતે અંદરથી ખાલી થઈ જાય ત્યારે તે પોતાના વિશે વિચારવાનું શરૂ કરે છે. આ એ બિન્દુ છે જ્યાંથી સંબંધોના ડાયનૅમિક્સ સંપૂર્ણપણે બદલાઈ જાય છે.
પુરુષોએ શું સમજવાની જરૂર?
રિલેશનશિપ માત્ર બીજી વ્યક્તિને તમારી સાથે નથી જોડતી, પણ એ પોતાની જાતને વધુ સારી રીતે સમજવાની તક પણ આપે છે. રિલેશનશિપ આપણને એ સમજવામાં મદદ કરે છે કે આપણે કેવી વ્યક્તિ છીએ? આપણી બિલીફ-સિસ્ટમ એટલે કે માન્યતાઓ શું છે? આપણી વૅલ્યુઝ શું છે? રિલેશનશિપમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે તમે કોને વધુ મહત્ત્વ આપો છો? તમારી જાતને કે તમારી પાર્ટનરશિપને? જો તમારો દૃષ્ટિકોણ પાર્ટનરશિપ તરફ હશે તો તમારો ઈગો આપોઆપ બૅકસીટ લઈ લેશે. પરંતુ જો તમે હજી પણ તમારા સ્વમહત્ત્વને જ પકડી રાખવા માગતા હો અને દરેક વાતમાં કેન્દ્રબિન્દુ બનવા માગતા હો તો ત્યાંથી સંબંધ તૂટવાની શરૂઆત થાય છે. જો હોડીમાં નાનું છિદ્ર હોય તો ભલે એ નાનું લાગે પણ પાણી તો અંદર આવવાનું જ છે. એવી જ રીતે જો તમારી વિચારપ્રક્રિયામાં ‘હું’ કેન્દ્રમાં હશે તો એ સંબંધની હોડી ડુબાડી શકે છે. પુરુષે પોતાની જાતને પૂછવું જોઈએ કે તેમને ઇક્વલ પાર્ટનરશિપ જોઈએ છે કે પછી પોતાનું વર્ચસ્વ સાબિત કરવું છે? જ્યારે તમે સંબંધમાં કેન્દ્રમાં હો ત્યારે તમે કદાચ સુખી હશો, પણ શું તમારા સંબંધમાં ખુશી છે? જો તમે ઇચ્છો કે સંબંધ તમારી રીતે જ ચાલે તો એ ક્યારેય સમાનતા પર આધારિત નહીં રહે. સામેની વ્યક્તિને હંમેશાં અવગણનાની ભાવના રહેશે. આજે દુનિયામાં મોટી ઉંમરે થતા ગ્રે ડિવૉર્સ એટલે કે મોટી ઉંમરમાં થતા છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. એનું મુખ્ય કારણ એ છે કે એક પાર્ટનર (મોટા ભાગે સ્ત્રી) વર્ષો સુધી સંબંધમાં સર્વસ્વ આપી દે છે પણ બદલામાં તેને ક્યારેય વળતો પ્રેમ કે સન્માન મળતું નથી. છેવટે તે વ્યક્તિ વિચારે છે કે જો મને આ સંબંધમાંથી કશું મળવાનું જ નથી તો હું એમાં શા માટે રહું? હું મારી પોતાની એક અલગથી ઓળખ કેમ ન બનાવું? વર્ષોથી હું એકલી જ એકલા હાથે સંભાળી રહી છું તો હવે હું મારી જાત માટે કેમ ન જીવું? દરેક પુરુષે એ ઓળખવાની જરૂર છે કે તેમના માટે વધુ મહત્ત્વનું શું છે, તેમનું સ્વમહત્ત્વ અને અહંકાર કે પછી કમ્પૅન્યનશિપ, સાથ જે તેમને સંબંધમાં મળે છે? પુરુષોએ નક્કી કરવાનું છે કે તેમને એકલતાની ખુશી જોઈએ છે કે એક અર્થપૂર્ણ સંબંધની? જ્યાં સુધી તેઓ પોતાની માન્યતાઓ અને વિચારપ્રક્રિયા પર કામ નહીં કરે ત્યાં સુધી સંબંધોમાં રહેલી તિરાડ ક્યારેય પૂરી શકાશે નહીં.